કંટાળો એ માનવ જીવનની એક અદ્દભૂત અને આધ્યાત્મિક ઘટના છે. માત્ર માણસ પાસે કંટાળવાની ક્ષમતા છે, અન્ય કોઈ જીવ પાસે આવી ક્ષમતા નથી. કંટાળો માત્ર એટલું જ દર્શાવે છે કે તમે જીવનની વ્યર્થતા પ્રત્યે સભાન છો, જીવન માત્ર પરિવર્તનનું નિરંતર ચક્ર છે અને એ ચક્ર પ્રત્યે તમે સજાગ છો. તમે જીવનમાં કરવા અને ન કરવા યોગ્ય બધું જ કરી લીધું, પરંતુ કંઈ જ વળ્યું નહિ. તમે જીવનની બધી જ યાત્રાઓ કરી લીધી, પરંતુ એનાથી હાથમાં કશું જ નથી આવ્યું. કંટાળો એ જીવનમાં, જીવનની વ્યર્થતા અને અર્થ હિનતાની સમજણનો સૂર્યોદય થયો છે તેની પહેલી નિશાની છે.
આ કંટાળાના ભાવ પ્રત્યે બે પ્રકારે વર્તી શકાય. પહેલો પ્રકાર તો જે સામાન્ય માણસો કરે છે તે છે, જેમાં વ્યક્તિ કંટાળાથી પલાયન કરે છે,કંટાળાથી બચવાની કોશિશ કરે છે, એનાથી ભાગવાની, તેને દબાવાની કોશિશ કરે છે અથવા તેના પ્રત્યે આંખો મીંચી લેવાની કોશિશ કરે છે. જેથી કંટાળાની અનુભૂતિનો સામનો ન કરવો પડે. એટલા માટે જ ઘણા માણસો પોતાની જાતને એટલા વ્યસ્ત રાખે છે કે કંટાળો અનુભવાય નહિ. ઘણા લોકો દારૂમાં કે ડ્રગમાં ડૂબી કંટાળાના ફીલિંગને ભૂલી જવા માંગે છે. આ બધા માર્ગો છે કંટાળાથી દૂર જવાના, પરંતુ તમે ગમે એટલી કોશિશ કરો કંટાળાથી ભાગવાની, એનાથી ભાગી શકાતું નથી. તમે કંટાળાથી ક્ષણિક વાર માટે દૂર રહી શકો, પણ તેનાથી બચી તો ન જ શકો. તમે સિનેમા થિયેટરમાં બેસો કે મ્યુઝિક પાર્ટીઓ યોજો કે ધર્મ યાત્રાઓ કરો કે લાબું વેકેશન લ્યો પરંતુ વારંવાર કંટાળો એની હાજરી પૂરાવ્યા કરે છે અને એનો અવાજ વધુ ને વધુ ઊંચો થતો જાય છે. કંટાળો એક એવો ભાવ છે કે એનાથી કોઈ બચી શકતું નથી, બચવું જોઈએ પણ નહિ, કેમ કે આ માનવીના વિકાસનું એક અંગ છે, માટે તેનો સાહસથી સામનો કરવો જોઈએ.
કંટાળા પ્રત્યેનો બીજો પ્રતિભાવ છે કે એનો સામનો કરો. એના પર ધ્યાન કરો, એની સાથે રહો, એમાં મગન રહો. ભગવાન બુદ્ઘ એ જ તો કરતા હતા બોધી વૃક્ષની નીચે બેસીને અને ભગવાન મહાવીર એ જ કરતા હતા અશોક વૃક્ષની નીચે બેસીને. ઝેન ફકીરો અને સૂફી સંતો પણ આ જ તો કરતા હતા. વાસ્તવિકતાની નજરે જુઓ તો ધ્યાન શું છે? ધ્યાન છે કંટાળાનો સામનો કરવાની યૌગિક વિધિ. ધ્યાની ધ્યાન કરતી વખતે શું કરે છે? શાંત બેસે છે, મૌનમાં હોય છે અને આવતા જતા શ્વાસને જુએ છે. શું તમને એમ લાગે છે કે એમાં તેને આનંદ આવે છે? ના, વાસ્તવમાં એને એમાં કંટાળો આવે છે. અને કંટાળાથી બચવા ઘણા ધ્યાનમાં ઊંઘી જાય છે. એટલે ઝેન માસ્ટર પોતાની પાસે દંડો રાખે છે. કેમ કે ઘણા લોકો ધ્યાનમાં કંટાળો આવવાના કારણે ઊંઘી જાય છે. આ પણ એક માર્ગ છે કંટાળાથી બચવાનો. ઝેન માસ્ટર દંડો રાખે છે અને જેવો કોઈ સાધક કંટાળાથી બચવા ઊંઘ લે કે તરત એ તેની પીઠ પર દંડો મારે છે.
તમે જો આ કંટાળાના ભાવનો સામનો કરી શકો, તેનો સાક્ષાત્કાર કરી શકો તો અંદરની શાંતિનો અનુભવ થાય છે, અંદરની શૂન્યતાનો અનુભવ થાય છે અને પરિણામે ભીતરની શક્તિઓનો વિસ્ફોટ થાય છે. જે માણસ કંટાળાથી ભાગે છે એ પોતાની જાતથી ભાગે છે. કંટાળાનું સ્વાગત કરતા શીખો, તેને સ્વીકારતા શીખો.ધ્યાન કરવાનો સમગ્ર મર્મ આ જ છે. ઝેન આશ્રમોમાં આ જ શીખવવામાં આવે છે. સવારે વહેલા ઉઠવાનું, ન્હાવાનું, એ જ આસનમાં ધ્યાનમાં બેસવાનું, એ જ ચાય પીવાની, એ જ જમવાનું, એ જ માસ્ટર હાથમાં દંડો લઈને ફરતા જોવા મળે, અને વર્ષો સુધી આ એકનું એક રૂટિન ચાલ્યા કરે, સાધક કંટાળી જાય, પણ આ બધું કંટાળવા માટે જ છે. આ કંટાળાથી સાધક બચી ના શકે, બચવાનો કોઈ ઉપાય જ નથી. તમે સિનેમા જોવા ન જઈ શકો, ટેલિવિઝન ન જોઈ શકો, કંટાળાથી બચવાનો કોઈ ઉપાય જ ત્યાં નથી. આ બહુ મોટી હિંમતનું કામ છે. આ મૃત્યુ કરતા પણ મોટી ઘટના છે. મૃત્યુમાં તો તમે બેહોશ થઇ જાઓ છો. આમા તો હોશમાં રહેવાનું છે. પરંતુ આ કંટાળા પ્રત્યેનું અંતિમ હોશ જ પરિવર્તન, જાગૃતિ, આત્મ જ્ઞાન, સમાધિ અને સતોરીનું કારણ બને છે. આવું બને પછી કોઈ કંટાળો રહેતો નથી.
આ કંટાળો એક આધ્યાત્મિક ઘટના છે. એટલે કોઈ પશુને કંટાળો નથી આવતો. એ સંપૂર્ણ રીતે જે છે એનાથી સંતુષ્ટ છે. માનવ અને એમાં પણ જે બુદ્ધિશાળી છે,પ્રતિભાવાન છે, એ જ કંટાળી શકે છે. તમે અનુભવ કર્યો હશે અને જોયું હશે કે જે બાળક વધારે બુદ્ધિશાળી છે એ બહુ જલ્દી કંટાળે છે. એ ક્યારેય શાંતિથી રિલેસ્ડ બેસી શકશે નહિ, તરત કહેશે કે હવે આગળ છું. મેં અમેરિકામાં જોયું છે બાળકોને જરાક નવરા પાડો એટલે એ કંટાળવા લાગે છે. એને વ્યસ્ત રાખવાના પ્રોગ્રામો કરવા પડે છે. મહાવીર અને બુદ્ધ એમની યુવાનીમાં જ ભયંકર રીતે કંટાળી ગયા હતા, એ જ રાજ્ય, એ જ રાણીઓ,એ જ ધન,એ જ મહેલ અને આ બધું એમને બેચૈન કરી મૂકતું હતું. એ બેચૈની વૈરાગ્યનું કારણ બન્યું અને સત્યની શોધમાં તેઓ નીકળી પડ્યા. મૂર્ખ માણસો ક્યારેય કંટાળતા નથી. એ નોકરી કરીને, ધંધો કરીને, બેન્ક બેલેન્સ બનાવીને, છોકરાઓને મોટા કરવામાં જ સંતુષ્ટ છે. એ નવી કાર ખરીદશે, નવા મકાનો ખરીદશે, નવા ધંધાઓ કરશે, બહારથી વિષયો બદલ્યા કરશે, જેથી એને કંટાળો ના આવે. પરંતુ આ બધું ક્યાં સુધી? આ પલાયન વૃત્તિ છે. એનામાં અને પશુઓમાં કોઈ ગુણાત્મક ફરક નથી, માત્ર થોડો માત્રા ભેદ છે. માણસનું માણસ બનવાનું ગૌરવ ત્યારે જ છે કે એને કંટાળાની અનુભૂતિ થાય છે.
આ વળાંક ઉપર જ અધ્યાત્મનો માર્ગ ખુલે છે. કંટાળાની ફીલિંગથી મુક્ત થવું હોય તો કેટલાક ઉપાયો સૂચવી શકાય. એક – વર્તમાનમાં જીવો, ભૂત ભવિષ્યની વ્યર્થ કલ્પનાઓ કરવાનું છોડો. બે – ચહેરા પરના અને ચિત્ત પરના બધા મોહરા ઉતારી નાખો. ખૂબ અઘરું છે આમ કરવું પરંતુ બીજો કોઈ જ વિકલ્પ નથી. કમસે કમ જેવા બહાર દેખાવ છો એવા તો અંદરથી હોવાનો પ્રયાસ કરો. ત્રણ – કંટાળાથી ભાગો નહિ, કંટાળાના અંતિમ બિંદુ સુધી પહોંચો. ભૌતિકતાની વ્યર્થતા આત્મ જ્ઞાનનો દ્વાર ખોલશે. ચાર – જે કરો તેમાં પૂરેપૂરા ડૂબી જાઓ. પ્રવૃત્તિ અને તમે બંને એકમેક થઇ જાઓ, એ પ્રવૃત્તિને જ ધ્યાન બનાવી લ્યો. જે કરો એ પહેલીવાર કરતા હોય એ મનોવૃત્તિથી, એ ભાવથી કરો. બહેનો એકને એક ઘર કામ, રસોઈ કરે છે અને કંટાળી જાય છે, પરંતુ એ પ્રવૃત્તિમાં જાગૃતિ રહેશે અને નવાપણાનો ભાવ રહેશે તો કંટાળો નહિ આવે. આ જ છે કંટાળાનું આધ્યાત્મિક વિજ્ઞાન.
જીવનનું પરમ ધ્યેય છે – સિદ્ધિ. સિદ્ધિ એટલે પરમપદની પ્રાપ્તિ. સિદ્ધિ એટલે જન્મ મરણથી સદા માટેનો છુટકારો. સિદ્ધિ એટલે સમસ્ત કર્મોથી સદાને માટે મુક્તિ. સિદ્ધિ એટલે આત્મજ્ઞાનનું પ્રાગટ્ય થઇ જવું. આવી સિદ્ધિ પામવા માટે શુદ્ધિ જોઈએ. શુદ્ધિ વગર સિદ્ધિ નથી. શુદ્ધિ એટલે ઇન્દ્રિય અને મનના માલિક થવું. શુદ્ધિ એટલે સંચિત્ત કર્મોથી મુક્ત થવું. શુદ્ધિ એટલે આવેગો, વિકારો અને સંવેગોથી છુટકારો મેળવવો. આવી શુદ્ધિ મેળવવા માટે સાધના કરવી પડે. સાધના વગર શુદ્ધિ નથી. સાધના એટલે મન અને ભાવોને કેળવવાનો પ્રયોગાત્મક ઉપક્રમ. સાધના એટલે આત્માને જાણવાની આરાધના. સાધના એટલે પોતાનામાં સ્થિર થઇ પોતાને પામવાનો ધ્યાનનો સઘન પુરુષાર્થ કરવો. સાધના એટલે સંચિત્ત કર્મોથી મુક્ત થવાની પ્રાયોગિક પ્રક્રિયામાં પસાર થવું. આમ, સિદ્ધિ માટે શુદ્ધિ જોઈએ અને શુદ્ધિ માટે સાધના જોઈએ.
દરેક ધર્મ પરંપરામાં આવી સાધનાઓ બતાવી છે. સાધના જ ધર્મને પ્રાણવાન બનાવે છે. જે ધર્મમાં સાધના નથી એ ધર્મનું અસ્તિત્વ જોખમમાં છે. માત્ર ભક્તિ કે જડ ક્રિયાકાંડોથી ધર્મ પ્રાણવાન બનતો નથી. જૈન ધર્મમાં ભગવાન મહાવીરે આવી સાધના ઉપર સૌથી વધુ બળ આપ્યું છે. ભગવાન મહાવીરે સંચિત્ત કર્મોથી મુક્તિ માટેની બાર સાધનાઓ બતાવી છે. જૈન ધર્મમાં સંચિત્ત કર્મોને મુક્ત થવાને ‘નિર્જરા’ કહેવામાં આવે છે. આ સાધનામાં પ્રવેશ કરતા પહેલા આ નિર્જરા બાબત કે સંચિત્ત કર્મોની એક સામાન્ય સમજ મેળવી લઈએ. જૈન ધર્મમાં બે પ્રકારની નિર્જરા કહેવાય છે – સવિપાક નિર્જરા અને અવિપાક નિર્જરા. સવિપાક નિર્જરા એટલે પોતાના સમયે જે કરેલા કર્મો ઉદયમાં આવે અને સારું નરસું ફળ આપે તેને સવિપાક નિર્જરા કહેવાય અને સલક્ષ્ય સાધના કરીને પ્રયત્ન પૂર્વક, કર્મ ઉદયમાં આવે તે પહેલા જે કર્મોની નિર્જરા કરવામાં આવે તેને અવિપાક નિર્જરા કહેવાય. સત્તામાં પડેલા પૂર્વ કર્મોને પોતાની સમજ અને આવડતથી એ ફળ આપે તે પહેલા જ તેને ભોગવી લેવા તે અવિપાક નિર્જરા છે.
જ્ઞાનીઓ સાધના દ્વારા અવિપાક નિર્જરા કરે છે અને અજ્ઞાનીઓ સવિપાક નિર્જરા કરે છે અને એ સવિપાક નિર્જરામાં જો સમતા ન રહે તો પાછા નવા અશુભ કર્મોનો બંધ થાય છે. મારા સંચિત્ત કર્મોના પરિપાક રૂપે મને કોઈ બીમારી આવી અને એ વખતે હું જો શાંત રહીને સમતા રાખું તો સવિપાક નિર્જરા થાય છે અને નવા કર્મો બંધાતા નથી પરંતુ જો એ વખતે સમતા ન રહે અને જો હું આર્ત્ત ધ્યાન કરું તો અનેક નવા અશુભ કર્મોનો બંધ થાય છે. એટલે કર્મોના ફળ વખતે સમતા રાખવી એ જ કર્મો ભોગવવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. અવિપાક નિર્જરા એટલે કર્મ ઉદયમાં આવે એ પહેલા સાધના દ્વારા પહેલેથી જ કર્મોને ઉદયમાં લાવી દેવા. ધ્યાન-સ્વાધ્યાય, ઉપવાસ, પ્રાયઃશ્ચિત્ત વગેરે સાધનાઓથી કર્મોને ભોગવ્યા વિના ઉદયમાં લાવી શકાય છે. ભગવાન મહાવીરે આવી અવિપાક નિર્જરા કરવાની બાર સાધનાઓ બતાવી છે. જેને બાર પ્રકારના તપ પણ કહેવાય છે.
સંચિત્ત કર્મોથી મુક્તિ માટેની પહેલી સાધના કે પહેલું તપ ‘અનશન’ છે. આ અનશન જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. અશન એટલે ભોજન અને અનશન એટલે ભોજનનો અભાવ, જેને ઉપવાસ પણ કહી શકાય. જૈનધર્મમાં એક અનશનમાં છત્રીસ કલાક એટલે કે બે રાત અને એક દિવસ સુધી ભોજનનો ત્યાગ કરવામાં આવે છે, ઘણા લોકો પાણીનો પણ ત્યાગ કરે છે. આ અનશન એક દિવસ માટે કે એકથી વધુ દિવસ માટે પણ કરી શકાય અને જીવનભર માટે પણ કરી શકાય. અનશન જો જીવનભર માટે થાય તો તેને સમાધિ મરણ કે સંથારો કહેવામાં આવે છે. એ શબ્દોનો ભાવ પણ સમજીશું પણ અત્યારે આપણે સામાન્ય અનશનના અર્થને સમજીએ.
અનશનમાં ચાર પ્રકારના ભોજનનો ત્યાગ થાય છે. એક – અશન એટલે કે એવું ભોજન જે ભૂખને ભાંગે. અંગ્રેજીમાં ડી.બી.આર.એસ. કહેવાય. એનો અર્થ થાય – દાળ, ભાત,રોટલી અને શાક. બે – પાન, પાન એટલે પાણી, ત્રણ – ખાદ્યમ એટલે ફળ અને સૂકો મેવો – ટ્રાયફ્રૂટ. ચાર – સ્વાદ્યમ એટલે મુખવાસ,ચટણી,એલચી, લવિંગ વગેરે. અનશનમાં આ ચારેયનો ત્યાગ કરવામાં આવે છે. આવું અનશન જયારે કર્મોથી મુક્તિના કે આત્મ શુદ્ધિના લક્ષ્યે થાય તો એ તપ કહેવાય છે. એમ ન થાય અને માત્ર આરોગ્યના હેતુથી ભૂખ્યું રહેવાય તો તેને લંઘન કહેવાય. નેચરોપેથીમાં આવું લંઘન કરવામાં આવે છે. ભૂખ્યા તો ભિખારીઓ પણ રહે છે, પરંતુ તે તપ નથી કેમ કે એમાં મજબૂરી છે, ભોજનનું મમત્વ પણ છે અને આત્મ શુદ્ધિનું લક્ષ્ય પણ નથી. આવું લંઘન તે તપ નથી. અનશન તે તપ છે અને આવું અનશન આત્મસ્થ ભાવથી થાય તો તે ઉપવાસ છે. અનશનમાં હજુ ધ્યાન ભોજન પર છે અને ઉપવાસમાં ધ્યાન આત્માભણી છે.
ભગવાન મહાવીરે પહેલું તપ કે સંચિત્ત કર્મોથી મુક્તિનું સાધન ‘અનશન’ બતાવ્યું. એ એટલા માટે કે જીવની પ્રબળ સંજ્ઞા આહારની છે. આ આહારની સંજ્ઞા જીવને આત્મસ્થ થવા દેતી નથી. માણસના મનના વિકલ્પમાં મોટા ભાગના વિકલ્પો તો આહાર સંબંધીના હોય છે. જમતા પહેલા આહારના અનેક વિકલ્પો, જમતી વખતે આહારના વિકલ્પો, અને જમ્યા પછી પણ ભોજનના પ્રતિભાવ રૂપે આહારના અનેક વિકલ્પો ચાલતા હોય છે. શરીરની જરૂરીયાત માટે જમવું તે આહાર છે અને આ આહાર અને એના મમત્વના વિચારો એ જ આહાર સંજ્ઞા છે. આ આહારની સંજ્ઞાને તોડવા માટે અનશન તપ છે. સામાન્ય રીતે જયારે ભોજન કરીએ છીએ ત્યારે જઠરાગ્નિ ભોજનને પચાવે છે. અનશનમાં જયારે જઠરાગ્નિને ભોજન નથી મળતું ત્યારે તે ચરબી અને દોષોને પચાવે છે. આવા સમયે જયારે હું તે ભૂખની વેદનાએ સમતા ભાવે અનુભવું છું ત્યારે ઉપવાસમાં પ્રવેશ થાય છે. અનશનમાં ભોજન છોડ્યું એ ભાવ હોય છે અને ઉપવાસમાં આત્મ અનુભવનો ભાવ હોય છે. અનશનથી કર્મ નિર્જરા થાય છે અને એ અનશન જયારે ઉપવાસમાં પરિણમે ત્યારે આત્મસ્થિરતા આવે છે.
હજારોં મહેફિલે હો,લાખ મેલે હો।
પર જબ તક ખુદ સે ન મિલો, અકેલે હો।।
2016નું પાવન પર્યુષણ પર્વ પ્રારંભ થઇ રહ્યું છે. તેનો સંદેશ છે – સ્વરુપને ઓળખો. માણસ બધા માટે સારું નરસું બધું કરે છે, માત્ર પોતાની જાતને ભૂલી જાય છે. પોતાને ભૂલનાર સભાન નથી હોતો, સભાન ન હોય એ ભૂલો કરવાનો જ છે. જાતને શા માટે ઓળખાવી? આવો પ્રશ્ન થઇ શકે. જાતને ઓળખાવી એટલે મહત્વની છે કે જે કંઈ મહત્વનું છે એ માનવીની ભીતરમાં છે. દુનિયાનું શ્રેષ્ટ પ્રદાન એને જ કર્યું છે જે ભીતરના પારખું હતાં. આજે માણસને પોતાને માટે સમય નથી. સમય નથી કહેવું પણ યોગ્ય નથી, મૂળમાં પોતાનામાં રુચિ નથી. એ કારણે જ માણસ પાસે બહારનું બધું હોવા છતાં એ અંદરથી દુઃખી છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને જન્મની સાથે આ બધું જ્ઞાન વિરાસતમાં મળ્યું છે. પશ્ચિમી જગતે એ શોધવાની હવે શરૂઆત ,પણ આપણા પાસે તો સદીઓથી છે. આપણે જો એ જાણવાનું ચુકી જઈએ તો મૂર્ખ કહેવાઈએ. જૈન ધર્મએ અને મહાવીર સ્વામીએ આપણને કેટ-કેટલું આપ્યું છે. આ પર્યુષણ પર્વ એ જ સંદેશ આપે છે કે થોડીવાર પોતાની જાત સાથે બેસીએ, જેને લોકો ધ્યાનના નામથી ઓળખે છે. જાત સાથે બેસવાથી જ પોતાને ઓળખી-પારખી શકીશું. પોતાના દોષોને જોઈ શકીશું અને પોતાની અચ્છાઇઓ સાથે રૂબરૂ થઇ શકીશું. આખી દુનિયાને મળો તો એમ ન માનતા કે તમે એકલા નથી, જાતને ન મળો ત્યાં સુધી લાખોની ભીડ વચ્ચે પણ તમે એકલા છો. લાખો મેળા અને હજારો મહેફિલો પણ ફિક્કી છે જ્યાં સુધી જાત સાથેનો ભેટો ન થાય. આ પર્યુષણ બહારથી ડિસ કનેક્ટ થવાનું અને જાત સાથે કનેક્ટ થવાનું શીખવે છે. જાત સાથે જે કનેક્ટ થાય એ જ જાતને કરેક્ટ કરી શકે. માંહ્યલો જાગે એવી આ પર્વ નિમિત્તે શુભ કામના।
જીવની આહાર સંજ્ઞા પ્રબળ છે અને અનાદિની છે. આ આહાર સંજ્ઞાને તોડવા માટે ભગવાન મહાવીરે અનશન તપ બતાવ્યું છે. શરીર અને આત્માને જોડનાર સેતુ ભોજન છે. પેટ ભરેલું હોય તો આત્માનું સ્મરણ નહિ થાય. શરીરને ભોજન ન આપો અને દ્રષ્ટિ જાગૃત હોય તો એ ક્ષણનો ઉપયોગ આત્માને જાણવામાં કરી શકાય છે. આમ અનશન એક નિમિત્ત બને છે આત્માને જાણવા માટેનું. અનશન સાચા અર્થમાં તો જ થયું કહેવાય જયારે એ ઉપવાસમાં પરિણમે. ઉપવાસ એટલે માત્ર ભૂખ્યા રહેવું તે નહિ. ઉપવાસ એટલે આત્માના ગહન અનુભવમાં ખાવાનું ભુલાઈ જાય. ઉપવાસ આત્મ ભાવમાં રહેવાનું નામ છે. ભગવાન મહાવીર ઉપવાસ કરતા ત્યારે એમને શરીર અને ભોજનનું ભાન જ ન રહેતું. એમનો ઉપવાસ એ આત્માની ગહન અનુભૂતિનું પરિણામ હતું. ઉપવાસથી જો આ આત્મ દશાનો અનુભવ ન થાય અને માત્ર ભોજન છોડી દીધું તો એ માત્ર લંઘન છે. જૈન શાસ્ત્રની ભાષામાં એ બાલ તપ એટલે કે અજ્ઞાનીનું તપ છે.મહાવીરના દરેક અનશન ઉપવાસ હતા અને આપણા દરેક અનશન યા તો લંઘન છે અને પ્રદર્શનનું કારણ છે. ઉપવાસ આત્મભાવમાં જવા માટે છે. અનશનમાં આત્માનો સ્પર્શ થાય, અનુભવ થાય તો જ એ ઉપવાસ કહેવાય.
ઉપવાસનું વિજ્ઞાન સમજવા જેવું છે. આપણામાં બે શક્તિઓ રહેલી છે. એક છે ભોજનની સામાન્ય પ્રક્રિયા, જેમાં આપણે ભોજન લીધું હોય એ જઠરાગ્નિ પચાવે. એમાંથી લોહી બને, ઉર્જા બને – આ એક પ્રક્રિયા છે. ફરી પાછી ત્રણેક કલાકમાં ભૂખ લાગે, ફરી ભોજન લઈએ અને જઠરાગ્નિ તેને પચાવે. આ એક સામાન્ય બાયોલોજીકલ ક્રમ છે. બીજી શક્તિ છે – આધ્યાત્મિક. શરીરને ઉપવાસમાં જયારે ભોજન ન મળે એટલે એ બે એક દિવસમાં પોતાની ગેયર બદલે છે. શારીરિક ભૂખની ગેયરમાંથી એ હવે ઉપવાસની ગેયરમાં આવે છે. ઠીક આ ક્ષણે તમે ધ્યાનસ્થ બની એના પર ધ્યાન કરો તો તમે આત્મા ભણી ગતિ કરી શકો છો. કેમ કે આવા સમયે આપણું ચિત્ત સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરે છે. જે શક્તિ ભોજન કરવામાં અને પચાવામાં વપરાતી એ હવે કર્મ તોડવામાં વપરાશે. આ બદલાતી ગેયરને જોઈ શકવી એનું જ નામ છે ઉપવાસ. મહાવીર સ્વામી આ પ્રયોગો કરતા હતા. આ સાધના કરવા માટે શરીરની પણ એવી શક્તિ જોઈએ.
જૈન ધર્મમાં અનશનનો એક અર્થ સમાધિ મરણ માટે પણ ઉપયોગમાં લેવાય છે. જેને સંથારો કહેવાય છે. વાસ્તવમાં સંથારાનો સંબંધ અનશન સાથે કે ભોજન છોડી દેવા સાથે છે જ નહિ. સંથારો એટલે પથારી. જયારે સાધક સમાધિ મરણની દશામાં હોય છે ત્યારે એનું શરીર સંપૂર્ણ વિશ્રામ દશામાં હોય છે અને ભીતરથી આત્મા પૂર્ણ જાગૃત અવસ્થામાં હોય છે. આવી સ્થિતિને સમાધિ મરણ પણ કહેવામાં આવે છે. સમાધિ મરણની ગહન દશામાં ભોજન છૂટી જાય એ વાત જુદી છે, પરંતુ ભોજન છોડી દેવું એટલું જ સમાધિ મરણ નથી. ભોજન છોડીને પણ અસમાધિ પૂર્વક મરી શકાય છે જો જીવ જાગૃત ન હોય તો, અને ભોજન કરતા કરતા પણ સમાધિ મરણનું વરણ કરી શકાય છે. લગભગ ઘણા લોકોના સંથારામાં એવું જોવા મળે છે કે એ ભોજનનો ત્યાગ કરી દે છે પણ મૃત્યુની અંતિમ દશામાં આત્મ જાગ્રતિ રહેતી હોતી નથી. ઘણીવાર તો ભોજન કરવાના ભાવમાં જ શરીર છૂટતું હોય છે. આ અનશન નથી કે સંથારો નથી, સમાધિ મરણ તો ઘણું દૂર છે.
સમાધિ મરણ એ જાગ્રત દશામાં મરવાની પ્રક્રિયા છે. આ જાગૃત દશા જાળવી રાખવામાં ભોજનનો ત્યાગ સહયોગી બની શકે છે, ન પણ બને. આ બધું નિર્ભર કરે છે વ્યક્તિની જાગૃતિ, આત્મ દશા અને અનાશક્તિ પર. આવો સંથારો કે સમાધિ મરણ સ્વીકારવું એ ગુરુની આજ્ઞા વિના સંભવ નથી. ગુરુ પણ એને જ આજ્ઞા આપશે જેની આવી ભાવ દશા હોય. આ સંથારો નાની વયે લેવાની શાસ્ત્રની આજ્ઞા નથી. જયારે આ શરીરથી ધર્મ દ્વારા આત્માનું કર્તવ્ય ન થતું હોય અને શરીર માત્ર બીજા માટે ભારભૂત હોય તો પોતાના વિવેકથી અને ગુરુ આજ્ઞાથી સંથારો કરવાની પરાવગી મળતી હોય છે. એટલે જ સંથારો અને આપઘાત બંને ભિન્ન પ્રક્રિયા છે. આપઘાત કોઈ ઈચ્છાની પૂર્તિ ન થવાના કારણે થતો હોય છે, જયારે સંથારો હવે કોઈ જ ઈચ્છા બાકી નથી રહી એટલે થતો હોય છે. આપઘાતમાં જીવનું મન અસન્તુષ્ટ હોય છે, સંથારામાં સાધકનું મન પૂર્ણ સંતુષ્ઠ હોય છે. આપઘાતમાં દ્વેષ અને આશક્તિ જીવતા હોય છે. સંથારામાં નથી કોઈના પ્રત્યે દ્વેષ રહેતો કે નથી કોઈ બાબતની અશક્તિ રહેતી. આપઘાતમાં ક્ષણિક આવેશ અને મૂર્ખતા હોય છે જયારે સંથારામાં પૂર્ણ વિવેક અને સમજણ હોય છે. આપઘાત કોઈને કોઈ ભૌતિક કારણે થતો હોય છે જયારે સંથારો ઉચ્ચ આધ્યાત્મિક લક્ષ્યે થતો હોય છે. આપઘાત કોઈની પણ સહમતી લીધા વિના થાય છે, સંથારામાં પરિવારની, ગુરુની સહમતી લીધા પછી જ થાય છે. આપઘાતની કોઈ ચોક્કસ જગ્યા નથી હોતી અને તેની કોઈને જાણ પણ નથી હોતી, સંથારાની જગ્યા અને તેની લોકોને પૂરી જાણકારી હોય છે. આમ, સંથારો એ આપઘાત નથી પરંતુ જાગૃત રીતે મૃત્યુને પામવાની આધ્યાત્મિક રીત છે.
આ સાધના કરવા માટે શરીરની પણ એવી શક્તિ જોઈએ. બધા જીવો ઉપવાસ ન કરી શકે. એન આપણાથી થાય તો પૂરો પ્રયાસ સંકલ્પ સાથે કરવો જોઈએ. પરંતુ ઉપવાસ ન જ થાય તો એ કરવાની જીદ્દ છોડી દેવી જોઈએ. ભગવાન મહાવીરથી આ થયું પણ બુદ્ધથી ન થયું. બુદ્ધે ખૂબ ઉપવાસો કર્યા, આખું શરીર કૃશ કરી નાખ્યું, કમજોરી એવી આવી કે વિચરણ ન કરી શકે. અંતે એમને એ માર્ગ છોડી દીધો અને ધ્યાનનો માર્ગ અપનાવ્યો. આપણે પણ પ્રયોગ કરીએ અને ઉપવાસ થાય તો ખૂબ સારું પણ ન થાય તો ખોટું દમન કરી શરીરને નષ્ટ કરવામા કોઈ સાર નથી. બીજા પણ માર્ગો પ્રભુ મહાવીરે બતાવ્યા છે, તેની ચર્ચા હવે પછી કરીશું.
આજના વડિલો પરિવારથી ઉપેક્ષિત હોય એવું દેખાય છે. શું કારણ હશે? જરૂર આજની વ્યસ્ત જીવનશૈલી એક કારણ છે, પરંતુ આ મૂળ કારણ નથી. મૂળ કારણ છે વડિલોનો પોતાનો જ સ્વભાવ જે વડિલો સમય પ્રમાણે સ્વભાવને સાચવી શકે છે એવા વડિલો પરિવારમાં સૌનો પ્રેમ પામે છે. જે વડિલો પોતાનો સ્વભાવ સમય પ્રમાણે બદલતા નથી એ લોકો ઉપેક્ષા અને દુઃખનો ભોગ બને છે. ઘણા વડિલોને રહેવું હોય છે પરિવાર સાથે પણ પોતાનો વિચિત્ર સ્વભાવ બદલતા નથી. એટલે એ સૌ કોઈને ખારા લાગે છે. ઘણા વડિલો, એમાંય મોટી ઉંમરના સાસુ, બા કે દાદીઓ પરિવારની દરેક વાતમાં માથું મારતા હોય છે. ઘરમાં કોણ આવ્યું’તું? આટલો બધો ખર્ચ કેમ કરો છો? નોકર-ચાકર ઘરમાં આટલું બધું કેમ ખાય-પીવે છે?,મને ક્યાંય બહાર લઇ કેમ નથી જતા? હું ઘરમાં મોટી છું, મેં બધા માટે આખી જિંદગી ઘસી નાખી, તોય કેમ મારી કોઈને કંઈ પડી નથી? આવા અનેક નકામા પ્રશ્નોથી તેઓ મુક્ત થઇ શકતા નથી. પરિણામે એ પોતાનું સન્માન ગુમાવે છે.
અને બીજું બાજુ તેઓ ખૂબ ધર્મ કરશે, ખૂબ નિયમો પાડશે. ઘણી વાર તો એમના નિયમોથી ઘરમાં અશાંતિ આવતી હોય છે. આવો ધર્મ માત્ર ખોટું આશ્વાસન છે. આનાથી આત્માની શુદ્ધિ નથી થતી.સાચો ધર્મ તો પહેલા સ્વભાવ સુધારવામાં છે. દરેક વડીલો ઘરના સભ્યોમાં માથું મારવાનું છોડી દે, બધાને સ્નેહ અને પ્રેમ આપવાનું શીખી લે, અને ઘરના લોકો જે કરે એમાં મોઢું પ્રસન્ન રાખી શકે તો આવા વડીલો ક્યારેય ઘરમાં બીજાને ભારભૂત નહિ લાગે. વડીલો તો આશીર્વાદ રૂપ હોવા જોઈએ, પૂજનીય હોવા જોઈએ, પરંતુ પોતાના ખરાબ અને કચકચિયા સ્વભાવને લીધે તેઓ સન્માન પામવાની યોગ્યતા ગુમાવે છે.
આજની પીઢિને પણ થોડું સમજવું જોઈએ. એ લોકોની ઉમર થઇ છે. થોડો સ્વભાવ ચીડિયો થાય પણ ખરો. એમના વિચિત્ર સ્વભાવ પછી પણ તમારો વિનયભાવ અને સેવાભાવ ઓછો ન થવો જોઈએ. વડિલો બાળક જેવા થઇ જાય છે. એમને પણ પ્રેમથી સમજાવો જો સાંજે તો સારું છે, પરંતુ એમની ઉગ્રતાનો જવાબ તમે તમારા ભાવ બગાડીને ન આપો. મારુ કોઈક એમની સાથે કર્મનો હિસાબ, કર્મનું ઋણાનુબંધ બાકી હશે, એ પૂરું કરવાનું છે. સમભાવથી થાય એટલી સેવા કરીને તેને પૂરું કરો. આ જ તો સાચી સમજણ છે અને આનાથી મોટો ધર્મ કયો હોય શકે?
જૈન દર્શનમાં પ્રવૃત્તિ એ કર્મ નથી, પ્રવૃત્તિનું પરિણામ એ કર્મ છે. સારા કે નરસા ભાવથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે, એનું જયારે પરિણામ મળે છે એ કર્મ કહેવાય છે. સારા ભાવ સાથે કરેલી પ્રવૃત્તિનું સારુંકર્મ અને ખરાબ ભાવ સાથે કરેલી પ્રવૃત્તિનું ખરાબ પરિણામ મળે છે. આ કર્મો તરત ફળ નથી આપતા, એ કેટલોક સમય સત્તામાં પડ્યા રહે છે. જ્યાં સુધી એ સત્તામાં છે, ત્યાં સુધી એ કર્મોને ભોગવ્યાવિના તોડી શકાય છે. એ તોડવાની પ્રક્રિયાને ભગવાન મહાવીરે ‘નિર્જરા’ કહી છે. નિર્જરા એટલે કર્મોને આત્મા પરથી ખંખેરી દેવાની પ્રક્રિયા. આ નિર્જરામાં આપણે ‘અનશન’ની વાત કરી. આજે કર્મતોડવાની બીજી પ્રક્રિયા ‘ ઉણોદરી’ની વાત કરીએ.
આજે આખું વિશ્વ એક મોટી સમસ્યા કે એક મોટા રોગથી ઝઝૂમી રહ્યું છે. એ રોગ છે – મોટાપો. જેને આપણે મેદસ્વિતા કહીએ છીએ. ફાસ્ટ ફૂડના આ યુગમાં આ રોગે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. જે ફૂડસ્વાદિષ્ટ હશે, એ સામાન્ય રીતે માણસ વધુ જ ખાશે. જે ભોજનમાં સ્વાદ હોય એમાં લગભગ સ્વાસ્થ્યના ગુણો નથી હોતા. એમાં વિરોધી આહાર અને દૂધની બનાવટોનો મોટો ભાગ હોય છે. જે ખાવાનોકંટ્રોલ ન રહેવાના કારણે મોટાપાનું કારણ બને છે. આ મોટાપો માત્ર બીમારી નથી પણ બીમારીનો બાપ છે. એ અનેક રોગોને જન્મ આપે છે. મોટાપો આવશે એટલે સુગરની બીમારીનો ખતરો વધી જાયછે. સુગરની બીમારી પછી કિડની, હૃદયને અને અનેક અંગોને નુકશાન પહોંચાડે છે. ધીરે ધીરે આખું શરીર બીમારીઓનું ઘર બને છે. માનસિક રીતે એ આળસને વધારે છે, પ્રાણશક્તિને ક્ષીણ કરે છે અનેઆયુષ્યને ઘટાડે છે. વજન વધારે છે. એકવાર વજન વધશે પછી તેને ઘટાડવું વહામું છે.
છ બાહ્ય તપમાં બીજું તપ છે – ઉણોદરી. જમવા બેસો ત્યારે તમારી પાસે બે જ વિકલ્પ છે – યા તો ભૂખ કરતા ઓછું ખાવું અથવા ભૂખ કરતા વધારે ખાવું. સામાન્ય રીતે માણસ ભૂખ કરતા વધારે ખાવાનોપ્રયત્ન કરતો હોય છે. આ ઉણોદરી ન કહેવાય, તેને પૂરોદરી કહેવાય. ઉદરને પૂરેપૂરું ભરવું એ પૂરોદરી છે. ઘણા તો પૂરું નહિ, વધારે પડતું પેટ ભરતા હોય છે. ઘણા લોકો કોઈના ઘરે કે પ્રસંગમાં જાયએટલે કહે કે, પેટ ભરાઈ ગયું પણ હજુ હૈયું નથી ભરાયું. એણે કોણ સમજાવે કે હૈયું તો પ્રભુના પ્રેમથી ભરાય, ભોજનના પ્રેમથી નહિ.
એક વ્યક્તિએ ખાવાની પ્રતિસ્પર્ધામાં ભાગ લીધો. એમાં એક વ્યક્તિ સૌથી આગળ નીકળી ગયો અને સૌથી વધી પચાસ રોટલી ખાઈ ગયો. બધાએ કહ્યું ભાઈ તું જીતી ગયો અને અમે હારી ગયા, હવેતું ખાવાનું બંધ કર. પણ પેલો તો ખાયે જ જાય. બધાએ કહ્યું ભાઈ તું બંધ કર ને ? ત્યારે કહ્યું કે બંધ તો જ કરું જો તમે મારી પત્નીને કહો નહિ તો, કેમ કે નહી તો એ મને સાંજનું જમવાનું નહિ આપે. આમાણસ બધી જ મર્યાદા ઓળંગી ગયો છે. એક વાર તમે તમારી અંદરની અવાજને સાંભળતા નથી એટલે પછી તમે હવે હદ બહારનું ખાઈ શકો છો. આ માનસિક ભૂખ છે.
ઊણોદરીની પરિભાષા છે – ભૂખ કરતા થોડું ઓછું ખાવું. વધારે ભોજન કોણ માંગે છે – શરીર કે મન? તો પછી ઉણોદરી કરવા માટે શરીરનો કંટ્રોલ કરવો પડશે કે મનનો? ઉપવાસ કરવામાં શરીરનીશક્તિ વધુ અનુકૂળ હોવી જોઈએ અને ઊણોદરીમાં મનનો સંકલ્પ વધુ દ્રઢ હોવો જોઈએ.
ઊણોદરીના વિજ્ઞાનને જરા વિસ્તારથી સમજીએ . બે પ્રકારની ભૂખ છે – શારીરિક – બાયોલોજીકલ અને માનસિક – સાઈકોલોજિકલ. શારીરિક ભૂખ એટલે જૈવિક ભૂખ અને માનસિક ભૂખ એટલે આદતઆધારિત ભૂખ. શારીરિક ભૂખ ભીતર દબાયેલી છે. આદતની ભૂખ એના પર હાવી થઇ ગઈ. ઉણોદરી એટલે આદતની જે ભૂખ છે એનાથી ઓછું ખાવું એ નહિ, પરંતુ શારીરિક ભૂખ છે એનાથી ઓછું ખાવું.આદતની ભૂખ નકલી છે. એ ભૂખ ઘણાની આઠ દસ રોટલીની હોય, આ ભૂખ સાચી ભૂખ નથી. પહેલાથી શરીરની જરૂરત કેટલી ભૂખની છે એ જુઓ. પછી એનાથી પણ જયારે ઓછું ખાઓ છો તો એઉણોદરી છે. વાસ્તવમાં આપણે જે આખો દિવસ જેટલું ખાઈએ છીએ, એટલી શરીરને જરૂરત જ નથી. આપણે લગભગ લગભગ ત્રણ ગણું વધુ ખાઈએ છીએ. આજે પણ જૈનધર્મમાં દિગંબર સાધુ રોજેમાત્ર એકવાર જ ખાય છે, અને એ આરામથી જીવે છે, વધારે સ્વસ્થ રીતે જીવે છે. આપણે પણ ધારીએ તો આ ટેવ પાડી શકીએ. પરંતુ આપણે આદતની ભૂખના ગુલામ છીએ. ભૂખ લાગે ત્યારે ખાવું કેટાઈમ થાય ત્યારે ખાવું? ભૂખ લાગે ત્યારે ખાવું એ નિયમ એ લોકોને લાગુ પડે છે, જે રોજ નિયમિત સમયે જ ખાય છે. વચ્ચે વચ્ચે ખાવાની ટેવ વાળા માટે આ નિયમ નથી. એમને તો નિયમ કરવોજોઈએ કે ભૂખ લાગે ત્યારે જ ખાવું, એ પહેલા નહિ. આમ કરવાથી નેચરલ ભૂખને જગાવી શકીશું.
પુરુષ માટે 32 કોળિયા અને સ્ત્રી માટે 28 કોળિયા ખોરાક છે. એક કોળિયો એટલે કેટલું? પાછું મદ્રાસી વ્યક્તિ ખાય એટલે ખબર ન પડે કે કેટલા કોળિયા થયા. .એક કોળિયો એટલે લીબુંના કદ જેટલું ખાવું.ઉણોદરી આમ તો હંમેશા જ કરવી જોઇએ. બારે મહિના ઉપવાસ ન થઇ શકે પણ ઉણોદરી તો રોજ થઇ શકે ને? અમુક સમયે અને પ્રસન્ગે તો ખાસ ઉણોદરી કરવી જોઈએ. એકાસણું કરો ત્યારેખાસ ઉણોદરી પૂર્વક કરો, સ્વાદિષ્ટ વસ્તુ હોય ત્યારે ખાસ ઉણોદરી કરો, તપસ્યાનું પારણું કરો ત્યારે ખાસ ઉણોદરી કરો. સ્વાદિષ્ટ વસ્તુ ન હોય અને ખાવાનું ભાવે તેવું ન હોય ત્યારે તો સૌ કોઈ ઉણોદરીકરે, પણ એ મજબૂરી કહેવાય, ઉણોદરી નહિ. ઉણોદરી કરવાનો સ્વભાવ થઇ જવો જોઈએ.
ઉણોદરી કરવાના ઘણા બધા લાભ છે. ઉણોદરી કરનાર લાબું જીવે છે. આવું મહાવીર સ્વામી કહે છે અને આજના હાર્વર્ડ વિશ્વ વિદ્યાલયનું અનુસંધાન પણ એજ વાત કરે છે. ઉણોદરી કરનારની સ્ફૂર્તિ સારીરહે છે. એ ક્યારેય થાકતો નથી. આવી વ્યક્તિ આળસથી હંમેશા મુક્ત રહે છે. ઉણોદરી કરનારના ચહેરા ઉપર એક પ્રકારનું તેજ હોય છે. આવા લોકોની રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ તેજ હોય છે. વજનવધવાના પ્રોબ્લેમ ક્યારેય થતા નથી. પાચન તંત્ર સ્વસ્થ રહે છે. અનેક રોગો આવતા સહજ રીતે અટકી જાય છે.
દરેક જીવનું અંતિમ લક્ષ્ય છે – આત્મજ્ઞાન. આત્મ જ્ઞાન સમસ્ત અધ્યાત્મનું એક માત્ર અંતિમ બિંદુ છે. આજની આધુનિક ભાષામાં કહો તો આનંદની અનુભૂતિ દરેક જીવનું અંતિમ ધ્યેય છે. જૈન દર્શનમાં એના માટે બે પ્રકારની સાધના બતાવી છે એક સાધના સક્રિય છે અથવા પ્રવૃત્તિ પ્રધાન છે અને બીજી સાધના નિષ્ક્રિય છે એટલે કે નિવૃત્તિ પ્રધાન છે.. શરીરની સ્થિરતા, વાણીના મૌન અને મનની સ્થિરતા પૂર્વક જે સાધના થાય એ નિષ્ક્રિય કે નિવૃતિ પ્રધાન સાધના છે. જેમાં શરીર મન અને વાણી પ્રવૃત્ત હોય પણ એ દરેક પ્રવૃત્તિમાં જાગૃતિ હોય એ સક્રિય કે પ્રવૃત્તિ પ્રધાન સાધના છે. પ્રવૃત્તિમાં જાગૃતિ રાખવા માટે પહેલા નિષ્ક્રિય સાધના દ્રઢ કરી લેવી જરૂરી છે. નિષ્ક્રિય સાધના વગર સક્રિય સાધનામાં જાગૃતિ રહી શક્તિ નથી. નિવૃત્તિ એ સાધનાનું કેન્દ્ર છે અને પ્રવૃત્તિમાં સભાનતા એ સાધનાની પરિધિ છે કે પરિણામ છે. અહીં આપણે આજે સાધનાનું નિવૃત્તિ પ્રધાન સ્વરૂપ જોઈએ
જૈનધર્મ વાસ્તવિક દ્રષ્ટિએ કે નિશ્ચયનયની દ્રષ્ટિએ જુઓ તો નિવૃત્તિ પ્રધાન ધર્મ છે. ભગવાન મહાવીર નિવૃત્તિ ધર્મના પ્રણેતા છે. એમને નિવૃત્તિની સાધના કરી, આત્માનો અનુભવ કર્યો અને નિવૃત્તિનું દર્શન અને સાધનાનો માર્ગ જગતને આપ્યો. એમને કહ્યું કે ‘નિવૃત્તિ એ જ આત્માનો ગુણ અને સ્વરૂપ છે અને નિવૃત્તિના માર્ગ થકી જ ચૈતન્યનો સાક્ષાત્કાર થઇ શકે છે. પ્રવૃત્તિ તો વ્યવહાર ચલાવવા માટે છે. પ્રવૃત્તિ જીવનું ધ્યેય નથી અને ન હોવું જોઈએ. પ્રવૃત્તિ એ દેહથી જોડાયેલો ધર્મ છે. નિવૃત્તિ એ આત્માનો સ્વભાવ છે. ભગવાન મહાવીરે નિવૃત્તિ ધર્મનું પ્રતિપાદન કરતા ત્રણ સાધનાઓ બતાવી – ઠાણેણં – શરીરની સ્થિરતા,મોણેણં વાણીનું મૌન, ઝાણેણં – ધ્યાન એટલે કે મનની સ્થિરતા. શરીરની સ્થિરતાને જૈન દર્શનમાં કાય ગુપ્તિ કહેવાય છે, વાણીના મૌનને વચન ગુપ્તિ કહેવાય છે અને મનની સ્થિરતાને મનો ગુપ્તિ કહેવાય છે. આ ત્રણ સાધના પરિપક્વ થાય એટલે આત્માનુભૂતિનો દરવાજો ખૂલે છે.
કાયગુપ્તિ : કાયા એટલે શરીર અને ગુપ્તિ એટલે ગોપન કરવું, છુપાવવું, નિયંત્રણ કરવું. કાય ગુપ્તિ એટલે શરીરની સમસ્ત ઈચ્છાપૂર્વક થતી ક્રિયાઓને સ્થિર કરી દેવી. શરીરને સ્થિર રાખવું, આમ જુઓ તો આ અઘરી સાધના છે. કેમ કે આપણે ચંચળ વાતાવરણમાં જીવી રહ્યા છીએ. મનની અતિ ચંચળતા શરીરને પણ સ્થિર રહેવા દેતી નથી. ખાનપાન પણ હાયબ્રેડ અને કેમિકલ યુક્ત થઇ ગયું હોવાના કારણે શરીરની સ્થિરતા ગુમાવી દીધી છે. શરીરની વધુ પડતી ચંચળતાના કારણે બહુમૂલ્ય શક્તિઓનો હ્રાસ થાય છે. પરિણામે ઉંમર પહેલા જ શરીરમાં ઘડપણ દેખાવા લાગે છે, લોહીનું પ્રેશર વધી જાય છે, ઊંઘ બરાબર આવતી નથી. પરિણામે સ્વભાવ પણ ચિડિયો થઇ જાય છે. આ બધી કઠિનાઈઓથી બચવું હોય અને કર્મોની નિર્જરા – શુદ્ધિ કરવી હોય તો કાય ગુપ્તિનો અભ્યાસ કરો. ધ્યાનની મુદ્રામાં બેસીને સંકલ્પ કરો કે પાંચ મિનિટ સુધી ગમે તે થાય તો પણ હું શરીરને હલાવીશ નહિ. એકવાર સ્થિરતાનો સંકલ્પ કરીને બેસશો એટલે શરીર સ્થિર થઇ જશે. પહેલા પાંચ મિનિટ બેસો અને પછી ધીરે ધીરે સમય વધારતા જાઓ. 30 કે 40 મિનિટ સુધી સ્થિર બેસી શકો એવો અભ્યાસ કરો. સંકલ્પથી જો પાંચ મિનિટ સ્થિર બેસી શકાય તો પછી અભ્યાસ કરતા કરતા 30-40 મિનિટ પણ બેસી શકાશે. શરીર સ્થિર થતા જ ઘણા ખરા વિચારો ખરી પડશે, ભીતરની શાંતિ અને સ્થિરતા અનુભવાશે.
વચન ગુપ્તિ : વચન ગુપ્તિ એટલે વાણીનું મૌન. મૌનની સાધના અદભૂત અને ચમત્કારિક સાધના છે. શબ્દ આત્માનો ગુણ નથી, શબ્દ રહિત શૂન્યતા એ આત્માનો ગુણ છે. મૌનથી મનના વિકલ્પો પણ શમવા લાગે છે. મૌનના અનેક પ્રયોગો કે સ્તર છે.પહેલા વાણીનું મૌન કરો. નિર્ધારિત સમય માટે એક પણ શબ્દ ન ઉચ્ચારવાનો સંકલ્પ કરો. એક ચોક્કસ સમય નક્કી કરી શિસ્તબદ્ધ રીતે મૌનનો અભ્યાસ કરો. પછી બીજો પ્રયોગ કરો જેમાં વાણીનું મૌન સધાય પછી, ઇસારા કરવાનું પણ ત્યાગો, શરીરથી કોઈ ઈસારો ન કરવો એવો સંકલ્પ કરો. પછી ત્રીજો પ્રયોગ કરો જેમાં કોઈની વાત સાંભળવાનું મૌન કરો એટલે કે કાનનું પણ મૌન કરો. કાનથી જેટલા શબ્દો અંદર જશે એટલું તમારું મન સક્રિય થશે, વિચારો કે શિલશિલા શરુ હો જાયેગા. ચોથો પ્રયોગ કરો – જોવાનું પણ મૌન કરો એટલે કે આંખનું મૌન કરો. તમે જેવું જોશે એટલે વિચારો ચાલુ થશે. ભગવાન બુદ્ધે આને આર્ય મૌન કહ્યું છે. આ મૌન તમને તમારા શબ્દોના માલિક બનાવશે. બોલવામાં પણ એક જાગૃતિ આવશે. અંતર્મુખતાનો વિકાસ થશે. ચેતનાનું મુખ વિભાવ તરફથી સ્વાભાવ તરફ જવા લાગશે. શરૂઆતમાં આ મૌન કરવું ખૂબ કઠિન લાગશે પણ અભ્યાસ થશે પછી બોલવું નહિ ગમે. પરિવારની શાંતિ માટે ઘરના દરેક સભ્યએ રોજ 30 મિનિટનું મૌન પાડવું જોઈએ. ભગવાન મહાવીર સ્વામી એમના સાડા બાર વર્ષની સાધનામાં પ્રાયઃ મૌન રહ્યા હતા.
મનોગુપ્તિ : મનોગુપ્તિ એટલે મનની ગુપ્તિ, મનના વિચારોનું મૌન કરવું. આ સાધના સૌથી અઘરી છે. મન સતત સક્રિય હોય છે અને હવે તો સંપર્કના સાધનો વધ્યા એટલે મન ઊંઘમાં પણ સક્રિય હોય છે. અતિ પરિચય અને સંપર્ક મનને શાંત નથી થવા દેતું. મનના વિચારોને શાંત કરવાના બે ત્રણ ઉપાયો છે. પહેલો ઉપાય છે – શ્વાસ દર્શન સાધના. જેમાં ધ્યાનમાં બેસી આવતા જતા શ્વાસને ધ્યાનથી જુઓ. શ્વાસને જોશે એટલે શરૂઆતમાં ખૂબ વિચારો આવશે કેમકે આપણી અનાદિકાળની આદત છે. પરંતુ અભ્યાસ નિયમિત ચાલુ રાખવાથી ધીરે ધીરે વિચારોનો પ્રવાહ શાંત પડવા લાગે છે. શ્વાસને જોશે એટલે થોડીવારમાં મન બહાર ભાગશે, ફરી એને શ્વાસ પાર પાછું લાઓ, ફરી થોડીવારમાં પાછું જશે, ફરી પાછું લાઓ, આમ સતત કરવાથી મન પર પ્રેમાળ રીતે કાબૂ કરી શકાય છે. બીજો ઉપાય છે – વિચારોના સાક્ષી થવાનો. જે જે વિચારો આવે તેને માત્ર સાક્ષી બનીને જુઓ, એમાં જોડાવાનો પ્રયત્ન ન કરો. વિચારોને જોશે એટલે વિચારોનું જોર ઘટી જશે. વિચારોને જોવા એ જ એનું મૃત્યુ છે. એટલે વિચારો આવે તો એને રોકો પણ નહિ અને એની સાથે જોડાવ પણ નહિ. માત્ર એના સાક્ષી બનો. માત્ર તેને જુઓ.
આ ત્રણ ગુપ્તિ સધાય એટલે આત્માનો દરવાજો ખૂલે છે. હું આત્મા છું એવું રટણ કરવાથી કંઈ મળતું નથી, કોઈ અનુભવ પણ નથી થતો. અનુભવ તો આ પ્રક્રિયામાં પસાર થવાથી થાય છે. જૈન ધર્મનો માર્ગ જ આ સાધનાનો માર્ગ છે. ભગવાન મહાવીરનો માર્ગ મંત્ર સાધના કે ક્રિયાનો માર્ગ જ નથી, એમનો માર્ગ શુદ્ધ નિવૃત્તિનો માર્ગ છે. નિવૃત્તિ વિનાની કોરી પ્રવૃત્તિ અહંકાર વધારનારી સિદ્ધ થાય છે. માટે આત્માનો અનુભવ કે આનંદની અનુભૂતિ કરવી હોય તો આ જ એક સ્થાઈ માર્ગ છે. નિવૃત્તિ સધાય જાય પછી પ્રવૃત્તિ કર્તાભાવથી મુક્ત રીતે કરી શકાય છે. એની ચર્ચા આગળ કરીશું.
આજના સૂત્રોમાં કર્મ અને કર્મ બંધની અને પાપ – પુણ્યની ચર્ચા કરીશું. પાપ શું છે અને પુણ્ય શું છે? આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ, એમાં પાપ છે કે પ્રવૃત્તિ કરનારમાં? ચોરી કરવી એ પાપ છે કે ચોરી કરનારની ભાવ દશામાં પાપ છે? દાન કરવું એ પુણ્ય છે કે દાન કરનારની આંતરિક ચેતનામાં? કૃત્ય – પ્રવૃત્તિ મહત્વની છે કે અંદરનો અભિપ્રાય? આ મનુષ્ય જગતનો જૂનો અને શાશ્વત પ્રશ્ન છે. નીતિશાસ્ત્ર કૃત્યનો વિચાર કરે છે કે શું કરવું અને શું ન કરવું? ધર્મ કર્તાનો કે કર્મ કરનારનો વિચાર કરે છે. કર્મ કરનાર કેવો હોવો જોઈએ, કેવો ન હોવો જોઈએ?.જયારે પહેલીવાર ઉપનિષદનો પશ્ચિમી ભાષામાં અનુવાદ થયો તો ત્યાંના વિચારકોને નવાઈ લાગી કે એમાં ઈસાઈ ધર્મની જેમ દસ આજ્ઞા જેવી કોઈ વાતો નથી. ચોરી ન કરો, વ્યભિચાર ન કરો, સેવા કરો, દાન કરો એવા કોઈ આદેશ ત્યાં નથી. પશ્ચિમી ધર્મો જે કરવા – ન કરવાના આદેશ ઉપર ટકેલા છે. લાગ્યું હશે કે ઉપનિષદ ધર્મ ગ્રંથ નહિ હોય, પણ એ ધર્મ ગ્રંથ છે.
મહાવીરની દ્રષ્ટિએ પણ કરવા, ન કરવાની આજ્ઞા આપવી એ નીતિનું કામ છે, ધર્મનું નહિ. નૈતિક એમને થવું પડે છે જે ધાર્મિક નથી.ધાર્મિક વ્યક્તિ નીતિથી ઉપર ઉઠી જાય છે. કેમકે એમને આત્માનો મૂળ શ્રોત પામી લીધો હોય છે..જેમ કે એક આંધળા માણસને લાકડીની મદદ લેવી પડે છે,જેને આંખ છે એમને લાકડીની જરૂર નથી. નીતિ કામચલાઉ લાકડી છે, અધાર્મિક માણસના હાથમાં પકડાવવી પડે છે. જેમની પાસે ભીતરની આંખ નથી, એમને બહારના નિયમો પકડવા પડે છે. આ ભારતીય અને પશ્ચિમી ધર્મોમાં બુનયાદી ફરક છે..નીતિ એક સામાજિક વ્યવસ્થા છે, ધર્મ એક આધ્યાત્મિક જાગરણ છે. બહાર જેટલા નિયમો વધારે એટલો માણસ અંદરથી સૂતેલો છે અને જેટલો માણસ અંદરથી જાગૃત છે પછી નિયમની કોઈ જરૂરત નથી. કાનૂન એટલા માટે છે કે માણસ ખોટા છે. લાઓત્સે કહ્યું છે કે નીતિનો જન્મ જ ત્યારે થાય છે જયારે માણસ ધર્મ શૂન્ય હોય છે. જયારે ભીતરનો તાઓ – સ્વભાવ નષ્ઠ થઇ જાય છે ત્યારે બહાર નિયમો ગોઠવવા પડે છે. ભારતીય ધર્મોનું એક વાત પાર જોર છે કે ભીતરની ચેતના પરિશુદ્ધ હોવી જોઈએ. ચેતના શુદ્ધ હશે તો આચરણ પોતાની મેળે શુદ્ધ થઇ જશે. તમે શું કરો છો એનું મૂલ્ય નથી, તમે શું છો તેનું મૂલ્ય છે.ભીતર તમે ખોટા હશો અને બહાર આચરણ સારું કરવા જશો તો એ પાખંડ સિવાય બીજું કશું નથી..મહાવીરના આ સૂત્રો અંદરથી જાગવા માટેના સૂત્રો છે..
ગૌતમ સ્વામીએ એકવાર પ્રભુ મહાવીરને પૂછ્યું –
કહં ચરે કહં ચિટ્ઠે કહં આશે કહં સયે,
કહં ભૂંજનતો ભાષનતો પાવ કમં ન બંધઈ ।
એટલે કે ‘હું કેવી રીતે ચાલુ, કેવી રીતે બેસું, કેવી રીતે ઠહેરુ, કેવી રીતે ઊંઘું, કેવી રીતે ખાઉં અને કેવી રીતે બોલું કે જેથી પાપ કર્મનો બંધ ન થાય?’
અહીં પૂછનાર કૃત્યો વિષે પૂછે છે કે કેવી રીતે ચાલુ, બેસું વગેરે. આવો જ પ્રશ્ન ગીતામાં અર્જુને શ્રીકૃષ્ણને પૂછ્યો હતો કે સ્થિતપ્રજ્ઞની ભાષા કેવી હોય, વ્યવહાર કેવો હોય? જોર એ વાત ઉપર છે કે અમે શું કરીએ કે પાપ કર્મનું બંધન ન થાય? જોર કર્મ ઉપર છે.. મહાવીર જે જવાબ આપે છે એમાં જોર કર્મ ઉપર નથી, જોર કર્તા ઉપર છે. પ્રશ્ન છ પૂછયા છે પણ જવાબ એક જ છે – ‘જયં’ એટલે કે યતના પૂર્વક કોઈ પણ ક્રિયા કરો. ક્રિયાનું મૂલ્ય નથી, યતનાનું મૂલ્ય છે. યતનાનો અર્થ છે જાગૃતિ પૂર્વક કંઈ પણ કરવું. જૈન પંડિતો પણ આનો ખોટો અર્થ કરે છે – જયં એટલે સંયમ એવો અર્થ કરે છે. જયંનો અર્થ સંયમ નથી, જાગૃતિ છે. પ્રશ્ન વ્યવહાર કેન્દ્રિત છે પણ જ્ઞાનીનો જવાબ નિશ્ચય કેન્દ્રિત છે. સાધકનો સવાલ બહિર્મુખી પ્રવૃત્તિ કેમ કરવી એનો જવાબ જ્ઞાની અંતર્મુખી દ્રષ્ટિકોણથી આપે છે. શું કરવું એ એટલું મહત્વનું નથી, જે કરો તે દરેક ક્રિયા સભાન અવસ્થામાં કરવી. મહાવીર તેને સમિતિ કહે છે. સમિતિ એટલે સમ્યક પ્રવૃત્તિ. આવી પાંચ સમિતિ સાધક માટે બતાવી છે.
પહેલી સમિતિ છે – ઈર્યા સમિતિ – જાગૃતિ પૂર્વક ચાલવું. આપણે તો ઊંઘમાં જ ચાલીએ છીએ.ચાલતી વખતે મગજમાં પચાસો વિચાર ચાલતા હોય છે. આ આદત અનેક જન્મોની છે. આ બેહોશીની આદતને તોડવી અઘરી છે, એક મોટી તપશ્ચર્યા છે. અનેક વર્ષોની સાધના અને પ્રયાસ પછી આવી જાગૃતિ આવી શકે છે. ધીરે ધીરે પ્રયોગ કરો. જાગૃતિ અને હોશ પૂર્વક ચાલો. ચાલતા આવડે તો ચાલવું એ માત્ર શારીરિક કસરત જ નથી, ધ્યાનની પરમ અવસ્થા પણ છે. જયારે ચાલો ત્યારે ધ્યાન રાખો કે તમારું ચિત્ત ચાલવાની ક્રિયામાં એકાગ્રચિત્ત રહે. દસ – વીસ કદમ જાગૃતિ રહેશે અને ફરી પાછી બેહોશી પકડી લેશે. પરંતુ હાર માન્ય વગર અને નિરાશ થયા વિના આ પ્રયોગ ચાલુ રાખશો તો ચોક્કસ સફળતા મળશે. ચાલો ત્યારે જે કંઈ સહજ રીતે બની રહ્યું છે એના પ્રત્યે સજાગ રહો. આ સજાગતા તમને બંધનમાંથી બહાર લાવશે. લાખોમાં ચાર છ માણસો આવી રીતે જાગૃતિ પૂર્વક ચાલતા હશે. એટલે જ બુદ્ધ અને મહાવીર અને કૃષ્ણની જાગૃતિનું મહત્વ છે. દરેક ક્રિયા હોશ પૂર્વક કરવી એ સમિતિ છે. ઇર્યા સમિતિ એટલે જાગૃતિ પૂર્વક ચાલવું. સાધુની જીવન ચર્યામાં વિહાર પ્રમુખ છે. એ વિહાર એટલે જ ચાલવું. આ ચાલવાની ક્રિયામાં ભીતરી તત્વ સજગ રહેવું જોઈએ. એટલે કે ચાલતી વખતે પણ ધ્યાનમય દશા રહેવી જોઈએ. ભગવાન મહાવીરે સાધુની પરિભાષા જ એ કરી છે કે : સૂત્તા અમુનિ – અસુત્તા મુનિ – જે સૂતેલો છે તે અમુનિ છે અને જે જાગેલો છે તે મુનિ છે.
બીજી સમિતિ છે – ભાષા સમિતિ. બોલતી વખતે પણ ચેતનાની જાગૃતિ રહેવી જોઈએ. સાધક ક્યારેય બેહોશીમાં ન બોલે. આ બેહોશી જ પાપ છે. બોલતી વખતે આવેશ આવી ગયો એનો અર્થ છે તમે બેહોશ થાય ગયા છો. હોશમાં હોવ તો આવેશનો પ્રશ્ન જ નથી ઉઠતો. આજે બધા પ્રોબ્લેમ આ વાણીની ઉંછુંખલતાએ જ તો ઉભા કાર્ય છે. કેમ આપણાથી કટુ બોલાઈ જવાય છે કેમ કે ભીતર તમે બેહોશ છો. બોલતી વખતે એટલા સાવધાન રહો કે તમે એક એક શબ્દ જાગૃતિ પૂર્વક બોલી શકો. બેહોશીમાં બોલવું એ જ બંધન છે, એમાં જ હિંસા છે – પોતાની અને અન્યની. હોશમાં બોલશો તો શક્તિનો સંચય થશે અને બેહોશીમાં બોલશો તો શક્તિ નષ્ઠ થશે. જો બોલવામાં જાગૃતિ હશે તો મુખમાંથી કટુ શબ્દો નહિ નીકળે, અનાવશ્યક શબ્દો પણ વિરામ પામશે.
ત્રીજી સમિતિ છે – એષણા સમિતિ : એષણા એટલે દોષ ટાળીને આહારની શોધ કરવી. સાધુ ભિક્ષાજીવી છે એટલે એ અલગ અલગ ઘરોમાંથી આહાર ગ્રહણ કરે છે. આહાર ગ્રહણ કરતી વખતે સાવધાની રાખવી કે હિંસા આદિનો કોઈ દોષ ન લાગે અને આહાર લેતી વખતે એટલા સાવધાન અને હોશમાં રહેવું કે ક્યાંય કોઈ વસ્તુ પર આશક્તિ ન જાગે. સાધુ માટે મર્યાદા છે કે 42 દોષો ટાળીને આહારની ગવેષણા કરે. મૂળમાં તો સાવધાની અને જાગૃતિ જ છે. સાધુ જો જાગૃત હશે તો નિર્દોષ આહાર જ ગ્રહણ કરશે. એ સાવધાની નહિ હોય તો સાધુ પર ગુરુ અનેક નિયમો થોપશે. જેટલા નિયમો વધે છે એટલી જ જાગૃતિ ઓછી હોય છે.
ચોથી સમિતિ છે – આદાન નિક્ષેપ સમિતિ: વસ્ત્ર-પાત્રાદિ કોઈ પણ વસ્તુ પૂંજી – પ્રમાજીને લેવી-મૂકવી તે આદાન નિક્ષેપ સમિતિ છે. આમાં પણ સાવધાની છે. પૂર્ણ સજગ અને જાગૃત રહી વસ્ત્ર પાત્ર લેવા અને મુકવા. સાધુના હાથે વસ્ત્ર ફાટી જાય કે પાત્ર હાથમાંથી છટકી જાય એનો અર્થ થયો કે જાગૃતિનો અભાવ છે. વસ્ત્ર પાત્ર તો માત્ર ઉદાહરણ છે. સાધુ કોઈ પણ વસ્તુ લે કે મૂકે એમાં પૂરેપૂરી સજગતા રહેવી જોઈએ. પુસ્તક – ગ્રંથ કે અન્ય કોઈ પણ વસ્તુમાં હોશનો દીપક પ્રગટેલો રહેવો જોઈએ.
પાંચમી સમિતિ છે – પરિષ્ઠાપનિકા સમિતિ : એટલે મૂળ-મૂત્ર બળખો વગેરે જાગૃતિ પૂર્વક પરઠવો. સાધુ ગમે ત્યાં થુંકે નહિ કે ગમે ત્યાં શૌચ – ઉત્સર્ગ માટે ન જાય. પોતાનો હોશ પણ જાળવી રાખવો અને કોઈ જીવની હિંસા ન થાય એની પૂરેપૂરી સાવધાની રાખવી. મૂળ તો સાધુ માટે આવા હિંસાત્મક સ્થાનોમાં રહેવું પણ દોષ યુક્ત છે. સાધુ પોતાની સ્થાન માટે એવું સ્થાન પસંદ કરે છે કે ત્યાં કોઈ જીવની હિંસા ન થાય. આજની પરિસ્થિતિ જરા વિચિત્ર છે. આજે કેટલા સાધુ ઈર્યા સમિતિ પૂર્વક વિહાર કરે છે? કેટલા સાધુઓ બોલવામાં સાવધાન હોય છે? કેટલા સાધુઓ નિર્દોષ આહાર ગ્રહણ કરે છે? રસોડા ચાલતા હોય ત્યાં સાધુને આહાર લેવો નિર્દોષ નથી. કેટલા સાધુઓ વસ્ત્રોને અને અન્ય વસ્તુઓ લેતી મુક્તિ વખતે સજગ હોય છે? મહાવીરનો સાધુ તો પૂર્ણ હોશ પૂર્વક જીવતો હોય છે.
દુર્યોધને કહેલું હું પાપને જાણું છું પણ છોડી શકતો નથી અને હું ધર્મને જાણું છું પણ તેને આચરી શકતો નથી. આ અવાજ માત્ર દુર્યોધનનો જ નથી, આપણા બધાનો પણ છે. આપણે જાણીએ છીએ કે સાચું શું છે અને ખોટું શું છે, છતાં પણ મોહ અને મમતાના કારણે સત્યના માર્ગે ચાલી શકતા નથી અને અસત્યનો માર્ગ છોડી શકતા નથી અને તેને પરિણામે અનેક તકલીફોનો ભોગ બનવું પડે છે. આવુ જ એક પાપ છે – રતિ અને અરતિ. રતિ એટલે રુચિકર લાગવું,ગમવું,સારું લાગવું, લગાવ થવો, રાગભાવ જાગવો અને એમાં સુખનો આભાસ થવો. અરતિ એટલે અરુચિ, અણગમો, દ્વેષ,અપ્રિય લાગવું અને એમાં દુઃખ અનુભવવું. ગમો જ અણગમો બને છે, રાગ જ દ્વેષનું કારણ બને છે, જે ગમે છે એ જ થોડા સમયમાં વૈરાગ્ય જન્માવે છે, પણ આ વૈરાગ્ય સાચો નથી, માત્ર ક્રિયાની પ્રતિક્રિયા છે. જીવ ફરી પાછો નવી ગમતી વસ્તુઓ કે વ્યક્તિ પાછળ ગાંડો -ઘેલો બને છે. સુખ ભોગાવાની લાલસા રતિનું મૂળ છે અને દુઃખથી બચવાની વૃત્તિ અરતિના મૂડમાં છે.
માણસનું મન ક્ષણભંગુરના સુખમાં અટવાયેલું રહે છે. મન શોધે છે સ્થાઈ તૃપ્તિ પણ જ્યાં શોધે છે એ જગ્યા ખોટી છે. બહારના વ્યક્તિમાં કે વસ્તુમાં સ્થાઈ તૃપ્તિ સંભવ જ નથી. સ્થાઈ તૃપ્તિ આત્મદશામાં છે એ માણસ ભૂલી ગયો છે. આકર્ષણ એટલે રતિ અને અનાકર્ષણ કે અરુચિ એટલે અરતિ. જૈન દર્શનમાં અઢાર પાપમાંનું આ પંદરમું પાપ છે- રતિ – અરતિ. સુખ દુઃખ, રાત અને દિવસ, શરદી અને ગરમી જેમ એક જ સિક્કાની બે બાજુઓ છે એમ રતિ અને અરતિ એ પણ એક જ સિક્કાની બે બાજુઓ છે. દિવસ અને રાત જેમ એકલા હોતા નથી એમ રતિ અને અરતિ એકલા રહેતા નથી.
હા, કદાચ બંને વચ્ચે સમયનું અંતર હોઈ શકે. પત્ની પરની આજની રતિને અરતિમાં બદલાતા કદાચ મહિનો, વર્ષ કે દસ વર્ષ લાગે પણ રતિનો સ્વભાવ જ અરતિમાં બદલવાનો છે. આ બંને ભાવો ક્ષણિક છે. માણસને જે વસ્તુ કે વ્યક્તિ ગમે છે એ ત્યાં સુધી જ કે એ એના મનને સુખ આપે અને એના મન પ્રમાણે ચાલે. જેવી આમાં અહંકારના ઘર્ષણથી કંઈક ગડબડ ઉભી થઇ એટલે તરત એના પ્રત્યે અરુચિનો ભાવ જાગશે. વસ્તુ કે વ્યક્તિમાં કોઈ રસ કે નિરસતા નથી. રતિ – અરતિનું ઉત્પન્ન સ્થાન મન જ છે. મારુ મન જ આ પ્રકારની કલ્પનાઓ કરે છે. મન પોતે ચંચળ છે એટલે એની વૃત્તિઓ પણ એટલી જ ક્ષણિક રહેવાની. સવારના નાસ્તામાં ભાવતા ખાખરા બપોરે જમવામાં ભાવતા નથી અને સાંજે ભોજનમાં ભાવતી ખીચડી સવારે નાસ્તામાં ખાવી ગમતી નથી. આરોગ્ય સારું હોય ત્યારે સોની નોટ પણ ગમે છે અને કેન્સરનું નિદાન થઇ ગયા પછી કરોડોની કમાણીના સમાચાર પણ સાંભળવા ગમતા નથી.
આ રતિ અને અરતિને પાપ ખોલતા માટે કહ્યું છે કે જીવ ખોટા માર્ગે સુખ શોધવામાં જીવનની અમૂલ્ય ક્ષણો વેડફી નાખે છે. સુખના ખોટા આકર્ષણો પાછળ અને દુઃખના અણગમા પાછળ જૂઠ, દંભ,બેઈમાની, સંગ્રહખોરી, હિંસા, વિશ્વાસઘાત જેવા અનેક બીજા પાપો પણ કરે છે. આ બધું કરવામાં પોતાની જાતને ભૂલી જાય છે, ફાઈનલી એ પોતાની સાથે જ બેઈમાની કરવા લાગે છે. એમાંથી જન્મે છે આર્ત્ત અને રૌદ્ર ધ્યાન એટલે કે પોતાને દુઃખી કરવું કે અન્યને દુઃખી કરવું.
સાચા સુખનો માર્ગ એક જ છે મનુષ્ય સારી નરસી બંને સ્થિતિમાં સમભાવ રાખી પોતાની શક્તિઓને ઓળખે અને તેનો સદુપયોગ કરે. જૈન શાસનમાં ભગવાન મહાવીર સ્વામીના સમયમાં થઇ ગયેલ મહાસતી સુલસાની વાત જાણવા જેવી છે. મહાસતી સુલસા જેવી પરમ શ્રાવિકાને કોઈ સંતાન નથી. નાગ સારથી નામના એમના પતિએ દેવ સાધનામાં સફળતા પ્રાપ્ત કરી અને દૈવી ફળ સુલસાને ખવડાવ્યું અને યોગાનુયોગ ભવિતવ્યતા વશ સુલસાએ બત્રીશ બાળકોને જન્મ આપ્યો. આ બત્રીશ બાળકો મગધના સમ્રાટ શ્રેણિકના અંગ રક્ષક બન્યા અને ચેડારાજાના યુદ્ધમાં બત્રીસે પુત્રો મરી ગયા. જયારે આ સમાચાર સુલસાને મળ્યા ત્યારે વિચારો સુલસાનું શું થયું હશે?
પરંતુ નવાઈની વાત એ છે કે આપણા કરતા ઉલ્ટી જ ઘટના બને છે. આવી વિકટ સ્થિતિમાં પણ સુલસાએ અંશ માત્ર પણ કલ્પાંત કર્યું નથી. બત્રીશ પુત્રો ન હતા ત્યારે પણ કોઈ રતિ કે આકર્ષણ નહોતું અને હવે પુત્રો નથી રહ્યા તો પણ કોઈ શોક નથી. સંસાર છે પરિસ્થતિઓ આવે ને જાય. સંયોગ વિયોગના ગર્ભને ધારણ કરીને જ જન્મ લે છે. આપણે સૌએ બોધ લેવો રહ્યો કે અનુકૂળતામાં રતિ રાખવી અને પ્રતિકૂળતામાં અરતિ કે અરુચિ રાખવી બંને દુઃખદાયી છે. અરતિ દુઃખદાઈ છે એ તો બધાને સમજાય એવી બાબત છે પણ રતિ પણ દુઃખદાયી છે એ માત્ર જ્ઞાનીને સમજાય છે.
જેના પ્રત્યે વધુ મોહ અને લગાવ હોય છે એ જ દુઃખનું કારણ બને છે શું આવું અનેકવાર અનુભવ્યું નથી. જેની સાથે મોહના સંબંધો બાંધ્યા હોય છે એ જયારે આ સંસારથી વિદાય લે છે ત્યારે કેટલું દુઃખ થાય છે. એ દુઃખ વ્યક્તિ જવાથી નથી થયું પણ એ વ્યક્તિમાં સુખ બુદ્ધિ છે એટલે થયું છે. એ ગયેલી વ્યક્તિ પ્રત્યે પણ કોઈ ભાવ નથી હોતો પરંતુ એનાથી મારો સ્વાર્થ સિદ્ધ થતો હતો એ હવે સિદ્ધ નહિ થાય એટલે હું દુઃખી થાઉં છે. કોઈ કોઈ માટે નથી રોતું યાર, માણસ પોતાના જ કોઈ તુચ્છ સ્વાર્થ ખાતર રોતો હોય છે. કહ્યું છે ને કે ‘ કોઈ કિસી કે ખાતિર નહિ રોતા, સબકો અપની હી કિસી બાત પર રોના આયા.’ માણસ ભીતરમાં સાચા પ્રેમને પામે પછી જ બધું સાચું થતું હોય છે, એ પહેલા બધું જ ડ્ર્રામા માત્ર છે. સુલસાની જેમ ભીતરી તત્વનો બોધ થઇ જાય પછી બહાર સુખ દુઃખનું કે રતિ – અરતિનું કોઈ કારણ રહેતું નથી.