દુર્યોધને કહેલું હું પાપને જાણું છું પણ છોડી શકતો નથી અને હું ધર્મને જાણું છું પણ તેને આચરી શકતો નથી. આ અવાજ માત્ર દુર્યોધનનો જ નથી, આપણા બધાનો પણ છે. આપણે જાણીએ છીએ કે સાચું શું છે અને ખોટું શું છે, છતાં પણ મોહ અને મમતાના કારણે સત્યના માર્ગે ચાલી શકતા નથી અને અસત્યનો માર્ગ છોડી શકતા નથી અને તેને પરિણામે અનેક તકલીફોનો ભોગ બનવું પડે છે. આવુ જ એક પાપ છે – રતિ અને અરતિ. રતિ એટલે રુચિકર લાગવું,ગમવું,સારું લાગવું, લગાવ થવો, રાગભાવ જાગવો અને એમાં સુખનો આભાસ થવો. અરતિ એટલે અરુચિ, અણગમો, દ્વેષ,અપ્રિય લાગવું અને એમાં દુઃખ અનુભવવું. ગમો જ અણગમો બને છે, રાગ જ દ્વેષનું કારણ બને છે, જે ગમે છે એ જ થોડા સમયમાં વૈરાગ્ય જન્માવે છે, પણ આ વૈરાગ્ય સાચો નથી, માત્ર ક્રિયાની પ્રતિક્રિયા છે. જીવ ફરી પાછો નવી ગમતી વસ્તુઓ કે વ્યક્તિ પાછળ ગાંડો -ઘેલો બને છે. સુખ ભોગાવાની લાલસા રતિનું મૂળ છે અને દુઃખથી બચવાની વૃત્તિ અરતિના મૂડમાં છે.
માણસનું મન ક્ષણભંગુરના સુખમાં અટવાયેલું રહે છે. મન શોધે છે સ્થાઈ તૃપ્તિ પણ જ્યાં શોધે છે એ જગ્યા ખોટી છે. બહારના વ્યક્તિમાં કે વસ્તુમાં સ્થાઈ તૃપ્તિ સંભવ જ નથી. સ્થાઈ તૃપ્તિ આત્મદશામાં છે એ માણસ ભૂલી ગયો છે. આકર્ષણ એટલે રતિ અને અનાકર્ષણ કે અરુચિ એટલે અરતિ. જૈન દર્શનમાં અઢાર પાપમાંનું આ પંદરમું પાપ છે- રતિ – અરતિ. સુખ દુઃખ, રાત અને દિવસ, શરદી અને ગરમી જેમ એક જ સિક્કાની બે બાજુઓ છે એમ રતિ અને અરતિ એ પણ એક જ સિક્કાની બે બાજુઓ છે. દિવસ અને રાત જેમ એકલા હોતા નથી એમ રતિ અને અરતિ એકલા રહેતા નથી.
હા, કદાચ બંને વચ્ચે સમયનું અંતર હોઈ શકે. પત્ની પરની આજની રતિને અરતિમાં બદલાતા કદાચ મહિનો, વર્ષ કે દસ વર્ષ લાગે પણ રતિનો સ્વભાવ જ અરતિમાં બદલવાનો છે. આ બંને ભાવો ક્ષણિક છે. માણસને જે વસ્તુ કે વ્યક્તિ ગમે છે એ ત્યાં સુધી જ કે એ એના મનને સુખ આપે અને એના મન પ્રમાણે ચાલે. જેવી આમાં અહંકારના ઘર્ષણથી કંઈક ગડબડ ઉભી થઇ એટલે તરત એના પ્રત્યે અરુચિનો ભાવ જાગશે. વસ્તુ કે વ્યક્તિમાં કોઈ રસ કે નિરસતા નથી. રતિ – અરતિનું ઉત્પન્ન સ્થાન મન જ છે. મારુ મન જ આ પ્રકારની કલ્પનાઓ કરે છે. મન પોતે ચંચળ છે એટલે એની વૃત્તિઓ પણ એટલી જ ક્ષણિક રહેવાની. સવારના નાસ્તામાં ભાવતા ખાખરા બપોરે જમવામાં ભાવતા નથી અને સાંજે ભોજનમાં ભાવતી ખીચડી સવારે નાસ્તામાં ખાવી ગમતી નથી. આરોગ્ય સારું હોય ત્યારે સોની નોટ પણ ગમે છે અને કેન્સરનું નિદાન થઇ ગયા પછી કરોડોની કમાણીના સમાચાર પણ સાંભળવા ગમતા નથી.
આ રતિ અને અરતિને પાપ ખોલતા માટે કહ્યું છે કે જીવ ખોટા માર્ગે સુખ શોધવામાં જીવનની અમૂલ્ય ક્ષણો વેડફી નાખે છે. સુખના ખોટા આકર્ષણો પાછળ અને દુઃખના અણગમા પાછળ જૂઠ, દંભ,બેઈમાની, સંગ્રહખોરી, હિંસા, વિશ્વાસઘાત જેવા અનેક બીજા પાપો પણ કરે છે. આ બધું કરવામાં પોતાની જાતને ભૂલી જાય છે, ફાઈનલી એ પોતાની સાથે જ બેઈમાની કરવા લાગે છે. એમાંથી જન્મે છે આર્ત્ત અને રૌદ્ર ધ્યાન એટલે કે પોતાને દુઃખી કરવું કે અન્યને દુઃખી કરવું.
સાચા સુખનો માર્ગ એક જ છે મનુષ્ય સારી નરસી બંને સ્થિતિમાં સમભાવ રાખી પોતાની શક્તિઓને ઓળખે અને તેનો સદુપયોગ કરે. જૈન શાસનમાં ભગવાન મહાવીર સ્વામીના સમયમાં થઇ ગયેલ મહાસતી સુલસાની વાત જાણવા જેવી છે. મહાસતી સુલસા જેવી પરમ શ્રાવિકાને કોઈ સંતાન નથી. નાગ સારથી નામના એમના પતિએ દેવ સાધનામાં સફળતા પ્રાપ્ત કરી અને દૈવી ફળ સુલસાને ખવડાવ્યું અને યોગાનુયોગ ભવિતવ્યતા વશ સુલસાએ બત્રીશ બાળકોને જન્મ આપ્યો. આ બત્રીશ બાળકો મગધના સમ્રાટ શ્રેણિકના અંગ રક્ષક બન્યા અને ચેડારાજાના યુદ્ધમાં બત્રીસે પુત્રો મરી ગયા. જયારે આ સમાચાર સુલસાને મળ્યા ત્યારે વિચારો સુલસાનું શું થયું હશે?
પરંતુ નવાઈની વાત એ છે કે આપણા કરતા ઉલ્ટી જ ઘટના બને છે. આવી વિકટ સ્થિતિમાં પણ સુલસાએ અંશ માત્ર પણ કલ્પાંત કર્યું નથી. બત્રીશ પુત્રો ન હતા ત્યારે પણ કોઈ રતિ કે આકર્ષણ નહોતું અને હવે પુત્રો નથી રહ્યા તો પણ કોઈ શોક નથી. સંસાર છે પરિસ્થતિઓ આવે ને જાય. સંયોગ વિયોગના ગર્ભને ધારણ કરીને જ જન્મ લે છે. આપણે સૌએ બોધ લેવો રહ્યો કે અનુકૂળતામાં રતિ રાખવી અને પ્રતિકૂળતામાં અરતિ કે અરુચિ રાખવી બંને દુઃખદાયી છે. અરતિ દુઃખદાઈ છે એ તો બધાને સમજાય એવી બાબત છે પણ રતિ પણ દુઃખદાયી છે એ માત્ર જ્ઞાનીને સમજાય છે.
જેના પ્રત્યે વધુ મોહ અને લગાવ હોય છે એ જ દુઃખનું કારણ બને છે શું આવું અનેકવાર અનુભવ્યું નથી. જેની સાથે મોહના સંબંધો બાંધ્યા હોય છે એ જયારે આ સંસારથી વિદાય લે છે ત્યારે કેટલું દુઃખ થાય છે. એ દુઃખ વ્યક્તિ જવાથી નથી થયું પણ એ વ્યક્તિમાં સુખ બુદ્ધિ છે એટલે થયું છે. એ ગયેલી વ્યક્તિ પ્રત્યે પણ કોઈ ભાવ નથી હોતો પરંતુ એનાથી મારો સ્વાર્થ સિદ્ધ થતો હતો એ હવે સિદ્ધ નહિ થાય એટલે હું દુઃખી થાઉં છે. કોઈ કોઈ માટે નથી રોતું યાર, માણસ પોતાના જ કોઈ તુચ્છ સ્વાર્થ ખાતર રોતો હોય છે. કહ્યું છે ને કે ‘ કોઈ કિસી કે ખાતિર નહિ રોતા, સબકો અપની હી કિસી બાત પર રોના આયા.’ માણસ ભીતરમાં સાચા પ્રેમને પામે પછી જ બધું સાચું થતું હોય છે, એ પહેલા બધું જ ડ્ર્રામા માત્ર છે. સુલસાની જેમ ભીતરી તત્વનો બોધ થઇ જાય પછી બહાર સુખ દુઃખનું કે રતિ – અરતિનું કોઈ કારણ રહેતું નથી.