જીવનનું પરમ ધ્યેય છે – સિદ્ધિ. સિદ્ધિ એટલે પરમપદની પ્રાપ્તિ. સિદ્ધિ એટલે જન્મ મરણથી સદા માટેનો છુટકારો. સિદ્ધિ એટલે સમસ્ત કર્મોથી સદાને માટે મુક્તિ. સિદ્ધિ એટલે આત્મજ્ઞાનનું પ્રાગટ્ય થઇ જવું. આવી સિદ્ધિ પામવા માટે શુદ્ધિ જોઈએ. શુદ્ધિ વગર સિદ્ધિ નથી. શુદ્ધિ એટલે ઇન્દ્રિય અને મનના માલિક થવું. શુદ્ધિ એટલે સંચિત્ત કર્મોથી મુક્ત થવું. શુદ્ધિ એટલે આવેગો, વિકારો અને સંવેગોથી છુટકારો મેળવવો. આવી શુદ્ધિ મેળવવા માટે સાધના કરવી પડે. સાધના વગર શુદ્ધિ નથી. સાધના એટલે મન અને ભાવોને કેળવવાનો પ્રયોગાત્મક ઉપક્રમ. સાધના એટલે આત્માને જાણવાની આરાધના. સાધના એટલે પોતાનામાં સ્થિર થઇ પોતાને પામવાનો ધ્યાનનો સઘન પુરુષાર્થ કરવો. સાધના એટલે સંચિત્ત કર્મોથી મુક્ત થવાની પ્રાયોગિક પ્રક્રિયામાં પસાર થવું. આમ, સિદ્ધિ માટે શુદ્ધિ જોઈએ અને શુદ્ધિ માટે સાધના જોઈએ.
દરેક ધર્મ પરંપરામાં આવી સાધનાઓ બતાવી છે. સાધના જ ધર્મને પ્રાણવાન બનાવે છે. જે ધર્મમાં સાધના નથી એ ધર્મનું અસ્તિત્વ જોખમમાં છે. માત્ર ભક્તિ કે જડ ક્રિયાકાંડોથી ધર્મ પ્રાણવાન બનતો નથી. જૈન ધર્મમાં ભગવાન મહાવીરે આવી સાધના ઉપર સૌથી વધુ બળ આપ્યું છે. ભગવાન મહાવીરે સંચિત્ત કર્મોથી મુક્તિ માટેની બાર સાધનાઓ બતાવી છે. જૈન ધર્મમાં સંચિત્ત કર્મોને મુક્ત થવાને ‘નિર્જરા’ કહેવામાં આવે છે. આ સાધનામાં પ્રવેશ કરતા પહેલા આ નિર્જરા બાબત કે સંચિત્ત કર્મોની એક સામાન્ય સમજ મેળવી લઈએ. જૈન ધર્મમાં બે પ્રકારની નિર્જરા કહેવાય છે – સવિપાક નિર્જરા અને અવિપાક નિર્જરા. સવિપાક નિર્જરા એટલે પોતાના સમયે જે કરેલા કર્મો ઉદયમાં આવે અને સારું નરસું ફળ આપે તેને સવિપાક નિર્જરા કહેવાય અને સલક્ષ્ય સાધના કરીને પ્રયત્ન પૂર્વક, કર્મ ઉદયમાં આવે તે પહેલા જે કર્મોની નિર્જરા કરવામાં આવે તેને અવિપાક નિર્જરા કહેવાય. સત્તામાં પડેલા પૂર્વ કર્મોને પોતાની સમજ અને આવડતથી એ ફળ આપે તે પહેલા જ તેને ભોગવી લેવા તે અવિપાક નિર્જરા છે.
જ્ઞાનીઓ સાધના દ્વારા અવિપાક નિર્જરા કરે છે અને અજ્ઞાનીઓ સવિપાક નિર્જરા કરે છે અને એ સવિપાક નિર્જરામાં જો સમતા ન રહે તો પાછા નવા અશુભ કર્મોનો બંધ થાય છે. મારા સંચિત્ત કર્મોના પરિપાક રૂપે મને કોઈ બીમારી આવી અને એ વખતે હું જો શાંત રહીને સમતા રાખું તો સવિપાક નિર્જરા થાય છે અને નવા કર્મો બંધાતા નથી પરંતુ જો એ વખતે સમતા ન રહે અને જો હું આર્ત્ત ધ્યાન કરું તો અનેક નવા અશુભ કર્મોનો બંધ થાય છે. એટલે કર્મોના ફળ વખતે સમતા રાખવી એ જ કર્મો ભોગવવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. અવિપાક નિર્જરા એટલે કર્મ ઉદયમાં આવે એ પહેલા સાધના દ્વારા પહેલેથી જ કર્મોને ઉદયમાં લાવી દેવા. ધ્યાન-સ્વાધ્યાય, ઉપવાસ, પ્રાયઃશ્ચિત્ત વગેરે સાધનાઓથી કર્મોને ભોગવ્યા વિના ઉદયમાં લાવી શકાય છે. ભગવાન મહાવીરે આવી અવિપાક નિર્જરા કરવાની બાર સાધનાઓ બતાવી છે. જેને બાર પ્રકારના તપ પણ કહેવાય છે.
સંચિત્ત કર્મોથી મુક્તિ માટેની પહેલી સાધના કે પહેલું તપ ‘અનશન’ છે. આ અનશન જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. અશન એટલે ભોજન અને અનશન એટલે ભોજનનો અભાવ, જેને ઉપવાસ પણ કહી શકાય. જૈનધર્મમાં એક અનશનમાં છત્રીસ કલાક એટલે કે બે રાત અને એક દિવસ સુધી ભોજનનો ત્યાગ કરવામાં આવે છે, ઘણા લોકો પાણીનો પણ ત્યાગ કરે છે. આ અનશન એક દિવસ માટે કે એકથી વધુ દિવસ માટે પણ કરી શકાય અને જીવનભર માટે પણ કરી શકાય. અનશન જો જીવનભર માટે થાય તો તેને સમાધિ મરણ કે સંથારો કહેવામાં આવે છે. એ શબ્દોનો ભાવ પણ સમજીશું પણ અત્યારે આપણે સામાન્ય અનશનના અર્થને સમજીએ.
અનશનમાં ચાર પ્રકારના ભોજનનો ત્યાગ થાય છે. એક – અશન એટલે કે એવું ભોજન જે ભૂખને ભાંગે. અંગ્રેજીમાં ડી.બી.આર.એસ. કહેવાય. એનો અર્થ થાય – દાળ, ભાત,રોટલી અને શાક. બે – પાન, પાન એટલે પાણી, ત્રણ – ખાદ્યમ એટલે ફળ અને સૂકો મેવો – ટ્રાયફ્રૂટ. ચાર – સ્વાદ્યમ એટલે મુખવાસ,ચટણી,એલચી, લવિંગ વગેરે. અનશનમાં આ ચારેયનો ત્યાગ કરવામાં આવે છે. આવું અનશન જયારે કર્મોથી મુક્તિના કે આત્મ શુદ્ધિના લક્ષ્યે થાય તો એ તપ કહેવાય છે. એમ ન થાય અને માત્ર આરોગ્યના હેતુથી ભૂખ્યું રહેવાય તો તેને લંઘન કહેવાય. નેચરોપેથીમાં આવું લંઘન કરવામાં આવે છે. ભૂખ્યા તો ભિખારીઓ પણ રહે છે, પરંતુ તે તપ નથી કેમ કે એમાં મજબૂરી છે, ભોજનનું મમત્વ પણ છે અને આત્મ શુદ્ધિનું લક્ષ્ય પણ નથી. આવું લંઘન તે તપ નથી. અનશન તે તપ છે અને આવું અનશન આત્મસ્થ ભાવથી થાય તો તે ઉપવાસ છે. અનશનમાં હજુ ધ્યાન ભોજન પર છે અને ઉપવાસમાં ધ્યાન આત્માભણી છે.
ભગવાન મહાવીરે પહેલું તપ કે સંચિત્ત કર્મોથી મુક્તિનું સાધન ‘અનશન’ બતાવ્યું. એ એટલા માટે કે જીવની પ્રબળ સંજ્ઞા આહારની છે. આ આહારની સંજ્ઞા જીવને આત્મસ્થ થવા દેતી નથી. માણસના મનના વિકલ્પમાં મોટા ભાગના વિકલ્પો તો આહાર સંબંધીના હોય છે. જમતા પહેલા આહારના અનેક વિકલ્પો, જમતી વખતે આહારના વિકલ્પો, અને જમ્યા પછી પણ ભોજનના પ્રતિભાવ રૂપે આહારના અનેક વિકલ્પો ચાલતા હોય છે. શરીરની જરૂરીયાત માટે જમવું તે આહાર છે અને આ આહાર અને એના મમત્વના વિચારો એ જ આહાર સંજ્ઞા છે. આ આહારની સંજ્ઞાને તોડવા માટે અનશન તપ છે. સામાન્ય રીતે જયારે ભોજન કરીએ છીએ ત્યારે જઠરાગ્નિ ભોજનને પચાવે છે. અનશનમાં જયારે જઠરાગ્નિને ભોજન નથી મળતું ત્યારે તે ચરબી અને દોષોને પચાવે છે. આવા સમયે જયારે હું તે ભૂખની વેદનાએ સમતા ભાવે અનુભવું છું ત્યારે ઉપવાસમાં પ્રવેશ થાય છે. અનશનમાં ભોજન છોડ્યું એ ભાવ હોય છે અને ઉપવાસમાં આત્મ અનુભવનો ભાવ હોય છે. અનશનથી કર્મ નિર્જરા થાય છે અને એ અનશન જયારે ઉપવાસમાં પરિણમે ત્યારે આત્મસ્થિરતા આવે છે.