હજારોં મહેફિલે હો,લાખ મેલે હો।
પર જબ તક ખુદ સે ન મિલો, અકેલે હો।।
2016નું પાવન પર્યુષણ પર્વ પ્રારંભ થઇ રહ્યું છે. તેનો સંદેશ છે – સ્વરુપને ઓળખો. માણસ બધા માટે સારું નરસું બધું કરે છે, માત્ર પોતાની જાતને ભૂલી જાય છે. પોતાને ભૂલનાર સભાન નથી હોતો, સભાન ન હોય એ ભૂલો કરવાનો જ છે. જાતને શા માટે ઓળખાવી? આવો પ્રશ્ન થઇ શકે. જાતને ઓળખાવી એટલે મહત્વની છે કે જે કંઈ મહત્વનું છે એ માનવીની ભીતરમાં છે. દુનિયાનું શ્રેષ્ટ પ્રદાન એને જ કર્યું છે જે ભીતરના પારખું હતાં. આજે માણસને પોતાને માટે સમય નથી. સમય નથી કહેવું પણ યોગ્ય નથી, મૂળમાં પોતાનામાં રુચિ નથી. એ કારણે જ માણસ પાસે બહારનું બધું હોવા છતાં એ અંદરથી દુઃખી છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને જન્મની સાથે આ બધું જ્ઞાન વિરાસતમાં મળ્યું છે. પશ્ચિમી જગતે એ શોધવાની હવે શરૂઆત ,પણ આપણા પાસે તો સદીઓથી છે. આપણે જો એ જાણવાનું ચુકી જઈએ તો મૂર્ખ કહેવાઈએ. જૈન ધર્મએ અને મહાવીર સ્વામીએ આપણને કેટ-કેટલું આપ્યું છે. આ પર્યુષણ પર્વ એ જ સંદેશ આપે છે કે થોડીવાર પોતાની જાત સાથે બેસીએ, જેને લોકો ધ્યાનના નામથી ઓળખે છે. જાત સાથે બેસવાથી જ પોતાને ઓળખી-પારખી શકીશું. પોતાના દોષોને જોઈ શકીશું અને પોતાની અચ્છાઇઓ સાથે રૂબરૂ થઇ શકીશું. આખી દુનિયાને મળો તો એમ ન માનતા કે તમે એકલા નથી, જાતને ન મળો ત્યાં સુધી લાખોની ભીડ વચ્ચે પણ તમે એકલા છો. લાખો મેળા અને હજારો મહેફિલો પણ ફિક્કી છે જ્યાં સુધી જાત સાથેનો ભેટો ન થાય. આ પર્યુષણ બહારથી ડિસ કનેક્ટ થવાનું અને જાત સાથે કનેક્ટ થવાનું શીખવે છે. જાત સાથે જે કનેક્ટ થાય એ જ જાતને કરેક્ટ કરી શકે. માંહ્યલો જાગે એવી આ પર્વ નિમિત્તે શુભ કામના।