આજના વડિલો પરિવારથી ઉપેક્ષિત હોય એવું દેખાય છે. શું કારણ હશે? જરૂર આજની વ્યસ્ત જીવનશૈલી એક કારણ છે, પરંતુ આ મૂળ કારણ નથી. મૂળ કારણ છે વડિલોનો પોતાનો જ સ્વભાવ જે વડિલો સમય પ્રમાણે સ્વભાવને સાચવી શકે છે એવા વડિલો પરિવારમાં સૌનો પ્રેમ પામે છે. જે વડિલો પોતાનો સ્વભાવ સમય પ્રમાણે બદલતા નથી એ લોકો ઉપેક્ષા અને દુઃખનો ભોગ બને છે. ઘણા વડિલોને રહેવું હોય છે પરિવાર સાથે પણ પોતાનો વિચિત્ર સ્વભાવ બદલતા નથી. એટલે એ સૌ કોઈને ખારા લાગે છે. ઘણા વડિલો, એમાંય મોટી ઉંમરના સાસુ, બા કે દાદીઓ પરિવારની દરેક વાતમાં માથું મારતા હોય છે. ઘરમાં કોણ આવ્યું’તું? આટલો બધો ખર્ચ કેમ કરો છો? નોકર-ચાકર ઘરમાં આટલું બધું કેમ ખાય-પીવે છે?,મને ક્યાંય બહાર લઇ કેમ નથી જતા? હું ઘરમાં મોટી છું, મેં બધા માટે આખી જિંદગી ઘસી નાખી, તોય કેમ મારી કોઈને કંઈ પડી નથી? આવા અનેક નકામા પ્રશ્નોથી તેઓ મુક્ત થઇ શકતા નથી. પરિણામે એ પોતાનું સન્માન ગુમાવે છે.
અને બીજું બાજુ તેઓ ખૂબ ધર્મ કરશે, ખૂબ નિયમો પાડશે. ઘણી વાર તો એમના નિયમોથી ઘરમાં અશાંતિ આવતી હોય છે. આવો ધર્મ માત્ર ખોટું આશ્વાસન છે. આનાથી આત્માની શુદ્ધિ નથી થતી.સાચો ધર્મ તો પહેલા સ્વભાવ સુધારવામાં છે. દરેક વડીલો ઘરના સભ્યોમાં માથું મારવાનું છોડી દે, બધાને સ્નેહ અને પ્રેમ આપવાનું શીખી લે, અને ઘરના લોકો જે કરે એમાં મોઢું પ્રસન્ન રાખી શકે તો આવા વડીલો ક્યારેય ઘરમાં બીજાને ભારભૂત નહિ લાગે. વડીલો તો આશીર્વાદ રૂપ હોવા જોઈએ, પૂજનીય હોવા જોઈએ, પરંતુ પોતાના ખરાબ અને કચકચિયા સ્વભાવને લીધે તેઓ સન્માન પામવાની યોગ્યતા ગુમાવે છે.
આજની પીઢિને પણ થોડું સમજવું જોઈએ. એ લોકોની ઉમર થઇ છે. થોડો સ્વભાવ ચીડિયો થાય પણ ખરો. એમના વિચિત્ર સ્વભાવ પછી પણ તમારો વિનયભાવ અને સેવાભાવ ઓછો ન થવો જોઈએ. વડિલો બાળક જેવા થઇ જાય છે. એમને પણ પ્રેમથી સમજાવો જો સાંજે તો સારું છે, પરંતુ એમની ઉગ્રતાનો જવાબ તમે તમારા ભાવ બગાડીને ન આપો. મારુ કોઈક એમની સાથે કર્મનો હિસાબ, કર્મનું ઋણાનુબંધ બાકી હશે, એ પૂરું કરવાનું છે. સમભાવથી થાય એટલી સેવા કરીને તેને પૂરું કરો. આ જ તો સાચી સમજણ છે અને આનાથી મોટો ધર્મ કયો હોય શકે?