ઉપવાસનું વિજ્ઞાન અને સમાધિ મરણનું મનોવિજ્ઞાન – સમણ શ્રુતપ્રજ્ઞ
Peace of Mind

જીવની આહાર સંજ્ઞા પ્રબળ છે અને અનાદિની છે. આ આહાર સંજ્ઞાને તોડવા માટે ભગવાન મહાવીરે અનશન તપ બતાવ્યું છે. શરીર અને આત્માને જોડનાર સેતુ ભોજન છે. પેટ ભરેલું હોય તો આત્માનું સ્મરણ નહિ થાય. શરીરને ભોજન ન આપો અને દ્રષ્ટિ જાગૃત હોય તો એ ક્ષણનો ઉપયોગ આત્માને જાણવામાં કરી શકાય છે. આમ અનશન એક નિમિત્ત બને છે આત્માને જાણવા માટેનું. અનશન સાચા અર્થમાં તો જ થયું કહેવાય જયારે એ ઉપવાસમાં પરિણમે. ઉપવાસ એટલે માત્ર ભૂખ્યા રહેવું તે નહિ. ઉપવાસ એટલે આત્માના ગહન અનુભવમાં ખાવાનું ભુલાઈ જાય. ઉપવાસ આત્મ ભાવમાં રહેવાનું નામ છે. ભગવાન મહાવીર ઉપવાસ કરતા ત્યારે એમને શરીર અને ભોજનનું ભાન જ ન રહેતું. એમનો ઉપવાસ એ આત્માની ગહન અનુભૂતિનું પરિણામ હતું. ઉપવાસથી જો આ આત્મ દશાનો અનુભવ ન થાય અને માત્ર ભોજન છોડી દીધું તો એ માત્ર લંઘન છે. જૈન શાસ્ત્રની ભાષામાં એ બાલ તપ એટલે કે અજ્ઞાનીનું તપ છે.મહાવીરના દરેક અનશન ઉપવાસ હતા અને આપણા દરેક અનશન યા તો લંઘન છે અને પ્રદર્શનનું કારણ છે. ઉપવાસ આત્મભાવમાં જવા માટે છે. અનશનમાં આત્માનો સ્પર્શ થાય, અનુભવ થાય તો જ એ ઉપવાસ કહેવાય.

ઉપવાસનું વિજ્ઞાન સમજવા જેવું છે. આપણામાં બે શક્તિઓ રહેલી છે. એક છે ભોજનની સામાન્ય પ્રક્રિયા, જેમાં આપણે ભોજન લીધું હોય એ જઠરાગ્નિ પચાવે. એમાંથી લોહી બને, ઉર્જા બને – આ એક પ્રક્રિયા છે. ફરી પાછી ત્રણેક કલાકમાં ભૂખ લાગે, ફરી ભોજન લઈએ અને જઠરાગ્નિ તેને પચાવે. આ એક સામાન્ય બાયોલોજીકલ ક્રમ છે. બીજી શક્તિ છે – આધ્યાત્મિક. શરીરને ઉપવાસમાં જયારે ભોજન ન મળે એટલે એ બે એક દિવસમાં પોતાની ગેયર બદલે છે. શારીરિક ભૂખની ગેયરમાંથી એ હવે ઉપવાસની ગેયરમાં આવે છે. ઠીક આ ક્ષણે તમે ધ્યાનસ્થ બની એના પર ધ્યાન કરો તો તમે આત્મા ભણી ગતિ કરી શકો છો. કેમ કે આવા સમયે આપણું ચિત્ત સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીરમાં પ્રવેશ કરે છે. જે શક્તિ ભોજન કરવામાં અને પચાવામાં વપરાતી એ હવે કર્મ તોડવામાં વપરાશે. આ બદલાતી ગેયરને જોઈ શકવી એનું જ નામ છે ઉપવાસ. મહાવીર સ્વામી આ પ્રયોગો કરતા હતા. આ સાધના કરવા માટે શરીરની પણ એવી શક્તિ જોઈએ.

જૈન ધર્મમાં અનશનનો એક અર્થ સમાધિ મરણ માટે પણ ઉપયોગમાં લેવાય છે. જેને સંથારો કહેવાય છે. વાસ્તવમાં સંથારાનો સંબંધ અનશન સાથે કે ભોજન છોડી દેવા સાથે છે જ નહિ. સંથારો એટલે પથારી. જયારે સાધક સમાધિ મરણની દશામાં હોય છે ત્યારે એનું શરીર સંપૂર્ણ વિશ્રામ દશામાં હોય છે અને ભીતરથી આત્મા પૂર્ણ જાગૃત અવસ્થામાં હોય છે. આવી સ્થિતિને સમાધિ મરણ પણ કહેવામાં આવે છે. સમાધિ મરણની ગહન દશામાં ભોજન છૂટી જાય એ વાત જુદી છે, પરંતુ ભોજન છોડી દેવું એટલું જ સમાધિ મરણ નથી. ભોજન છોડીને પણ અસમાધિ પૂર્વક મરી શકાય છે જો જીવ જાગૃત ન હોય તો, અને ભોજન કરતા કરતા પણ સમાધિ મરણનું વરણ કરી શકાય છે. લગભગ ઘણા લોકોના સંથારામાં એવું જોવા મળે છે કે એ ભોજનનો ત્યાગ કરી દે છે પણ મૃત્યુની અંતિમ દશામાં આત્મ જાગ્રતિ રહેતી હોતી નથી. ઘણીવાર તો ભોજન કરવાના ભાવમાં જ શરીર છૂટતું હોય છે. આ અનશન નથી કે સંથારો નથી, સમાધિ મરણ તો ઘણું દૂર છે.

સમાધિ મરણ એ જાગ્રત દશામાં મરવાની પ્રક્રિયા છે. આ જાગૃત દશા જાળવી રાખવામાં ભોજનનો ત્યાગ સહયોગી બની શકે છે, ન પણ બને. આ બધું નિર્ભર કરે છે વ્યક્તિની જાગૃતિ, આત્મ દશા અને અનાશક્તિ પર. આવો સંથારો કે સમાધિ મરણ સ્વીકારવું એ ગુરુની આજ્ઞા વિના સંભવ નથી. ગુરુ પણ એને જ આજ્ઞા આપશે જેની આવી ભાવ દશા હોય. આ સંથારો નાની વયે લેવાની શાસ્ત્રની આજ્ઞા નથી. જયારે આ શરીરથી ધર્મ દ્વારા આત્માનું કર્તવ્ય ન થતું હોય અને શરીર માત્ર બીજા માટે ભારભૂત હોય તો પોતાના વિવેકથી અને ગુરુ આજ્ઞાથી સંથારો કરવાની પરાવગી મળતી હોય છે. એટલે જ સંથારો અને આપઘાત બંને ભિન્ન પ્રક્રિયા છે. આપઘાત કોઈ ઈચ્છાની પૂર્તિ ન થવાના કારણે થતો હોય છે, જયારે સંથારો હવે કોઈ જ ઈચ્છા બાકી નથી રહી એટલે થતો હોય છે. આપઘાતમાં જીવનું મન અસન્તુષ્ટ હોય છે, સંથારામાં સાધકનું મન પૂર્ણ સંતુષ્ઠ હોય છે. આપઘાતમાં દ્વેષ અને આશક્તિ જીવતા હોય છે. સંથારામાં નથી કોઈના પ્રત્યે દ્વેષ રહેતો કે નથી કોઈ બાબતની અશક્તિ રહેતી. આપઘાતમાં ક્ષણિક આવેશ અને મૂર્ખતા હોય છે જયારે સંથારામાં પૂર્ણ વિવેક અને સમજણ હોય છે. આપઘાત કોઈને કોઈ ભૌતિક કારણે થતો હોય છે જયારે સંથારો ઉચ્ચ આધ્યાત્મિક લક્ષ્યે થતો હોય છે. આપઘાત કોઈની પણ સહમતી લીધા વિના થાય છે, સંથારામાં પરિવારની, ગુરુની સહમતી લીધા પછી જ થાય છે. આપઘાતની કોઈ ચોક્કસ જગ્યા નથી હોતી અને તેની કોઈને જાણ પણ નથી હોતી, સંથારાની જગ્યા અને તેની લોકોને પૂરી જાણકારી હોય છે. આમ, સંથારો એ આપઘાત નથી પરંતુ જાગૃત રીતે મૃત્યુને પામવાની આધ્યાત્મિક રીત છે.

આ સાધના કરવા માટે શરીરની પણ એવી શક્તિ જોઈએ. બધા જીવો ઉપવાસ ન કરી શકે. એન આપણાથી થાય તો પૂરો પ્રયાસ સંકલ્પ સાથે કરવો જોઈએ. પરંતુ ઉપવાસ ન જ થાય તો એ કરવાની જીદ્દ છોડી દેવી જોઈએ. ભગવાન મહાવીરથી આ થયું પણ બુદ્ધથી ન થયું. બુદ્ધે ખૂબ ઉપવાસો કર્યા, આખું શરીર કૃશ કરી નાખ્યું, કમજોરી એવી આવી કે વિચરણ ન કરી શકે. અંતે એમને એ માર્ગ છોડી દીધો અને ધ્યાનનો માર્ગ અપનાવ્યો. આપણે પણ પ્રયોગ કરીએ અને ઉપવાસ થાય તો ખૂબ સારું પણ ન થાય તો ખોટું દમન કરી શરીરને નષ્ટ કરવામા કોઈ સાર નથી. બીજા પણ માર્ગો પ્રભુ મહાવીરે બતાવ્યા છે, તેની ચર્ચા હવે પછી કરીશું.

Add Comment