કંટાળાનું આધ્યાત્મિક વિજ્ઞાન – સમણ શ્રુતપ્રજ્ઞ
Peace of Mind

કંટાળો એ માનવ જીવનની એક અદ્દભૂત અને આધ્યાત્મિક ઘટના છે. માત્ર માણસ પાસે કંટાળવાની ક્ષમતા છે, અન્ય કોઈ જીવ પાસે આવી ક્ષમતા નથી. કંટાળો માત્ર એટલું જ દર્શાવે છે કે તમે જીવનની વ્યર્થતા પ્રત્યે સભાન છો, જીવન માત્ર પરિવર્તનનું નિરંતર ચક્ર છે અને એ ચક્ર પ્રત્યે તમે સજાગ છો. તમે જીવનમાં કરવા અને ન કરવા યોગ્ય બધું જ કરી લીધું, પરંતુ કંઈ જ વળ્યું નહિ. તમે જીવનની બધી જ યાત્રાઓ કરી લીધી, પરંતુ એનાથી હાથમાં કશું જ નથી આવ્યું. કંટાળો એ જીવનમાં, જીવનની વ્યર્થતા અને અર્થ હિનતાની સમજણનો સૂર્યોદય થયો છે તેની પહેલી નિશાની છે.

આ કંટાળાના ભાવ પ્રત્યે બે પ્રકારે વર્તી શકાય. પહેલો પ્રકાર તો જે સામાન્ય માણસો કરે છે તે છે, જેમાં વ્યક્તિ કંટાળાથી પલાયન કરે છે,કંટાળાથી બચવાની કોશિશ કરે છે, એનાથી ભાગવાની, તેને દબાવાની કોશિશ કરે છે અથવા તેના પ્રત્યે આંખો મીંચી લેવાની કોશિશ કરે છે. જેથી કંટાળાની અનુભૂતિનો સામનો ન કરવો પડે. એટલા માટે જ ઘણા માણસો પોતાની જાતને એટલા વ્યસ્ત રાખે છે કે કંટાળો અનુભવાય નહિ. ઘણા લોકો દારૂમાં કે ડ્રગમાં ડૂબી કંટાળાના ફીલિંગને ભૂલી જવા માંગે છે. આ બધા માર્ગો છે કંટાળાથી દૂર જવાના, પરંતુ તમે ગમે એટલી કોશિશ કરો કંટાળાથી ભાગવાની, એનાથી ભાગી શકાતું નથી. તમે કંટાળાથી ક્ષણિક વાર માટે દૂર રહી શકો, પણ તેનાથી બચી તો ન જ શકો. તમે સિનેમા થિયેટરમાં બેસો કે મ્યુઝિક પાર્ટીઓ યોજો કે ધર્મ યાત્રાઓ કરો કે લાબું વેકેશન લ્યો પરંતુ વારંવાર કંટાળો એની હાજરી પૂરાવ્યા કરે છે અને એનો અવાજ વધુ ને વધુ ઊંચો થતો જાય છે. કંટાળો એક એવો ભાવ છે કે એનાથી કોઈ બચી શકતું નથી, બચવું જોઈએ પણ નહિ, કેમ કે આ માનવીના વિકાસનું એક અંગ છે, માટે તેનો સાહસથી સામનો કરવો જોઈએ.

કંટાળા પ્રત્યેનો બીજો પ્રતિભાવ છે કે એનો સામનો કરો. એના પર ધ્યાન કરો, એની સાથે રહો, એમાં મગન રહો. ભગવાન બુદ્ઘ એ જ તો કરતા હતા બોધી વૃક્ષની નીચે બેસીને અને ભગવાન મહાવીર એ જ કરતા હતા અશોક વૃક્ષની નીચે બેસીને. ઝેન ફકીરો અને સૂફી સંતો પણ આ જ તો કરતા હતા. વાસ્તવિકતાની નજરે જુઓ તો ધ્યાન શું છે? ધ્યાન છે કંટાળાનો સામનો કરવાની યૌગિક વિધિ. ધ્યાની ધ્યાન કરતી વખતે શું કરે છે? શાંત બેસે છે, મૌનમાં હોય છે અને આવતા જતા શ્વાસને જુએ છે. શું તમને એમ લાગે છે કે એમાં તેને આનંદ આવે છે? ના, વાસ્તવમાં એને એમાં કંટાળો આવે છે. અને કંટાળાથી બચવા ઘણા ધ્યાનમાં ઊંઘી જાય છે. એટલે ઝેન માસ્ટર પોતાની પાસે દંડો રાખે છે. કેમ કે ઘણા લોકો ધ્યાનમાં કંટાળો આવવાના કારણે ઊંઘી જાય છે. આ પણ એક માર્ગ છે કંટાળાથી બચવાનો. ઝેન માસ્ટર દંડો રાખે છે અને જેવો કોઈ સાધક કંટાળાથી બચવા ઊંઘ લે કે તરત એ તેની પીઠ પર દંડો મારે છે.

તમે જો આ કંટાળાના ભાવનો સામનો કરી શકો, તેનો સાક્ષાત્કાર કરી શકો તો અંદરની શાંતિનો અનુભવ થાય છે, અંદરની શૂન્યતાનો અનુભવ થાય છે અને પરિણામે ભીતરની શક્તિઓનો વિસ્ફોટ થાય છે. જે માણસ કંટાળાથી ભાગે છે એ પોતાની જાતથી ભાગે છે. કંટાળાનું સ્વાગત કરતા શીખો, તેને સ્વીકારતા શીખો.ધ્યાન કરવાનો સમગ્ર મર્મ આ જ છે. ઝેન આશ્રમોમાં આ જ શીખવવામાં આવે છે. સવારે વહેલા ઉઠવાનું, ન્હાવાનું, એ જ આસનમાં ધ્યાનમાં બેસવાનું, એ જ ચાય પીવાની, એ જ જમવાનું, એ જ માસ્ટર હાથમાં દંડો લઈને ફરતા જોવા મળે, અને વર્ષો સુધી આ એકનું એક રૂટિન ચાલ્યા કરે, સાધક કંટાળી જાય, પણ આ બધું કંટાળવા માટે જ છે. આ કંટાળાથી સાધક બચી ના શકે, બચવાનો કોઈ ઉપાય જ નથી. તમે સિનેમા જોવા ન જઈ શકો, ટેલિવિઝન ન જોઈ શકો, કંટાળાથી બચવાનો કોઈ ઉપાય જ ત્યાં નથી. આ બહુ મોટી હિંમતનું કામ છે. આ મૃત્યુ કરતા પણ મોટી ઘટના છે. મૃત્યુમાં તો તમે બેહોશ થઇ જાઓ છો. આમા તો હોશમાં રહેવાનું છે. પરંતુ આ કંટાળા પ્રત્યેનું અંતિમ હોશ જ પરિવર્તન, જાગૃતિ, આત્મ જ્ઞાન, સમાધિ અને સતોરીનું કારણ બને છે. આવું બને પછી કોઈ કંટાળો રહેતો નથી.

આ કંટાળો એક આધ્યાત્મિક ઘટના છે. એટલે કોઈ પશુને કંટાળો નથી આવતો. એ સંપૂર્ણ રીતે જે છે એનાથી સંતુષ્ટ છે. માનવ અને એમાં પણ જે બુદ્ધિશાળી છે,પ્રતિભાવાન છે, એ જ કંટાળી શકે છે. તમે અનુભવ કર્યો હશે અને જોયું હશે કે જે બાળક વધારે બુદ્ધિશાળી છે એ બહુ જલ્દી કંટાળે છે. એ ક્યારેય શાંતિથી રિલેસ્ડ બેસી શકશે નહિ, તરત કહેશે કે હવે આગળ છું. મેં અમેરિકામાં જોયું છે બાળકોને જરાક નવરા પાડો એટલે એ કંટાળવા લાગે છે. એને વ્યસ્ત રાખવાના પ્રોગ્રામો કરવા પડે છે. મહાવીર અને બુદ્ધ એમની યુવાનીમાં જ ભયંકર રીતે કંટાળી ગયા હતા, એ જ રાજ્ય, એ જ રાણીઓ,એ જ ધન,એ જ મહેલ અને આ બધું એમને બેચૈન કરી મૂકતું હતું. એ બેચૈની વૈરાગ્યનું કારણ બન્યું અને સત્યની શોધમાં તેઓ નીકળી પડ્યા. મૂર્ખ માણસો ક્યારેય કંટાળતા નથી. એ નોકરી કરીને, ધંધો કરીને, બેન્ક બેલેન્સ બનાવીને, છોકરાઓને મોટા કરવામાં જ સંતુષ્ટ છે. એ નવી કાર ખરીદશે, નવા મકાનો ખરીદશે, નવા ધંધાઓ કરશે, બહારથી વિષયો બદલ્યા કરશે, જેથી એને કંટાળો ના આવે. પરંતુ આ બધું ક્યાં સુધી? આ પલાયન વૃત્તિ છે. એનામાં અને પશુઓમાં કોઈ ગુણાત્મક ફરક નથી, માત્ર થોડો માત્રા ભેદ છે. માણસનું માણસ બનવાનું ગૌરવ ત્યારે જ છે કે એને કંટાળાની અનુભૂતિ થાય છે.

આ વળાંક ઉપર જ અધ્યાત્મનો માર્ગ ખુલે છે. કંટાળાની ફીલિંગથી મુક્ત થવું હોય તો કેટલાક ઉપાયો સૂચવી શકાય. એક – વર્તમાનમાં જીવો, ભૂત ભવિષ્યની વ્યર્થ કલ્પનાઓ કરવાનું છોડો. બે – ચહેરા પરના અને ચિત્ત પરના બધા મોહરા ઉતારી નાખો. ખૂબ અઘરું છે આમ કરવું પરંતુ બીજો કોઈ જ વિકલ્પ નથી. કમસે કમ જેવા બહાર દેખાવ છો એવા તો અંદરથી હોવાનો પ્રયાસ કરો. ત્રણ – કંટાળાથી ભાગો નહિ, કંટાળાના અંતિમ બિંદુ સુધી પહોંચો. ભૌતિકતાની વ્યર્થતા આત્મ જ્ઞાનનો દ્વાર ખોલશે. ચાર – જે કરો તેમાં પૂરેપૂરા ડૂબી જાઓ. પ્રવૃત્તિ અને તમે બંને એકમેક થઇ જાઓ, એ પ્રવૃત્તિને જ ધ્યાન બનાવી લ્યો. જે કરો એ પહેલીવાર કરતા હોય એ મનોવૃત્તિથી, એ ભાવથી કરો. બહેનો એકને એક ઘર કામ, રસોઈ કરે છે અને કંટાળી જાય છે, પરંતુ એ પ્રવૃત્તિમાં જાગૃતિ રહેશે અને નવાપણાનો ભાવ રહેશે તો કંટાળો નહિ આવે. આ જ છે કંટાળાનું આધ્યાત્મિક વિજ્ઞાન.

Add Comment