દરેક જીવનું અંતિમ લક્ષ્ય છે – આત્મજ્ઞાન. આત્મ જ્ઞાન સમસ્ત અધ્યાત્મનું એક માત્ર અંતિમ બિંદુ છે. આજની આધુનિક ભાષામાં કહો તો આનંદની અનુભૂતિ દરેક જીવનું અંતિમ ધ્યેય છે. જૈન દર્શનમાં એના માટે બે પ્રકારની સાધના બતાવી છે એક સાધના સક્રિય છે અથવા પ્રવૃત્તિ પ્રધાન છે અને બીજી સાધના નિષ્ક્રિય છે એટલે કે નિવૃત્તિ પ્રધાન છે.. શરીરની સ્થિરતા, વાણીના મૌન અને મનની સ્થિરતા પૂર્વક જે સાધના થાય એ નિષ્ક્રિય કે નિવૃતિ પ્રધાન સાધના છે. જેમાં શરીર મન અને વાણી પ્રવૃત્ત હોય પણ એ દરેક પ્રવૃત્તિમાં જાગૃતિ હોય એ સક્રિય કે પ્રવૃત્તિ પ્રધાન સાધના છે. પ્રવૃત્તિમાં જાગૃતિ રાખવા માટે પહેલા નિષ્ક્રિય સાધના દ્રઢ કરી લેવી જરૂરી છે. નિષ્ક્રિય સાધના વગર સક્રિય સાધનામાં જાગૃતિ રહી શક્તિ નથી. નિવૃત્તિ એ સાધનાનું કેન્દ્ર છે અને પ્રવૃત્તિમાં સભાનતા એ સાધનાની પરિધિ છે કે પરિણામ છે. અહીં આપણે આજે સાધનાનું નિવૃત્તિ પ્રધાન સ્વરૂપ જોઈએ
જૈનધર્મ વાસ્તવિક દ્રષ્ટિએ કે નિશ્ચયનયની દ્રષ્ટિએ જુઓ તો નિવૃત્તિ પ્રધાન ધર્મ છે. ભગવાન મહાવીર નિવૃત્તિ ધર્મના પ્રણેતા છે. એમને નિવૃત્તિની સાધના કરી, આત્માનો અનુભવ કર્યો અને નિવૃત્તિનું દર્શન અને સાધનાનો માર્ગ જગતને આપ્યો. એમને કહ્યું કે ‘નિવૃત્તિ એ જ આત્માનો ગુણ અને સ્વરૂપ છે અને નિવૃત્તિના માર્ગ થકી જ ચૈતન્યનો સાક્ષાત્કાર થઇ શકે છે. પ્રવૃત્તિ તો વ્યવહાર ચલાવવા માટે છે. પ્રવૃત્તિ જીવનું ધ્યેય નથી અને ન હોવું જોઈએ. પ્રવૃત્તિ એ દેહથી જોડાયેલો ધર્મ છે. નિવૃત્તિ એ આત્માનો સ્વભાવ છે. ભગવાન મહાવીરે નિવૃત્તિ ધર્મનું પ્રતિપાદન કરતા ત્રણ સાધનાઓ બતાવી – ઠાણેણં – શરીરની સ્થિરતા,મોણેણં વાણીનું મૌન, ઝાણેણં – ધ્યાન એટલે કે મનની સ્થિરતા. શરીરની સ્થિરતાને જૈન દર્શનમાં કાય ગુપ્તિ કહેવાય છે, વાણીના મૌનને વચન ગુપ્તિ કહેવાય છે અને મનની સ્થિરતાને મનો ગુપ્તિ કહેવાય છે. આ ત્રણ સાધના પરિપક્વ થાય એટલે આત્માનુભૂતિનો દરવાજો ખૂલે છે.
કાયગુપ્તિ : કાયા એટલે શરીર અને ગુપ્તિ એટલે ગોપન કરવું, છુપાવવું, નિયંત્રણ કરવું. કાય ગુપ્તિ એટલે શરીરની સમસ્ત ઈચ્છાપૂર્વક થતી ક્રિયાઓને સ્થિર કરી દેવી. શરીરને સ્થિર રાખવું, આમ જુઓ તો આ અઘરી સાધના છે. કેમ કે આપણે ચંચળ વાતાવરણમાં જીવી રહ્યા છીએ. મનની અતિ ચંચળતા શરીરને પણ સ્થિર રહેવા દેતી નથી. ખાનપાન પણ હાયબ્રેડ અને કેમિકલ યુક્ત થઇ ગયું હોવાના કારણે શરીરની સ્થિરતા ગુમાવી દીધી છે. શરીરની વધુ પડતી ચંચળતાના કારણે બહુમૂલ્ય શક્તિઓનો હ્રાસ થાય છે. પરિણામે ઉંમર પહેલા જ શરીરમાં ઘડપણ દેખાવા લાગે છે, લોહીનું પ્રેશર વધી જાય છે, ઊંઘ બરાબર આવતી નથી. પરિણામે સ્વભાવ પણ ચિડિયો થઇ જાય છે. આ બધી કઠિનાઈઓથી બચવું હોય અને કર્મોની નિર્જરા – શુદ્ધિ કરવી હોય તો કાય ગુપ્તિનો અભ્યાસ કરો. ધ્યાનની મુદ્રામાં બેસીને સંકલ્પ કરો કે પાંચ મિનિટ સુધી ગમે તે થાય તો પણ હું શરીરને હલાવીશ નહિ. એકવાર સ્થિરતાનો સંકલ્પ કરીને બેસશો એટલે શરીર સ્થિર થઇ જશે. પહેલા પાંચ મિનિટ બેસો અને પછી ધીરે ધીરે સમય વધારતા જાઓ. 30 કે 40 મિનિટ સુધી સ્થિર બેસી શકો એવો અભ્યાસ કરો. સંકલ્પથી જો પાંચ મિનિટ સ્થિર બેસી શકાય તો પછી અભ્યાસ કરતા કરતા 30-40 મિનિટ પણ બેસી શકાશે. શરીર સ્થિર થતા જ ઘણા ખરા વિચારો ખરી પડશે, ભીતરની શાંતિ અને સ્થિરતા અનુભવાશે.
વચન ગુપ્તિ : વચન ગુપ્તિ એટલે વાણીનું મૌન. મૌનની સાધના અદભૂત અને ચમત્કારિક સાધના છે. શબ્દ આત્માનો ગુણ નથી, શબ્દ રહિત શૂન્યતા એ આત્માનો ગુણ છે. મૌનથી મનના વિકલ્પો પણ શમવા લાગે છે. મૌનના અનેક પ્રયોગો કે સ્તર છે.પહેલા વાણીનું મૌન કરો. નિર્ધારિત સમય માટે એક પણ શબ્દ ન ઉચ્ચારવાનો સંકલ્પ કરો. એક ચોક્કસ સમય નક્કી કરી શિસ્તબદ્ધ રીતે મૌનનો અભ્યાસ કરો. પછી બીજો પ્રયોગ કરો જેમાં વાણીનું મૌન સધાય પછી, ઇસારા કરવાનું પણ ત્યાગો, શરીરથી કોઈ ઈસારો ન કરવો એવો સંકલ્પ કરો. પછી ત્રીજો પ્રયોગ કરો જેમાં કોઈની વાત સાંભળવાનું મૌન કરો એટલે કે કાનનું પણ મૌન કરો. કાનથી જેટલા શબ્દો અંદર જશે એટલું તમારું મન સક્રિય થશે, વિચારો કે શિલશિલા શરુ હો જાયેગા. ચોથો પ્રયોગ કરો – જોવાનું પણ મૌન કરો એટલે કે આંખનું મૌન કરો. તમે જેવું જોશે એટલે વિચારો ચાલુ થશે. ભગવાન બુદ્ધે આને આર્ય મૌન કહ્યું છે. આ મૌન તમને તમારા શબ્દોના માલિક બનાવશે. બોલવામાં પણ એક જાગૃતિ આવશે. અંતર્મુખતાનો વિકાસ થશે. ચેતનાનું મુખ વિભાવ તરફથી સ્વાભાવ તરફ જવા લાગશે. શરૂઆતમાં આ મૌન કરવું ખૂબ કઠિન લાગશે પણ અભ્યાસ થશે પછી બોલવું નહિ ગમે. પરિવારની શાંતિ માટે ઘરના દરેક સભ્યએ રોજ 30 મિનિટનું મૌન પાડવું જોઈએ. ભગવાન મહાવીર સ્વામી એમના સાડા બાર વર્ષની સાધનામાં પ્રાયઃ મૌન રહ્યા હતા.
મનોગુપ્તિ : મનોગુપ્તિ એટલે મનની ગુપ્તિ, મનના વિચારોનું મૌન કરવું. આ સાધના સૌથી અઘરી છે. મન સતત સક્રિય હોય છે અને હવે તો સંપર્કના સાધનો વધ્યા એટલે મન ઊંઘમાં પણ સક્રિય હોય છે. અતિ પરિચય અને સંપર્ક મનને શાંત નથી થવા દેતું. મનના વિચારોને શાંત કરવાના બે ત્રણ ઉપાયો છે. પહેલો ઉપાય છે – શ્વાસ દર્શન સાધના. જેમાં ધ્યાનમાં બેસી આવતા જતા શ્વાસને ધ્યાનથી જુઓ. શ્વાસને જોશે એટલે શરૂઆતમાં ખૂબ વિચારો આવશે કેમકે આપણી અનાદિકાળની આદત છે. પરંતુ અભ્યાસ નિયમિત ચાલુ રાખવાથી ધીરે ધીરે વિચારોનો પ્રવાહ શાંત પડવા લાગે છે. શ્વાસને જોશે એટલે થોડીવારમાં મન બહાર ભાગશે, ફરી એને શ્વાસ પાર પાછું લાઓ, ફરી થોડીવારમાં પાછું જશે, ફરી પાછું લાઓ, આમ સતત કરવાથી મન પર પ્રેમાળ રીતે કાબૂ કરી શકાય છે. બીજો ઉપાય છે – વિચારોના સાક્ષી થવાનો. જે જે વિચારો આવે તેને માત્ર સાક્ષી બનીને જુઓ, એમાં જોડાવાનો પ્રયત્ન ન કરો. વિચારોને જોશે એટલે વિચારોનું જોર ઘટી જશે. વિચારોને જોવા એ જ એનું મૃત્યુ છે. એટલે વિચારો આવે તો એને રોકો પણ નહિ અને એની સાથે જોડાવ પણ નહિ. માત્ર એના સાક્ષી બનો. માત્ર તેને જુઓ.
આ ત્રણ ગુપ્તિ સધાય એટલે આત્માનો દરવાજો ખૂલે છે. હું આત્મા છું એવું રટણ કરવાથી કંઈ મળતું નથી, કોઈ અનુભવ પણ નથી થતો. અનુભવ તો આ પ્રક્રિયામાં પસાર થવાથી થાય છે. જૈન ધર્મનો માર્ગ જ આ સાધનાનો માર્ગ છે. ભગવાન મહાવીરનો માર્ગ મંત્ર સાધના કે ક્રિયાનો માર્ગ જ નથી, એમનો માર્ગ શુદ્ધ નિવૃત્તિનો માર્ગ છે. નિવૃત્તિ વિનાની કોરી પ્રવૃત્તિ અહંકાર વધારનારી સિદ્ધ થાય છે. માટે આત્માનો અનુભવ કે આનંદની અનુભૂતિ કરવી હોય તો આ જ એક સ્થાઈ માર્ગ છે. નિવૃત્તિ સધાય જાય પછી પ્રવૃત્તિ કર્તાભાવથી મુક્ત રીતે કરી શકાય છે. એની ચર્ચા આગળ કરીશું.