આજના સૂત્રોમાં કર્મ અને કર્મ બંધની અને પાપ – પુણ્યની ચર્ચા કરીશું. પાપ શું છે અને પુણ્ય શું છે? આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ, એમાં પાપ છે કે પ્રવૃત્તિ કરનારમાં? ચોરી કરવી એ પાપ છે કે ચોરી કરનારની ભાવ દશામાં પાપ છે? દાન કરવું એ પુણ્ય છે કે દાન કરનારની આંતરિક ચેતનામાં? કૃત્ય – પ્રવૃત્તિ મહત્વની છે કે અંદરનો અભિપ્રાય? આ મનુષ્ય જગતનો જૂનો અને શાશ્વત પ્રશ્ન છે. નીતિશાસ્ત્ર કૃત્યનો વિચાર કરે છે કે શું કરવું અને શું ન કરવું? ધર્મ કર્તાનો કે કર્મ કરનારનો વિચાર કરે છે. કર્મ કરનાર કેવો હોવો જોઈએ, કેવો ન હોવો જોઈએ?.જયારે પહેલીવાર ઉપનિષદનો પશ્ચિમી ભાષામાં અનુવાદ થયો તો ત્યાંના વિચારકોને નવાઈ લાગી કે એમાં ઈસાઈ ધર્મની જેમ દસ આજ્ઞા જેવી કોઈ વાતો નથી. ચોરી ન કરો, વ્યભિચાર ન કરો, સેવા કરો, દાન કરો એવા કોઈ આદેશ ત્યાં નથી. પશ્ચિમી ધર્મો જે કરવા – ન કરવાના આદેશ ઉપર ટકેલા છે. લાગ્યું હશે કે ઉપનિષદ ધર્મ ગ્રંથ નહિ હોય, પણ એ ધર્મ ગ્રંથ છે.
મહાવીરની દ્રષ્ટિએ પણ કરવા, ન કરવાની આજ્ઞા આપવી એ નીતિનું કામ છે, ધર્મનું નહિ. નૈતિક એમને થવું પડે છે જે ધાર્મિક નથી.ધાર્મિક વ્યક્તિ નીતિથી ઉપર ઉઠી જાય છે. કેમકે એમને આત્માનો મૂળ શ્રોત પામી લીધો હોય છે..જેમ કે એક આંધળા માણસને લાકડીની મદદ લેવી પડે છે,જેને આંખ છે એમને લાકડીની જરૂર નથી. નીતિ કામચલાઉ લાકડી છે, અધાર્મિક માણસના હાથમાં પકડાવવી પડે છે. જેમની પાસે ભીતરની આંખ નથી, એમને બહારના નિયમો પકડવા પડે છે. આ ભારતીય અને પશ્ચિમી ધર્મોમાં બુનયાદી ફરક છે..નીતિ એક સામાજિક વ્યવસ્થા છે, ધર્મ એક આધ્યાત્મિક જાગરણ છે. બહાર જેટલા નિયમો વધારે એટલો માણસ અંદરથી સૂતેલો છે અને જેટલો માણસ અંદરથી જાગૃત છે પછી નિયમની કોઈ જરૂરત નથી. કાનૂન એટલા માટે છે કે માણસ ખોટા છે. લાઓત્સે કહ્યું છે કે નીતિનો જન્મ જ ત્યારે થાય છે જયારે માણસ ધર્મ શૂન્ય હોય છે. જયારે ભીતરનો તાઓ – સ્વભાવ નષ્ઠ થઇ જાય છે ત્યારે બહાર નિયમો ગોઠવવા પડે છે. ભારતીય ધર્મોનું એક વાત પાર જોર છે કે ભીતરની ચેતના પરિશુદ્ધ હોવી જોઈએ. ચેતના શુદ્ધ હશે તો આચરણ પોતાની મેળે શુદ્ધ થઇ જશે. તમે શું કરો છો એનું મૂલ્ય નથી, તમે શું છો તેનું મૂલ્ય છે.ભીતર તમે ખોટા હશો અને બહાર આચરણ સારું કરવા જશો તો એ પાખંડ સિવાય બીજું કશું નથી..મહાવીરના આ સૂત્રો અંદરથી જાગવા માટેના સૂત્રો છે..
ગૌતમ સ્વામીએ એકવાર પ્રભુ મહાવીરને પૂછ્યું –
કહં ચરે કહં ચિટ્ઠે કહં આશે કહં સયે,
કહં ભૂંજનતો ભાષનતો પાવ કમં ન બંધઈ ।
એટલે કે ‘હું કેવી રીતે ચાલુ, કેવી રીતે બેસું, કેવી રીતે ઠહેરુ, કેવી રીતે ઊંઘું, કેવી રીતે ખાઉં અને કેવી રીતે બોલું કે જેથી પાપ કર્મનો બંધ ન થાય?’
અહીં પૂછનાર કૃત્યો વિષે પૂછે છે કે કેવી રીતે ચાલુ, બેસું વગેરે. આવો જ પ્રશ્ન ગીતામાં અર્જુને શ્રીકૃષ્ણને પૂછ્યો હતો કે સ્થિતપ્રજ્ઞની ભાષા કેવી હોય, વ્યવહાર કેવો હોય? જોર એ વાત ઉપર છે કે અમે શું કરીએ કે પાપ કર્મનું બંધન ન થાય? જોર કર્મ ઉપર છે.. મહાવીર જે જવાબ આપે છે એમાં જોર કર્મ ઉપર નથી, જોર કર્તા ઉપર છે. પ્રશ્ન છ પૂછયા છે પણ જવાબ એક જ છે – ‘જયં’ એટલે કે યતના પૂર્વક કોઈ પણ ક્રિયા કરો. ક્રિયાનું મૂલ્ય નથી, યતનાનું મૂલ્ય છે. યતનાનો અર્થ છે જાગૃતિ પૂર્વક કંઈ પણ કરવું. જૈન પંડિતો પણ આનો ખોટો અર્થ કરે છે – જયં એટલે સંયમ એવો અર્થ કરે છે. જયંનો અર્થ સંયમ નથી, જાગૃતિ છે. પ્રશ્ન વ્યવહાર કેન્દ્રિત છે પણ જ્ઞાનીનો જવાબ નિશ્ચય કેન્દ્રિત છે. સાધકનો સવાલ બહિર્મુખી પ્રવૃત્તિ કેમ કરવી એનો જવાબ જ્ઞાની અંતર્મુખી દ્રષ્ટિકોણથી આપે છે. શું કરવું એ એટલું મહત્વનું નથી, જે કરો તે દરેક ક્રિયા સભાન અવસ્થામાં કરવી. મહાવીર તેને સમિતિ કહે છે. સમિતિ એટલે સમ્યક પ્રવૃત્તિ. આવી પાંચ સમિતિ સાધક માટે બતાવી છે.
પહેલી સમિતિ છે – ઈર્યા સમિતિ – જાગૃતિ પૂર્વક ચાલવું. આપણે તો ઊંઘમાં જ ચાલીએ છીએ.ચાલતી વખતે મગજમાં પચાસો વિચાર ચાલતા હોય છે. આ આદત અનેક જન્મોની છે. આ બેહોશીની આદતને તોડવી અઘરી છે, એક મોટી તપશ્ચર્યા છે. અનેક વર્ષોની સાધના અને પ્રયાસ પછી આવી જાગૃતિ આવી શકે છે. ધીરે ધીરે પ્રયોગ કરો. જાગૃતિ અને હોશ પૂર્વક ચાલો. ચાલતા આવડે તો ચાલવું એ માત્ર શારીરિક કસરત જ નથી, ધ્યાનની પરમ અવસ્થા પણ છે. જયારે ચાલો ત્યારે ધ્યાન રાખો કે તમારું ચિત્ત ચાલવાની ક્રિયામાં એકાગ્રચિત્ત રહે. દસ – વીસ કદમ જાગૃતિ રહેશે અને ફરી પાછી બેહોશી પકડી લેશે. પરંતુ હાર માન્ય વગર અને નિરાશ થયા વિના આ પ્રયોગ ચાલુ રાખશો તો ચોક્કસ સફળતા મળશે. ચાલો ત્યારે જે કંઈ સહજ રીતે બની રહ્યું છે એના પ્રત્યે સજાગ રહો. આ સજાગતા તમને બંધનમાંથી બહાર લાવશે. લાખોમાં ચાર છ માણસો આવી રીતે જાગૃતિ પૂર્વક ચાલતા હશે. એટલે જ બુદ્ધ અને મહાવીર અને કૃષ્ણની જાગૃતિનું મહત્વ છે. દરેક ક્રિયા હોશ પૂર્વક કરવી એ સમિતિ છે. ઇર્યા સમિતિ એટલે જાગૃતિ પૂર્વક ચાલવું. સાધુની જીવન ચર્યામાં વિહાર પ્રમુખ છે. એ વિહાર એટલે જ ચાલવું. આ ચાલવાની ક્રિયામાં ભીતરી તત્વ સજગ રહેવું જોઈએ. એટલે કે ચાલતી વખતે પણ ધ્યાનમય દશા રહેવી જોઈએ. ભગવાન મહાવીરે સાધુની પરિભાષા જ એ કરી છે કે : સૂત્તા અમુનિ – અસુત્તા મુનિ – જે સૂતેલો છે તે અમુનિ છે અને જે જાગેલો છે તે મુનિ છે.
બીજી સમિતિ છે – ભાષા સમિતિ. બોલતી વખતે પણ ચેતનાની જાગૃતિ રહેવી જોઈએ. સાધક ક્યારેય બેહોશીમાં ન બોલે. આ બેહોશી જ પાપ છે. બોલતી વખતે આવેશ આવી ગયો એનો અર્થ છે તમે બેહોશ થાય ગયા છો. હોશમાં હોવ તો આવેશનો પ્રશ્ન જ નથી ઉઠતો. આજે બધા પ્રોબ્લેમ આ વાણીની ઉંછુંખલતાએ જ તો ઉભા કાર્ય છે. કેમ આપણાથી કટુ બોલાઈ જવાય છે કેમ કે ભીતર તમે બેહોશ છો. બોલતી વખતે એટલા સાવધાન રહો કે તમે એક એક શબ્દ જાગૃતિ પૂર્વક બોલી શકો. બેહોશીમાં બોલવું એ જ બંધન છે, એમાં જ હિંસા છે – પોતાની અને અન્યની. હોશમાં બોલશો તો શક્તિનો સંચય થશે અને બેહોશીમાં બોલશો તો શક્તિ નષ્ઠ થશે. જો બોલવામાં જાગૃતિ હશે તો મુખમાંથી કટુ શબ્દો નહિ નીકળે, અનાવશ્યક શબ્દો પણ વિરામ પામશે.
ત્રીજી સમિતિ છે – એષણા સમિતિ : એષણા એટલે દોષ ટાળીને આહારની શોધ કરવી. સાધુ ભિક્ષાજીવી છે એટલે એ અલગ અલગ ઘરોમાંથી આહાર ગ્રહણ કરે છે. આહાર ગ્રહણ કરતી વખતે સાવધાની રાખવી કે હિંસા આદિનો કોઈ દોષ ન લાગે અને આહાર લેતી વખતે એટલા સાવધાન અને હોશમાં રહેવું કે ક્યાંય કોઈ વસ્તુ પર આશક્તિ ન જાગે. સાધુ માટે મર્યાદા છે કે 42 દોષો ટાળીને આહારની ગવેષણા કરે. મૂળમાં તો સાવધાની અને જાગૃતિ જ છે. સાધુ જો જાગૃત હશે તો નિર્દોષ આહાર જ ગ્રહણ કરશે. એ સાવધાની નહિ હોય તો સાધુ પર ગુરુ અનેક નિયમો થોપશે. જેટલા નિયમો વધે છે એટલી જ જાગૃતિ ઓછી હોય છે.
ચોથી સમિતિ છે – આદાન નિક્ષેપ સમિતિ: વસ્ત્ર-પાત્રાદિ કોઈ પણ વસ્તુ પૂંજી – પ્રમાજીને લેવી-મૂકવી તે આદાન નિક્ષેપ સમિતિ છે. આમાં પણ સાવધાની છે. પૂર્ણ સજગ અને જાગૃત રહી વસ્ત્ર પાત્ર લેવા અને મુકવા. સાધુના હાથે વસ્ત્ર ફાટી જાય કે પાત્ર હાથમાંથી છટકી જાય એનો અર્થ થયો કે જાગૃતિનો અભાવ છે. વસ્ત્ર પાત્ર તો માત્ર ઉદાહરણ છે. સાધુ કોઈ પણ વસ્તુ લે કે મૂકે એમાં પૂરેપૂરી સજગતા રહેવી જોઈએ. પુસ્તક – ગ્રંથ કે અન્ય કોઈ પણ વસ્તુમાં હોશનો દીપક પ્રગટેલો રહેવો જોઈએ.
પાંચમી સમિતિ છે – પરિષ્ઠાપનિકા સમિતિ : એટલે મૂળ-મૂત્ર બળખો વગેરે જાગૃતિ પૂર્વક પરઠવો. સાધુ ગમે ત્યાં થુંકે નહિ કે ગમે ત્યાં શૌચ – ઉત્સર્ગ માટે ન જાય. પોતાનો હોશ પણ જાળવી રાખવો અને કોઈ જીવની હિંસા ન થાય એની પૂરેપૂરી સાવધાની રાખવી. મૂળ તો સાધુ માટે આવા હિંસાત્મક સ્થાનોમાં રહેવું પણ દોષ યુક્ત છે. સાધુ પોતાની સ્થાન માટે એવું સ્થાન પસંદ કરે છે કે ત્યાં કોઈ જીવની હિંસા ન થાય. આજની પરિસ્થિતિ જરા વિચિત્ર છે. આજે કેટલા સાધુ ઈર્યા સમિતિ પૂર્વક વિહાર કરે છે? કેટલા સાધુઓ બોલવામાં સાવધાન હોય છે? કેટલા સાધુઓ નિર્દોષ આહાર ગ્રહણ કરે છે? રસોડા ચાલતા હોય ત્યાં સાધુને આહાર લેવો નિર્દોષ નથી. કેટલા સાધુઓ વસ્ત્રોને અને અન્ય વસ્તુઓ લેતી મુક્તિ વખતે સજગ હોય છે? મહાવીરનો સાધુ તો પૂર્ણ હોશ પૂર્વક જીવતો હોય છે.