આજના સૂત્રોમાં કર્મ અને કર્મ બંધની અને પાપ – પુણ્યની ચર્ચા કરીશું. પાપ શું છે અને પુણ્ય શું છે? આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ, એમાં પાપ છે કે પ્રવૃત્તિ કરનારમાં? ચોરી કરવી એ પાપ છે કે ચોરી કરનારની ભાવ દશામાં પાપ છે? દાન કરવું એ પુણ્ય છે કે દાન કરનારની આંતરિક ચેતનામાં? કૃત્ય – પ્રવૃત્તિ મહત્વની છે કે અંદરનો અભિપ્રાય? આ મનુષ્ય જગતનો જૂનો અને શાશ્વત પ્રશ્ન છે. નીતિશાસ્ત્ર કૃત્યનો વિચાર કરે છે કે શું કરવું અને શું ન કરવું? ધર્મ કર્તાનો કે કર્મ કરનારનો વિચાર કરે છે. કર્મ કરનાર કેવો હોવો જોઈએ, કેવો ન હોવો જોઈએ?.જયારે પહેલીવાર ઉપનિષદનો પશ્ચિમી ભાષામાં અનુવાદ થયો તો ત્યાંના વિચારકોને નવાઈ લાગી કે એમાં ઈસાઈ ધર્મની જેમ દસ આજ્ઞા જેવી કોઈ વાતો નથી. ચોરી ન કરો, વ્યભિચાર ન કરો, સેવા કરો, દાન કરો એવા કોઈ આદેશ ત્યાં નથી. પશ્ચિમી ધર્મો જે કરવા – ન કરવાના આદેશ ઉપર ટકેલા છે. લાગ્યું હશે કે ઉપનિષદ ધર્મ ગ્રંથ નહિ હોય, પણ એ ધર્મ ગ્રંથ છે.
મહાવીરની દ્રષ્ટિએ પણ કરવા, ન કરવાની આજ્ઞા આપવી એ નીતિનું કામ છે, ધર્મનું નહિ. નૈતિક એમને થવું પડે છે જે ધાર્મિક નથી.ધાર્મિક વ્યક્તિ નીતિથી ઉપર ઉઠી જાય છે. કેમકે એમને આત્માનો મૂળ શ્રોત પામી લીધો હોય છે..જેમ કે એક આંધળા માણસને લાકડીની મદદ લેવી પડે છે,જેને આંખ છે એમને લાકડીની જરૂર નથી. નીતિ કામચલાઉ લાકડી છે, અધાર્મિક માણસના હાથમાં પકડાવવી પડે છે. જેમની પાસે ભીતરની આંખ નથી, એમને બહારના નિયમો પકડવા પડે છે. આ ભારતીય અને પશ્ચિમી ધર્મોમાં બુનયાદી ફરક છે..નીતિ એક સામાજિક વ્યવસ્થા છે, ધર્મ એક આધ્યાત્મિક જાગરણ છે. બહાર જેટલા નિયમો વધારે એટલો માણસ અંદરથી સૂતેલો છે અને જેટલો માણસ અંદરથી જાગૃત છે પછી નિયમની કોઈ જરૂરત નથી. કાનૂન એટલા માટે છે કે માણસ ખોટા છે. લાઓત્સે કહ્યું છે કે નીતિનો જન્મ જ ત્યારે થાય છે જયારે માણસ ધર્મ શૂન્ય હોય છે. જયારે ભીતરનો તાઓ – સ્વભાવ નષ્ઠ થઇ જાય છે ત્યારે બહાર નિયમો ગોઠવવા પડે છે. ભારતીય ધર્મોનું એક વાત પાર જોર છે કે ભીતરની ચેતના પરિશુદ્ધ હોવી જોઈએ. ચેતના શુદ્ધ હશે તો આચરણ પોતાની મેળે શુદ્ધ થઇ જશે. તમે શું કરો છો એનું મૂલ્ય નથી, તમે શું છો તેનું મૂલ્ય છે.ભીતર તમે ખોટા હશો અને બહાર આચરણ સારું કરવા જશો તો એ પાખંડ સિવાય બીજું કશું નથી..મહાવીરના આ સૂત્રો અંદરથી જાગવા માટેના સૂત્રો છે..
ગૌતમ સ્વામીએ એકવાર પ્રભુ મહાવીરને પૂછ્યું –
કહં ચરે કહં ચિટ્ઠે કહં આશે કહં સયે,
કહં ભૂંજનતો ભાષનતો પાવ કમં ન બંધઈ ।
એટલે કે ‘હું કેવી રીતે ચાલુ, કેવી રીતે બેસું, કેવી રીતે ઠહેરુ, કેવી રીતે ઊંઘું, કેવી રીતે ખાઉં અને કેવી રીતે બોલું કે જેથી પાપ કર્મનો બંધ ન થાય?’
અહીં પૂછનાર કૃત્યો વિષે પૂછે છે કે કેવી રીતે ચાલુ, બેસું વગેરે. આવો જ પ્રશ્ન ગીતામાં અર્જુને શ્રીકૃષ્ણને પૂછ્યો હતો કે સ્થિતપ્રજ્ઞની ભાષા કેવી હોય, વ્યવહાર કેવો હોય? જોર એ વાત ઉપર છે કે અમે શું કરીએ કે પાપ કર્મનું બંધન ન થાય? જોર કર્મ ઉપર છે.. મહાવીર જે જવાબ આપે છે એમાં જોર કર્મ ઉપર નથી, જોર કર્તા ઉપર છે. પ્રશ્ન છ પૂછયા છે પણ જવાબ એક જ છે – ‘જયં’ એટલે કે યતના પૂર્વક કોઈ પણ ક્રિયા કરો. ક્રિયાનું મૂલ્ય નથી, યતનાનું મૂલ્ય છે. યતનાનો અર્થ છે જાગૃતિ પૂર્વક કંઈ પણ કરવું. જૈન પંડિતો પણ આનો ખોટો અર્થ કરે છે – જયં એટલે સંયમ એવો અર્થ કરે છે. જયંનો અર્થ સંયમ નથી, જાગૃતિ છે. પ્રશ્ન વ્યવહાર કેન્દ્રિત છે પણ જ્ઞાનીનો જવાબ નિશ્ચય કેન્દ્રિત છે. સાધકનો સવાલ બહિર્મુખી પ્રવૃત્તિ કેમ કરવી એનો જવાબ જ્ઞાની અંતર્મુખી દ્રષ્ટિકોણથી આપે છે. શું કરવું એ એટલું મહત્વનું નથી, જે કરો તે દરેક ક્રિયા સભાન અવસ્થામાં કરવી. મહાવીર તેને સમિતિ કહે છે. સમિતિ એટલે સમ્યક પ્રવૃત્તિ. આવી પાંચ સમિતિ સાધક માટે બતાવી છે.
પહેલી સમિતિ છે – ઈર્યા સમિતિ – જાગૃતિ પૂર્વક ચાલવું. આપણે તો ઊંઘમાં જ ચાલીએ છીએ.ચાલતી વખતે મગજમાં પચાસો વિચાર ચાલતા હોય છે. આ આદત અનેક જન્મોની છે. આ બેહોશીની આદતને તોડવી અઘરી છે, એક મોટી તપશ્ચર્યા છે. અનેક વર્ષોની સાધના અને પ્રયાસ પછી આવી જાગૃતિ આવી શકે છે. ધીરે ધીરે પ્રયોગ કરો. જાગૃતિ અને હોશ પૂર્વક ચાલો. ચાલતા આવડે તો ચાલવું એ માત્ર શારીરિક કસરત જ નથી, ધ્યાનની પરમ અવસ્થા પણ છે. જયારે ચાલો ત્યારે ધ્યાન રાખો કે તમારું ચિત્ત ચાલવાની ક્રિયામાં એકાગ્રચિત્ત રહે. દસ – વીસ કદમ જાગૃતિ રહેશે અને ફરી પાછી બેહોશી પકડી લેશે. પરંતુ હાર માન્ય વગર અને નિરાશ થયા વિના આ પ્રયોગ ચાલુ રાખશો તો ચોક્કસ સફળતા મળશે. ચાલો ત્યારે જે કંઈ સહજ રીતે બની રહ્યું છે એના પ્રત્યે સજાગ રહો. આ સજાગતા તમને બંધનમાંથી બહાર લાવશે. લાખોમાં ચાર છ માણસો આવી રીતે જાગૃતિ પૂર્વક ચાલતા હશે. એટલે જ બુદ્ધ અને મહાવીર અને કૃષ્ણની જાગૃતિનું મહત્વ છે. દરેક ક્રિયા હોશ પૂર્વક કરવી એ સમિતિ છે. ઇર્યા સમિતિ એટલે જાગૃતિ પૂર્વક ચાલવું. સાધુની જીવન ચર્યામાં વિહાર પ્રમુખ છે. એ વિહાર એટલે જ ચાલવું. આ ચાલવાની ક્રિયામાં ભીતરી તત્વ સજગ રહેવું જોઈએ. એટલે કે ચાલતી વખતે પણ ધ્યાનમય દશા રહેવી જોઈએ. ભગવાન મહાવીરે સાધુની પરિભાષા જ એ કરી છે કે : સૂત્તા અમુનિ – અસુત્તા મુનિ – જે સૂતેલો છે તે અમુનિ છે અને જે જાગેલો છે તે મુનિ છે.
બીજી સમિતિ છે – ભાષા સમિતિ. બોલતી વખતે પણ ચેતનાની જાગૃતિ રહેવી જોઈએ. સાધક ક્યારેય બેહોશીમાં ન બોલે. આ બેહોશી જ પાપ છે. બોલતી વખતે આવેશ આવી ગયો એનો અર્થ છે તમે બેહોશ થાય ગયા છો. હોશમાં હોવ તો આવેશનો પ્રશ્ન જ નથી ઉઠતો. આજે બધા પ્રોબ્લેમ આ વાણીની ઉંછુંખલતાએ જ તો ઉભા કાર્ય છે. કેમ આપણાથી કટુ બોલાઈ જવાય છે કેમ કે ભીતર તમે બેહોશ છો. બોલતી વખતે એટલા સાવધાન રહો કે તમે એક એક શબ્દ જાગૃતિ પૂર્વક બોલી શકો. બેહોશીમાં બોલવું એ જ બંધન છે, એમાં જ હિંસા છે – પોતાની અને અન્યની. હોશમાં બોલશો તો શક્તિનો સંચય થશે અને બેહોશીમાં બોલશો તો શક્તિ નષ્ઠ થશે. જો બોલવામાં જાગૃતિ હશે તો મુખમાંથી કટુ શબ્દો નહિ નીકળે, અનાવશ્યક શબ્દો પણ વિરામ પામશે.
ત્રીજી સમિતિ છે – એષણા સમિતિ : એષણા એટલે દોષ ટાળીને આહારની શોધ કરવી. સાધુ ભિક્ષાજીવી છે એટલે એ અલગ અલગ ઘરોમાંથી આહાર ગ્રહણ કરે છે. આહાર ગ્રહણ કરતી વખતે સાવધાની રાખવી કે હિંસા આદિનો કોઈ દોષ ન લાગે અને આહાર લેતી વખતે એટલા સાવધાન અને હોશમાં રહેવું કે ક્યાંય કોઈ વસ્તુ પર આશક્તિ ન જાગે. સાધુ માટે મર્યાદા છે કે 42 દોષો ટાળીને આહારની ગવેષણા કરે. મૂળમાં તો સાવધાની અને જાગૃતિ જ છે. સાધુ જો જાગૃત હશે તો નિર્દોષ આહાર જ ગ્રહણ કરશે. એ સાવધાની નહિ હોય તો સાધુ પર ગુરુ અનેક નિયમો થોપશે. જેટલા નિયમો વધે છે એટલી જ જાગૃતિ ઓછી હોય છે.
ચોથી સમિતિ છે – આદાન નિક્ષેપ સમિતિ: વસ્ત્ર-પાત્રાદિ કોઈ પણ વસ્તુ પૂંજી – પ્રમાજીને લેવી-મૂકવી તે આદાન નિક્ષેપ સમિતિ છે. આમાં પણ સાવધાની છે. પૂર્ણ સજગ અને જાગૃત રહી વસ્ત્ર પાત્ર લેવા અને મુકવા. સાધુના હાથે વસ્ત્ર ફાટી જાય કે પાત્ર હાથમાંથી છટકી જાય એનો અર્થ થયો કે જાગૃતિનો અભાવ છે. વસ્ત્ર પાત્ર તો માત્ર ઉદાહરણ છે. સાધુ કોઈ પણ વસ્તુ લે કે મૂકે એમાં પૂરેપૂરી સજગતા રહેવી જોઈએ. પુસ્તક – ગ્રંથ કે અન્ય કોઈ પણ વસ્તુમાં હોશનો દીપક પ્રગટેલો રહેવો જોઈએ.
પાંચમી સમિતિ છે – પરિષ્ઠાપનિકા સમિતિ : એટલે મૂળ-મૂત્ર બળખો વગેરે જાગૃતિ પૂર્વક પરઠવો. સાધુ ગમે ત્યાં થુંકે નહિ કે ગમે ત્યાં શૌચ – ઉત્સર્ગ માટે ન જાય. પોતાનો હોશ પણ જાળવી રાખવો અને કોઈ જીવની હિંસા ન થાય એની પૂરેપૂરી સાવધાની રાખવી. મૂળ તો સાધુ માટે આવા હિંસાત્મક સ્થાનોમાં રહેવું પણ દોષ યુક્ત છે. સાધુ પોતાની સ્થાન માટે એવું સ્થાન પસંદ કરે છે કે ત્યાં કોઈ જીવની હિંસા ન થાય. આજની પરિસ્થિતિ જરા વિચિત્ર છે. આજે કેટલા સાધુ ઈર્યા સમિતિ પૂર્વક વિહાર કરે છે? કેટલા સાધુઓ બોલવામાં સાવધાન હોય છે? કેટલા સાધુઓ નિર્દોષ આહાર ગ્રહણ કરે છે? રસોડા ચાલતા હોય ત્યાં સાધુને આહાર લેવો નિર્દોષ નથી. કેટલા સાધુઓ વસ્ત્રોને અને અન્ય વસ્તુઓ લેતી મુક્તિ વખતે સજગ હોય છે? મહાવીરનો સાધુ તો પૂર્ણ હોશ પૂર્વક જીવતો હોય છે.
દુર્યોધને કહેલું હું પાપને જાણું છું પણ છોડી શકતો નથી અને હું ધર્મને જાણું છું પણ તેને આચરી શકતો નથી. આ અવાજ માત્ર દુર્યોધનનો જ નથી, આપણા બધાનો પણ છે. આપણે જાણીએ છીએ કે સાચું શું છે અને ખોટું શું છે, છતાં પણ મોહ અને મમતાના કારણે સત્યના માર્ગે ચાલી શકતા નથી અને અસત્યનો માર્ગ છોડી શકતા નથી અને તેને પરિણામે અનેક તકલીફોનો ભોગ બનવું પડે છે. આવુ જ એક પાપ છે – રતિ અને અરતિ. રતિ એટલે રુચિકર લાગવું,ગમવું,સારું લાગવું, લગાવ થવો, રાગભાવ જાગવો અને એમાં સુખનો આભાસ થવો. અરતિ એટલે અરુચિ, અણગમો, દ્વેષ,અપ્રિય લાગવું અને એમાં દુઃખ અનુભવવું. ગમો જ અણગમો બને છે, રાગ જ દ્વેષનું કારણ બને છે, જે ગમે છે એ જ થોડા સમયમાં વૈરાગ્ય જન્માવે છે, પણ આ વૈરાગ્ય સાચો નથી, માત્ર ક્રિયાની પ્રતિક્રિયા છે. જીવ ફરી પાછો નવી ગમતી વસ્તુઓ કે વ્યક્તિ પાછળ ગાંડો -ઘેલો બને છે. સુખ ભોગાવાની લાલસા રતિનું મૂળ છે અને દુઃખથી બચવાની વૃત્તિ અરતિના મૂડમાં છે.
માણસનું મન ક્ષણભંગુરના સુખમાં અટવાયેલું રહે છે. મન શોધે છે સ્થાઈ તૃપ્તિ પણ જ્યાં શોધે છે એ જગ્યા ખોટી છે. બહારના વ્યક્તિમાં કે વસ્તુમાં સ્થાઈ તૃપ્તિ સંભવ જ નથી. સ્થાઈ તૃપ્તિ આત્મદશામાં છે એ માણસ ભૂલી ગયો છે. આકર્ષણ એટલે રતિ અને અનાકર્ષણ કે અરુચિ એટલે અરતિ. જૈન દર્શનમાં અઢાર પાપમાંનું આ પંદરમું પાપ છે- રતિ – અરતિ. સુખ દુઃખ, રાત અને દિવસ, શરદી અને ગરમી જેમ એક જ સિક્કાની બે બાજુઓ છે એમ રતિ અને અરતિ એ પણ એક જ સિક્કાની બે બાજુઓ છે. દિવસ અને રાત જેમ એકલા હોતા નથી એમ રતિ અને અરતિ એકલા રહેતા નથી.
હા, કદાચ બંને વચ્ચે સમયનું અંતર હોઈ શકે. પત્ની પરની આજની રતિને અરતિમાં બદલાતા કદાચ મહિનો, વર્ષ કે દસ વર્ષ લાગે પણ રતિનો સ્વભાવ જ અરતિમાં બદલવાનો છે. આ બંને ભાવો ક્ષણિક છે. માણસને જે વસ્તુ કે વ્યક્તિ ગમે છે એ ત્યાં સુધી જ કે એ એના મનને સુખ આપે અને એના મન પ્રમાણે ચાલે. જેવી આમાં અહંકારના ઘર્ષણથી કંઈક ગડબડ ઉભી થઇ એટલે તરત એના પ્રત્યે અરુચિનો ભાવ જાગશે. વસ્તુ કે વ્યક્તિમાં કોઈ રસ કે નિરસતા નથી. રતિ – અરતિનું ઉત્પન્ન સ્થાન મન જ છે. મારુ મન જ આ પ્રકારની કલ્પનાઓ કરે છે. મન પોતે ચંચળ છે એટલે એની વૃત્તિઓ પણ એટલી જ ક્ષણિક રહેવાની. સવારના નાસ્તામાં ભાવતા ખાખરા બપોરે જમવામાં ભાવતા નથી અને સાંજે ભોજનમાં ભાવતી ખીચડી સવારે નાસ્તામાં ખાવી ગમતી નથી. આરોગ્ય સારું હોય ત્યારે સોની નોટ પણ ગમે છે અને કેન્સરનું નિદાન થઇ ગયા પછી કરોડોની કમાણીના સમાચાર પણ સાંભળવા ગમતા નથી.
આ રતિ અને અરતિને પાપ ખોલતા માટે કહ્યું છે કે જીવ ખોટા માર્ગે સુખ શોધવામાં જીવનની અમૂલ્ય ક્ષણો વેડફી નાખે છે. સુખના ખોટા આકર્ષણો પાછળ અને દુઃખના અણગમા પાછળ જૂઠ, દંભ,બેઈમાની, સંગ્રહખોરી, હિંસા, વિશ્વાસઘાત જેવા અનેક બીજા પાપો પણ કરે છે. આ બધું કરવામાં પોતાની જાતને ભૂલી જાય છે, ફાઈનલી એ પોતાની સાથે જ બેઈમાની કરવા લાગે છે. એમાંથી જન્મે છે આર્ત્ત અને રૌદ્ર ધ્યાન એટલે કે પોતાને દુઃખી કરવું કે અન્યને દુઃખી કરવું.
સાચા સુખનો માર્ગ એક જ છે મનુષ્ય સારી નરસી બંને સ્થિતિમાં સમભાવ રાખી પોતાની શક્તિઓને ઓળખે અને તેનો સદુપયોગ કરે. જૈન શાસનમાં ભગવાન મહાવીર સ્વામીના સમયમાં થઇ ગયેલ મહાસતી સુલસાની વાત જાણવા જેવી છે. મહાસતી સુલસા જેવી પરમ શ્રાવિકાને કોઈ સંતાન નથી. નાગ સારથી નામના એમના પતિએ દેવ સાધનામાં સફળતા પ્રાપ્ત કરી અને દૈવી ફળ સુલસાને ખવડાવ્યું અને યોગાનુયોગ ભવિતવ્યતા વશ સુલસાએ બત્રીશ બાળકોને જન્મ આપ્યો. આ બત્રીશ બાળકો મગધના સમ્રાટ શ્રેણિકના અંગ રક્ષક બન્યા અને ચેડારાજાના યુદ્ધમાં બત્રીસે પુત્રો મરી ગયા. જયારે આ સમાચાર સુલસાને મળ્યા ત્યારે વિચારો સુલસાનું શું થયું હશે?
પરંતુ નવાઈની વાત એ છે કે આપણા કરતા ઉલ્ટી જ ઘટના બને છે. આવી વિકટ સ્થિતિમાં પણ સુલસાએ અંશ માત્ર પણ કલ્પાંત કર્યું નથી. બત્રીશ પુત્રો ન હતા ત્યારે પણ કોઈ રતિ કે આકર્ષણ નહોતું અને હવે પુત્રો નથી રહ્યા તો પણ કોઈ શોક નથી. સંસાર છે પરિસ્થતિઓ આવે ને જાય. સંયોગ વિયોગના ગર્ભને ધારણ કરીને જ જન્મ લે છે. આપણે સૌએ બોધ લેવો રહ્યો કે અનુકૂળતામાં રતિ રાખવી અને પ્રતિકૂળતામાં અરતિ કે અરુચિ રાખવી બંને દુઃખદાયી છે. અરતિ દુઃખદાઈ છે એ તો બધાને સમજાય એવી બાબત છે પણ રતિ પણ દુઃખદાયી છે એ માત્ર જ્ઞાનીને સમજાય છે.
જેના પ્રત્યે વધુ મોહ અને લગાવ હોય છે એ જ દુઃખનું કારણ બને છે શું આવું અનેકવાર અનુભવ્યું નથી. જેની સાથે મોહના સંબંધો બાંધ્યા હોય છે એ જયારે આ સંસારથી વિદાય લે છે ત્યારે કેટલું દુઃખ થાય છે. એ દુઃખ વ્યક્તિ જવાથી નથી થયું પણ એ વ્યક્તિમાં સુખ બુદ્ધિ છે એટલે થયું છે. એ ગયેલી વ્યક્તિ પ્રત્યે પણ કોઈ ભાવ નથી હોતો પરંતુ એનાથી મારો સ્વાર્થ સિદ્ધ થતો હતો એ હવે સિદ્ધ નહિ થાય એટલે હું દુઃખી થાઉં છે. કોઈ કોઈ માટે નથી રોતું યાર, માણસ પોતાના જ કોઈ તુચ્છ સ્વાર્થ ખાતર રોતો હોય છે. કહ્યું છે ને કે ‘ કોઈ કિસી કે ખાતિર નહિ રોતા, સબકો અપની હી કિસી બાત પર રોના આયા.’ માણસ ભીતરમાં સાચા પ્રેમને પામે પછી જ બધું સાચું થતું હોય છે, એ પહેલા બધું જ ડ્ર્રામા માત્ર છે. સુલસાની જેમ ભીતરી તત્વનો બોધ થઇ જાય પછી બહાર સુખ દુઃખનું કે રતિ – અરતિનું કોઈ કારણ રહેતું નથી.
એક બહેન એની બહેનપણીના ઘરે જાય છે. અરીસા સામે જોઈને કહે છે, આ દર્પણમાં ધૂળ કેટલી બધી છે! પેલી બહેનપણી તેને જવાબ આપે છે કે તને ધૂળ જ દેખાય છે, આ જાપાનની દસ હજારની કિંમતી ફ્રેમ નથી દેખાતી! ઘણા લોકોનું આવું જ હોય છે કે એમની આંખ ખરાબ જોવા ટેવાઈ ગઈ હોય છે અને એના કારણે એમને સારું ક્યાંય કશું દેખાતું નથી હોતું. આવા નિંદક ખરાબ લોકોને તો એ ખરાબ રીતે ચિતરે છે પણ સારા લોકો પર પણ દાગ લગાવવાનું ચૂકતા નથી. આવા લોકો સ્મશાનની તો નિંદા કરશે જ પણ સાથોસાથ મંદિરની પણ નિંદા કરતા ફરતા હોય છે. કતલખાનાની જ નહિ, પાંજરાપોળની પણ નિંદા કરતા હોય છે. આ નિંદાનું કૃત્ય બૉમ્બ જેવું છે – એ સારું અને ખરાબ બધાને સાફ કરી નાખે છે. આવું પાપ કરનાર ખરાબ વ્યક્તિને તો બદનામ કરે જ છે, સારી વ્યક્તિને પણ કલંકિત કરવામાં કશું બાકી નથી રાખતી. દુર્જનને જ નહિ,સજ્જનને પણ, પાડોશીને જ નહિ, માં-બાપને પણ ઉતારી પાડે છે. આવી પાપી વ્યક્તિ પાપીનું તો પાપ ઉઘાડું કરે જ છે, પણ પરમાત્માની નિંદા કરવામાં પણ તેને હિચકિચાહટ થતી નથી.
માણસના મગજમાં સતત વિચારોનો પ્રવાહ ચાલતો હોય છે. એના મનમાં ક્યારેક ભૂતકાળના તો ક્યારેક ભવિષ્યકાળના વિચારો મંડરાતા હોય છે. એ વિચારો આગળ જતા ચિંતા અને દુર્ભાવનું રૂપ લેતા હોય છે. એ બધા વિચારો અને ચિંતાને ચાર ભાગોમાં વહેંચી શકાય –
1. ઉત્તમ ચિંતા – અહીં ચિંતા એટલે ચિંતન. ઉત્તમ ચિંતન એટલે આત્માનું અને આત્મ સ્વરૂપનું ચિંતન,સાધના અને શુદ્ધિનું ચિંતન, પવિત્રતા અને પ્રસન્નતાનું ચિંતન,સદ્દગતિ અને પરમ ગતિનું ચિંતન, સ્વ દોષ અને સ્વ વિકાસનું ચિંતન.
2. મધ્યમ ચિંતા – આ ચિંતામાં ખાવા પીવાની અને માન પાનની ચિંતા થાય,ભેગું કરવાની અને ભોગવવાની જ ચિંતા સતાવતી હોય. જ્યાં જાય ત્યાં પોતાની સગવળતાના વિચારો કર્યા કરે એ મધ્યમ ચિંતા છે.
3. અધમ ચિંતા – આ ચિંતાના મૂળમાં ‘પૈસા’ જ છે. કેવી રીતે કમાવું, ક્યાંથી બે પૈસા વધારે કેમ મળે? ગમે તે રીતે,અધિક પૈસા,જલ્દી પૈસા અને ગમે તે રસ્તેથી પૈસા કેમ મળે તે જ વિચારમાં અને આયોજનમાં સતત પોતાના મનની શક્તિઓ વેડફતા હોય છે. પૈસા માટે નીતિ છોડવામાં પણ અને પાપ આચરવામાં પણ એમને વાંધો નથી. પૈસા માટે કોઈનું ખૂન પણ કરવું પડે તો આવા લોકો માટે એમાં પણ વાંધો નથી.આવા લોકો કદાચ પૈસા ભેગા કરી શકે છે પણ તેને શાંતિથી ભોગવી નથી શકતા. ગીતાની ભાષામાં આ આસુરી સંપત્તિ છે.
4.અધમાધમ ચિંતા – જેના મૂળમાં પોતે નહિ, અન્ય છે.બીજા શું કરે છે, બીજાનું કેમ ચાલે છે, બીજા ક્યાં જાય છે, એવી વ્યર્થ ચિંતામાં જે પોતાની બહુમૂલ્ય શક્તિ વેડફી નાખે છે. એમાં પણ બીજાનું સારું જોઈને ઈર્ષ્યા જાગે,કોઈ ખરાબ કરે તો વૈર વૃત્તિ જાગે, કોઈ કહ્યું ન માને તો ક્રોધ જાગે અને ધીરે ધીરે બીજાનું ખરાબ કરવાનું અને વિચારવાની ટેવ પડી જાય આ અધમા અધમ ચિંતા છે.
બીજાનું ગમે તેમ બોલવું એને જૈન શાસ્ત્રમાં ‘પરપરિવાદ’ નામનું સોળમું પાપ કહ્યું છે.પરપરિવાદ એટલે બીજાના વિષે જૂઠી વાતો કરવી,બીજાની માત્ર પોતાની ઈર્ષ્યાના કારણે નિંદા કરવી.જૈન શાસ્ત્ર કહે છે કે આવી નિંદા કરનાર આગલા ભવમાં બહેરા અને મૂંગા જન્મે છે.નિંદા એક એવું રસપ્રદ પાપ છે કે એ કરતી વખતે એ કોઈ ખોટું કરે છે એવો અહેસાસ પણ નથી થતો,કે એ કોઈ ખોટું કરે છે એનું દર્દ પણ નથી અનુભવાતું. અને આમ કરીને એ કોઈ પાપ કરે છે એવું પણ નથી લાગતું. આ પાપનું કોઈ પ્રાયઃશ્ચિત્ત પણ થઇ શકતું નથી. બીજા પાપ તો એકાંતમાં કરવા પડે છે પણ આ પાપ જાહેરમાં ખુલ્લે આમ કરે છે. બીજા પાપ કરતા પકડાઈ જવાનો ભય રહે છે, નિંદાના પાપમાં તો પકડવાનો પણ ભય નથી રહેતો.
પાપ બે પ્રકારના હોય છે – એક – જે આપણી પાછળ પડ્યાં છે અને બે – જેની પાછળ આપણે પડ્યા છીએ. જે પાપ કર્યા વિના ચાલે નહિ એ પહેલા નંબરમાં આવે છે. જીવન નિર્વાહ કરવામાં અનેક નાના મોટા પાપો કરવા પડે છે – ખાવા માટે,ધંધા માટે, નાના મોટા પાપ કર્યા વિના ચાલે તેમ નથી એ પહેલી શ્રેણીમાં આવે છે અને બીજા નંબરના પાપ એવા છે કે જેની કોઈ જ જરૂર નથી.જે માત્ર મોજ શોખ માટે અને પોતાની ઉચ્છુખલ વૃત્તિઓના પોષણ માટે કરવામાં આવે છે. જૈન દર્શનમાં એકને અર્થ દંડ અને બીજાને અનર્થ દંડ કહેવામાં આવે છે.ચોક્કસ પ્રયોજનના કારણે આત્મા કર્મોથી દંડતો રહે તે અર્થ દંડ અને કારણ વિના કે પ્રયોજન વિના આત્માને પતનના માર્ગે ધકેલવો એ અનર્થ દંડ પાપ કહેવાય છે. સંસારી જીવન જીવવા માટે હિંસાનું પાપ કરવું પડે એ અર્થ હિંસા છે અને નિંદાનું પાપ તો ક્યાંય ક્યારેય કરવાની જરૂર નથી, છતાં જીવ કરે એ અનર્થ પાપ છે.
કેવી વિચિત્રતા છે કે જે સંસારમાં હિંસાના પાપથી સંપૂર્ણ રીતે બચવું સંભવ નથી એનાથી એ બચવાની કોશિશ કરે છે અને જે નિંદાથી ભયંકર કર્મો બંધાય છે એવા ન કરવાના પાપો હોંશે હોંશે કરે છે.ખૂની પણ પોતાના પુત્રના ખૂનથી દૂર રહે છે પણ અહીં તો નિંદા કરનાર પોતાના સગા બાપને પણ નથી છોડતો! સેવન કાળ વખતે અત્યંત પ્રિય લાગતી નિંદા જયારે ફળ આપે છે ત્યારે ડૂચા કાઢી નાખે છે. આવી નિંદાના પાપ કરતા નિદ્રાધીન રહેવું વધુ સારું છે. કેમકે નિદ્રાધીન વ્યક્તિ કમ સે કમ એટલો સમય કોઈની નિંદા તો નહિ કરે ને! આ નિંદાના પાપને છોડવા માટે કોઈને સાચા ભાવથી અનુમોદવાનું ચાલુ કરીએ, કોઈના સારા ગુનો જોઈને પ્રસન્ન થઇ તેની પ્રશંસા કરીને નવાજીએ અને પરપરિવાદના પાપથી બચવાનો સલક્ષ્ય સંકલ્પ કરીએ.
એક વ્યક્તિ સાગર કિનારે જાય છે. સાગરને જોઈને કહે છે ‘ સાગર તું મહાન છે. તારી પાસે આવવું બધાને ગમે છે. તું લોકોને એક પારથી બીજે પાર પહોંચાડે છે પણ તારામાં આ ખારાશ ન હોત તો કેટલું સારું!’ આટલું કહેતા જ તેની નજર એક વૃક્ષ પર બેઠેલી કોયલ પર પડે છે અને કહે છે, ‘કોયલ તારો અવાજ કેટલો મધુર છે,તું ટહૂકે છે ત્યારે લોકોના દિલ જીતી લે છે પણ તારો આ રંગ કાળો ન હોત તો કેટલું સારું!’ આટલું બોલે છે ત્યાં એની નજર ગુલાબના છોડ પર પડે છે અને કહે છે, ‘હે ગુલાબ તું કેટલું મહાન છે,થોડી ક્ષણો જ તું જીવે છે પણ તારી સુગંધથી તું લોકોને મોહી લે છે પરંતુ તારી ચારેય બાજુ આટલા કાંટા ન હોત તો કેટલું સારું!’ આટલું બોલવાનું માંડ પૂરું કરે છે ત્યાં એની નજર આકાશમાં ચમકતા ચાંદ ઉપર પડે છે અને બોલી ઉઠે છે, ‘હે ચાંદ તું કેટલો ગુણવાન છે,તારામાં સોળે કળાએ ખીલવાની ક્ષમતા છે, કવિઓ તારી કળાઓ પર આફરીન થઈને કવિતાઓ રચવા લાગે છે પણ તારામાં આ કલંક ન હોત તું કેટલું સારું!’ આટલું બોલીને એ શાંત પડે છે ત્યારે સાગર,કોયલ,ફૂલ અને ચાંદ એક સાથે બોલી ઉઠે છે, ‘ હે મનુષ્ય તું કેટલો મહાન છે,શાસ્ત્રો તારી મહિમાના ગીતો ગાય છે,દુનિયાનો તું સૌથી બુદ્ધિમાન આત્મા છો, પણ તારામાં આ દોષો જોવાની ટેવ ન હોત તો કેટલું સારું!’
બસ, માણસનો એક આજ પ્રોબ્લેમ છે કે એ બધી રીતે બરાબર છે પણ એનામાં આ દોષો જોવાની ટેવના કારણે અને એને પ્રચારિત કરવાના વ્યસનના કારણે એની પાસે બધું હોવા છતાં એ દુઃખી, પરેશાન અને અશાંત છે. ગટર આગળ જતી હવા એક જ કામ કરે છે, બધે જ દુર્ગંધ ફેલાવાનું. બગીચાના એક વૃક્ષની ડાળ પર સડી ગયેલ ફળને જોઈને કાગડો એક જ કામ કરે છે, બગીચાને બદનામ કરવાનું. મડદા પાસે પહોંચી ગયેલ ગીધ એક જ કામ કરે છે,મડદાને ચૂંથવાનું અને એની દુર્ગંધ બધેય ફેલાવાનું. બસ ઠીક એવી રીતે પૈશુન્ય પાપને સેવનાર જીવ એક જ કામ કરે છે,વ્યક્તિમાં રહેલા દોષોને અનેક લોકોના કાન સુધી પહોંચાડવાનું.
અર્થાંત આવા દોષ શોધકને સમુદ્રની ગંભીરતાની પ્રશંસા કરવી નથી પણ ખારાશની ચાડી ખાવી છે. ગુલાબની સુગંધની નોંધ લેવી નથી પણ એના કાંટાઓ જોઈ એના પેટમાં દુઃખે છે.ચંદ્રમાની શીતળતા એને પ્રેરણા આપતી નથી પણ એનો કાળો દાગ જોઈને એની ધડકન વધી જાય છે. કોયલનો મીઠો અવાજ એને આકર્ષતો નથી પણ એની કાળાશ ઉઠીને આંખે ચોંટે છે. અને આ બધું ખરાબ જોઈને અટકતો નથી પણ આ બધી વાતોને બધેય પ્રચારિત કરવામાં એને ભારે રસ પડે છે.
એવું કહી શકાય કે આ જગતમાં ચાર પ્રકારના જીવો હોય છે –
1.ગુણ દર્શક અને ગુણ પ્રચારક
3.ગુણ દર્શક પણ દોષ પ્રચારક
4.દોષ દર્શક પણ ગુણ પ્રચારક
જે ચાડિયો છે એનો નંબર બીજા અને ત્રીજામાં આવે છે. આ પૈશુન્ય એ ચૌદમા નંબરનું પાપ છે. પૈશૂન્ય એટલે બીજામાં ખરાબ જોઈને એની ચાડીઓ ખાતા ફરવું. ઘણા લોકોનું આજ એક કામ હોય છે. એની માત્ર આંખો ખરાબ છે એટલું જ નહિ, એનું હૃદય ઈર્ષ્યાની આગથી સળગતું હોય છે અને એનું મન આવા જીવોની ઉન્નતિ જોઈ શકતું નથી.ડુક્કર જેમ વિષ્ટા પ્રિય હોય છે,શિયાળ જેમ કપટ પ્રિય હોય છે,ભેંસ જેમ કીચડ પ્રિયા હોય છે,કાગડો જેમ ગંદવાડપ્રિય હોય છે તેમ ચાડિયો દોષ પ્રચાર પ્રિય હોય છે.બસ એની નજરમાં નબળું ચડવું જોઈએ અને એના પ્રચારમાં પછી એ તલપાપડ બન્યા વિના રહેશે નહિ. પરંતુ સાવધાન ! અન્યના સુખની તમે ગમે એટલા ઉત્સાહથી જાહેરાત કરો પણ એ સુખ તમારું બનતું નથી પણ અન્યના સદ્ગુણોની તમે જો ઉલ્લાસથી જાહેરાત કરશો તો એ તમારા બની ગયા વિના રહેશે નહિ અને એ પણ હકીકત છે કે અન્યના દોષો જેટલા પ્રચારિત કરશો એટલા તમે પણ ગંદા થયા વિના રહેશો નહિ.
જે હાથમાં વિષ્ટા હોય છે એ હાથમાં રમકડાં રહી શકતા નથી, જે ઘરની બહાર ભટકતો હોય છે એ ઘરમાં મળી શકતો નથી,જે થિયેટરોમાં હોય છે એ પ્રભુ મંદિરમાં મળશે નહિ, ઠીક એવી રીતે જેની આંખો બીજાના દોષો જોવામાં અને જેનું ઈર્ષ્યાળુ હૃદય એનો પ્રચાર કરવામાં વ્યસ્ત હોય છે તેને પોતાના ગુણોની માવજત કરવાનો સમય મળતો નથી. ચાડી ખાવા પાછળનું એક જ મનોવિજ્ઞાન છે અને તે એ કે, બીજાને હું જેટલો ખરાબ ચીતરી શકું એટલો હું વધુ સારો પુરવાર થઇ શકું અને બીજાની ખરાબી ચીતરીને હું મારી ખરાબીને સરળતાથી છુપાવી શકું. પરંતુ એ એક સત્યને ભૂલી જાય છે કે ભલે તે પોતાની જાતને ચાલાક,હોંશિયાર અને બુદ્ધિમાન માનતો હોય પણ એ સર્વત્ર અપ્રિય જ બન્યો રહેતો હોય છે અને અન્યોની અશાંતિનું કારણ પણ બનતો હોય છે.
જૈન આગમ ગ્રંથોમાં આવા ચાડિયા માટે એક વચન આવે છે – પિશુના: પુષ્ટિ ખાદકા: એટલે કે જેમ જંગલી જનાવરો પીઠ પાછળ હુમલો કરતા હોય છે તેમ આ ચાડિયાઓ પીઠ પાછળ જ બીજાની ટીકાઓ કરતા હોય છે અને આ પીઠ પાછળનું માંસ ખાવા બરાબર છે.
છેલ્લે એટલું જ કહીશ કે તમારા ઘરમાં કોઈ આવીને કચરો નાખી જાય તો તમને નથી ગમતું તો તમારા કાનમાં કોઈ બીજાઓની હલકી અને બેમતલબની વાતો કરતા હોય તો તમે કેમ ચલાવી લો છો? જેમ તમારી ખાનદાની બીજાના ઘરમાં કચરો નાખતા જો તમને રોકતી હોય તો સામાના કાનમાં બીજાઓની હલકી વાતો કેમ નાખવામાં રસ લ્યો છો? સંદેશ સ્પષ્ટ છે તમે ખુદ ચાડિયા બનો નહિ, તમારી આજુ બાજુ આવા ચાડિયાઓ ફરકવા દો નહિ, ઘણા અનિષ્ઠ થતા બચી જશે.
છેલ્લા કેટલાક સમયથી આપણે જૈન દર્શનમાં અઢાર પાપોની ચર્ચા કરી રહ્યા છીએ. આજે એ જ ક્રમમાં આપણે તેરમાં પાપસ્થાનક ની ચર્ચા કરીશું. તેરમું પાપ છે – અભ્યાખ્યાન પાપ. ઘણા લોકોને એક પ્રશ્ન મૂંઝવતો હોય છે અને તે એ કે મેં આ જીવનમાં કોઈને દુઃખ નથી આપ્યું તો મારા જીવનમાં આટલું દુઃખ અને આટલા કષ્ટો કેમ? ભારતીય ધર્મ સંસ્કૃતિ પૂર્વ જન્મ અને પુનર્જન્મમાં માને છે. પૂર્વ જન્મમાં કરેલા કર્મોના સારા નરસા ફળ ભોગવવા જ પડે છે. વર્તમાન સમયની દરેક મુશ્કેલી અને કઠિનાઈનું કારણ ક્યાંકને કયાંક પૂર્વે કરેલા કર્મોમાં જોવા મળશે. એ સંદર્ભે અભ્યાખ્યાન પાપને સમજીએ તો અભ્યાખ્યાન એટલે જેનામાં જે દોષો નથી એનામાં એ દોષોનો જૂઠો આરોપ લગાવવો, જે માણસ સાચો છે એને દુનિયા અને દુનિયાના લોકો સામે ખોટો ચીતરવો, પોતાની ઈર્ષ્યા અને અદેખાઈ વશ કોઈને ખોટી રીતે બદનામ કરવાની બાલિશ ચેષ્ટા કરવી. માટે એક બાબત ખાસ યાદ રાખી લેવી ઘટે કે બીજાને બદનામ કરવામાં એનું નુકશાન થાય છે કે નહિ એ ચોક્કસ નથી પણ બદનામ કરનારને અનંત જન્મો સુધી નરક અને નિગોદની યાતનાઓ ભોગવવી પડે છે.
જૈન દર્શન કહે છે કે કે બીજાને ખોટી રીતે બદનામ કરવાની ચેષ્ટા જે કરે છે એના જીવનમાં મુખ્ય ત્રણ કર્મોનો ભયંકર બંધ થાય છે અને જીવન યાત્રામાં એ કર્મોના કટુ ફળ ભોગવ્યા સિવાય છૂટકો નથી. પહેલું કર્મ બંધ છે – અશાતા વેદનીય કર્મનું. એટલે કે જે બીજાને બદનામ કરવાની ચેષ્ટા કરે છે એના જીવનમાં ભયંકર બીમારીઓ આંખ સામે આવીને ઉભી રહે છે. શરીરનું કેન્સર, પગમાં ફ્રેક્ચર, બ્રેઈન ટ્યુમર, આંખનો અંધાપો, કાનની બહેરાશ,પક્ષાઘાત, ચામડીના ભયંકર રોગો અને બીજા અનેક અસાધ્ય રોગો જે થાય છે એના મૂળમાં બીજા પર ખોટા આરોપો અને બદનામ કરવાની વૃત્તિ મુખ્ય છે. ઘણી વાર આરોગ્યનું બધું જ ધ્યાન અને કાળજી રાખવા છતાં કેમ ખતરનાક રોગો માણસને એટેક કરે છે એનું કારણ આ પાપમાં છુપાયેલું છે. આના મૂળમાં મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે તમે જેને બદનામ કર્યો છે એ પોતાની બદનામીના કારણે જે માનસિક અને ભાવાત્મક યાતના ભોગવે છે અને એટલે એના પરિણામ સ્વરૂપે આવું કરનાર ભયંકર વ્યાધિઓનો શિકાર બને છે.
કર્મબંધન જગતનો કાયદો એવો છે કે તમે સામેની કોઈ વ્યક્તિને જે ક્ષેત્રનું નુકશાન પહોંચાડો છો એ ક્ષેત્રમાં તમારું વિઘ્ન (અંતરાય ) કર્મ બંધાય છે. તમે કોઈની સંપત્તિ લૂંટો છો તો તમને લાભ થતો થતો અટકી જશે, કોઈના રૂપને જોઈને ઈર્ષ્યા થશે તો તમે તમારી કુરુપતાના બીજ વાવો છો. પરંતુ સામાના જીવનને ખતમ કે બરબાદ કરવાનું આયોજન કરો છો તો આખા શરીરની બીમારીનું કર્મ બાંધો છો અને એ કટુ ફળ ભોગવ્યે જ છૂટકો છે.
આ અભ્યાખ્યાન પાપનું બીજું ફળ છે – અપયશ નામ કર્મ. એટલે કે તમે કરોડોનું દાન કરો કે લોકોની સારા ભાવથી સેવા કરો, તમે મહિના સુધીનું તપ કરો કે દુષ્કર બ્રહ્મચર્ય વ્રત પાડો પણ છતાં તમારી ખ્યાતિ વધવાના બદલે તમારો અપયશ જ થાય. પરિવારમાં બધાનું ખૂબ ધ્યાન રાખો, મિત્રો માટે પ્રાણ આપવા તૈયાર થઇ જાઓ અને સમાજ માટે મારી ફિટો છતાં તમારી કોઈ જ કદર ન કરે તો સમજી લેવું આની પાછળ તમારી કોઈને બદનામ કરવાનું પાપ તમારા નામે ચડેલું છે.એક પુષ્પને કાંટા તરીકે સાબિત કરવું, એક પુણ્યાત્માને પાપી તરીકે ઘોષિત કરવો, એક જ્ઞાનીને અજ્ઞાની તરીકે સાબિત કરવો જેટલું મોટું પાપ છે એટલું જ મોટું આ અભ્યાખ્યાનનું પાપ છે. એક વ્યક્તિ તમારા લીધે જયારે બદનામ થાય છે ત્યારે એને થતાં અનેક લાભોથી એ હાથ ધોઈ બેસે છે અને એમાં તમે નિમિત્ત બનો છો એટલે આ કર્મનું પરિણામ તમારે રોતા રોતા ભોગવવું પડશે એમ સમજી વહેલી ટકે ચેતી જજો અને કોઈને બદનામ કરવું પાપ મહેરબાની કરીને ન કરશો. આ પાપનું કોઈ પ્રાયઃચિત્ત પણ સંભવ નથી.
આ પાપનું ત્રીજું કટુ ફળ છે – અનાદેય નામ કર્મ. તમે જ્યાં જાઓ ત્યાં તમારી ઉપેક્ષા જ થાય. તમે કોઈને કાંઈ કહેવા જાઓ પણ સામેનાને ગમે જ નહિ, કોઈને મીઠી સલાહ આપો તો પણ એ તમારો શત્રુ થઇ બેસે,તમે જે કંઈ સારું પણ કરો તો પણ એ તમારો વિરોધ અને ઉપેક્ષા જ કરે, આ એક રીતે અપમાનિત થવા બરાબર જ છે ને! પણ આપણે જ જયારે કોઈની જિંદગીમાં પથરા નાખ્યા હોય તો પછી આપણા જીવનમાં ફૂલો ક્યાંથી દેખાય? તમારે વ્યક્તિ, પરિવાર, અને સમાજમાં ઉપેક્ષાના ભોગ ન બનવું હોય તો કોઈને ભૂલેચુકે પણ બદનામ કરવાનું પાપ નહિ જ કરતા.
આપણા મનની એક અદભૂત શક્તિ છે અને એ છે અનુમાન કરવાની શક્તિ. આ શક્તિનો ઉપયોગ સારી રીતે પણ થઇ શકે છે અને ખરાબ રીતે પણ થઇ શકે છે. કોઈ પાપીને એના પાપ સામે ન જોતા એમાં પણ કંઈક વિશેષતાના દર્શન કરીને એના પુણ્યમાં પ્રાણ ફૂંકવાનું શ્રેષ્ઠ કામ કરવું એ પણ અનુમાનનો એક ઉપયોગ છે અને એક સંતના સંતત્વને છુપાવી એને પાપી ચિતરવાની અને પાપનું અનુમાન કરી દુનિયાની સામે ખોટું ઉદાહરણ મુકવામાં પણ અનુમાનનો ખરાબ ઉપયોગ થઇ શકે છે. આપ આવું કરશો તો સંતને દુર્જન બનવાનું મન થશે અને સમાજમાં સંતત્વ પ્રત્યે વિશ્વાસ ઉઠી જશે અને એ પાપમાં તમે નિમિત્ત બનશો. આ આખીયે ચર્ચાનો સાર એટલો જ યાદ રાખી તેનું દૃઢતા પૂર્વક પાલન કરીએ કે ‘અહંકાર અને અનુમાનને આધીન બનીને જેઓ સંત અને સજ્જન છે એમના વિષે ખરાબ બોલવાનું પાપ હું કદીયે નહિ કરું’, સારાને સારો કહીયે અને જે ખરાબ છે એને પ્રેમથી સુધારવાની નમ્ર ચેષ્ટા કરીયે પરંતુ સારાને ખરાબ સાબિત કરવાનો પ્રચાર ભૂલે ચુકે ન કરીએ એવી શક્તિ અને એવો વિવેક જાગૃત કરીએ.
અમૃતમાં ઝેરના દર્શન કરનારો અમૃતપાનથી વંચિત રહી જાય અને ઝેરમાં અમૃતના દર્શન કરનાર ઝેરપાન કરીને અકાળે પરલોકમાં રવાના થઇ જાય છે. હીરામાં કાચના ટુકડાના દર્શન કરનારો હીરાની
પ્રાપ્તિથી વંચિત રહી જાય છે અને કાચમાં હીરાના દર્શન કરનારો કરોડોના નુકસાનનો ભોગ બની જાય છે. પરંતુ તત્વને અતત્વ અને આત્માને અનાત્મા માનનારો સર્વ કર્મોથી મુક્ત થવાના સૌભાગ્યથી વંચિત રહી જાય છે અને અનાત્માને આત્મા માનનારો અનંત સંસારની યાત્રાએ નીકળી જાય છે. મિથ્યાત્વ આખરે છે શું – તત્વ અને અતત્વ વચ્ચેનો અવિવેક, સાચા ખોટાની પરખનો અભાવ.
મિથ્યા દર્શન શલ્ય ને અઢાર પાપોની જનની કહેવાય છે. ઉપરના સત્તર પાપો હોય અને અઢારમું ન હોય એ બની શકે છે. તેનું ઉદાહરણ છે – સમકિતી. પરંતુ જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવાની જ એ ન્યાયે અઢારમું મિથ્યા દર્શન પાપ હોય તો સત્તરે સત્તર પાપ જરૂર હશે. બુદ્ધિરૂપ ત્રાજવામાં તોલવામાં આવે તો એક બાજુ સત્તર પાપ મૂકો અને બીજી બાજુ માત્ર અઢારમું મિથ્યા દર્શન શલ્યનું પાપ મુકો તો મિથ્યા દર્શન શલ્યનું પલ્લું નમી જશે. પદાર્થના સ્વરૂપનો જે મિથ્યા ભાવ છે એ જ મિથ્યાત્વ શલ્ય છે.એટલે કે વસ્તુનું જે યથાર્થ સ્વરૂપ છે તેને ઊંધું અને ઉલટું માનવું તે મિથ્યા દર્શન શલ્ય છે. મિથ્યાત્વ અને સમ્યક્ત્વ વાસ્તવમાં જ્ઞાનની જ પ્રક્રિયા છે.આત્માની જ આ બે જ્ઞાન અવસ્થા છે – મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાન. મિથ્યાજ્ઞાનીમાં જે જ્ઞાન પડેલું છે એ વાસ્તવમાં જ્ઞાન નહિ પણ અજ્ઞાન જ છે. અહીં વિપરીત જ્ઞાનને જ અજ્ઞાન કહેવાય છે. તેથી મિથ્યા જ્ઞાનીની પ્રવૃત્તિ હંમેશા અજ્ઞાનથી ભરેલી હશે. એટલે મિથ્યા જ્ઞાની એ અજ્ઞાની જ છે અને જેને યથાર્થ જ્ઞાન છે એ સમકિત છે. જેનું જ્ઞાન સાચું એની વૃત્તિ – પ્રવૃત્તિ સાચી, જેનું જ્ઞાન ખોટું એની વૃત્તિ અને પ્રવૃત્તિ પણ ખોટા હોય છે.
જેમ એક વ્યક્તિ દારૂના નશામાં ગમે તેમ વિપરીત બોલે છે. એનો બધો વિવેક નષ્ઠ થઇ ગયો હોય છે.એ પોતાની માને પત્ની, પત્નીને ભાભી, બહેનને મા એમ વિપરિત બોલતો હોય છે, ઠીક એવી રીતે મિથ્યાત્વી પણ મોહ મદિરાના નશામાં જે મારુ નથી તેને મારુ માની બેસે છે, જે ખોટું છે તેને સાચું અને સાચાને ખોટું માની બેસે છે.મિથ્યાત્વીની પ્રવૃત્તિ પણ પાપમયી જ હોવાની છે. ટૂંકમાં મિથ્યાત્વ એટલે જે જેવું છે તેને તેવું ન માનતા, તેને વિપરિત માનવું અને એ પ્રમાણે પ્રવૃત્તિ કરવી તે છે.
અહીં મિથ્યાત્વીની દસ સંજ્ઞા આ પ્રમાણે છે –
1.ધર્મને અધર્મ માનવો – જે જ્ઞાન દર્શન અને ચરિત્રની ક્રિયા અને ભાવમાં ધર્મ છે તેને અધર્મ માનવો તે પહેલું મિથ્યાત્વ છે.
2.અધર્મને ધર્મ માનવો – જે હિંસા,ચોરી,મૈથુન આદિ પાપ પ્રવૃત્તિમાં ધર્મ માને તે બીજા પ્રકારનું મિથ્યાત્વ છે. પ્રવૃત્તિ ભલે શુભ દેખાતી હોય પણ એના સેવનથી રાગ દ્વેષ પોષાતા હોય તો એ પણ અધર્મ જ છે અને તેને ધર્મ માનવો એ પણ મિથ્યાત્વ છે. આગને ઠારવા તમે તેમાં પાણીના બદલે પેટ્રોલ નાખો તો શું થાય? રાગ દ્વેષને ઘટાડવા તમે ધર્મને બદલે અધર્મ સેવો તો શું થાય?
3.સન્માર્ગને ઉન્માર્ગ માનવો – મોક્ષરૂપ ત્યાગ અને સંયમ જે માર્ગ છે તેને ઉન્માર્ગ કે ખોટો માર્ગ માનવો તે ત્રીજા નંબરનું મિથ્યાત્વ છે.આશ્રવ હેય છે અને સંવર ઉપાદેય છે, આ જ જિનશાસનનો માર્ગ છે. છતાં પોતાની બુદ્ધિની વિકૃતિને આધીન બનીને સન્માર્ગમાં ઉનમાર્ગની બુદ્ધિ લાવવી એ જ મિથ્યાત્વ છે. શાસ્ત્રના શબ્દો મૌન હોય છે. એને બોલતા આપણે કરવાના હોય છે. અર્થાત તેનું અર્થઘટન આપણે કરવાનું હોય છે. જો માન્યતા અને મન સ્વચ્છંદી હશે તો શાસ્ત્ર પંક્તિનું ઉલટું અર્થઘટન કરીને આત્માને ઉન્માર્ગે ચઢાવી દેશે.
4.ઉન્માર્ગને સન્માર્ગ માનવો – પાપને કે સ્વર્ગ પ્રાપ્તિને સન્માર્ગ સમજવો તે આ ચોથા નંબરનું મિથ્યાત્વ છે. એક દારૂડિયાને પૂછ્યું કે તમે દારૂ પીઓ છો? તો કે હા, શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે દારૂ પીઓ. તમે જે શાસ્ત્રની વાત કરો છો એમાં તો એમ લખ્યું છે કે દારૂ પીઓ અને નરકે જાઓ. પેલા દારૂડિયાએ કહ્યું જુઓ, હું તો શાસ્ત્ર વાંચનમાં દારૂ પીઓ ત્યાં સુધી જ પહોંચ્યો છું. આગળનું વાંચન કરીશ ત્યારે નક્કી કરીશ કે સાચું શુ છે? અધર્મનો પક્ષપાત, ગલતનો પક્ષપાત એ ઉન્માર્ગને સન્માર્ગ માનવા બરાબર છે. બજારમાં ટકી રહેવું હોય તો ખોટું બોલવું પડે, બધાને વશમાં રાખવા હોય તો ક્રોધ કરવો જ જોઈએ.
5.અસાધુને સાધુ માનવા – જે સંયમી નથી, પાંચ મહાવ્રતી નથી, કંચન અને કામિનીના ત્યાગી નથી તેવા ભોગીને સાધુ માનવા એ પાંચમું મિથ્યાત્વ છે.
6.સાધુને અસાધુ માનવા – જે સાચા અર્થમાં આત્મલીન છે, સ્વ સાધનામાં મસ્ત છે એવા સાધુને અસાધુ માનવા તે છઠ્ઠું મિથ્યાત્વ છે.
7.જીવને જીવ ન માનવા – ચૈતન્ય સંપન્ન જ્ઞાન દર્શન લક્ષણવાળા જીવને જીવ ન માનવા અને જીવનુ અસ્તિત્વ જ ન માનવું તે સાતમું મિથ્યાત્વ છે.ત્રસ કાયને તો હજુ જીવ માનવું અઘરું નથી પણ પૃથ્વી, પાણી, અગ્નિ,વાયુ અને વનસ્પતિમાં જીવ છે એ સ્વીકારવું અઘરું છે. આની પાછળ આપણો તર્ક એટલો જ છે કે જે આંખેથી ન દેખાય તેને કેમ સ્વીકારવું. ઘણું બધું એવું આપણે સ્વીકારીએ છીએ જે આંખેથી નથી દેખાતું, જેમ કે હવા, વિદ્યુત વગેરે.
8.અજીવને જીવ માનવા – પંચ ભૂતોથી ઉત્પન્ન થયેલ પદાર્થોને જીવ માનવા તે આઠમા નંબરનું મિથ્યાત્વ છે. જેમ કે શરીર એ અજીવ છે છતાં મન તેમાં જીવ બુદ્ધિ કરીને બેઠું છે. મિથ્યાત્વી જીવ અજીવ એવા આ શરીરમાં જીવ બુદ્ધિ રાખીને જીવનભર શરીરની જ આળપંપાળ અને સારસંભાળ કરતુ રહીને આત્માને પૂરી તરહ વિસરી જાય છે.
9.મૂર્ત્તને અમૂર્ત માનવા – જે રૂપી પદાર્થ છે તેને અરૂપી માનવા તે નવમા નંબરનું મિથ્યાત્વ છે. કર્મ પણ રૂપી છે છતાં એને અરૂપી માનવું એ અજ્ઞાન છે. અને
10. અમૂર્તને મૂર્ત્ત માનવું – જે અરૂપી સત્તા છે તેને રૂપી સત્તા માનવી તે દસમું મિથ્યાત્વ છે. આત્મા અરૂપી સત્તા છે છતાં તેને શરીર સાથે જોડી રૂપી માનવું એ પણ મિથ્યાત્વ છે.
આવા મિથ્યાત્વના પાછા પાંચ પ્રકાર છે –
1. અભિગ્રહિક મિથ્યાત્વ – પોતપોતાનો મત ખોટો હોય તો પણ એ અમારો છે, અમારા બાપ દાદાનો છે એવો દુરાગ્રહ રાખવો
2. અનાભિગ્રહિક મિથ્યાત્વ – સાચા ખોટા બંનેમાં સમાન બુદ્ધિ રાખવી તે અને ખોટાને પણ ખોટું ન માનવું તે મિથ્યાત્વ છે. આમાં યથાર્થ સમજણનો અભાવ હોય છે. આવી વ્યક્તિની માન્યતા હોય છે કે બધા ભગવાન અને બધા ધર્મો સરખા જ છે.
3.આભિનિવેશિક મિથ્યાત્વ – આવી વ્યક્તિ સિદ્ધાન્તતઃ વસ્તુના સાચા સ્વરૂપને જાણે છે છતાં સાંપ્રદાયિક વ્યામોહના કારણે પોતાના મત અને ગચ્છને છોડી શક્તિ નથી.
4. સાંશયિક મિથ્યાત્વ – ધર્મની આરાધના બધી જ કરે છતાં મનમાં શંકા રહે કે આ બધું સાચું હશે કે નહિ. હું જે કરું છું તેનું ફળ મળશે કે નહિ? આવી શંકા રાખવી તે સાંશયિક મિથ્યાત્વ છે.
5. અનાભોગિક મિથ્યાત્વ – અજ્ઞાનની પ્રધાનતાના કારણે એકેન્દ્રિયથી અસંગી પંચેદ્રીયના જીવોને આ પ્રકારનું મિથ્યાત્વ હોય છે. આ મિથ્યાત્વ શલ્ય એટલે છે કે જ્યાં સુધી આ કાંટો નીકળે નહિ ત્યાં સુધી જીવને ક્યાંય ચૈન નથી પડતું.
આ સંદભૅ છેલ્લી વાત – બુદ્ધિની મંદતા, બુદ્ધિની અલ્પતા,અને બુદ્ધિની મલિનતાના જયારે આપણે શિકાર બન્યા જ છીએ ત્યારે તત્વનો નિર્ણય કરવામાં આપણી બુદ્ધિને જ પ્રાધાન્ય આપવાના બદલે ‘પ્રભુ, આપે જે કહ્યું તે જ સાચું છે.’ એમ સ્વીકારી ચિત્તને પ્રભુ આજ્ઞામાં ગોઠવી દઈએ તો એમાં જ આપણા આત્માનું હિત સમાયેલું છે. જૈન ધર્મમાં દર્શાવેલ અઢાર પાપોની ચર્ચા અહીં પૂરી થાય છે. આમાંથી જેટલા પાપો છોડી શકાય એટલા છોડી જીવનને પવિત્ર બનાવી પ્રસન્નતા અને પ્રશાંતતાના સુખનો અનુભવ કરીએ.
Share this :
એક સાધુ હતા, એ દરેક શેરીઓમાં રોડો નાખી નાખીને ફરતા હતા અને એક વાત કહેતા હતા – “જે જોઈએ તે લઇ લો, જે જોઈએ તે લઇ લો.” લોકો એમની વાતો પર જરા પણ ધ્યાન નહોતા આપતા, પણ છતાં આ એક જ વાતની રટણ લગાવી રહ્યા હતા કે ‘ જે જોઈએ તે લઇ લો.’ એક દિવસ એક યુવાન તેમની પાસે પહોંચ્યો અને પૂછ્યું, ‘બાબા તમે જે બોલો છો કે જે જોઈએ તે લઇ લો, તો શું તમે મને એ આપી શકો જે મારે જોઈએ છે?’ સાધુ બોલ્યા, ‘બિલકુલ બેટા, અગર તું મારી માત માનીશ તો હું તને બધું જ આપી શકીશ જે તારે જોઈએ છે.’ યુવકે કહ્યું, ‘મહારાજ, મારે હીરાના બહુ મોટા વ્યાપારી થવું છે.’ સાધુએ કહ્યું, ‘હું તને એક હીરો અને એક મોતી આપું છું,એનાથી તું જેટલું ઈચ્છીશ એટલા હીરા અને મોતી બનાવી શકીશ.’ આટલું બોલતા જ એ સાધુએ પોતાનો હાથ એ યુવકના હાથમાં થમાવતાં કહ્યું, ‘પુત્ર ! હું તને દુનિયાનો સૌથી કિંમતી હીરો આપું છું, લોકો તેને “સમય” કહે છે. તેને તું જોરથી તારી મુઠ્ઠીમાં પકડી લે અને તેને ક્યારેય ખોતો નહિ. તું આનાથી જેટલા હીરા બનાવવા માંગીશ એટલા બનાવી શકીશ.’ સાધુની આ વાત સાંભળી યુવક વિચારમાં પડી ગયો.
થોડીવારમાં સાધુએ પોતાનો બીજો હાથ યુવકના હાથમાં લેતા કહ્યું, અને આ લો દુનિયાનું સૌથી કિંમતી મોતી, લોકો તેને “ધૈર્ય”નાં નામથી ઓળખે છે. જયારે પણ સમય આપવા છતાં અને મહેનત કર્યા પછી પણ સફળતા ન મળે તો આને ધારણ કરી લેજે. યુવક સાધુની વાતોને ખૂબ ગંભીરતાથી સમજી રહ્યો હતો અને પછી નક્કી કરી લીધું કે આજ પછી એ હવે ક્યારેય સમયને બરબાદ નહિ કરે અને હંમેશા ધૈર્યથી કામ લેશે આટલું નક્કી કરીને એ એક હીરાના વ્યાપારી સાથે કામ કરવા લાગી જાય છે.. પોતાની મહેનત, લગન અને ધૈર્યથી એ પણ એક દિવસ બહુ મોટો હીરાનો વ્યાપારી બની જાય છે. દોસ્તો, સમય અને ધૈર્ય એ એક એવા કિંમતી હીરા અને મોટી છે જેના થકી માણસ મોટામાં મોટા લક્ષ્ય સિદ્ધ કરી શકે છે.માટે જરૂરી છે કે આપણે આપણો કિંમતી સમય વ્યર્થમાં ન વેડફીએ અને પોતાની મંઝિલ સુધી પહોંચવા માટે ધૈર્ય ધારણ કરીએ.
એક વ્યક્તિ ઓફિસથી મોડી રાતે કામ કરીને થાક્યો પાક્યો ઘરે પહોંચ્યો. દરવાજો ખોલતા જ જોયું કે એનો પાંચ વર્ષનો બાળક સૂવાના બદલે તેની રાહ જોઈ રહ્યો છે. જેવા પાપા અંદર ઘુસ્યા કે તરત જ બેટાએ કહ્યું, પાપા શું હું તમને એક પ્રશ્ન પૂછી શકું? હા હા, પૂછો, શું પૂછવું છે? પિતાએ કહ્યું. બેટાએ પૂછ્યું – પાપા, આપ એક કલાકમાં કેટલું કમાઈ લો છો? એની સાથે તારે શું લેવા-દેવા? તું આવા બેકારના પ્રશ્નો કેમ કરે છે? ડેડીએ ગુસ્સામાં જવાબ આપ્યો. બેટાએ કહ્યું, બસ હું આમ જ જાણવા માંગુ છું, કૃપિયા આપ બતાવો ને કે એક કલાકમાં કેટલા કમાવો છો? પિતાએ ગુસ્સામાં તેની તરફ જોઈને કહ્યું – પાંચ હજાર. અચ્છા, બેટેને માસૂમિયતથી સર ઝુકાવીને કહ્યું – પાપા, શું તમે મને ત્રણ હજાર ઉધાર આપી શકો છો? આટલું સાંભળતા જ એ પાપાના ચહેરા પર આગ ઝરવા લાગી. તો તું એટલા માટે આ બેકારના પ્રશ્નો પૂછતો હતો? જેનાથી તું મારી પાસેથી પૈસા લઈને તું નકામા રમકડાં અને બેકારની વસ્તુઓ ખરીદી શકો? ચૂપચાપ પોતાના કમરામાં જાઓ અને સુઈ જાઓ અને સોચો કે તું કેટલો સેલ્ફીશ છે? હું દિવસ રાત મહેનત કરીને પૈસા કમાઉ છું અને તારે તેને બેકારની ચીજોમાં વેડફી નાખવા છે? આટલું સાંભળતા જ બેટાની આંખમાં આંસુ આવી ગયા અને એ ચૂપચાપ પોતાના કમરામાં ચાલ્યો ગયો. બાપ હજુ પણ ગુસ્સામાં હતો અને વિચારી રહ્યો હતો કે આખિર તેના બેટાની આવું કરવાની હિંમત કેમ થઇ?
એકાધ કલાક પછી ગુસ્સાનો પારો શાંત થયો અને વિચારવા લાગ્યો કે બની શકે કે કોઈ જરૂરી કામ માટે બેટાએ પૈસા માંગ્યા હશે, કેમકે આજ પહેલા ક્યારેય એને આવી રીતે પૈસા નથી માંગ્યા. પછી એ ઉઠીને બેટાના કમરામાં ગયો અને પૂછ્યું કે શું તું ઊંઘી રહ્યો છે? ના, બેટાએ જવાબ આપ્યો. બેટા હું વિચારી રહ્યો હતો કે મેં તને બેકારમાં ઠપકો આપ્યો, દરઅસલ, દિવસભરના ઑફિસના કામથી હું થાકી ગયો હતો, બેટા હું ક્ષમા માંગુ છું, મારા ગુસ્સા માટે તું મને માફ કરી દે. આ લો ત્રણ હજાર રૂપિયા. આટલું કહેતા તેને દીકરાના હાથમાં ત્રણ હજાર રૂપિયા થમાવી દીધા. થેંક્યુ પાપા, દિકરો ખુશીથી પૈસા લઈને બોલ્યો. ફરી એ તેજીથી પોતાની આલમારી તરફ ગયો અને ત્યાંથી એને ઢગલાબંધ સિક્કા નીકાળ્યા અને ધીરે ધીરે તે તેને ગણવા લાગ્યો. બાપે ગુસ્સામાં કહ્યું કે તારી પાસે પહેલેથી જ આટલા બધા પૈસા હતા તો પછી મારી પાસેથી વધુ પૈસા કેમ માંગ્યા? કેમકે મારી પાસે પૈસા ઓછા હતા પાપા અને હવે મારે જેટલા જોઈએ છે એટલા પૈસા છે. પાપા, આપ રોજ પાંચ હજાર રૂપિયા કમાઓ છો ને, એટલા પૈસા હવે હું તમને આપું છું અને એક વિનંતી કરું છું પાપા, પ્લીઝ આ પૈસા લઇ લો અને કાલે ઘરે જલ્દી આવી જજો, કેમકે મારે તમારી સાથે બેસીને ભોજન કરવું છે. બાપાની આંખમાં આંસુની ધારા વહેવા લાગી. મિત્રો! આ તેજ રફ્તારની જિંદગીમાં આપણે આપણી જાતને એટલા વ્યસ્ત બનાવી દઈએ છીએ કે પછી એ લોકો માટે પણ સમય નથી કાઢી શકતા જે લોકો આપણી જિંદગીનો એક અભિન્ન હિસ્સો હોય છે. આપણે આપણા પરિવાર, મિત્રો અને સ્વજનો માટે સમય કાઢીએ અન્યથા એક દિવસ એહસાસ થશે કે નાની માટી વસ્તુઓ મેળવવામાં, આપણે જે બહુમૂલ્ય હતું તે બધું ખોઈ નાખ્યું છે. પરંતુ ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હશે. આ વાસ્તવિકતાને સમય રહેતા સમજી લઈએ તો જ લાભ છે.
એક ઘટનાથી જીવનમાં પ્રતિકૂળ ઘટના પ્રત્યે કેવી રીતે ધૈર્ય રાખવું તે સમજીએ. એક છોકરી રડતી રડતી એમના પિતા પાસે ગઈ અને પિતાજીને કહ્યું – પાપા હું થાકી ગઈ છું. “જીવન એટલું અઘરું છે કે હું એક મુશ્કેલીનો સામનો કરું છું ત્યાં બીજી મુશ્કેલી આવીને ઉભી રહી જાય છે.હું આવી રીતે નહિ જીવી શકું!” પિતાજીને એની પૂરી વાત સાંભળી અને પછી તેનો હાથ પકડીને બેટીને રસોડામાં લઇ ગયા. પિતાજીને ત્રણ તપેલીમાં પાણી મૂક્યું અને પાણીને ગેસ પર ઉકળવા મૂક્યું. તમે શું કરો છો? દીકરીએ પૂછ્યું પણ પાપાએ જવાબ ન આપ્યો. પછી પાપા આલુ, ઈંડા અને કૉફી લઇ આવ્યા. બેટીએ ફરી ગુસ્સામાં પૂછ્યું પાપા આપ શું કરો છો? પાપાએ કોઈ જવાબ ના આપ્યો. એમને પહેલી તપેલીમાં આલુ નાખ્યા, બીજી તપેલીમાં ઈંડા નાખ્યા અને ત્રીજી તપેલીમાં કોફી નાખી. પિતાશ્રીએ થોડીવાર પછી ઈંડા અને આલુને ગેસ પરથી ઉતાર્યા, પ્લેટમાં મૂક્યા અને કૉફીને કપમાં નાખી.
પિતાજીએ બેટીને પૂછ્યું બેટા ! તને શું દેખાય છે? બેટી બોલી – આલુ, ઈંડા અને કૉફી. પાપાએ કહ્યું કે “આલુ, ઈંડા અને કૉફીને એક જેવી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ત્રણેયને ઉકળતા પાણીમાં નાખ્યાં, આલુ પહેલા કઠોર અને મજબૂત હતાં, પણ પાણીએ તેને નરમ અને નિર્મળ બનાવી દીધાં. ઈંડા નાજૂક હતા પણ પાણીએ તેને કડ઼ક અને સખ્ત બનાવી દીધાં. પરંતુ કોફી નહિ બદલી પાણીથી, ઉલ્ટાનું કૉફીએ પાણીને બદલીને કંઈક અલગ જ બનાવી દીધું. પિતાએ બેટીને ફરીથી પૂછ્યું કે તું આમાંથી કોણ છે? આલુ, ઈંડા કે કૉફી ? જયારે જીવનમાં મુશ્કેલીઓ આવશે ત્યારે તું શું કરીશ? કમજોર બનીશ કે કઠોર કે ધૈર્યથી મુશ્કેલીઓને અવસરમાં બદલવાની કોશિશ કરીશ?