ગંગાસતી સૌરાષ્ટ્રનું એક અદભૂત પાત્ર છે. આધ્યાત્મિક વિકાસ કરવા ઝંખતા માનવી માટે એમના પદો ટોનિક સમાન છે. એમના પદો ગુજરાતના ઘરે ઘરે ગવાય છે. આ પદોને ધ્યાનથી સાંભળી એના પર આત્મ ચિંતન કરીએ તો અદભૂત રત્નો મળે અને જીવનની દિશા બદલાયા વિના રહે નહિ. કેમ કે એમની વાણીમાં આત્મજ્ઞાનની ગંધ છે.
એમનું એક પદ છે - મેરુ તો ડગે પણ જેના મન ના ડગે રે - અદભૂત ભજન છે. એ કહે છે સાચો હરિભક્ત કોણ છે? વિપદ પડે પણ વણસે નહિ ઈ તો હરિજનના પરમાણ રે - ગમે એટલી વિપત્તિ આવે છતાં જે વિચલિત ન થાય એ સાચો હરિભક્ત છે. આપણે સામાન્ય મુશ્કેલી આવે એટલે સંકલ્પ અને અધ્યાત્મ માર્ગથી હલી જતા હોઈએ છીએ. ગમે એટલી મુશ્કેલી આવે સ્વીકારેલા માર્ગથી વિચલિત ન થવું એમાં જ સાચું શાણપણ છે.
આગળ એ કહે છે - ભાઈ રે નિત્ય રહેવું સત્સંગમાં ને, જેને આઠે પહોર આનંદ રે, - માનવીને કુસંગની જન્મો જન્મની આદત છે, સત્સંગની આદત પાડવી પડે છે. સત્સંગમાં રહેશો તો આઠે પહોર આનંદમાં રહી શકશો. માણસ દુઃખમાં ભગવાનને ભજે છે. દુઃખમાં ભજનમાં સ્થિરતા રહેવી અઘરી છે. સુખમાં પ્રભુને ભજો, આત્માનું ધ્યાન ધરો તો દુઃખમાં દુઃખી નહિ થાઓ.
अभी कुछ दिन पहले माधापर - राजकोट गांव मुझे चिराग ठक्कर नाम का एक युवान मिला। वह गली के बहुत सारे कुत्तो को दूध पिला रहा था। मैं वॉक करने निकला था। मैंने उनको पूछा आप क्या कर रहे हो ? उसने कहा कुत्तो को दूध पिला रहा हूँ। मैंने पूछा कब से यह सेवा कार्य कर रहे हो? उसने कहा : दो - तीन साल से - जब से पता चला कि यहाँ बहुत सारे कुत्ते भूखे है, तब से मैं रोज आता हूँ ओर यह सेवा कार्य करता हूँ। मैंने पूछा - क्या काम करते हो? उसने कहा बस यही सेवा काम। मैंने पूछा पैसे कहा से आते है ? कहा - पापा का चाय का धंधा है, अच्छा कमाते है, मैं भी सुबह दो घंटे में धंधा देख लेता हूँ, फिर सारा दिन यही काम करता हूँ। मैंने कहा बहुत उत्तम काम है - इतनी युवानी में सेवा की भावना अच्छी बात है। मुझे कहा - यदि मैं व्यसन का शिकार होता और गर्ल फ्रेंड के पीछे भागता तो रोज के १००० - १२०० रूपया उड़ा देता और शरीर को बर्बाद करता वो बात अलग। वो पैसे मैं व्यसन और विकार में न फंस के इस सेवा में लगाता हूँ। मुझे उस युवान की श्रेष्ठ भावना पर गौरव महसूस हुआ। बहुत सारे अच्छे युवान आज भी है जो चुप चाप सेवा का काम करते है। मुझे मन ही मन उनको प्रणाम करने का मन हुआ और तब से मैंने भी मेरे आदमी को बोल दिया कि अपनी गली के कुत्तो रो रोज दूध पिला दो और हिसाब संस्था को दे देना। सेवा का भी इंफेक्शन लगना चाहिए।
'અતિ પ્રવૃત્તિ એ આધુનિક માણસનો રોગ છે. સાધુ હોય કે ગૃહસ્થ પ્રવૃત્તિનો રોગ કોઈને છોડતો નથી. શું છે આ પ્રવૃત્તિ પાછળનું ચાલાક બળ? સાધુ પોતાના નામના અહંકારમાં પ્રવૃત્તિમાં ડૂબેલો રહે છે અને ગૃહસ્થ પૈસાના લોભના કારણે પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે. ગૃહસ્થ માટે જરૂરી હોય અને સંતુલિત પ્રવૃત્તિ કરવી પડે એ માન્ય છે પણ કારણ વગર માત્ર આદત અને વૃત્તિઓના પોષણ માટે એ કરવું અને કરતા જ રહેવું એ ઘાતક છે. સાધુ આત્માનુભૂતિ કરે અને એના પરિપાક રૂપે કરુણાવશ સેવાભાવે પ્રવૃત્તિ થાય એ અધ્યાત્મ જગતમાં માન્ય છે. લોકેષણા માટે પ્રવૃત્તિ કરવી સાધુનું અંતિમ બંધન કહી શકાય. આ માનવ ભવ નિવૃત્તિની સાધના માટે છે. નિવૃત્તિની ક્ષણોમાં જ જીવ ચૈતન્યનો સાક્ષાત્કાર કરી શકે છે. એમાં જ જીવને સાચી તૃપ્તિ મળે છે. જે દિવસે આપણે આવી સાધનામાં લાગી જશું એ દિવસે સમજવાનું કે સાચા અર્થમાં પરમાત્માનો આપણા પર અનુગ્રહ થયો છે. આ ભાવો ધ્યાનમાં બેઠાં પછી મારા પોતાના માટે કરેલું આત્મ નિરીક્ષણનું પરિણામ છે. મારી વિચારધારા દ્રઢ થઇ રહી છે કે પ્રવૃત્તિઓ ઓછી કરવી અને પોતાની સાધનામાં મસ્ત રહી આત્માનંદનો અનુભવ કરવો."
સમણ શ્રુતપ્રજ્ઞજી
અમેરિકાની યાત્રામાં એક યુવાન મને મળ્યો. મેં પૂછ્યું આપ શું કરો છો? મને કહ્યું કે એક કંપની ચલાવું છું. મેં પૂછ્યું : તો તો કર્મચારી પાસેથી કામ કઢાવવામાં ઘણીવાર ગુસ્સે પણ થવું પડતું હશે ને? મને કે સમણ જી , આપને સાચું કહું તો જીવનના આ 30 વર્ષમાં કોઈના પર પણ ક્યારેય ગુસ્સો આવ્યો નથી કે કર્યો નથી. મેં પૂછ્યું : આ કેવી રીતે બની શકે? મને કે ‘મેં એક વસ્તુ સમજી લીધી છે કે ગુસ્સે થવામાં કોઈને પણ લાભ નથી અને નુકસાન બેય બાજુ છે. આ ખોટનો ધંધો છે. શા માટે ક્રોધે થવું? એના વિના જ બધું જ બરાબર ચાલે છે. અને એ પણ વિચાર આવે કે બાહ્ય નુકસાન કરતા ક્રોધનું નુકસાન વધુ ભયાનક છે. ક્રોધ કરવો એ માત્ર ખોટી માન્યતા અને પૂર્વ સંસ્કારોનું પરિણામ છે. વ્યક્તિ સંકલ્પ કરે તો પૂર્વ સંસ્કારને વશ કરી શકાય છે અને ખોટી માન્યતા પળ વારમા બદલી શકાય છે. ક્રોધ કરીને જેટલું નુકસાન થાત એના કરતા ક્રોધ ન કરીને ઘણો લાભ થયો છે.’ ક્રોધ આવે છે એવા લોકો પહેલા પોતાની ઉંધી માન્યતા બદલે કે ક્રોધ કરીયે તો જ કામ થાય, તો જ છોકરા કહ્યું મને, તો જ કર્મચારી બરાબર કામ કરે. આ ખોટી માન્યતા છે. શાંત ચિત્તે બધું જ કાર્ય થઈ શકે છે અને શાંતિથી અને પ્રેમથી લોકો જલ્દી સમજે છે.ક્રોધ કરીને કામ કરાવવાની આદત ખતરનાક છે. કેમ કે પછી તમારે જ્યારે કોઈ પાસે કામ કરાવવું હશે ત્યારે ક્રોધ કરવો પડશે અને પછી તમે કારણ વગર પણ ક્રોધ કરવા લાગશો.
ધ્યાન કરવું અઘરું નથી. આપણું મન અઘરું છે. મનને સીધું અને સ્પષ્ટ કરવા માટે ધ્યાન છે અને મનથી પણ પરે જવા માટે ધ્યાન છે. ધ્યાનથી જાગૃતિ આવે છે, જાગૃતિથી પ્રવૃત્તિઓમા આવતી વિકૃત્તિઓ દૂર થાય છે. ધ્યાનથી અંતરની શક્તિઓ જાગે છે અને બહારની પ્રવૃત્તિઓ પ્રત્યે જીવ સભાન બને છે. એ સભાનતાના કારણે રોજિંદા જીવનમાં જાગતી પ્રતિક્રિયાઓ શાંત થાય છે, ક્રોધ વિરામ પામે છે અને ચિત્તમાં શાંતિ અને ચહેરામાં કાંતિ આવવા લાગે છે. ધ્યાનથી વ્યક્તિની ચારેય બાજુ રહેલી ઓરા શુદ્ધ અને સકારાત્મક બને છે. ધ્યાન જ જીવનને નવો અર્થ આપે છે. સહજતાથી આંખ બંધ કરીને અનુકૂળ આસનમાં બેસો. શરીરને શિથિલ અને મનને શાંત થવા દો. ત્યાર બાદ ચિત્તને નાકની પાસે સ્થિર કરી આવ જાવ કરતા શ્વાસને શાંત ભાવે જોયા કરો. શ્વાસને જોવાથી જાગૃતિ વધશે અને જેથી મનના વિચારો શાંત થવા લાગશે, એક દિવ્ય શાંતિ અંદર બહાર પ્રતિ ઘ્વનિત થવા લાગશે. ધ્યાનને કાળ ઉપર ડાળો નહીં, આજે અને અત્યારે જ અભ્યાસ શરૂ કરો.
એક વ્યક્તિ રોજ દસથી બાર વખત દાઢી કરે છે છતાં એની દાઢી વધેલી જ હોય છે. તમને એનું કારણ શું લાગે છે? કારણ કે એ નાઈ છે, એ બીજાની જ દાઢી કરે છે, પોતાની નહીં. પોતાની દાઢી સાફ કરવી હોય તો કામ પોતાના પર કરવું પડે. એમ પોતાની જાતને સુધારવી હોય તો અંદર પોતાની સાથે કામ થવું જોઈએ. ધ્યાન એ પોતાની સાથે કામ કરવાનો પ્રાયોગિક માર્ગ છે. ધ્યાન વિના પોતાની અંદરની શક્તિઓ જાગતી નથી. જો કે દરેક મનુષ્યને ધ્યાન કરવાની શકિત પ્રાપ્ત છે અને થોડીક બુદ્ધિ વિક્સિત થાય પછી દરેક વ્યક્તિ ધ્યાન કરે છે. પૈસા ગણતી વખતે માણસનું મન ધ્યાનમાં હોય છે. બંદૂક ચલાવતી વખતે આતંકવાદીનું મન ધ્યાનમય હોય છે, કોઈ આપણું અપમાન કરે તો પણ આપણું મન એના શબ્દોના ધ્યાનમાં ડૂબી જાય છે. આ બધું જ ધ્યાન છે, પણ ધ્યાન કરવા કરવામાં ઘણો ફરક છે. ધ્યાન કરવું હંમેશા સારું જ ફળ આપે એવું નથી. એ માટે ધ્યાનના સમ્યક દર્શનને સમજવું પડશે. ધ્યાનનું સમ્યક દર્શન એ છે કે ધ્યાન હંમેશા સ્વ-કેન્દ્રિત હોવું જોઈએ અને સ્વયંની શુદ્ધિ કરાવનારું હોવું જોઈએ.
ભગવાન મહાવીર જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર થઈ ગયા. એમને સરસ વાત કરી. એમને કહ્યુ કે ધ્યાન ચાર પ્રકારના છે. એ ચાર ધ્યાનને ધ્યાનથી સમજી લઈએ તો ધ્યાનનું સમ્યક દર્શન શું છે એ ખ્યાલ આવી શકે. પહેલું ધ્યાન છે – આર્ત ધ્યાન – આર્ત એટલે દુઃખ અને ધ્યાન એટલે એમાં થતી એકાગ્રતા. એવા વિચારો જે મનને દુઃખી કરે છે, એ આર્ત ધ્યાન કહેવાય છે. કોઈ પ્રિય વ્યક્તિનો વિયોગ થાય કે કોઈ ગમતી વસ્તુ ગુમાવી બેસીએ ત્યારે જે ધ્યાન થાય છે એ આર્ત ધ્યાન છે અથવા અપ્રિય વ્યક્તિ મારા જીવનમાં કોઈ રીતે પણ આવી ન જાય કે અપ્રિય ઘટના કે પ્રસંગ મારા જીવનમાં બને નહીં, આવા વિષયોમાં ચિત્તની એકાગ્રતા તે આર્ત ધ્યાન છે. શરીરમાં બીમારી આવી જશે તો શું કરીશ આવું ચિંતન પણ આર્ત ધ્યાન છે અને પોતાની પ્રાપ્ત શક્તિઓનો બદલો લેવામાં ઉપયોગ કરવો અને એનો પ્લાન કરવો એ પણ આર્ત ધ્યાન છે. આવું આર્ત ધ્યાન કરવામાં ખૂબ એકાગ્ર થવું પડે છે અને બહુ સજાક રહેવું પડે છે પરંતુ આમાં કેન્દ્રમાં સ્વ-ચેતના નથી અને આત્મશુદ્ધિનો તો પ્રશ્ન જ નથી એટલે આવું ધ્યાન કરવું એ દુર્ગતિનું કારણ છે અને વર્તમાનમાં પણ એ વ્યક્તિને ભયભીત,ડિપ્રેસ્ટ અને અશાંત કરે છે. એટલે આવું ધ્યાન કરવું પોતાના કે અન્યના હિતમાં નથી પરંતુ અહિતમાં છે એટલે સમજુ વ્યક્તિએ આવા અશુભ અને અપ્રશસ્ત ધ્યાનથી બચવું જોઈએ.આવું ધ્યાન કરનાર મરીને પશુ-પક્ષીની યોનિમાં જન્મ લે છે.
બીજું ધ્યાન છે – રૌદ્ર ધ્યાન – શબ્દથી જ સ્પષ્ટ છે કે આ ધ્યાનમાં ઉગ્રતા, આક્રમકતા વધુ છે. આર્ત ધ્યાનમાં વ્યક્તિ જડવત અને શારીરિક રીતે નિષ્ક્રિય હોય છે પરંતુ રૌદ્ર ધ્યાનમાં વ્યક્તિની શરીર અને મન બંને અતિ સક્રિય થઈ ઉઠે છે. રૌદ્ર ધ્યાન ચાર પ્રકારે થઈ શકે છે. પહેલું તો હિંસાનુબંધી રૌદ્ર ધ્યાન એટલે કે આવી વ્યક્તિ અન્યની હિંસા કરવા લાગે છે. સમસ્ત આતંકવાદના મૂળમાં આ રૌદ્ર ધ્યાન છે.આવી વ્યક્તિ કોઈના અંગ વિચ્છેદ કરવામાં પણ હિચકિચાતી નથી, આવી વ્યક્તિ દયાથી શૂન્ય હોય છે. રૌદ્ર ધ્યાન ધ્યાન એટલા માટે છે કે એમાં બહુ એકાગ્ર થવું પડે છે. પરંતુ આવી એકાગ્રતા ભયંકર અશુભ કર્મોનો બંધ કરાવે છે. બીજું છે – મૃષાનુંબંધી રૌદ્ર ધ્યાન. આ ધ્યાનમાં વ્યક્તિ જૂઠું બોલે છે, કપટ કરે છે. એના માટે ખૂબ આયોજન કરવું પડે છે. ખોટું કેવી રીતે બોલવું, ક્યારે બોલવું, ખબર ન પડી જાય એવી રીતે ખોટું બોલવું અને ખબર પડે જાય તો શું દલીલ કરીશ કે પકડાઈ ના જાઉં, આ બધામાં ખૂબ સાવધાન રહેવું પડે છે, આ સાવધાની જ રૌદ્ર ધ્યાન છે. એમાં ત્રીજું છે – ચોર્યાનુબંધી રૌદ્ર ધ્યાન. આમાં વ્યક્તિ ચોરીના આયોજનો કરે છે. ચોથું છે – સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન. માણસ પૈસા બચાવા માટે કેટલું કરે છે? પૈસાના વિકલ્પો કર્યા કરવા એ પણ રૌદ્ર ધ્યાન છે. દુનિયાના નેવું ટકા લોકો આ સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન કરે છે. પૈસાનું સુરક્ષાની ચિન્તા એ પણ ભગવાન મહાવીર કહે છે કે ધ્યાન તો છે જ, પણ આવું ધ્યાન ખોટી દિશામાં છે. આનાથી જીવને લાભ જરા પણ નથી અને નુકશાન પુષ્કળ છે. આ પૈસાના સંરક્ષણ માટે તો ઘણા સુઈ પણ નથી શકતા, સતત એના જ વિચારો મગજમાં ઘૂંટ્યા કરતા હોય છે. મારી નજરમાં મને એવું જણાયું છે કે માણસના વિચારો વધુ પડતા બે જ બાબતના હોય છે, એક સેક્સ અને બીજું પૈસા. આ વિચારો માણસને અશાંત અને અંદરથી કમજોર કરી મૂકે છે. માણસને જો એની આ ઈચ્છા પૂરી ન થાય તો એ હિંસક પણ બની જાય છે. આવું ધ્યાન કરનાર નરક જેવું જીવન જીવે છે અને મરીને પણ નરકમાં જ જાય છે, જ્યાં લાંબા સમય સુધી ભારે દુઃખ ભોગવે છે.
ત્રીજું ધ્યાન છે – ધર્મ ધ્યાન – ધર્મ ધ્યાન એટલે સ્વભાવમાં સ્થિર થવાનો અભ્યાસ. આવા ધ્યાન જૈનધર્મમાં ચાર પ્રકારના જણાવ્યા છે. પહેલું ધર્મ ધ્યાન છે – આજ્ઞા વિચય. આજ્ઞા વિચાય એટલે વીતરાગ તીર્થંકરો એ આપેલી આજ્ઞા પર ઊંડાણથી વિચારવું અને એ પ્રમાણે જીવન જીવવું એ આજ્ઞા વિચય છે. વીતરાગની આજ્ઞા છે કે રાતના ન જમવું, દારૂ કે શરાબ ન પીવો, હિસંક વ્યવસાય ન કરવો. આ આજ્ઞાઓ પર વિચાર કરી આચરણ કરવું એ આજ્ઞા વિચય ધર્મ ધ્યાન છે. બીજું ધર્મ ધ્યાન છે – અપાય વિચય, અપાય એટલે સમસ્યા. જીવનમાં આવતી કોઈ પણ સમસ્યાના મૂળમાં જઈ વિચારવું અને સમસ્યાના પ્રમુખ કારણની શોધ કરવી. આપણે લોકો સમસ્યાના કારણો બહાર શોધીએ છીએ, હકીકતમાં એ આપણામાં જ હોય છે. હું બીમાર કેમ પડ્યો? મને ગુસ્સો કેમ આવે છે? હું આળસ કેમ કરું છું? પોતાની કમજોરીઓના મૂળ કારણની શોધ કરી ત્યાં ઉપચાર કરવો એ છે અપાય વિચય. ત્રીજું ધર્મ ધ્યાન છે – વિપાક વિચય એટલે કે આ સમસ્યા, આ કર્મનું ફળ શું મળશે? એમ કર્મના ફળનો વિચાર કરવો એ ત્રીજું ધર્મ ધ્યાન છે. ચોથું ધર્મ ધ્યાન છે – સંસ્થાન વિચય. સંસ્થાન એટલે આકાર અને આકારનો એક અર્થ છે આ બ્રહ્માંડ. આ વિશાળ બ્રહ્માંડમાં હું કેટલી વાર જન્મ્યો અને મર્યો, એના વિચાર કરવા એ ચોથું ધર્મ ધ્યાન છે. આવું ધ્યાન કરનાર પવિત્ર અને શ્રેષ્ઠ જીવન જીવે છે અને માર્યા પછી પણ શ્રેષ્ઠ મનુષ્ય ગતિ કે દેવ ગતિ પામે છે.
ચોથું ધ્યાન છે – શુક્લ ધ્યાન. આ ધ્યાન આજના આ પંચમ કાળમાં કોઈ કરી શકે એ સંભવ નથી. શુક્લ ધ્યાનમાં મૂળ નિર્વિચાર દશાનું પ્રાધાન્ય છે. એના ચાર પ્રકાર છે. પહેલું છે – પૃથક્ત્વ વિતર્ક સવિચાર – જેમાં જીવ એકમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા તત્ત્વ પર જઈ ભેદ જ્ઞાન કરે છે. બીજું છે – એકત્વ વિતર્ક વિચાર – જેમાં જીવ માત્ર એક જ તત્વમાં સ્થિર થાય છે, ભગવાન મહાવીર એક પુદગલ કે પરમાણુ પર આવું ધ્યાન કરતા હતા. ત્રીજું છે – સૂક્ષ્મ ક્રિયા પ્રતિપત્તિ – જેમાં માત્ર શરીરનો બોધ શેષ રહે છે અને બાકી બધું જ વિસરાઈ જાય છે અને ચોથું છે સમુચિન્ન ક્રિયા નિવૃત્તિ શુક્લ ધ્યાન, આ ધ્યાનમાં સમસ્ત કર્મો છૂટી જાય છે, જીવને આત્મ તત્વનું જ્ઞાન થાય છે, જેને જૈન શાસ્ત્રમાં કેવળજ્ઞાન કહેવાય છે. આવા જ્ઞાની જીવનો નવો જન્મ નથી હોતો, એ સીધા જ મુક્તિને પામે છે.
આમ ધ્યાનનું સમ્યક દર્શન એ છે કે જે ધ્યાન સ્વની શુદ્ધિ કરે અને સ્વમાં સ્થિર કરે એ જ સાચું ધ્યાન છે, બાકી ખોટા વિષયમાં અને ખાતા ભાવથી થતી એકાગ્રતા એ અશુભ ધ્યાન છે. અધ્યાત્મ માર્ગમાં એવા ધ્યાનને કોઈ સ્થાન નથી. ધ્યાન કરવા માટે જીવન વ્યવહાર શુદ્ધ અને સાત્વિક જોઈએ, ખાન-પાન અને આચાર વિચાર નિર્મળ જોઈએ અને અંતર્મુખી વૃત્તિ જોઈએ. ધ્યાન કરવું અઘરું નથી. આપણું મન અઘરું છે. મનને સીધું અને સ્પષ્ટ કરવા માટે ધ્યાન છે અને મનથી પણ પરે જવા માટે ધ્યાન છે.
ધ્યાનથી જાગૃતિ આવે છે, જાગૃતિથી પ્રવૃત્તિઓમા આવતી વિકૃત્તિઓ દૂર થાય છે. ધ્યાનથી અંતરની શક્તિઓ જાગે છે અને બહારની પ્રવૃત્તિઓ પ્રત્યે જીવ સભાન બને છે. એ સભાનતાના કારણે રોજિંદા જીવનમાં જાગતી પ્રતિક્રિયાઓ શાંત થાય છે, ક્રોધ વિરામ પામે છે અને ચિત્તમાં શાંતિ અને ચહેરામાં કાંતિ આવવા લાગે છે. ધ્યાનથી વ્યક્તિની ચારેય બાજુ રહેલી ઓરા શુદ્ધ અને સકારાત્મક બને છે. ધ્યાન જ જીવનને નવો અર્થ આપે છે. સહજતાથી આંખ બંધ કરીને અનુકૂળ આસનમાં બેસો. શરીરને શિથિલ અને મનને શાંત થવા દો. ત્યાર બાદ ચિત્તને નાકની પાસે સ્થિર કરી આવ જાવ કરતા શ્વાસને શાંત ભાવે જોયા કરો. શ્વાસને જોવાથી જાગૃતિ વધશે અને જેથી મનના વિચારો શાંત થવા લાગશે, એક દિવ્ય શાંતિ અંદર બહાર પ્રતિ ઘ્વનિત થવા લાગશે. ધ્યાનને કાળ ઉપર ડાળો નહીં, આજે અને અત્યારે જ અભ્યાસ શરૂ કરો.
એક માણસ તેના મિત્રો પાસે બેઠો હતો. એ બહુ જ બેચેન અને પરેશાન હતો અને એવું દેખાતું હતું કે તેની અંદર ઘણું જ દુ:ખ છે, કોક પીડાને તે દબાવી રહ્યો હોય એવું લાગતું હતું. અંતે એક મિત્રએ તેને પૂછ્યું કે: ‘આટલો બધો પરેશાન કેમ છે? શું માથું દુ:ખેછે? શું પેટમાં દર્દ છે?’ તે માણસે કહ્યું: નથી માથુ દુ:ખતું કે નથી પેટમાં દુ:ખતું પરંતુ મને ચપ્પલ ડંખી રહ્યા છે, ચપ્પલ બહુ જ ફીટ છે.’ તે મિત્રે કહ્યું: ‘તો પછી ચપ્પલ કાઢી નાખ અને આટલા ફીટ ચપ્પલ હોય અને આટલા હેરાન કરતાં હોય તો બીજા ઢીલા ચપ્પલ ખરીદી લે.‘
તે માણસે કહ્યું: ‘નહીં, તે ન બની શકે, આમ પણ હું ઘણી જ મુસીબતમાં છું. મારી પત્ની બીમાર છે, અને મારી દીકરીએ ન કરવા યોગ્ય છોકરા સાથે લગ્ન કરી લીધા છે, છોકરો શરાબી છે, જુગારી છે અને મારી હાલત દેવાળું ફૂંકવાની નજીક છે. નહીં, હું આમ પણખૂબ જ દુ:ખમાં છે. તે મિત્રએ કહ્યુ, ‘તું પણ પાગલ છે? આમ પણ દુ:ખી છે તો આ ચપ્પલને તો બદલી નાખ. તે માણસે કહ્યું, ‘આ ચપ્પલથી જ મને એક સુખ મળે છે. ત્યારે તે બહુ જ ચક્તિ થયો અને કહ્યું: ‘એ સુખ કેવું છે?’ તે માણસે કહ્યું: ‘હું આટલીમુશ્કેલીમાં છું, દિવસભર આ ચપ્પલ ડંખે છે, સાંજે જ્યારે આ ચપ્પલ ઘરે જઈને ઉતારું છું તો ઘણી રાહત, ઘણું સુખ મળે છે. બસ, આ એક જ સુખ મારી પાસે છે અને બીજા બધા તો દુ:ખ જ દુ:ખ છે. આ ચપ્પલ હું બદલી ન શકું.’
જેને આપણે સુખ કહીએ છીએ તે ડંખતા ચપ્પલથી વધુ કશું જ નથી. આપણા સુખો થોડી ક્ષણોની રાહતથી વધુ નથી. આપણે જેને સુખ કહીએ છીએ તે કોઈ તનાવથી થોડીવાર માટેની મુક્તિ છે. આ સુખ નકારાત્મક છે, નેગેટિવ છે. આપણે જેને સુખ કહીએ છીએ, ધર્મ તેને સુખ નથી કહેતું અને છે પણ નહીં તે આપણે સારી રીતે જાણીએ છીએ. એક વ્યક્તિથોડીક વાર માટે દારૂ પીવે છે તે માને છે કે તે સુખી છે! એક માણસ થોડીક વાર સેક્સ ભોગવે છે અને માને છે કે તે સુખી છે. એક વ્યક્તિ થોડીક વાર માટે સંગીત સાંભળે છે તો વિચારે છે કે તે સુખી છે! એક વ્યક્તિ બેઠા – બેઠા ગપ્પા મારે છે, હસી મજાક કરે છે,હસે છે અને વિચારે છે કે સુખી છે!
આ બધા સુખો સાંજના ડંખતા ચપ્પલ કાઢીએ તેનાથી જરા પણ જુદા નથી. આને સુખ સાથે કોઈ સંબંધ નથી. સુક એક પોઝિટિવ, એક હકારાત્મક સ્થિતિ છે – નકારાત્મક નહીં, સુખ છીંક જેવી વસ્તુ નથી – કે છીંક આવે અને પાછળ થોડીક રાહત મળી જાય છે!કારણ કે છીંક હેરાન કરતી હતી. સુખ એક નકારાત્મક વસ્તુ નથી કે એક બોજ મનમાંથી જતો રહે છે અને પાછળ સારું લાગે છે. સુખ હકારાત્મક અનુભવ છે, પરંતુ આવા સુખનો અનુભવ થાય કઈ રીતે? ધ્યાન વગર આવા હકારાત્મક સુખનો કોઈને અનુભવ નથીથતો અને જેમ જેમ માણસ સભ્ય અને શિક્ષિત બન્યો છે. તેમ તેમ ધ્યાનથી દૂર જતો રહ્યો છે. આપણું બધું જ શિક્ષણ, આપણી સભ્યતા – માણસને બીજા સાથે કઈ રીતે સંબંધિત થવું તે જ શીખડાવે છે, પરંતુ પોતાની સાથે કઈ રીતે સંબંધિત થવું, તે નથીશીખડાવતી. સમાજને કંઈ મતલબ નથી કે તમે તમારી જાત સાથે સંલગ્ન થાવ કે ન થાઓ. સમાજ ઈચ્છે છે તમે બીજા સાથે સંલગ્ન બનો કુશળતાથી અને તમે કુશળતાથી કામ કરો, વાત ખતમ થઈ ગઈ.
સમાજ તમને એક હિસ્સાથી વધુ કઈ નથી માનતો, તમે સારા દુકાનદાર, સારા નોકર, સારા પતિ, સારી મા, સારી પત્ની હો એટલે બસ વાત પૂરી થઈ ગઈ. તમારી સાથે સમાજને કંઈ લેવા – દેવા નથી. સમાજનું બધું શિક્ષણ ઉપયોગિતા પર છે. સમાજ તમને શિક્ષણએવું દે છે, જેનાથી કંઈક પેદા થતું હોય, આનંદમાંથી કંઈ પણ પેદા થતું દેખાતું નથી. આનંદ કોઈ કોમોડિટી નથી કે બજારમાં વેચાઈ શકે. આનંદ કોઈ એવી ચીજ નથી કે જે રૂપિયામાં મંગાવી શકાય. આનંદ કોઈ એવી ચીજ નથી કે જેને બેન્ક – બેલેન્સમાં જમાકરાય. આનંદ કોઈ એવી ચીજ નથી કે જેની કોઈ બજારમાં કિંમત હોય. તેથી સમાજને આનંદ સાથે કોઈ મતલબ નથી અને મુશ્કેલી એ છે કે આનંદ જ એક એવી ચીજ છે, જે વ્યક્તિ માટે મૂલ્યવાન છે; બાકી કંઈ પણ મૂલ્યવાન નથી, પરંતુ જેમ જેમ મનુષ્ય સભ્યથતો જાય છે. યુટિલિટેરિયન બને છે અને બધી જ વસ્તુની ઉપયોગિતા હોવી જોઈએ એવું માનતો થાય છે.
મારી પાસે લોકો આવે છે અને કહે છે, “ધ્યાનથી શું મળશે? કદાચ તેઓ વિચારતા હશે… “રૂપિયા મળશે, મકાન મળશે, કોઈ પદ મળશે… ધ્યાનથી ન પદ મળશે કે ન રૂપિયા મળશે, નહીં મકાન મળે, ધ્યાનની કોઈ ઉપયોગિતા નથી. પરંતુ જે માણસ ફક્તઉપયોગી વસ્તુની શોધમાં ઘુમે છે તે માણસ ફક્ત મૃત્યુની શોધમાં ફરી રહ્યો છે. જીવનની પણ કોઈ ઉપયોગિતા નથી, જીવનમાં જે પણ મહત્ત્વપૂર્ણ છે તે પરપઝલેસ છે. જીવનમાં જે મહત્ત્વપૂર્ણ છે, તેની બજારમાં કોઈ કિંમત નથી. પ્રેમની કોઈ કિંમત બજારમાં નથી.આનંદની કોઈ કિંમત કિંમત નથી. ધ્યાનની, પરમાત્માની કોઈ કિંમત નથી. પરંતુ જેની જિંદગીમાં અનુપયોગી, નોન-યુટિલિટેરિયનનું મહત્વ નથી, તેની જિંદગી તારાની ચમકની માફક ખોવાઈ જાય છે.
ધ્યાન આપણી જિંદગીમાં એ ડાયમેન્શન, એ આયામની એક શોધ છે, જ્યાં આપણે પ્રયોજન વગર ફક્ત હોવાથી જસ્ટ ટૂ બી – હોવા માત્રથી આનંદિત થઈએ છીએ અને જ્યારે પણ આપણા જીવનમાં ક્યાંયથી પણ સુખનું કોઈ કિરણ ઊતરે છે, તો તે જ ક્ષણ હોય છે,જ્યારે આપણે ખાલી કામ વગર સમુદ્ર તટ પર, કે કોઈ પર્વતની ટોચ પર કે રાતના આકાશના તારાની નીચે કે પછી સવારના ઊગતા સૂર્યની સાથે, કે પછી આકાશમાં ઊડતા પક્ષીઓની પાછળ કે ખીલતા ફૂલોની પાસે, બિલકુલ બેકાર, એકદમ વ્યર્થ ક્ષણમાં હોઈએછીએ, ત્યારે આપણા જીવનમાં સુખની થોડીક ધ્વાનિ ઊતરે છે.
મારા મતે ધ્યાનથી વધુ કિંમતી ચીજ કોઈ નથી અને ધ્યાનથી વધુ બહુમૂલ્ય પણ કોઈ વસ્તુ નથી. અને આશ્ચર્યની વાત એ છે કે આ જે ધ્યાન, પ્રાર્થના કે આપણે જે કંઈ નામ દઈએ, તે લોકો વિચારે છે એટલી કઠીન વાત નથી. મુશ્કેલી અપરિચિતની છે. મુશ્કેલીઅજાણ હોવા સિવાય બીજી કોઈ નથી જેમ કે આપણાં ઘરના આંગણામાં ફૂલ ખીલ્યું હોય અને આપણે બારી ખોલી ન હોય, જેમ કે બહાર સૂરજ ઊગ્યો હોય અને આપણા દ્વાર બંધ હોય. ખજાનો સામે પડ્યો હોય અને આપણે આંખ બંધ કરીને બેઠા હોય – આવીમુશ્કેલી છે. આપણા હાથે જ અપરિચિતતાને કારણે કંઈક ખોયું છે. ધ્યાન દરેક વ્યક્તિની ક્ષમતા છે. ક્ષમતા જ નહીં, દરેક વ્યક્તિનો અધિકાર પણ છે. પરમાત્મા જે દિવસે વ્યક્તિને જન્મ દે છે, ધ્યાનની સાથે જ જન્મ દે છે. ધ્યાન આપણો સ્વભાવ છે તેને આપણેજન્મની સાથે લઈને જન્મીએ છીએ. તેથી ધ્યાન સાથે પરિચિત થવું મુશ્કેલ નથી. દરેક વ્યક્તિ ધ્યાનમાં પ્રવેશી શકે છે.
હમણા એક યુવાન બહેને મને પૂછ્યું કે ‘ મને એસિડીટી છે એના માટે શું કરવું?’ મેં એને શું ખાવું અને શું ન ખાવું એની સલાહ આપી અને અમુક પ્રાણાયામ કરવાનું કહ્યું, તો મને કે, ‘આ પ્રાણાયામ વગેરે કરવું એ આપણું કામ નહિ અને ખાવાનો કંટ્રોલ વળી આ જુવાન વયે થોડો કરાય, આ તો ખાવા – પીવાની ઉંમર છે.’ તો મેં પ્રતિ ઉત્તર આપતા કહ્યું કે, ‘બીમાર પડવાની પણ આ ઉંમર થોડી છે! બીમારી તો વૃદ્ધાવસ્થામાં આવે તો બરાબર, યુવાનીમાં તો સ્વસ્થ જ રહેવું જોઈએ.’ પણ મને લાગ્યું કે આ વાત એને જરાય ગમી નહિ. ખાવાનો સંયમ રાખવો અને યોગ-પ્રાણાયામ યુવાનીમાં કોને કરવા ગમે? પરિણામે આજની પેઢી વધુને વધુ બીમાર અને કમજોર બનતી જાય છે. એક તો ખાવાનું અસલી અને પ્રાકૃતિક ન રહ્યું અને બીજું ભોજન બનાવવાની પદ્ધતિ સ્વાસ્થ્ય વિરોધી બની ગઈ. આજના લોકોનો ભોજન પ્રત્યે એક જ દ્રષ્ટિકોણ હોય છે કે બસ દેખાવમાં સારું લાગવું જોઈએ અને ખાવામાં સ્વાદિષ્ઠ લાગવું જોઈએ. હમણા જ કાજલ ઓઝાનો લેખ ફૂલછાબમાં વાંચ્યો, એમને જે વાત કરી એનો ભાવ ખૂબ સરસ હતો. એમનો ભાવ હતો – ‘આજના માનવીનું ધ્યાન શું ભાવે અને શું ન ભાવે એના ઉપર વધારે ટકેલું હોય છે અને શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ એની તેને કશી પડી જ નથી હોતી’. આ મનોવૃત્તિ એના આરોગ્યની લાપરવાહી છતી કરે છે. ભોજનમાં સૌથી મોટી ભૂલ એ થઇ કે ખાવામાં વિરોધી આહારનું પ્રમાણ ખૂબ વધી ગયું.
ઘણા બધા રોગોનું એક મહત્વનું કારણ આ વિરોધી આહાર છે. આગળના એક સૂત્રમાં આયુર્વેદના આચાર્ય વાગ્ભટ્ટ જી કહે છે કે જેના ગુણ અને પ્રકૃતિ એક બીજાથી વિપરીત હોય એવો વિરોધી આહાર એક સાથે નહિ ખાવો જોઈએ. આયુર્વેદમાં આવી 103 વસ્તુઓનું લાંબુ લિસ્ટ છે જે વિરોધી આહારની શ્રેણીમાં આવે છે. કેટલીક અતિ મહત્વની વસ્તુઓ વિષે વિચારીએ. ઘણી બધી વસ્તુઓ દૂધ સાથે ન લેવી જોઈએ. દૂધ સાથે એટલે એમાં ચાય પણ સમજી લેવાની કેમ કે એમાં પણ દૂધ તો આવે જ ને ! એટલે હું દૂધ કહું એટલે સાથે સાથે ચાય પણ સમજી લેવાની. દૂધ સાથે પ્યાજ એટલે કે લસણ ના ખાવું જોઈએ. એ વિરોધી આહાર છે. પૌવા કે ઉપમા કે પરોઠામાં જો પ્યાજ નાખ્યું હોય અને એ વસ્તુ દૂધ સાથે ખાઓ તો એ વિરોધી આહાર છે અને એનું સેવન કરવું એ ભયંકર ભૂલ છે. તમે જો જો લગભગ દરેક પંજાબી ભોજનમાં કાંદા અને ક્રીમ એક સાથે જોવા મળે છે. એનાથી સલક્ષ્ય બચવું જોઈએ. દૂધ સાથે દહીંની બનેલી કોઈ પણ વસ્તુ ન ખાવી જોઈએ, જેમ કે ઘણી વાર દહીંમાં વઘારેલો ભાત આપણે દૂધ કે ચાય સાથે લઈએ છીએ, આ યોગ્ય નથી. એવી રીતે કોઈ પણ દહીયુક્ત વસ્તુ દૂધ કે દૂધવાળી વસ્તુ સાથે ન ખાવી જોઈએ. આપણે ઘણીવાર હાંડવો અને દૂધ સાથે જ ખાતા હોઈએ છીએ જે ન ખવાય. દૂધ સાથે સોલ્ટ એટલે કે નિમક પણ વિરોધી વસ્તુ છે. આપણે ઘણી વાર નમકીનવાળી વસ્તુઓ દૂધ સાથે લેતા હોઈએ છીએ, જેમ કે ગાંઠિયા, અથવા કોઈ પણ નિમકવાળું નમકીન દૂધ સાથે ખતરનાક છે. દુધ સાથે તેલ કે તેલમાં તળેલી વસ્તુઓ પણ વિરોધી આહારમાં આવે છે. દૂધ સાથે રીંગણ પણ ન ખાવા જોઈએ. આથેલી વસ્તુઓ અને દૂધ પણ સાથે ન ખવાય. ઘણીવાર આપણે આથેલાં ઢોકળા કે ઈડલી સવારે નાસ્તામાં દુધ સાથે કે ચાય સાથે લઈએ છીએ જે ભારે નુકસાન કરે છે.
એવી રીતે મૂળા, કાચું સલાડ, દાડમ, નીંબુ, નાળીયેર અને અડદની વસ્તુઓ અને કોઈ પણ જાતના ખાટા પદાર્થો દૂધ સાથે ઝેર સમાન છે. કેમ કે એ દૂધ સાથે વિરોધી આહાર છે. દૂધ સાથે ભૂલથી પણ ખાટા ફળ કે ફ્રુટ નહિ ખાઓ. ફ્રુટસલાદ એ આયુર્વેદની દ્રષ્ટિએ અનેક રોગોને આમંત્રે છે કેમ કે એમાં દૂધ સાથે ખાટા અને મીઠા ફ્રુટ એક સાથે લેવામાં આવે છે. હા, માત્ર એક ફલ – આંવલા દૂધ સાથે લઇ શકાય છે. એવી જ રીતે દહીં સાથે ન ખાવાની વસ્તુઓ વિષે જોઈએ તો દહીં સાથે પનીર વિરોધી આહાર છે. દહીં સાથે અડદની દાળ ભૂલે ચૂકે ન ખાવી જોઈએ. આ દહીંવડાં આરોગ્ય માટે શત્રુ છે એમ કહીએ તો પણ ઓછું છે. કેમ કે એમાં દહીં અને અડદ સાથે ભળે છે. ત્રણ ચાર દિવસ ખાઈને પ્રયોગ કરી જુઓ, ચોક્કસ તમારું પ્રેસર વધી જશે. દહીં વડા ખાવા જ હોય તો મગની દાળના ખાઈ શકાય. દહીં સાથે કાંદા ક્યારેય ન ખવાય. એવી રીતે ખીર, ગરમ પદાર્થ અને પાણી વાળા ફળ પણ વિરોધી આહારમાં આવે છે. ઘણીવાર આપણે જમવામાં ખીર લઈએ છીએ અને જમ્યા પછી છાછ પીએ છીએ – આ વિરોધી આહાર છે. એવી રીતે ઘી સાથે સમાન માત્રામાં મધ કે ઠંડુ પાણી ન લેવું.
એવી રીતે પાણી સાથે તરબુચ કાકડી, શક્કરટેટી , મગફળી, ઘી.અને તેલયુક્ત વસ્તુ ન વાપરવી. એવી રીતે કેળા સાથે છાછ અને લસ્સી પણ ન લેવાય. તમે રેસ્ટોરંટ કે લગ્ન સમારોહમાં જો જો, આ બધા જ નિયમોથી સાવ ઉલટું જ ભોજન પીરસવામાં આવે છે. આયુર્વેદ કહે છે ગરમ ભોજન કર્યા પછી ઠંડી વસ્તુ ન ખાવી જોઈએ ત્યાં આપણે જમ્યા પછી આઈસક્રિમ ખવડાવીને સત્યાનાશ કરી નાખીએ છીએ. લગ્ન અને પાર્ટી વગેરેમાં તેલ, દૂધ, દહીં, પ્યાજ – આવી બધી જ વિરોધી વસ્તુઓ એક સાથે પીરસવામાં આવે છે અને જેને આ બધું જ્ઞાન છે એ પણ અજ્ઞાની સાથે બેસીને વિરોધી આહારનો સ્વાદ માણવા બેસી જાય છે.
આ વિરોધી આહારનું સેવન કેટલું નુકશાન કરે છે એ જો સમજી લઈએ તો મને લાગે છે કે આપણે આ બધા સ્વાસ્થ્યવર્ધક શત્રુઓથી બચી શકીશું. શરીરમાં મહત્વનું તત્વ છે ખૂન. એ ખૂન બગડ્યું એટલે હજારો રોગો થવાના. આ વિરોધી આહાર ખૂનને વિકૃત કરે છે. ખૂન વિકૃત થયું એટલે ચામડીના ભયંકર રોગો જન્મ લે છે. સોરાઈસીસ અને એક્ઝીમા એ આ વિરોધી આહારના લીધે જ થાય છે. શરીરમાં કોઢ થવામાં પણ આ વિરોધી આહાર જ જવાબદાર છે. આ વિરોધી આહારથી સૌન્દર્યની પાડ પીટાઈ જાય છે અને એવા રોગો થાય છે કે જે લાખ ઉપાય કરો તો પણ મટતા નથી. વિરોધી આહારથી બ્લડ પ્રેશર વધી જાય છે, ખાવાનું પચતું નથી અને શરીરના મુખ્ય ત્રણેય દોષો – વાત પિત્ત અને કફનું સંતુલન ગડબડાવા લાગે છે. આજના આધુનિક માનવીને જો સ્વસ્થ રહેવું હશે અને ખતરનાક અસાધ્ય અને ક્રોનિક રોગોથી બચવું હશે તો આયુર્વેદિક આહાર પદ્ધતિ અપનાવવા સિવાય છૂટકો નથી. માત્ર થોડિક સેકંડોના સ્વાદ માટે જીવનભર સ્વાસ્થ્યનું જોખમ, બીમારીઓની સજા અને રોગની પીડા ભોગવવી શું સમજદારી કહેવાય? શું વિરોધી આહારના નિયમોનું ધ્યાન રાખીને સ્વાદિષ્ટ વસ્તુઓ ન બનાવી શકાય? અને સ્વાદ વસ્તુઓમાં ક્યાં છે, એ તો સ્વાદ લેનારના મનમાં હોય છે. તણાવગ્રસ્ત અને ચિંતાતુર માનવી ક્યાં કોઈ વસ્તુનો આનંદ માણી શકે છે? માણસ જેવી આદત પાડે, એને પછી એમાં જ સ્વાદનો અનુભવ થવા લાગે છે. મેં જોયું છે જે જૈન વિધિથી આયંબિલ કરે છે તેને પછી એમાં જ સ્વાદ આવવા લાગે છે અને પછી મસાલાવાળું ભોજન તેને ખારું ઝેર લાગે છે. મસાલા અને વિરોધી આહાર ખવડાવી ખવડાવીને આપણે આપણી જીભને એટલી જડ અને સંવેદનહિન બનાવી દીધી છે કે હવે અત્યંત તીવ્ર સ્પાઈસી ભોજન સિવાય આપણને ચૈન પડતું નથી.
આજે ટી.વી. ચેનલોમાં જે કૂકિંગ વિશેની રેસેપી આપવામાં આવે છે એમાં માત્ર સ્વાદને જ કેન્દ્રમાં રાખવામાં આવે છે અને વિરોધી આહારના નિયમોનો પૂરેપૂરો ભંગ કરવામાં આવે છે. સ્વાદ કેન્દ્રિત આવો આહાર સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે. યુગની હવા એવી ચાલી છે કે કોઈને આ વિષે જરાય વિચારવું જ નથી, અને વિચારવાનો સમય પણ નથી. આયુર્વેદ પછી, જૈન શાસ્ત્રમાં જેટલું ભોજનનું વિજ્ઞાન મહાવીરે આપ્યું છે આજ સુધી કોઈએ એવું આપ્યું હોય એ મારા ધ્યાનમાં નથી. ભોજનની નાનામા નાની બાબતોનું સુક્ષ્મ જ્ઞાન તમને ત્યાં જોવા મળશે, જેની વાત આપણે ક્યારેક કરીશું. મારી દ્રષ્ટિ તો એવી છે કે દરેક બહેનોને અને દરેક રેસ્ટોરંટનાં રસોઈયાને આયુર્વેદિક ભોજનની વિશેષ ટ્રેઈનીંગ આપવી જોઈએ, જેથી ભોજન બનાવવાની પદ્ધતિમાં ફેરફાર કરીને સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ઠ ભોજન બનાવી શકે અને પરિણામે દરેક વ્યક્તિના ભાગ્યમાં નીરોગી આહાર પ્રાપ્ત થઇ શકે.
સંબંધોની દુનિયાનો એક મહત્વનો સિદ્ધાંત છે – ઋણાનુબંધ. એક વ્યક્તિનો અનેકો સાથે શુભ અશુભ ઋણાનુબંધ હોય છે. કોઈ વ્યક્તિ તમારી સાથે ગંદુ વર્તન કરે તો સમજવું કે તમારું એની સાથેનું ઋણાનુબંધ અશુભ છે. એમાં એનો કોઈ વાંક નથી. ખરાબ વર્તન કરનાર સાથે તમે પણ ખરાબ વર્તન કરશો તો આ અશુભ ઋણાનુબંધનો અંત નહીં આવે, એની એક પરંપરા ઉભી થશે. એનું દુષ્પરિણામ અનેકો ભવ સુધી ભોગવવું પડે. માટે ખરાબ વ્યક્તિ સાથે પણ શુભ ભાવ રાખી એનું પણ શુભ ઇચ્છવું એ અશુભ ઋણાનુબંધનો હિસાબ ક્લિયર કરે છે અને શુભ ઋણાનુબંધનો બંધ કરે છે. આપણી અપેક્ષાઓ જખ્મી થવાના કારણે આપણને એ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ જાગે છે, એ વ્યક્તિ ખરાબ ન પણ હોય, માત્ર એક બીજાના ઋણાનુબંધના કારણે એ ખરાબ લાગે છે. આ અશુભ ઋણનું એકાઉન્ટ શુભમાં બદલવું હોય તો એ વ્યક્તિમાં પણ સારું જોઈ સદ્ભાવ કેળવો.