Blog

This is given in English and Gujarati. The blog contains Saman Shri Shrutpragyaji’s special short messages as well as summaries of his lectures and reflections. Reading it brings inspiration, personal confidence, and spiritual upliftment.

जीवन की गुणवत्ता: कुन्नूर (तमिलनाडु) 23 अप्रैल, 2025

साधना यात्रा: सातवाँ दिन

कुन्नूर (तमिलनाडु)

23 अप्रैल, 2025

अप्रैल का महीना कुन्नूर के लिए सुहावने मौसम का प्रतीक है। 20 डिग्री तापमान में प्रकृति की गोद में आनंद लेने के सुनहरे पल हैं।

सुबह का ध्यान आदि क्रम पूर्ण कर 6:30 बजे हरियाली से घिरे प्रदूषण-रहित प्राकृतिक वातावरण में वॉक का विशेष आनंद लिया। मुकेशजी एवं अमन के स्थानएक घंटे की वॉक के बाद भी ऐसा लग रहा था मानो एक और घंटे आराम से चला जा सकता हूँ — शरीर में उतनी ऊर्जा छलक रही थी।

इसके बाद नियमानुसार ध्यान में बैठा। अब नियमित लंबे ध्यान के कारण विकल्प शांत पड़ते जा रहे हैं।

दोपहर में अमन के घर गोचरी लेने गया। इसके बाद पास की एक चाय फैक्ट्री का दौरा किया। चाय कैसे बनती है, इसकी पूरी प्रक्रिया देखना और समझना अपने आप में एक सीखने योग्य अनुभव था। शाम को प्रार्थना और ध्यान का क्रम पूर्ण कर कुछ आत्मीय जनों के साथ सत्संग में बैठा।

आज फुर्सत के समय में रॉबिन शर्मा की पुस्तक को आगे पढ़ रहा था। उन्होंने लिखा है कि यदि मनुष्य हर दिन की शुरुआत अच्छे विचारों के साथ करे, तो जीवन की गुणवत्ता में अप्रत्याशित वृद्धि हो सकती है। सुबह के शांत वातावरण में कुछ सूत्रों को रोज़ दोहराना चाहिए, जैसे:

✓ आज का दिन मेरे लिए ईश्वर के वरदान के समान है, मैं इसका सम्मान करता हूँ। मैं इस दिन को भरपूर जिऊँगा और इसका सार्थक उपयोग करूँगा। आने वाला कल केवल एक कल्पना है, आज ही सच्चाई है।

✓ मैं सर्वश्रेष्ठ बनने का प्रयास करूँगा, पीड़ित अनुभव करने का नहीं। मैं दूसरों की नकल नहीं करूँगा, बल्कि मेहनत से आगे बढ़ूँगा, अपना रास्ता खुद निर्मित करुंगा।

✓ मैं कायर नहीं, साहसी बनूँगा। अपनी ऊर्जा दूसरों की आलोचना या शिकायत में नहीं, बल्कि रचनात्मक कार्य में लगाकर अपनी शक्ति का गौरव बढ़ाऊँगा।

✓ आज मैं चिंतन और डायरी लेखन के लिए समय निकालूँगा। समय नष्ट करने वाली बातों से दूर रहूँगा और अपने संकल्प के अनुसार दिनचर्या को सार्थक बनाऊँगा।

✓ आज मैं स्वयं को एवं दूसरों को दिए गए प्रत्येक वचन को निभाने का प्रयास करूँगा। अच्छी आदतों को अपनाऊँगा और वही पाना चाहूँगा जिससे चित्त प्रसन्न हो।

✓ बातों से ज़्यादा कर्म पर ध्यान दूँगा। गैर-ज़िम्मेदार व्यवहार के बजाय ठोस परिणाम दूँगा।

✓ यदि मुझे विश्राम की आवश्यकता होगी, तो मैं उसे समय की बर्बादी नहीं मानूँगा। क्योंकि उचित विश्राम के बिना कार्य की अधिकता मेरी क्षमता को और घटा देगी।

✓ आज मैं कल से अधिक समर्थ, अधिक आशावादी, अधिक मुस्कुराता और अधिक करुणामय रहूँगा।

✓ अंत में जब मैं मृत्युशैया पर होऊँगा, तो यह महत्वपूर्ण होगा कि मैंने कितनों को प्रेरणा दी, कितनों की देखभाल की और कितनों के प्रति बड़ा मन रखा।

✓ उच्च सिद्धांतों की ओर मेरी यह यात्रा — मेरी ये छोटी-छोटी जीतें ही मुझे मेरी ऊँचाई और सच्चाई से परिचित कराती हैं।

हर दिन की तरह आज का दिन भी अर्थपूर्ण रहा। मन शांत है, विकल्प अभी छुट्टी पर है, और जागरूकता के पलों का अद्भुत आनंद मिल रहा है।

~ Samanji Shrutpragyaji

જીવવાની ગુણવત્તા: સાતમો દિવસ: કુન્નૂર(તમિલનાડુ): એપ્રિલ ૨૩, ૨૦૨૫

સાધના યાત્રા: સાતમો દિવસ

કુન્નૂર(તમિલનાડુ)

એપ્રિલ ૨૩, ૨૦૨૫

એપ્રિલ મહિનો અહીં કુન્નૂર માટે પ્લેઝન્ટ મોસમનો દિવસ. ૨૦ ડિગ્રી ટેમ્પ્રેચર એટલે પ્રકૃતિના ખોળે આનંદ માણવાની ક્ષણો છે.

સવારનું ધ્યાન આદિ ક્રમ પૂર્ણ કરીને સવારે ૬. ૩૦ વાગે પ્રાકૃતિક વાતાવરણમાં જીરો પર્સેન્ટ પ્રદૂષણમાં હરિયાળી ઝાડીઓ વચ્ચે વોક કરવાનો એક વિશેષ નજારો હતો. મુકેશજી અને અમન સાથે પૂરું એક કલાક વોક કર્યા પછી પણ હજુ બીજી એક કલાક ચાલવા જેટલી ઉર્જા ફીલ થતી હતી.

આવી ને દૈનિક ક્રમ મુજબ ધ્યાનમાં બેઠો. નિયમિત લાંબુ ધ્યાન કરવાથી હવે વિકલ્પો શાંત પડવા લાગ્યા છે.

બપોરે અમનના ઘરે ગોચરી લેવા ગયા. બપોર પછીઅહીંની એક ચા બનાવાની ફેકટરીની મુલાકાત લીધી. ચા કેમ બને છે એની આખી પ્રોસેસ ખરેખર જોવા અને જાણવા જેવી છે. સાંજે પ્રાર્થના અને ધ્યાનનો ક્રમ પૂર્ણ કરી કેટલાક ચિનિંદા લોકો સાથે સત્સંગમાં બેઠા.

આજે ફ્રી ટાઈમમાં રોબિન શર્માની બુક વાંચતો હતો. એમને કહ્યું છે, માણસ રોજ સારા વિચારોથી દિવસ શરૂ કરે તો જીવવાની ગુણવત્તામાં અકલ્પિત વધારો થાય છે. રોજ સવારે શાંત વાતાવરણમાં એના માટે કેટલાક સૂત્રો રોજ સવારે રીપીટ કરવા જોઈએ તે આ પ્રમાણે છે:

✓ આજનો દિવસ મારા માટે ઇશ્વરના વરદાન તુલ્ય છે, એનો હું આદર કરું છું. આ દિવસને હું માણીશ અને તેનો ભરપૂર ઉપયોગ કરીશ. આવતી કાલ માત્ર એક વિચાર છે, આજ એ હકીકત છે.

✓ હું સર્વશ્રેષ્ઠ બનીશ, પીડિત નહીં. હું દેખાદેખી નહીં કરુ, જાત મહેનતથી આગળ આવીશ.

✓ હું ડરપોક નહીં, હિંમતવાન બનીશ. મારી શક્તિઓને બીજાના વાંક કાઢવામાં કે ફરિયાદ કરવામાં નહીં વાપરું પણ સર્જનાત્મક કાર્ય કરી શક્તિનું ગૌરવ વધારીશ.

✓ આજના દિવસે હું મારા ચિંતન માટે અને ડાયરી લખવા માટે સમય કાઢીશ અને સમયનો બગાડ કરતી વસ્તુઓથી દૂર રહીશ અને મારા સંકલ્પ પ્રમાણે દિનચર્યાને સાર્થક કરીશ.

✓આજે મેં મારી જાતને અને બીજાને આપેલા દરેક વચન પાડીશ. સારી આદતો રાખીશ અને મારા ચિત્તને પ્રસન્ન કરે એજ મેળવવા પ્રયાસ કરીશ.

✓ હું વાતો કરવાને બદલે કામ પર ધ્યાન આપીશ. બેજવાબદારીથી વર્તવાને બદલે નક્કર પરિણામ આપીશ.

✓ મને આરામની જરૂર હશે તો એને હું સમયનો બગાડ નહીં સમજુ. કારણ કે યોગ્ય આરામ વગર કામની ઘેલછા, મારી ક્ષમતામાં વધુ ઘટાડો કરશે.

✓ આજના દિવસે હું ગઇકાલ કરતા વધુ સમર્થ, વધુ આશાવાદી, વધુ હસમુખ અને વધુ કરુણામય રહીશ.

✓છેલ્લે હું મૃત્યુશૈયા પર હોઈશ ત્યારે, મેં કેટલા લોકોને પ્રેરણા આપી, કેટલાકની સંભાળ લીધી અને કેટલા પ્રત્યે મોટું મન રાખ્યું એજ મહત્વનું બની રહેશે.

✓ ઉચ્ચ સિદ્ધાંતો તરફની મારી આ સફરમાં મારી આ નાની નાની જીત મને મારી જ ઊંચાઈ અને સચ્ચાઈનો પરિચય કરાવે છે.

રોજ પ્રમાણે આજનો દિવસ મિનિંગફુલ રહ્યો. મન શાંત છે, વિકલ્પો રજા ઉપર છે, જાગૃતિની પળોનો અનેરો આનંદ છે.

શક્તિ શબ્દોની અને વિચારોની - કુન્નૂર: તા. એપ્રિલ 27, 2025

શક્તિ શબ્દોની અને વિચારોની

કુન્નૂર

તા. એપ્રિલ 27, 2025

આજે બ્રહ્મમુર્હૂતમાં ધ્યાનમાં બેઠો, પ્રાણાયામ કર્યા. ત્યારબાદ સવારે હર્ષના ઘરે નાસ્તાની ગોચરી કરી, Ooty શહેર તરફ સાઇડ સીન માટે નીકળી ગયા હતા. મારી સાથે હર્ષ બરડિયા અને અમન કોઠારી હતા. અહીં અમે કર્ણાટક પાર્ક જોયો, ચાય બનાવાની ફેક્ટરીની મુલાકાત લીધી. બોટ લેકની પણ મુલાકાત લીધી. ખૂબ ચાલ્યા. સાંજે 6 વાગે પાછા કુન્નૂર પહોંચ્યા.

સૂતા પહેલાં ડાયરી લખવાની આદત મુજબ આજે શબ્દોની અને વિચારોની શક્તિ પર કંઈક વિશેષ લખવાનું મન થયું. દરેક માણસે જાત સાથે વાત કરવામાં ખૂબ જ સાવધાની રાખવી જોઇએ. પોતાના વિશેનો પોતાનો અભિપ્રાય પોતાને સીધી અને સૌથી મોટી અસર કરે છે. પોતાના વિશે માણસ જે માનતો હોય તેના આધારે જ તેનો એટિટ્યૂટ બનતો હોય છે.

અનેક રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે, માણસ પોતાના વિશે જે ધારતો, માનતો અને વિચારતો હોય એવું જ તેની સાથે થાય છે. ઘણા લોકો પાસે ખાસ કંઇ હોતું નથી, પણ એ પોતાની જાતને ક્યારેય નબળા ગણતા નથી. દુનિયામાં એવા લોકો પણ હોય છે જેઓ પોતે જ એવું માને છે કે, આપણે તો કંઇ નથી. હું નિષ્ફળ છું.

માણસના વિચારો માણસને પોતાને સૌથી વધુ અસર કરે છે. આપણને જો આપણી કિંમત ન હોય, આપણે જ આપણને સસ્તા સમજતા હોઇએ તો દુનિયા ક્યારેય આપણી કિંમત કરવાની નથી. આપણે જ્યારે આપણી જાત સાથે વાત કરીએ છીએ ત્યારે આપણા શબ્દો, આપણો ટોન અને આપણા ભાવો કેવો હોય છે?

જાપાનના વૈજ્ઞાનિક ' ડો. માસારુ ઇમોટો' ની વોટર થિયરી વિશે કદાચ તમને ખબર હશે. ડો. માસારુએ પાણી પર એક અનોખો પ્રયોગ કર્યો હતો. તેમણે પાણીની બોટલો બે ભાગમાં વહેંચી હતી. પાણીની કેટલીક બોટલ અલગ પાડીને તેની સામે ખરાબ શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા: "હું તને નફરત કરું છું". મનમાં પણ ઘૃણા અને નફરતન વિચારો અને ભાવધારા ચાલતી હતી.

બીજી તરફ પાણીની કેટલીક બોટલો હાથમાં રાખી તેની સમક્ષ શ્રેષ્ઠ અને પોઝિટિવ વાતો કરવામાં આવી. પ્રેમ અને સદભાવના વિચારો કરવામાં આવ્યા. પછી બંને બોટલોમાંનું પાણી ગાઢ ઠંડકમાં જમાવી દીધું અને માઇક્રોસ્કોપથી તેના ક્રિસ્ટલ સ્ટ્રકચર (જામેલા પાણીના સ્ફટિકો)ના ફોટા લીધા. એના પરિણામ ચોંકાવનારા આવ્યા.

જે પાણી સામે ખરાબ વાતો થઈ હતી, એ પાણીના સ્ફટિકો વિચિત્ર, તૂટી ગયેલા અને આકારવિહિન હતા અને જે પાણી સામે સકારાત્મક વાતો થઈ હતી એ પાણીના સ્ફટિકો અદ્ભુત રીતે સુંદર અને કલાત્મક હતા — બિલકુલ કમળના ફૂલો કે હિમકણો જેવી સુંદર રચનાઓ સર્જાઈ હતી. આ પ્રયોગ પરથી ડો. માસારુ ઇમોટો નું એવું કહેવું છે કે પાણી માત્ર રાસાયણિક પદાર્થ જ નથી, પરંતુ તે આપણાં વિચારો, ભાવનાઓ અને શબ્દો દ્વારા પણ પ્રભાવિત થઈ શકે છે.

માણસના શરીરમાં 70 ટકા હિસ્સો પાણીનો છે. બોટલના પાણીમાં જેમ વિચારોની અસર થઈ, એમ માણસના વિચારો, શબ્દોની અસર પણ માણસના શરીરમાં રહેલા પાણીને થાય છે. જાપાનના ડો. માસારુ ઇમોટોએ પોતાના વોટર એક્સપેરિમેન્ટ ઉપર 'The Hidden Messages in Water' નામનું પુસ્તક પણ લખ્યું હતું. એટલે જ દરેક વ્યક્તિએ પોતાની જાત સાથે વાત કરવામાં સાવચેત રહેવું જોઈએ. પોતાની જાતને ક્યારેય કોસવી ન જોઇએ. પોતાના વિશે ખરાબ કે નબળું વિચારશો તો તેની ખરાબ અસરો થવાની જ છે.

બીજી મહત્ત્વની વાત એ છે કે સારા વિચારો કરવામાં કંઇ ગુમાવવાનું નથી અને ખોટા વિચારો કરવાનો કોઇ અર્થ નથી, એ વાત તો સાચી છે જ. જે સફળ લોકો છે તેના પર જેટલા અભ્યાસ થયા છે એમાં પણ એ વાત બહાર આવી છે કે, તેમણે પોતાના વિશે ક્યારેય નબળા વિચારો કર્યા હોતા નથી. માણસે પોતાના વિચારનું નિરીક્ષણ કરતા રહેવું જોઇએ. મને કેવા વિચારો, કેટલા વિચારો અને એ શું કામ આવે છે?

~ સમણ શ્રુતપ્રજ્ઞજી

અંતર્યાત્રાનું મધુર સમાપન । કુન્નૂર એપ્રિલ 26, 2025

અંતર્યાત્રાનું મધુર સમાપન

સાધના નો છેલ્લો દિવસ 

કુન્નૂર: તા. એપ્રિલ ૨૬, ૨૦૨૫

આજે તિરુવન્નમલઇ અને કુન્નૂરની યાત્રા પૂર્ણ થઈ રહી છે. લગભગ બાર દિવસની આ યાત્રા સંપન્નતા તરફ છે. એક એવી યાત્રા, જેમાં આત્મસ્ફૂરિત આનંદ અને ઊંડા ધ્યાનમાં લીન થવાની અનુભૂતિ મળી. સતત ધ્યાનમાં પ્રવૃત થવાની પ્રેરણા મળી; જાણે આંતરિક જગતનો એક નવો દ્વાર ખુલી ગયો હોય. ખરેખર સાધનામાં ખૂબ આનંદ આવ્યો. ધ્યાનમાં ઊંડા જવાની અને ધ્યાન સતત ચાલુ રાખવાની પ્રેરણા મળી.

આપણે જીવનમાં સાધના શરૂ કરવાના વિચારો કરીએ છીએ, પરંતુ વિચાર વિચારમાં જ દિવસો, મહિનાઓ અને વર્ષો વહ્યા જાય છે. મન વાયદા કરતું રહે છે, પરંતુ પગલાં મંડાતા નથી. જીવનની અનુપયોગી પ્રવૃત્તિઓમાં અમૂલ્ય સમય બરબાદ કરી નાખીએ છીએ, પરંતુ સંકલ્પ ને પાછો ઠેલ્યે રાખીએ છીએ. આવું કરવું — એ મનની ગુલામી છે. આ એક એવો સંકેત છે કે સંકલ્પ હજુ ઊંઘે છે, સજાગ થયો નથી.

જીવનમાં કુદરત દ્વારા અપાતી ઠોકરોથી આપણે ક્યારેક જાગીએ છીએ... પરંતુ એ જાગૃતિ પણ થોડી ક્ષણોની હોય છે. જાણે કૂતરાની પૂંછડી સમયસર સીધી થાય અને પછી ફરી વાંકી થઈ જાય તેમ.

આ માનવ જીવન ફરી મળવાનું નથી. જ્ઞાનીઓ સમજાવવામાં કંઇ બાકી રાખ્યું નથી. છતાં આપણી ઊંઘ ઉડતી નથી. પોતાનો સંકલ્પ દૃઢ પોતે જ કરવો પડશે અથવા સદગુરુની વાત હૈયે ધારણ કરવા જેટલી શ્રદ્ધા કેળવવી પડશે, બાકી અનંત જન્મોથી ચૂકતા આવ્યા છીએ અને હજું ચૂકતા રહીશું. બીજાને સમજાવવામાં પણ હવે સમય બરબાદ કરવા જેવો નથી. અલ્પ આયુષ્ય આંખના પલકારામાં પૂરું થઈ જશે. જાગવું કે નહીં એ આપણે નક્કી કરવાનું છે.

આજે જ્યારે સાધનાની આ યાત્રા અંતિમ પડાવે પહોંચી ચૂકી છે ત્યારે એક અંતઃપૂર્ણ પ્રતિજ્ઞા કરવી જરૂરી બની છે.

જે અમૂલ્ય છે એ હવે હથેળીમાં છે. આ અંતરની શાંતિ અને ધ્યાનની ઊર્જા, માત્ર થોડા દિવસો માટે નહીં, પણ સંપૂર્ણ જીવન માટે સજીવન રહે એવી જાત પ્રત્યે અપેક્ષા અને પરમ તત્વને પ્રાર્થના..

~ સમણ શ્રુતપ્રજ્ઞજી

સત્યના તાત્વિક અભિગમ અને અનેકાંતની અનુભૂતિ: નવમો દિવસ:૨૫ એપ્રિલ ૨૦૨૫

સત્યના તાત્વિક અભિગમ અને અનેકાંતની અનુભૂતિ
*સાધના યાત્રા : નવમો દિવસ*

તારીખ : ૨૫ એપ્રિલ ૨૦૨૫

કુન્નૂર

આજની સવારે ધ્યાન તથા વોકિંગનો નિયમિત ક્રમ પૂર્ણ કર્યો. નાસ્તા બાદ જૌહરીજીના નિવાસે જવાનું થયું. ત્યાં એક કલાકનો આત્મીય સત્સંગ થયો. પછી ગોચરી કરી થોડો આરામ લીધો.

ત્યાર બાદ પૂજ્ય ગુરુવર્ય આચાર્ય મહાપ્રજ્ઞજીની પુસ્તક "दर्शन वही जो जिया जा सके" મારા હાથમાં આવી. વાંચવાનું શરૂ કર્યું, તો સમજાયું કે આ તો વિચાર વિમર્શથી ભરેલું, ઊંડાણ ધરાવતો સુંદર ગ્રંથ છે. તેમાં મુખ્યત્વે અનેકાંત દર્શનનું સુંદર વિવેચન કરવામાં આવ્યું છે. તેના તાત્વિક સારને અહીં સરળ ભાષામાં રજૂ કરું છું:

*સત્ય અને સત્યાંશ:*

સત્ય તો શાશ્વત છે. સત્યનું દર્શન કરનારા વ્યક્તિ તેનું સર્જન નથી કરતો, માત્ર તેનું વિવાદ મુક્ત વિવેચન કરે છે. ભગવાન મહાવીર પોતે પણ સત્યના રચયિતા નહોતા પરંતુ દર્શક હતા. લાંબી તપસ્યા દ્વારા તેમણે સત્યનું અનુભવ મૂલક જ્ઞાન મેળવ્યું અને ભાષાની મર્યાદામાં રહી તેને વ્યાખ્યાયિત કર્યું.

ભાષાની મર્યાદાના કારણે સત્યની સંપૂર્ણ અભિવ્યક્તિ થઈ શકતી નથી, માત્ર તેના સત્યાંશને રજૂ કરી શકાય છે. આત્માનું જ્ઞાન પોતાનાં માટે હોય છે, જ્યારે તેની અભિવ્યક્તિ અન્ય માટે હોય છે.

*અનેકાંતની શોધ:*

સત્ય તો એક જ હોય, છતાં મારા માટે અલગ અને બીજા માટે અલગ કેમ હોય છે? આ પ્રકારનું વિરોધાભાસી રૂપ માનવીને અસત્ય તરફ દોરે છે.

મહાવીરે આ મુદ્દે ગંભીર ચિંતન કર્યું. તેઓએ જોયું કે સત્ય તરફ જતાં પગલાં લથડી રહ્યાં છે. કારણ કે લોકો સત્યના અંશ ને જ આખું સત્ય માની લે છે. આ સમસ્યાના નિરાકરણરૂપે મહાવીરે અનેકાંત દર્શન રજૂ કર્યું.

*ભાષાની મર્યાદા:*

મહાવીરે સ્પષ્ટ કર્યું કે સંપૂર્ણ સત્યને એક સાથે જાણી શકાય છે પણ તેની વ્યાખ્યા કરવામાં ભાષાની મર્યાદા આવી જાય છે. એટલે સત્યના અંશની અભિવ્યક્તિ થઈ શકે છે, સંપૂર્ણ સત્યની નહીં.

*અનાગ્રહની સાધના:*

અનેકાંતે સાધક માટે એક માર્ગ દર્શાવ્યો – એ છે ઋજુતા અથવા અનાગ્રહ. એટલે કે તટસ્થ રહેવાનો અભ્યાસ.

સત્ય નિષ્ઠ સાધક કદી એક તરફ ઢળી નહીં જાય. જો મહાવીરનો શિષ્ય ઋજુ છે તો તે ન મહાવીર તરફ ઝુકે છે અને ન બીજા તરફ દ્વેષ પોષે છે.

તે મહાવીરના સત્યાંશને તેમના સમય, સંજોગો અને સંદર્ભમાં સમજે છે – અને એ જ દ્રષ્ટિથી બુદ્ધ કે લાઓત્સેના દ્રષ્ટિકોણને પણ એમના સંદર્ભે સમજે છે.

સત્યની શોધમાં સૌથી વધુ ઘર્ષણ એકાંતવાદી લોકોને કારણે ઊભું થયું છે – જે પોતાનો જ મત સાચો માને છે અને બીજાના મતને નકારી દે છે.

*ભેદથી ભરેલું જગત:*

આ દુનિયા ભેદથી ભરેલી છે. માનવીમાં અસંખ્ય પ્રકારના ભેદ છે: જેમ કે માન્યતાનો ભેદ, વિચારનો ભેદ, પસંદગીઓનો ભેદ, સ્વભાવનો ભેદ અને સંવેગનો ભેદ. સમજીએ આ બધાને:

ભિન્ન માન્યતાઓથી, ભિન્ન રુચિઓથી, ભિન્ન વિચાર અને સ્વભાવ એ સામાન્ય બાબત છે, એ હોવા જ જોઈએ પણ માણસમાં ખાલી વિચારભેદ કે સ્વભાવ ભેદ નથી, સાથોસાથ દરેક માણસમાં સંવેગો પણ છે. નકારાત્મક સંવેગો(ક્રોધ, અભિમાન, દ્વેષ વગેરે) અને આગ્રહો વિવાદ જન્માવે છે. સાંપ્રદાયિક તણાવ ઊભા કરે છે, પરસ્પરમાં દ્વેષ અને નફરત પેદા થાય છે.

*સંવેગ ભેદ:*

સંવેગ પણ ત્રણ પ્રકારના હોય:

મૃદુ: જે શાંતિમય સહઅસ્તિત્વમાં રહે છે.

મધ્યમ: જે વિવાદ ઊભા કરે છે.

તીવ્ર: જે હિંસા અને યુદ્ધ તરફ દોરી જાય છે.

*અનેકાંતના 5 આધાર સૂત્રો:*

૧. *સપ્રતિપક્ષ:*

જેનું પ્રતિપક્ષ હોય છે, તેનું જ અસ્તિત્વ ટકે છે. સુખ દુઃખ, સ્ત્રી પુરુષ, અંધકાર પ્રકાશ - આ બધા પ્રતિપક્ષો આપણા અસ્તિત્વનું પૂરક તત્વ છે. એટલે વિરોધી એ ખરેખર વિરોધી નથી, સહયોગી છે. એટલે વિરોધીઓ પ્રત્યે પણ મૈત્રી કેળવો, એમના પ્રત્યે દુશ્મની ઊભી ન કરો.

૨. *સહઅસ્તિત્વ:*

દરેક વસ્તુમાં અનેક વિરોધી યુગલ હોય છે. એ બધા એક સાથે રહે છે. પોતપોતાની મર્યાદામાં રહે તો જ અસ્તિત્વ જાળવી શકશે. વિરોધ માણસની માત્ર કલ્પના છે. સહ અસ્તિત્વમાં એ જ બાધક રૂપ છે.

૩. *સ્વતંત્રતા:*

દરેક જીવ પોતપોતાની સ્વતંત્રતા ધરાવે છે. એક વ્યક્તિ બીજાની સ્વતંત્રતા માટે બાધક ન બને. માત્ર પોતાના વિચારોને સાચા ન માને, બીજાના વિચારોને પણ સાંભળે અને તેનું સન્માન કરે.

૪. *સાપેક્ષતા:*

આપણું અસ્તિત્વ ભલે નિરપેક્ષ અને સ્વતંત્ર હોય, પણ આપણું વ્યક્તિત્વ સાપેક્ષ છે. પરસ્પર એક બીજાનો આધાર અને સહયોગ એ વિકાસનું મૂળ છે.

૫. *સમન્વય:*

કોઈપણ વિચાર સંપૂર્ણ સત્ય નથી. એ માત્ર સત્યાંશ છે. પોતાનો આગ્રહ છોડીને બીજામાં પણ સત્ય શોધો – તેને ગ્રહણ કરો, એ મનુષ્ય જીવનનો સાર છે.

*અનેકાંતના બાધક તત્વો:**

પહેલું છે અહંકાર: “હું સાચો છું”, “મારો ધર્મ જ સાચો છે” બીજું છે: એકાંગી દ્રષ્ટિ, આમ જ થવું જોઈએ, હું વિચારું એમ જ થવું જોઈએ અને ત્રીજું છે ઉદંડતા. પોતાના આગ્રહ અને અહંના લીધે વિખવાદ ઊભા કરવા.

*એક સુંદર પંક્તિ:*

"હું કહું એ જ છે સાચું,

તું જે કહે એ ખોટું.

આ હું - તું વચ્ચેના ઝઘડાનો,

શાંતિપાઠ એ જ અનેકાંત છે."

આર્થિક સમજણથી આધ્યાત્મિક વૃદ્ધિ સુધી : સાધના યાત્રા: આઠમો દિવસ:૨૪ એપ્રિલ, ૨૦૨૫

આર્થિક સમજણથી આધ્યાત્મિક વૃદ્ધિ સુધી

સાધના યાત્રા : આઠમો દિવસ

તારીખ : ૨૪ એપ્રિલ, ૨૦૨૫

આજનો દિવસ પણ સાધનામય રહ્યો. ધ્યાન અને સ્વાધ્યાયનો ક્રમ નિયમિત રીતે શિસ્તબદ્ધ રીતે પૂર્ણ થયો.

બપોરે પન્નાલાલજીના નિવાસસ્થાને ગોચરી માટે ગયો. સાંજે જોહરીલાલજી અને ચંદ્રાબહેન દર્શનાર્થે આવ્યા. ગોચરી માટે નિવેદન કરતાં તેમણે કાલે લાભ આપવાનું નક્કી કર્યું.

આજ દિવસમાં મુકેશજીના ઘરે પડેલા એક પુસ્તક પર નજર પડી. વાંચવા માટે ઉઠાવ્યું અને ત્રણથી ચાર કલાકમાં તેનું સારતત્વ સમજાઈ ગયું.

પુસ્તક હતું: ‘ધન-સંપત્તિનું મનોવિજ્ઞાન’. આ પુસ્તકનો મર્મસંદેશ સરળ ભાષામાં અહીં રજૂ કરું છું:

ધન માત્ર ગણિત નથી – તે આપણી ભાવનાઓ, મનોભાવો અને વ્યવહારો સાથે ઊંડાણથી સંકળાયેલું છે.

મોર્ગન હાઉઝલની આ પુસ્તક જણાવે છે કે ધનવાન બનવા કરતાં ધન સાથે જીવવાની સમજ અને સંતુલન વધારે મહત્વપૂર્ણ છે. આ પુસ્તક આ બાબત પર ભાર મૂકે છે કે ધનનું વ્યવસ્થાપન બુદ્ધિથી નહિ પરંતુ વર્તન અને વ્યવહારથી નિયંત્રિત થાય છે.

1. વસ્તુઓના માલિક બનો, ગુલામ નહિ:

જેટલી વધુ વસ્તુઓ, એટલી વધુ ચિંતા. અનાવશ્યક વસ્તુઓમાંથી મુક્તિ મેળવો એ જ સાચી સ્વતંત્રતાની શરૂઆત છે.

2. ધનનો સાચો લાભ:

સમય અને વિકલ્પનો સ્વતંત્ર ઉપયોગ. સંપત્તિનું મૂલ્ય તમારા ખાતામાં કેટલી રકમ છે એથી નહિ, પણ તમે તમારા સમય પર કેટલો કાબૂ રાખો છો એથી નક્કી થાય છે.

3. ‘પૂરતું’ કેટલું છે એ જાણવું અમૂલ્ય છે:

જે તમને લાલચથી અને પસ્તાવાથી બચાવે – એ જ સાચું 'પૂરતું'.

4. પ્રતિષ્ઠા અને સંબંધો ધનથી શ્રેષ્ઠ છે:

રજત ગુપ્તાનું લાલચ તેમને જેલ સુધી લઈ ગયું. જેલમાંથી બહાર આવી એમને કહ્યું— "ક્યારેય કોઈ સાથે વધુ આસક્ત ન થાઓ." પ્રતિષ્ઠા, સ્વતંત્રતા, પરિવાર, મિત્રતા અને આત્મસન્માન – એ સૌથી અમૂલ્ય છે. એમને ગુમાવીને મેળવેલું ધન વ્યર્થ છે.

5. સંયમ અને સંતુલન એટલે ધન વ્યવસ્થાપનની ચાવી:

બચત માત્ર ગણનાત્મક આયોજન નહિ પરંતુ માનસિક કસરત છે. જો તમે દેખા દેખી કરવાથી દૂર રહી શકો, તો સંપત્તિ ઊભી કરી શકો છો.

6. વડીલોએ શીખવેલા પાઠ:

એક સર્વે અનુસાર, હજારો વડીલ અમેરિકીઓમાંથી કોઈએ પણ ક્યારેય એવું નથી કહ્યું કે "ધન સુખ આપે છે." તેઓએ મહત્વ આપ્યું – સંબંધો, અર્થપૂર્ણ જીવન અને આત્મિક સંતોષને.

*ધન બાબતે કેટલાક વ્યવહારિક પાઠ:*

૧. વિનમ્ર બનો, દેખાવથી દૂર રહો.

૨. જે મળ્યું છે તે પૂરતું છે એવો ભાવ કેળવો.

૩. તમારા સમય પર કાબૂ મેળવવા માટે ધન વાપરો, શોષણમય જીવનશૈલી માટે નહિ.

૪. સરખામણીઓથી દૂર રહો.

૫. બચતની ટેવ બનાવો.

*નિષ્કર્ષ:*

ધન એ સાધન છે, સાધ્ય નહિ. જો તમે ધનને સુખ આપનાર માર્ગ બનાવી શકો અને તણાવનું નિમિત્ત નહિ, તો એ જ સાચી સમજ છે. આ પુસ્તક આપણને કરોડપતિ બનવાની રીત શીખવતું નથી, પણ સંતુલિત અને અર્થસભર જીવન કેવી રીતે જીવી શકાય તે શીખવે છે – જ્યાં આપણે આપણા સમય, સંબંધો અને આરોગ્ય પર નિયંત્રણ રાખી શકીએ.

> "ઓછું બોલો, વધુ સાંભળો અને જેટલું જરૂર છે એટલું જ ખર્ચ કરો – એ જ જીવનનું સંતુલિત રોકાણ છે."

કુન્નૂરની શીતલ શાંતિમાં: સાધના યાત્રાનો છઠ્ઠો દિવસ: તારીખ: 22 એપ્રિલ, 2025

કુન્નૂરની શીતલ શાંતિમાં: સાધના યાત્રાનો છઠ્ઠો દિવસ

તારીખ: 22 એપ્રિલ, 2025

આજે સવારે 5 વાગે કોઇમ્બતુર પહોંચ્યો અને ત્યાંથી 8 વાગે કુન્નૂર પહોંચી ગયો. મુંબઈથી સુરેન્દ્રજી દુગ્ગડએ ગાડીની વ્યવસ્થા કરી હતી — એમનો ભાવપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

અહીં મુકેશજી બરડીયાએ ખૂબ ભાવપૂર્વક સ્વાગત કર્યું. દેરાસર અને સ્થાનકની મુલાકાત લીધી. રાજસ્થાનથી અમૃતમુનિજીનો પણ ફોન આવ્યો અને સૌજન્યભાવ વ્યક્ત કર્યો.

ધ્યાન અને મૌનનું સઘન સાધન:
આજે સવારે 10 થી 1 સુધી અને સાંજે 7 થી 9 સુધી, મૌન અને ધ્યાનમાં વિતાવવાનો સુંદર અવસર મળ્યો.
આ સતત અનુભવોને લઈને હવે દિલથી લાગે છે કે મૌન અને ધ્યાન વિના અંદરની દુનિયાને જાણી શકાય એ શક્ય નથી.
આધ્યાત્મિક ગતિ મેળવવા અને આંતરિક અનુભૂતિ સુધી પહોંચવા માટે આ બંને સાધનાઓ અનિવાર્ય છે.

પ્રકૃતિનો અનુભવ:
તિરુવન્નમલાઈમાં જ્યાં તાપમાન 40 ડિગ્રી હતું, ત્યાં કુન્નૂરનું તાપમાન માત્ર 20 ડિગ્રી આસપાસ છે.
પ્રકૃતિનો આ તફાવત અને તેની સાથે માનસિકતામાં આવતો ફેરફાર આશ્ચર્યજનક છે.
ગરમીના દિવસોમાં ધ્યાન માટે કુન્નૂરનું વાતાવરણ અત્યંત અનુકૂળ લાગે છે.

અહીં લાઈફસ્ટાઈલ ખૂબ ધીમી છે. સાંજના 6 વાગ્યા પછી ઠંડીના કારણે ઘણા લોકો ઘરોમાં ટીવી જોવામાં વ્યસ્ત થઈ જાય છે અને થોડી આળસ પણ છવાયેલી રહે છે.

કુદરતના વચ્ચે કુન્નૂર:
કુન્નૂર એક સુંદર નિલગિરી પહાડીઓમાં આવેલું હિલ સ્ટેશન છે. અહીં ચાના બાગો, ઘમતી પહાડીઓ, વહેતાં ધોધો અને ઠંડી હવાની વચ્ચે કુદરતનો સદ્ભાવ ઓરાય છે.
કુન્નૂર કુદરતપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે અને અહીંનો મુખ્ય વ્યવસાય ચા ઉગાડવાનો છે.

અહીંનું ડોલ્ફિન નોઝ પોઈન્ટ (Dolphin’s Nose) એક પ્રસિદ્ધ સ્થળ છે, જ્યાંથી ખીણો અને ધોધોના અદ્ભુત દ્રશ્યો જોવા મળે છે.

સાધનાનું અનુકૂળ ક્ષેત્ર:
ઠંડા વાતાવરણ અને નિરવ શાંતિના કારણે અહીં ધ્યાન કરવું અત્યંત સરળ અને આનંદદાયક છે.
આમ લાગે છે કે ભીતરી દુનિયાની યાત્રા માટે કુન્નૂર એક અમૂલ્ય ભૂમિ છે.

> "અધ્યાત્મના રાહીએ સાધનાને ક્યારેય છોડવી નહીં; આ યાત્રા કદમ કદમ પર પ્રકાશ આપે છે."
~ સમણ શ્રુતપ્રજ્ઞજી
 

"સાધના યાત્રા: નિરવતા વચ્ચે આંતરિક અજવાળું: સાધના યાત્રા: છઠ્ઠો દિવસ: એપ્રિલ ૨૨, ૨૦૨૫

સાધના યાત્રા: છઠ્ઠો દિવસ

એપ્રિલ ૨૨, ૨૦૨૫

આજે સવારે 5 વાગે કોઇમ્બતુર અને ત્યાંથી 8 વાગે કુન્નૂર પહોંચ્યો. મુંબઈથી સુરેન્દ્રજી દુગ્ગડે ગાડીની વ્યવસ્થા કરી હતી.. એમનો ભાવપૂર્વક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

અહીં મુકેશજી બરડીયાએ ભાવપૂર્વક સ્વાગત કર્યું. દેરાસર અને સ્થાનકની મુલાકાત લીધી. રાજસ્થાનથી અમૃતમુનિજીનો પણ ફોન આવી ગયો હતો.

આજે 10 થી 1 ધ્યાન અને મૌનમાં વિતાવ્યો તથા રાત્રે પણ 7 થી 9 ધ્યાનમાં બેસવાનો મોકો મળી ગયો. ધ્યાનની જે સઘન પ્રેક્ટિસ ચાલુ થઈ છે, એને હવે છોડવી નથી. એવું સતત અનુભવાય છે કે મૌન અને ધ્યાન વિના અંદરની દુનિયાને જાણવી અસંભવ છે. આધ્યાત્મિક ગતિ પકડવા માટે અને ભીતરી અનુભૂતિ માટે આ બંને સાધના અનિવાર્ય છે.

તિરુવન્ન્મલાઇમાં તાપમાન 40 ડિગ્રી અને અહીંયા કુન્નૂરમાં તાપમાન 20 ડિગ્રી જેટલું છે. પ્રકૃતિમાં કેટલો.તફાવત અને એની સાથે બદલાતી.માનસિકતા પણ કેવી વિચિત્ર. ગરમીની ઋતુમાં ધ્યાન માટે કુન્નૂર ક્ષેત્ર અતિ અનુકૂળ લાગે છે.

અહીંયા લાઈફ સ્ટાઇલ અતિ ધીમી છે, ઠંડીના હિસાબે સાંજના 6 વાગ્યા પછી ઘણાખરા લોકો ઘરોમાં ટીવી સામે વ્યસ્ત થઈ જાય છે, ઠંડા વાતાવરણના કારણે લોકોમાં આળસનું પ્રમાણ વધારે છે.

પ્રકૃતિ અને પહાડોનો આ પ્રદેશ છે. હરિયાળી ખૂબ ખીલેલી રહે છે. આ એક સુંદર નિલગિરી પહાડીઓમાં સ્થિત હિલ સ્ટેશન છે.

ચાના બાગો, પહાડીઓ, ધોધો અને ઠંડી હવાથી ઘેરાયેલું ભરપુર કુન્નૂર એ કુદરત પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. અહીંનો મુખ્ય વ્યવસાય ચા છે.

અહીંનો ડોલ્ફિન નોઝ પોઈન્ટ (Dolphin’s Nose) એક પ્રસિદ્ધ વ્યૂ પોઈન્ટ છે, જ્યાંથી નીચેની ખીણો અને ધારાવાહિ ધોધોનું દૃશ્ય અદભૂત લાગે છે.

ઠંડા વાતાવરણ અને નિરવ શાંતિના કારણે ધ્યાન કરવા માટે આ ક્ષેત્ર ખૂબ અનુકૂળ છે. ભીતરી દુનિયાની યાત્રા માટે આ અમૂલ્ય ભૂમિ લાગે છે.

“અધ્યાત્મના રાહીએ સાધનાને ક્યારેય છોડવી નહીં; આ યાત્રા કદમ કદમ પર પ્રકાશ આપે છે.”

~ સમણ શ્રુતપ્રજ્ઞજી

સાધના યાત્રા : પાંચમો દિવસ — મૌનમાંથી આત્મસુખ સુધી (તિરુવન્નામલઈ, ૨૧ એપ્રિલ, ૨૦૨૫)

સાધના યાત્રા : પાંચમો દિવસ — મૌનમાંથી આત્મસુખ સુધી (તિરુવન્નામલઈ, ૨૧ એપ્રિલ, ૨૦૨૫)

સાધના યાત્રા: પાંચમો દિવસ

તિરુવન્નામલી, તમિલનાડુ

એપ્રિલ 21, 2025

~ સમણ શ્રુતપ્રજ્ઞજી

આજે રમણ આશ્રમમાં ધ્યાન મૌન સાધનાનો પાંચમો દિવસ પૂરો થઈ રહ્યો છે. ઘણા વખતથી આવવાની ઇચ્છા હતી. જીવનનો એક શુભ મનોરથ પૂરો થયો. સારી અનુભૂતિ થઈ.

સ્વયંની સ્થિરતા, આત્મશાંતિ અને ધૈર્ય માટે મૌન ધ્યાન સાધના અનિવાર્ય જેવી લાગે છે. આમ તો ધ્યાન ઘણા વર્ષોથી કરું છું, પરંતુ મહર્ષિ રમણની ઓરામાં બેસવાનો એક અનુઠો અનેરો પ્રયોગ હતો.

મૌન ખરેખર ધ્યાનમાં જવા માટે ખૂબ મદદરૂપ થાય છે અને એમ પણ અનુભવાયું કે ધ્યાનમાં ઉતરો એટલે આપોઆપ બોલવાની વૃત્તિ વિરામ પામે છે.

અધ્યાત્મની દુનિયામાં ધ્યાનના અનેક પ્રયોગો પ્રચલિત છે. મહર્ષિ રમણનો આ પ્રયોગ: *હું કોણ છું?*- અતિ સરળ છે. એમાં વિશેષ કોઈ અનુશાસનની કે માર્ગદર્શન આપનાર ગાઈડની જરૂર રહેતી નથી. બસ, ધ્યાનમાં બેસો અને અંદરમાં પૂછ્યા કરો: *હું કોણ છું?* વિચારો આવે તો પણ અંદર જુઓ આ વિચાર ક્યાંથી આવે છે અને કોણ કરાવે છે? આમ કરતા કરતા વિચારો સ્વતઃ શાંત પડશે અને એક નિર્વિચાર દશા અનુભવમાં આવશે.

જેમ તમારી ચારેય બાજુ ઘણી પ્રવૃતિઓ ચાલ્યા કરતી હોય છે, એનાથી તમને કોઈ ફરક પડતો નથી, એમ ધ્યાનમાં મનના વિચારો, ભાવોની ઉથલપાથલ ચાલ્યા કરતી હોય છે, એનાથી ધ્યાન ભંગ ન થાય એ સ્થિતિ લાવવાની છે. આવું લક્ષ્ય બનાવીને ધ્યાનમાં બેસશો તો ખરેખર ધ્યાનમાં ઉદભવતા વિચારો તમને હેરાન નહીં કરે, એ એનું કામ કરશે અને તમે ધ્યાનની ગહેરાઇમાં હશો. આ સ્થિતિ આવે એટલે ધ્યાન પકડાયું એમ કહેવાય.

પતંજલિ યોગ સૂત્રમાં લખે છે કે "ચૈતન્યનો આનંદ નિર્વિચાર દશામાં જ અનુભવાય છે. નિર્વિચાર દશા એટલે મનથી પરેની આત્મિક દશા. આવી સ્થિતિમાં સાધક આત્મરતિમાં ડૂબવા લાગે છે. આ એક એવો નિરપેક્ષ આનંદ છે કે અહીંયા ભોગ ભોગવવા માટે કોઈના સાથની જરૂર રહેતી નથી.

આવો સાધક આત્મભોગમાં લીન હોય છે. આવા સાધકને પછી મૈથુન સુખની તુચ્છ આકાંક્ષા ક્યાંથી રહે? સાચું દમન રહિત બ્રહ્મચર્ય અહીં સાધકમાં પ્રગટ થાય છે. નરસિંહ મહેતા કહે છે એમ *"બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.."* આત્મા આત્મસુખનો ભોગ કરે છે.

અહીં ધ્યાનનો એક તબક્કો પૂરો થાય છે. આજે રાત્રે કોયમતૂર પાસે આવેલા કુન્નૂર શહેરમાં જાઉં છું. પાંચ દિવસનું ત્યાં ઠહેરાવ છે.

~ Samanji