સત્યના તાત્વિક અભિગમ અને અનેકાંતની અનુભૂતિ
*સાધના યાત્રા : નવમો દિવસ*
તારીખ : ૨૫ એપ્રિલ ૨૦૨૫
કુન્નૂર
આજની સવારે ધ્યાન તથા વોકિંગનો નિયમિત ક્રમ પૂર્ણ કર્યો. નાસ્તા બાદ જૌહરીજીના નિવાસે જવાનું થયું. ત્યાં એક કલાકનો આત્મીય સત્સંગ થયો. પછી ગોચરી કરી થોડો આરામ લીધો.
ત્યાર બાદ પૂજ્ય ગુરુવર્ય આચાર્ય મહાપ્રજ્ઞજીની પુસ્તક "दर्शन वही जो जिया जा सके" મારા હાથમાં આવી. વાંચવાનું શરૂ કર્યું, તો સમજાયું કે આ તો વિચાર વિમર્શથી ભરેલું, ઊંડાણ ધરાવતો સુંદર ગ્રંથ છે. તેમાં મુખ્યત્વે અનેકાંત દર્શનનું સુંદર વિવેચન કરવામાં આવ્યું છે. તેના તાત્વિક સારને અહીં સરળ ભાષામાં રજૂ કરું છું:
*સત્ય અને સત્યાંશ:*
સત્ય તો શાશ્વત છે. સત્યનું દર્શન કરનારા વ્યક્તિ તેનું સર્જન નથી કરતો, માત્ર તેનું વિવાદ મુક્ત વિવેચન કરે છે. ભગવાન મહાવીર પોતે પણ સત્યના રચયિતા નહોતા પરંતુ દર્શક હતા. લાંબી તપસ્યા દ્વારા તેમણે સત્યનું અનુભવ મૂલક જ્ઞાન મેળવ્યું અને ભાષાની મર્યાદામાં રહી તેને વ્યાખ્યાયિત કર્યું.
ભાષાની મર્યાદાના કારણે સત્યની સંપૂર્ણ અભિવ્યક્તિ થઈ શકતી નથી, માત્ર તેના સત્યાંશને રજૂ કરી શકાય છે. આત્માનું જ્ઞાન પોતાનાં માટે હોય છે, જ્યારે તેની અભિવ્યક્તિ અન્ય માટે હોય છે.
*અનેકાંતની શોધ:*
સત્ય તો એક જ હોય, છતાં મારા માટે અલગ અને બીજા માટે અલગ કેમ હોય છે? આ પ્રકારનું વિરોધાભાસી રૂપ માનવીને અસત્ય તરફ દોરે છે.
મહાવીરે આ મુદ્દે ગંભીર ચિંતન કર્યું. તેઓએ જોયું કે સત્ય તરફ જતાં પગલાં લથડી રહ્યાં છે. કારણ કે લોકો સત્યના અંશ ને જ આખું સત્ય માની લે છે. આ સમસ્યાના નિરાકરણરૂપે મહાવીરે અનેકાંત દર્શન રજૂ કર્યું.
*ભાષાની મર્યાદા:*
મહાવીરે સ્પષ્ટ કર્યું કે સંપૂર્ણ સત્યને એક સાથે જાણી શકાય છે પણ તેની વ્યાખ્યા કરવામાં ભાષાની મર્યાદા આવી જાય છે. એટલે સત્યના અંશની અભિવ્યક્તિ થઈ શકે છે, સંપૂર્ણ સત્યની નહીં.
*અનાગ્રહની સાધના:*
અનેકાંતે સાધક માટે એક માર્ગ દર્શાવ્યો – એ છે ઋજુતા અથવા અનાગ્રહ. એટલે કે તટસ્થ રહેવાનો અભ્યાસ.
સત્ય નિષ્ઠ સાધક કદી એક તરફ ઢળી નહીં જાય. જો મહાવીરનો શિષ્ય ઋજુ છે તો તે ન મહાવીર તરફ ઝુકે છે અને ન બીજા તરફ દ્વેષ પોષે છે.
તે મહાવીરના સત્યાંશને તેમના સમય, સંજોગો અને સંદર્ભમાં સમજે છે – અને એ જ દ્રષ્ટિથી બુદ્ધ કે લાઓત્સેના દ્રષ્ટિકોણને પણ એમના સંદર્ભે સમજે છે.
સત્યની શોધમાં સૌથી વધુ ઘર્ષણ એકાંતવાદી લોકોને કારણે ઊભું થયું છે – જે પોતાનો જ મત સાચો માને છે અને બીજાના મતને નકારી દે છે.
*ભેદથી ભરેલું જગત:*
આ દુનિયા ભેદથી ભરેલી છે. માનવીમાં અસંખ્ય પ્રકારના ભેદ છે: જેમ કે માન્યતાનો ભેદ, વિચારનો ભેદ, પસંદગીઓનો ભેદ, સ્વભાવનો ભેદ અને સંવેગનો ભેદ. સમજીએ આ બધાને:
ભિન્ન માન્યતાઓથી, ભિન્ન રુચિઓથી, ભિન્ન વિચાર અને સ્વભાવ એ સામાન્ય બાબત છે, એ હોવા જ જોઈએ પણ માણસમાં ખાલી વિચારભેદ કે સ્વભાવ ભેદ નથી, સાથોસાથ દરેક માણસમાં સંવેગો પણ છે. નકારાત્મક સંવેગો(ક્રોધ, અભિમાન, દ્વેષ વગેરે) અને આગ્રહો વિવાદ જન્માવે છે. સાંપ્રદાયિક તણાવ ઊભા કરે છે, પરસ્પરમાં દ્વેષ અને નફરત પેદા થાય છે.
*સંવેગ ભેદ:*
સંવેગ પણ ત્રણ પ્રકારના હોય:
મૃદુ: જે શાંતિમય સહઅસ્તિત્વમાં રહે છે.
મધ્યમ: જે વિવાદ ઊભા કરે છે.
તીવ્ર: જે હિંસા અને યુદ્ધ તરફ દોરી જાય છે.
*અનેકાંતના 5 આધાર સૂત્રો:*
૧. *સપ્રતિપક્ષ:*
જેનું પ્રતિપક્ષ હોય છે, તેનું જ અસ્તિત્વ ટકે છે. સુખ દુઃખ, સ્ત્રી પુરુષ, અંધકાર પ્રકાશ - આ બધા પ્રતિપક્ષો આપણા અસ્તિત્વનું પૂરક તત્વ છે. એટલે વિરોધી એ ખરેખર વિરોધી નથી, સહયોગી છે. એટલે વિરોધીઓ પ્રત્યે પણ મૈત્રી કેળવો, એમના પ્રત્યે દુશ્મની ઊભી ન કરો.
૨. *સહઅસ્તિત્વ:*
દરેક વસ્તુમાં અનેક વિરોધી યુગલ હોય છે. એ બધા એક સાથે રહે છે. પોતપોતાની મર્યાદામાં રહે તો જ અસ્તિત્વ જાળવી શકશે. વિરોધ માણસની માત્ર કલ્પના છે. સહ અસ્તિત્વમાં એ જ બાધક રૂપ છે.
૩. *સ્વતંત્રતા:*
દરેક જીવ પોતપોતાની સ્વતંત્રતા ધરાવે છે. એક વ્યક્તિ બીજાની સ્વતંત્રતા માટે બાધક ન બને. માત્ર પોતાના વિચારોને સાચા ન માને, બીજાના વિચારોને પણ સાંભળે અને તેનું સન્માન કરે.
૪. *સાપેક્ષતા:*
આપણું અસ્તિત્વ ભલે નિરપેક્ષ અને સ્વતંત્ર હોય, પણ આપણું વ્યક્તિત્વ સાપેક્ષ છે. પરસ્પર એક બીજાનો આધાર અને સહયોગ એ વિકાસનું મૂળ છે.
૫. *સમન્વય:*
કોઈપણ વિચાર સંપૂર્ણ સત્ય નથી. એ માત્ર સત્યાંશ છે. પોતાનો આગ્રહ છોડીને બીજામાં પણ સત્ય શોધો – તેને ગ્રહણ કરો, એ મનુષ્ય જીવનનો સાર છે.
*અનેકાંતના બાધક તત્વો:**
પહેલું છે અહંકાર: “હું સાચો છું”, “મારો ધર્મ જ સાચો છે” બીજું છે: એકાંગી દ્રષ્ટિ, આમ જ થવું જોઈએ, હું વિચારું એમ જ થવું જોઈએ અને ત્રીજું છે ઉદંડતા. પોતાના આગ્રહ અને અહંના લીધે વિખવાદ ઊભા કરવા.
*એક સુંદર પંક્તિ:*
"હું કહું એ જ છે સાચું,
તું જે કહે એ ખોટું.
આ હું - તું વચ્ચેના ઝઘડાનો,
શાંતિપાઠ એ જ અનેકાંત છે."