Blog

This is given in English and Gujarati. The blog contains Saman Shri Shrutpragyaji’s special short messages as well as summaries of his lectures and reflections. Reading it brings inspiration, personal confidence, and spiritual upliftment.

અનુચિન્તન- 12: એકાંતમાં ખીલે છે જાત અને જગત સાથેના સંબંધો: સમણ શ્રુતપ્રજ્ઞજી 
એકલા રહેવું એ એક કળા છે. આ કળા બહુ ઓછા લોકોને હાથ લાગે છે. બાકી તો આપણે બધા ભીડમાં જીવનાર અને ભીડ પ્રમાણે વર્તનાર પ્રજા છીએ. જે વ્યક્તિ દિવસભરમાં 10-15 મિનિટ પણ એકલા એકાંતમાં શાંતચિત્તે બેસી શકે તો એનામાં ગજબનું પરિવર્તન આવવા લાગે છે. આવી ક્ષણોમાં વ્યક્તિ પોતે કોણ છે, એ શું કરે છે, જે કરે છે તે યોગ્ય છે કે અયોગ્ય, જીવનમાં ખરેખર શું કરવું જોઈએ? આ બધા પ્રશ્નોના જવાબ  કોઈને પૂછ્યા વગર તેની અંતઃપ્રજ્ઞમાંથી જ પ્રગટે છે. 

એકલા રહેવાની ક્ષમતા એ તમારા વિશે અને તમે કોણ છો એ બાબતે પૂરેપૂરું જાણવાની ક્ષમતા છે અને તમે જે છો અને જેવા છો એ જાણીને તમને આત્મસંતોષ થશે. આવું કરશો તો તમે અન્ય વ્યક્તિને પણ એ જેવી છે તેવી જ જાણી શકશો અને સ્વીકારી શકશો. અન્ય વ્યક્તિ તમારા જેવી જ હોવી જોઈએ એવો આગ્રહ તમે નહિ રાખો અને એવો  પ્રયાસ પણ તમે નહિ કરો. કેમકે આમ કરીને તમે તમારા સ્વભાવની નાજુક સમજને સમાપ્ત કરો છો અને એ વ્યક્તિની અનન્યતાનું અપમાન કરો છો. 

એટલે જયારે વ્યક્તિમાં  પોતે જેવી છે તેવી સ્વીકારવાની ક્ષમતા જાગે છે ત્યારે એ બધાને પણ એ જેવી છે એવી સ્વીકારી શકે છે. આમ કરીને એ પોતાની જાત સાથેના સંબંધની જેમ એ અન્ય સાથે પણ વાસ્તવિક સંબંધ રાખી શકશે. અહીં દરેક વ્યક્તિ અનન્ય અને બેજોડ છે. જે પોતાને અને અન્યને એ જેવા છે એવા ઓળખી શકતા નથી અને સ્વીકારી શકતા નથી એ જીવનમાં એકલા પડી જાય છે, કેમકે આવા લોકો સંબંધો બાંધી શકતા નથી અને બાંધે તો સાચવી શકતા નથી. આવા લોકો બીજાને માત્ર સ્પેરપાર્ટની જેમ વાપરે છે. પરિણામ સ્વરૂપ આવા લોકો અંતે એકલાપણાનો શિકાર બને છે. જે એકાંતમાં રહી શકે છે એ જ સંબન્ધોને સારી રીતે સાચવી શકે છે.

  • સમણ શ્રુતપ્રજ્ઞજી 
 પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 
અનુચિન્તન: 11: પોતાની જાત સાથે રહેવામાં કેમ કંટાળો આવે છે? સમણ શ્રુતપ્રજ્ઞજી 

કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં માણસ લોકડાઉનના કારણે ઘરમાં બંધ છે. તમે આખો દિવસ શું કરો છો? જરા હિસાબ માંડજો. કેટલાય એવા માણસો હશે જે આખા દિવસમાં વિશેષ કાંઇ જ નહિ કરતા હોય, આવા લોકો પોતાના દિવસોને ચિલા ચાલુ કામકાજોથી પૂરો કરી દે છે. પાશ્ચાત્ય દાર્શનિક પાસ્કરનું વચન છે - આધુનિક માણસની મોટામાં મોટી મુશ્કેલી અને મોટામાં મોટું દુઃખ એ છે કે એ પોતાના રૂમના ખૂણામાં 10 મિનિટ પણ ચૂપચાપ પલાંઠી મારીને બેસી શકતો નથી.' કામનું તો જાણે એક વ્યસન થઇ ગયું છે. એક દ્રષ્ટિએ આ દારૂ કરતા પણ આ મોટું વ્યસન છે. દારૂ તો કદાચ શરીરને બરબાદ કરે છે, વ્યસ્ત રહેવાનું અને કામ કરવાનું વ્યસન તો મનને કમજોર અને આત્માને મૂર્છિત કરે છે.

 માણસનો સામાન્ય રીતે એવો સ્વભાવ પડી ગયો હોય છે કે એ પોતાની જાતથી બચવા હંમેશા વ્યસ્ત રહે છે અને સતત ભીડમાં રહેવાનો પ્રયત્ન કરે છે. માણસ પોતાની જાતને હંમેશા નકારે છે, તમે તમારી જાત સાથે બેસવામાં કંટાળો છો તો વિચારો કે તમારી સાથે બેસનાર કેટલો કંટાળતો હશે ! પોતાની તો જાણે કોઈ કિંમત જ નથી. આ કારણે પોતાના માટે વિચારવાનો અને પોતાની જાતને સંવારવાનો સમય જ નથી રહેતો. જો કે સમય તો ખૂબ છે, સમય નથી એ બહાનું તો હવે નકામું થઇ ગયું છે. મોસ્ટલી ઘણાં ખરા લોકો સાવ જ નક્કામા કામોમાં પોતાની મૂલ્યવાન ઉર્જાને  વેડફી નાખે છે.

પોતાની જાત સાથે માણસ બેસી શકતો નથી, કેમકે પોતાની ભીતર બેઠેલા શૈતાનની મુલાકાત કરવી બહુ મોટી સાધના અને સાહસ માંગે છે. આપણે પોતાનાથી એટલા ગભરાયેલા છીએ કે પચાસ ન કરવાના કામ કરીશું પણ પોતાની જાત સાથે બેસી આનંદની અનુભૂતિ નહિ કરીએ. કોઈએ સરસ કહ્યું છે - ' મૂર્ખ માટે એકાંત દુઃખ છે, જ્ઞાની માટે એકાંત સુખ છે.' પોતાની જાતથી ભાગીને ક્યાં જશો? અને ક્યાં સુધી ભાગશો? ક્યારેક તો પોતાની જાત સાથે રહેવાનું એપોઈન્ટમેન્ટ તો લેવું જ પડશે. અત્યારે અવસર છે આનો અભ્યાસ કરવા માટે.

 

  • સમણ શ્રુતપ્રજ્ઞજી 
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 

 

અનુચિન્તન- 10 : આપણે કશું જાણતા નથી આ ભાવ આપણને નમ્ર બનાવે છે: સમણ શ્રુતપ્રજ્ઞજી 

આપણે કશું જાણતા નથી ભાવ આપણને નમ્ર બનાવે છે

નથી લાગતું કે હવે લગાતાર જાણકારીઓના ભારથી, સ્ટેટેસ્ટિકના આંકડાઓથી, જુદા જુદા મતોથી અને ભવિષ્યવાણીઓથી આપણું મગજ થાકી ગયું હોય? આપણે ધીર ધીરે એ વિનમ્ર નિર્ણય પર પહોંચ્યા છીએ કે 'આપણે કશું જ જાણતા નથી.' અજ્ઞાતના મહાસાગરમાં આપણું જ્ઞાન એક બુંદ માત્ર જ છે. કોરોનાની આ ઘટના પછી, આપણામાં હવે ધીરે ધીરે જ્ઞાન પ્રત્યેની નમ્રતા આવી છે અને એ સમજ વિકસિત થઇ છે કે જીવનની વાસ્તવિકતા શું છે અને ક્યારે શું બનશે એ વિષે આપણામાંથી કોઈ કશું જ જાણતા નથી. જ્ઞાનની ઉચ્ચ દશાએ પહોંચ્યા પછી પણ આજના મનુષ્યની વાસ્તવિકતા તો આ જ છે.  

ઊંડાણમાં જઈને વિચારીએ તો આ બાબત માનવીય મૂળભૂત સંસ્કારોને આંદોલિત કરે છે. આપણે હજુ કશું જાણતા નથી - આ સત્ય આપણામાં વ્યક્તિગત અને સામૂહિક રૂપે નમ્રતાનો ભાવ જાગૃત કરે છે. પોતાની જાતને આગળ રાખીને કે હું બધા પર વિજય મેળવી શકું છું અને બધું જાણી શકું છું - આ અહંકાર કોરોનાની આ વાસ્તવિકતા પછી છોડવા જેવો છે. દુનિયાની બધી સમસ્યાઓ અને તેના સમાધાનો પર વિચાર કરવાના બદલે, આપણે આપણી જાતને કુદરતના ચરણોમાં સમર્પિત કરતા શીખી જઇએ એ વધુ સારું અને ઉત્તમ છે. આવું કરીને અજ્ઞાતમાં ઉભા રહેતા શીખી જઈશું તો એ એક એવી ભૂમિકા તૈયાર થશે જેનાથી આપણી ભીતર તાજું, પ્રમાણિત, સત્ય સાથે જોડાયેલું સમ્યક જ્ઞાન પ્રગટ થશે. 

આ પ્રકારનું જ્ઞાન ભીતરી પ્રજ્ઞાથી જાગે છે અને જેનો આધાર એકાગ્ર અને ભય મુક્ત મન છે. આ જ્ઞાન એ બંને ગ્રુપ માટે કામનું છે, એક જે કોરોના બાબતે પોતાનો મજબૂત મત ધરાવે છે અને માને છે કે અમને બધી ખબર છે, અમે કુદરતના ક્રૂર કૃત્ય પર વિજય મેળવી શકીએ છીએ અને બીજું જે જ્ઞાન બાબતે કોઈ સ્પષ્ટ મત કે આગ્રહ ધરાવતા નથી. ચાલો જ્ઞાનની બાબતમાં નમ્ર બનીએ અને અજ્ઞાતને સમજવા માટે હૃદયને કુદરતના ખોળામાં મૂકી દઈએ અને સાથોસાથ ભીતરી પ્રજ્ઞાને જાગૃત કરવાની પ્રાયોગિક સાધના વધારીએ. લાગે છે એમાં જ વ્યક્તિનું પોતાનું અને સમગ્ર માનવતાનું હિત છુપાયેલું છે. 

  • સમણ શ્રુતપ્રજ્ઞજી 

  પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 

 

અનુચિન્તન- 9; કોરોનાના નિમિત્તે વાદ - વિવાદમાં ન પડો :સમણ શ્રુતપ્રજ્ઞજી 
કોઈ પણ ઘટનાની બે બાજુ હોય છે. શું જોવું અને જે જુઓ છો એનું અર્થઘટન કેમ કરવું એ દરેકના પોતાના હાથમાં છે અને એ અર્થઘટનની જવાબદારી પણ તેની પોતાની છે. આપણે ઘણીવાર એ પણ સાંભળીએ છીએ કે આવી મહામારીની વિકટ સ્થિતિમાં લોકોનો અહં પણ ઘવાય છે, લોકો ક્રોધમાં પણ આવે છે, હિંસા પણ કરે છે. ઘણા લોકોને અને ખાસ કરીને તબીબી ક્ષેત્રને અને વૈજ્ઞાનિક લોકોને એવું લાગે છે કે એક નાનકડા અને નરી આંખે ન દેખાતા અચેતન વાયરસ સામે અમે હારી ગયા,  તો પછી અમે આખી જિંદગી કર્યું શું? એક જાતના ચશ્માં ચઢાવીને જુઓ તો આ સાચું લાગે છે. જે પણ હોય પણ આપણી પાસે પસંદગી કરવાની શક્તિ છે. 

કોરોનાની આ મહામારીમાં ઘણી બધી એવી ઘટનાઓ આપણી સામે આવી છે, જેની સામાન્ય માણસ કલ્પના પણ નથી કરી શકતો. વધુ વાત પછી કરીશું પણ જે રીતે સેવા અને સહયોગની સરવાણી વહી છે એના પરથી કહી શકાય કે  હા, સંકટના સમયે પૂરી દુનિયામાં લોકો વધુ પ્રેમાળ, સંવેદનશીલ અને કરુણામય બન્યા છે. સાવ સામાન્ય રીતે ઓછા સંસાધનોમાં જીવતા લોકો પણ નાનું મોટું કામ કરીને નિઃસ્વાર્થ ભાવે લોકોની મદદે દોડી જાય છે અને સાચા ભાવથી સેવા કરે છે. ખાસ કરીને ભારતીય લોકોના ડીએનએ માં સનાતન સમયથી સંવેદનાના આ સંસ્કારો સુરક્ષિત ભરેલા હતા જે આવી વિકટ સ્થિતિમાં બહાર આવ્યા છે. તેનું જ આ પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ. 

મધર ટેરેસાનું એક નાનકડું અને કિંમતી વાક્ય યાદ રાખવા જેવું ખરું કે 'આપણે બધાય લોકો કદાચ શ્રેષ્ઠ ન બની શકીએ પરંતુ નાનું એવું સારું કામ પણ શ્રેષ્ઠ રીતે કરી જ શકીએ છીએ. આજથી એક સંકલ્પ કરી શકીએ કે 'હું મારી બહુમૂલ્ય ઉર્જાને ક્યારેય વિધ્વંસમાં કે વિરોધમાં, નકારાત્મક્તા કે નિરાશામાં નહિ લગાઉં. માનનીય મોદીસાહેબનો એટીટ્યૂડ જુઓ - ક્યાંય ક્યારેય વાદ - વિવાદમાં ઉલઝશે જ નહિ. ઘણાં લોકો આવા સમયે પણ કોરોનાના નિમિત્તે બાઝતા હોય છે. ઘણીવાર કોરોના કરતા લોકોનો વિરોધ અને ઉપેક્ષાનો ભોગ બનવું વધુ ખતરનાક સાબિત થાય છે. ચાલો એક સંકલ્પ કરીએ કે 'હું હંમેશા ઉર્જાને સાચી,સકારાત્મક અને સર્જનની દિશામાં લગાવીશ, ક્યારેય વાદ –વિવાદમાં ઉર્જાને બરબાદ નહિ કરું.'  
  • સમણ શ્રુતપ્રજ્ઞજી 
 પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 
અનુચિન્તન-8: ભયથી વધુ ખતરનાક દુનિયામાં કોઈ વાયરસ નથી
વાયરસથી બચવું હજુ સરળ છે પરંતુ વાયરસના ભયથી બચવું બહુ જ અઘરું છે. ઓશો આ બાબતે સ્પષ્ટ કહે છે - "વાયરસથી જેટલા મરશે એના કરતાં એના ભયથી વધુ લોકો મરશે, કેમકે ભયથી વધુ ખતરનાક દુનિયામાં કોઈ વાયરસ નથી. આ ભયને સમજો, નહિતર મૃત્યુની પહેલા જ આપણે લોકો જીવતી લાશ બની જઈશું."  અત્યારે જે ભયાનક માહોલ આપણે જોઈ રહ્યા છીએ તેનો વાયરસ સાથે કોઈ સીધો સંબંધ નથી. આ એક સામૂહિક ગાંડપણ છે.  જે દરેક થોડા થોડા વર્ષે ઉભું થાય છે. આ ગાંડપણ  માણસને માનસિક રોગી બનાવે છે અથવા એ આપઘાત કરવા પ્રેરે છે.

વાયરસ જેવી ઘટનાઓ હજારો વર્ષોથી થતી જ આવી  છે, આગળ પણ થયા કરશે. હવે યુદ્ધની પરિભાષા બદલાઈ ગઈ છે. હવેના યુદ્ધો જૈવિક યુદ્ધો હશે. છતાં એક વાત સ્પષ્ટ સમજી રાખો કે દરેક મુશ્કેલી મૂર્ખ માટે ભય છે અને જ્ઞાની માટે એક સુંદર તક છે.  આ સ્થિતિ સંકટ જેવી લાગતી હોય અને તમે ઘરમાં બંધ હોવ તો કંઈક નવું સર્જન કરો. છેલ્લા એક મહિનામાં જે હું કરી શક્યો છું, એ એક વર્ષમાં પણ નથી કરી શક્યો. કોરોનાને ભૂલો, કંઈક નવું સર્જન કરીને બતાઓ.

ભય અને ભીડનું એક મનોવિજ્ઞાન છે. જે બધા સમજી નથી શકતા. આ એક સામૂહિક ગાંડપણ છે, જે સોશિયલ મીડિયા દ્વારા ભીડને વેંચવામાં આવે છે. એના લીધે તમારી વ્યક્તિગત સ્વતંત્રતા લૂંટાઈ શકે છે. એવી કોઈ પણ વસ્તુ ન જુઓ, ન વાંચો જે તમારામાં ભય ઉભો કરે.  કોરોનાની મહામારીથી સજાગ પૂરા રહો, ડરો જરા પણ નહિ. કોરોનાની વારંવાર વાતો કરવાનું બંધ કરો. કેમકે આ વાતો તમારા શરીરમાં રાસાયણિક બદલાવ લાવે છે. આ રાસાયણિક બદલાવ એટલું ઝેરીલુ હોય છે કે તમારી જાન પણ જઈ શકે છે. મહામારી સિવાય પણ ઘણું દુનિયામાં ઘટી રહ્યું છે - એ તરફ ધ્યાન આપો ને !

ધ્યાન-પ્રાણાયામની સાધનાથી સાધકની ચારેય બાજુ એક પ્રોટેક્ટિવ ઓરા નિર્મિત થાય છે. જેના કારણે બહારની કોઈ પણ નેગેટિવ ઉર્જા ભીતર પ્રવેશ કરી શક્તિ નથી. હાલમાં પૂરી દુનિયાની ઉર્જા નેગેટિવ બની ચૂકી છે. આવામાં કોઈ પણ ગમે ત્યારે આ 'બ્લેક હોલમાં' ગબડી શકે છે. ધ્યાન અને પ્રાણાયામની શક્તિ તમને આમાંથી બચાવી શકે છે.

  • સમણ શ્રુતપ્રજ્ઞજી 
   પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 
અનુચિન્તન: 7:  મા ધરતીને અને પ્રકૃતિને સંતુલિત કરવા માટે લોકડાઉન અનિવાર્ય હતું    
માનવતાના ફેફસાંને આઘાત લાગ્યો છે, એના મનમાં ભયના વાદળાં ઘેરાયા છે, હવે પછી શું થશે એની કાલ્પનિક ચિંતા સતત કોરી ખાય છે, પણ બીજી બાજુની સચ્ચાઈ એ છે કે પૃથ્વી શ્વાસ લઇ રહી છે, પ્રાણી સૃષ્ટિ નિર્ભય બની છે, પ્રકૃતિ ફરી પોતાની જાતને સંતુલિત કરી રહી છે અને એના થકી આપણે પણ સંતુલિત થઇ રહ્યા છીએ. આપણે સાંભળ્યું હશે અને અનુભવ્યું હશે કે આકાશ હવે વધુ ચોખ્ખું દેખાય છે, હવા શુદ્ધ અનુભવાય છે, ગંગાનું પાણી એક પૈસાના બજેટ વગર ચોખ્ખું ચટ્ટ થઇ ગયું છે અને ડોલ્ફિન પણ હવે પોતાની કેનાલમાંથી બહાર આવી રહી છે. 

દુનિયાની નામી યુનિવર્સીટી - સ્ટાર્નફર્ડ યુનિવર્સીટીનું અનુસંધાન કહે છે કે 'આ કોરોનાના કારણે માત્ર એકલા ચીનમાં 77,000 લોકોની જિંદગી એક યા બીજી રીતે બચી ગઈ છે. હવાના પ્રદૂષણ અને વાહનોના ધુંવાડાના કારણે જે 77,000 લોકોની જાનને ખતરો હતો, એ આ ખતરામાંથી બહાર આવ્યા છે અને શુદ્ધ હવા લેવા સક્ષમ બન્યા છે. એથી પણ મજાનું અનુસંધાન એ કહે છે કે બે મહિનાના પ્રદુષણ નિયંત્રણના પરિણામે 5 વર્ષથી નીચેના લગભગ 4,000 બાળકો અને 70 વર્ષથી ઉપરના લગભગ 73,000 લોકોની જિંદગી બચી ગઈ છે. આવી રીતે દુનિયાના ખૂણે ખૂણે પર્યાવરણ અને પ્રાણીજગતની સ્વસ્થતા અને સુરક્ષાના શુભ સમાચારો સામે આવી રહ્યા છે.  

આપણી આંધળી આર્થિક દોડ અને અટક્યા વગરની અસીમ પ્રવૃત્તિઓને બ્રેક લાગે તો જ પૃથ્વી આરામ કરી શકે તેમ હતી એટલે કોઈ પણ નિમિત્તે તેને પોતાની પ્રતિભાથી આવું કર્યું છે. સામાન્ય જીવન જીવવામાં આજે પણ કોઈને તકલીફ આવે એવું લાગતું નથી. ખાવા પીવાનું અને જીવનની અનિવાર્ય જરૂરિયાત કુદરત બધાને પૂરી પાડે જ છે. હા, મોજશોખ અને એશોઆરામની જિંદગી જીવનારાઓને તકલીફ જરૂર પડશે. આ ઘટનાથી એ કેમ ન શીખી શકાય કે બહુજ ઓછી જરૂરિયાતથી જીવન વધુ સારી રીતે જીવી શકાય છે.
  • સમણ શ્રુતપ્રજ્ઞજી 
  પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 

 

અનુચિન્તન- 6 : સમય અને ઉર્જાને જીવનના અનિવાર્ય કામોમાં લગાઓ  -  સમણ શ્રુતપ્રજ્ઞજી 

આજની સ્થિતિમાં જયારે લોકોની બહારની આવન-જાવન પર બ્રેક લાગી છે ત્યારે આ નવરાશની ક્ષણમાં આપણને એક તક મળી છે એ વિચારવાની કે આપણે જીવનમાં જે કંઈ કરીએ છીએ, એમાંનું કેટલું જરૂરી અને કેટલું બિનજરૂરી છે.

* આપણી મુસાફરી કરવાની ટેવ કેટલી જરૂરી છે અને કેટલી બિન જરૂરી? શું હું મારી મુસાફરીને ઓછી ન કરી શકું? અત્યંત અનિવાર્યતા સિવાયની મુસાફરી બંધ ન કરી શકાય?

 * આપણા મોજશોખ અને મનોરંજનના સાધનોમાં શું નિયંત્રણ ન કરી શકાય? મનને ખુશ રાખવા આપણે જે કંઈ સાધનો વસાવીએ છીએ અને મોજશોખ માટે જે કંઈ કરીએ છીએ શું એમાં સંયમ ન કરી શકાય? કુદરત           આપણને સંયમ રાખવા મજબૂર કરે, એના કરતાં હું મારી સ્વ ઇચ્છાએ સંયમ ન કરી શકું? 

* મનને ખુશ રાખવા સાધનો જોઈએ કે સાધના? મોજશોખ જોઈએ કે પરોપકારના કાર્યો? 

  * આપણે જે કંઈ સંગ્રહ અને પરિગ્રહ ભેગો કર્યો છે અને સતત કરતા રહીએ છીએ, શું એ બધું  જીવવા માટે ખરેખર જરૂરી છે? કેટલી ઓછી વસ્તુથી જીવનનું નિર્વહન કરી શકાય છે એના પર સલક્ષ્ય વિચારી સંગ્રહની એક સીમા નક્કી ન કરી શકાય? ઘરમાં કેટલી ચીજો એવી છે જે જરાય જરૂરી નથી, જે આપણે ક્યારેય વાપરતા નથી, શું એ બધું ત્યાગીને કે બીજાને આપીને હળવા ન થઇ શકાય?

* સમય હાથથી છીનવાઈ જાય એના પહેલા દરેક ક્ષણને સાર્થક કરવાનું શિસ્ત ઉભું ન કરી શકાય? આટલા સમયમાં એક શ્રેષ્ઠ પુસ્તક વાંચી જ્ઞાનમાં અને સમજણમાં વધારો ન શકાય? ડાયરીમાં સુંદર વિચારો લખી જાતને અભિવ્યક્ત કરી ન શકાય? ઘરનું કામ જાતે કરીને પોતાનામાં એક શિસ્ત અને સ્વાવલંબનની ટેવ પાડી ન શકાય? 20-30 મિનિટ શાંત બેસી ધ્યાન કે પ્રાણાયામ કરી તન-મનને તાજું અને સ્વસ્થ ન કરી શકાય? પોતાના દિવ્યો વિચારો અને સંકલ્પોનું સંકલન કરી ભીતરની સંતુષ્ટિ મેળવી ન શકાય?

    સમણ શ્રુતપ્રજ્ઞજી 

અનુચિન્તન: 5: બહાર ન જઈ શકો તો અંદર જાઓ : સમણ શ્રુતપ્રજ્ઞજી 
જ્યારે તમે બહાર ન જઇ શકો ત્યારે અંદર જાઓ. કોરોનાનો સંકટ આવતાની સાથે જ આપણામાંના ઘણા અનૈચ્છિક રીતે પણ એકાંતમાં સરકી પડ્યા છે. ધ્યાન, ધર્મ અને સર્જનાત્મક કાર્યો થકી પોતાની અંદર ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. લોકો પાસે હવે એક નવું પોકેટ ઈજાદ થયું છે, જેમાં એની પાસે ખૂબ સમય છે. અગાઉ આ પોકેટ વ્યસ્તતા અને વ્યવસાયથી ભરેલુ હતું.  સમયની મારામારી હતી, જીવનમાં ભાગાદોડ હતી. આજે નેટફ્લિક્સ અને મીડિયા સક્રિય હોવા છતાં, કોઈ વિક્ષેપો અને બહાનાઓ નથી. હવે પોતાનાથી ભાગવું મુશ્કેલ છે. કુદરતે આપણને બરાબર રીતે અટકાવી દીધા છે, અને પોતાની જાત સાથે જીવવા બાધ્ય કરી દીધા છે.

ચાલો પ્રયત્ન કરીએ આપણા જીવનને નવેસરથી જોવાનો, પોતાને ફરીથી સેટ કરવાનો . આપણે આજ સુધી બીજાને બદલવાની કોશિશ કરતા હતા હવે એમાંથી બહાર આવીને  આ તકનો ઉપયોગ પોતાને બદલવામાં કરીએ તો કેટલું સારું ! આજ સુધી આપણે બહારથી બીજા લોકોને જોઈને એ પ્રમાણે જીવતા હતા, ચાલો હવે અંદરમાં જઈ, પોતાનું સત્ય શોધી એ પ્રમાણે અંદર અને બહાર પોતાની નિજતા પ્રમાણે, પોતાની રીતે જીવવાનો સંકલ્પ કરીએ. આ આપણે કરવું જ પડશે, એક મિત્રે સુંદર કહ્યું છે - “મને લાગે છે કે અત્યારે હવે કોઈ જ બહાનું નથી, અને કોઈ પ્રતિબદ્ધતાઓ નથી. હું જાણું છું કે મારે મારી જીવનયાત્રાને ફરીથી ચકાસી યોગ્ય રીતે જીવવાનો પ્રયત્ન કરવો જ રહ્યો.” 

અજ્ઞાની વ્યક્તિ આજે પણ ગપ્પા મારવામાં અને આખો દિવસ સમાચારો અને મીડિયામાં મગજને પરોવીને કિંમતી ક્ષણોને બરબાદ કરી રહી છે જયારે સમજુ વ્યક્તિ માટે આ સમય અતિ મૂલ્યવાન છે. એ સમયનો વધુમાં વધુ ઉપયોગ પોતાની જાતને સમજવામાં, સુધારવામાં,પોતાની ક્ષમતાઓને જગાડવામાં, કંઈક નવું કરી પોતાનામાં આત્મ સંતોષ અનુભવવામાં કરી રહ્યા છે. દુનિયા પોતાની રીતે ચાલતી રહે છે, આપણે પોતાની જાતને એનાથી અપ્રભાવિત રાખીને સારામાં સારું શું કરી શકીએ એ દિશામાં સક્રિય પ્રયત્નો કરવા જોઈએ.
  • સમણ શ્રુતપ્રજ્ઞજી 
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 
અનુચિન્તન: 4 - કોરોનાને સંકટ તરીકે નહિ, ભેંટ તરીકે જૂઓ: - સમણ શ્રુતપ્રજ્ઞજી  
વર્તમાન કોરોનાના કારણે લોક ડાઉનની સ્થિતિથી લગભગ આખી દુનિયા ગુજરી રહી છે. ભારતમાં લોકો છ અઠવાડિયાથી લોકડાઉનમાં છે. આવી વિકટ સ્થિતિના કારણે અત્યારે ઘણા લોકો ચિંતા, તનાવ અને એકલાપણાનો અનુભવ કરી રહ્યા છે. આ આપણો પરિસ્થિતિ પ્રત્યે નેગેટિવ પ્રતિભાવ છે અને સામાન્ય લોકોનો પ્રત્યાઘાત આવો જ હોય છે. બીજા સકારાત્મક પાસાથી વિચારીએ તો કદાચ આ એક કુદરતે આપેલી સુંદર ભેંટ પણ હોય શકે છે. આ ભેંટની કદાચ આપણને અને આપણા જેવા અસંખ્ય માણસોને જરૂરી હોય. જરા વિચારીએ - ચિંતન કરીએ કે આ ભેંટ કઈ હોઈ શકે? પહેલી ભેટ ઊંડાણપૂર્વક કોઈને સાંભળવાની અને સમજવાની હોઈ શકે. પ્રાકૃતિક વાતાવરણને સાંભળો - માણો અને વર્તમાન પરિસ્થિતિને સાચા અર્થમાં સમજો. આ પરિસ્થિતિ આપણને શું કહેવા માંગે છે? વિચારીએ. બીજી ભેંટ આપણે જે જગ્યાએ અત્યારે છીએ તેનું મહત્વ સમજાવે છે. આજે આપણને આપણા ઘરમાં વધુ સુરક્ષા દેખાય છે. અત્યારે મને કોઈ સ્વિટ્ઝર્લેન્ડ ફરવા જવાનું કહેશે તો હું કહીશ: યાર ! ત્યાં જઈને શું મરવું છે? હું મારા ઘરે મજામાં છું. સદાય ઘરની બહાર વ્યસ્ત રહેતા માણસોને પોતાના ઘરનું અને ઘરના સભ્યોનું મહત્ત્વ કેટલું છે -  એ હવે સમજાઈ રહ્યું છે. 

ત્રીજી ભેંટ આપણા મનોભાવોને વ્યક્ત કરવાની આ એક તક છે. આજે આખી દુનિયામાં બધા લોકો પોતાને જે કંઈ અનુભવો થઇ રહ્યા છે, અથવા આ પરિસ્થિતિમાં એમની અંતઃ પ્રજ્ઞામાં જે કાંઈ સ્ફૂરણાઓ થઇ રહી છે એ ઉદારતા પૂર્વક શૅર કરી રહ્યા છે. કેટલાંય સંતો મીડિયા દ્વારા પોતાના જિજ્ઞાસુઓને ઉદારતાથી આશીર્વાદ અને માર્ગદર્શન આપી એમનું મનોબળ વધારી રહ્યા છે. આપણા માનનીય પ્રધાનમંત્રીનું ઉદબોધન સાંભળશો તો લાગશે કે ભારતનો કોઈ ઋષિ દેશવાસીઓને પોતાના સમજીને સ્વ અને સૌની રક્ષાની સંવેદના સભર પ્રેરણા આપે છે. મીડિયા દ્વારા પણ કેટલું નવીન જ્ઞાન ઘર બેઠાં આપણે માણી શકીએ છીએ. ચોથી ભેંટ આપણને આપણી ઉર્જાને ચાર્જ કરવા માટે આપી છે. ખોટા કામોમાં અને વિચારોમાં સમય બરબાદ કરવાના બદલે નિયમિત અને વ્યવસ્થિત રીતે પ્રાણાયામ કરો, ધ્યાન કરો, સારું પુસ્તક વાંચો, સારા પ્રવચનો સાંભળો, કંઈક લખો, કંઈક નવું શીખો, પોતાની જિંદગીનો નકશાને નવેસરથી બનાવો અને પોતાની ઉર્જાને ફરી ચાર્જ કરો. આ દુર્લભ અવસર છે, મહેરબાની કરીને વેડફતા નહિ. 

પાંચમી ભેંટ સહયોગ કરવાની આપી છે. આ એક અવસર છે જે કોઈ પણ રીતે પણ બીજાને મદદ કરી શકાય - કરો. હમણાં હમણાં ભારતીય જનમાનસ આ સંવેદના પ્રત્યે સજાગ થયું છે. આ સંકટની સ્થિતિમાં શાસક વર્ગે, પોલીસવર્ગે, ડોક્ટરો અને નર્સોએ લોકોની જે સેવા કરી છે - અપૂર્વ અને અદ્ભૂત છે. માનનીય મોદી સાહેબની એક પ્રેરણાથી અનેક સામાજિક સંસ્થાઓ અને ધનવાન લોકોએ પોતાના ભંડાર ખોલી દીધા છે. આ માહોલ આ સંકટની ઘડીના લીધે જ થયો છે અને જેથી આપણે આપણી ઉજ્જવળ ઋષિ પરંપરાને સાર્થક કરી છે. છઠ્ઠી ભેંટ એ કે આ ઘટનાએ આપણને એકબીજા સાથે અતૂટ રીતે જોડી દીધા. પૂરો દેશ થાળી વગાડે કે દીવો કરે એ તો સાંકેતિક છે. મૂળ સંદેશ તેનો એ છે કે આપણે બધા એક બીજા સાથે જોડાયેલા છીએ. ભારતીય એકતાની આ તાકાત જોઈને દુનિયા આશ્ચર્ય પામી ગઈ છે. છેલ્લે ગાંધીજીનું વાક્ય ટાંકીને વિરામ લઉં છું - જે પરિવર્તન દુનિયામાં જોવા ઇચ્છીયે છીએ એ પહેલા ખુદમાં લાવીએ.

- સમણ શ્રુતપ્રજ્ઞજી 

પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન રાજકોટ