જો તમને એ વ્યક્તિ ગમતી હોય જેની સાથે અત્યારે તમે એકલા છો, તો તમને એકલાપણુ ક્યારેય નહિ લાગે. એકાંતમાં મૂળતઃ અન્ય માણસોથી દૂર રહેવાની વાત છે. એકાંતમાં રહેવાના અનેક તબક્કાઓ અને ભૂમિકાઓ છે. પ્રારંભમાં ભીડથી સંપૂર્ણપણે મુક્ત એકલા રહીને કોઈ સારી પ્રવૃત્તિ કરવી એ પ્રારંભિક અને પહેલા તબક્કાનું એકાંત છે. આ એકાંતમાં શરીર અને મન સક્રિય છે. પ્રકૃતિ અને પર્યાવરણ સાથે સમય વિતાવવો એ બીજા તબક્કાનું એકાંત છે. પ્રકૃતિના દ્રશ્યો જોવા, પક્ષીઓના અવાજો સાંભળવા, પ્રકૃતિના ખોળામાં આરામ કરવો એ આ એકાંતમાં આવે છે. એકલા બેસી કોઈ સારું પુસ્તક વાંચવું કે લખવું અથવા કોઈ મૌલિક સર્જન કરવું એ ત્રીજા તબક્કાનું એકાંત છે. એકાંતમાં પુસ્તક વાંચવાનો કે લખવાનો આનંદ જ કંઈક અલગ છે. લેખકને જો એકાંત મળી જાય તો એ અદ્વિતીય લેખન દ્વારા મૌલિક સાહિત્ય સર્જન કરી શકે છે. એકલા બેસી જે વિચારો આવે એ ડાયરીમાં ઉતારી વિચારોની અભિવ્યક્તિ કરવી એ ચોથા તબક્કાનું એકાંત છે. ડાયરી લખવી એ ખૂબ સારી અને ઉપયોગી આદત છે. ડાયરી લખવાથી તન - મન સ્વસ્થ બને છે, જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ વધુ સ્પષ્ટ બને છે. વિચારોને અભિવ્યક્ત કરવાની ક્ષમતા વધે છે. એકલા ધ્યાનમાં બેસી વિચારોને સાક્ષી ભાવે જોતાં જોતાં અચાનક થોડીવાર માટે નિર્વિચારમાં સરી પડવું અને આનંદની અનુભૂતિ કરવી એ છેલ્લા અને પાંચમા તબક્કાનું એકાંત છે. આ એકાંતમાં યોગીઓ રહેતા હોય છે. આ એકાંત ધ્યાન અને મૌન માટે ઉત્તમ છે. એકાંતમાં ઊંઘ પણ લઇ શકાય અને એકાંતમાં મૌન પૂર્વક ધ્યાન પણ કરી શકાય. આ તબક્કો મૌન - ધ્યાન માટે છે. મૌન અને ધ્યાનમાં અદભૂત તાકાત રહેલી છે. મૌન અને ધ્યાનથી ભીતરની ઉર્જાનો વિસ્ફોટ થાય છે. આ ઉર્જાના પ્રભાવથી અનેક કલ્પનાતીત ચમત્કારો એની મેળે થવા લાગે છે. સાધક ધ્યાન દ્વારા જયારે નિર્વિચાર બને છે ત્યારે આત્મ સાક્ષાત્કારની ઘટના ઘટવા લાગે છે. હું એકવાર મારા મિત્ર સાથે યાત્રા કરતો હતો, અમે બહુ ઓછું બોલતા, અમે સાથે મળીને માત્ર શાંત હતા. જ્યાં જરૂરી હોય ત્યાં થોડા શબ્દોથી વાત થઇ જતી, બાકી બે શબ્દો વચ્ચે અમે પોત પોતાના મૌનનો આનંદ માણતા હતા. એ મૌન અને આનંદ બંને દિવ્યતાનો બોધ કરાવતા હતા. રમણ મહર્ષિ હંમેશા મૌનમાં રહેતા અને મૌનમાં રહી એ મૌન સંવાદ કરતા. એમના દિવ્ય મૌનથી અનેક ભક્તોની મુશ્કેલીઓ આપમેળે ઉકેલાઈ જતી હતી.
સમણ શ્રુતપ્રજ્ઞજી
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
એકલા રહેવું અને એકલા રહી પોતાના એકાંતને માણવું એ જીવનનું સૌભાગ્ય છે. ઘણા લોકોને આવું સૌભાગ્ય મળતું નથી અને મળે તો એ તેને માણી શકતા નથી. એકાંતને માણવાની સાધના અને અભ્યાસ નાનપણથી કરવો જોઈએ. દરેક માબાપે થોડી વાર એકાંતમાં પોતાની જાત સાથે રહેતા શીખવું જોઈએ. પોતે એકાંતમાં રહેતા શીખશે તો બાળકોમાં પણ એકાંતમાં રહેવાના સંસ્કારો નાખી શકશે. સફળ બાળપણ કોને કહેવાય? જે ખરેખર પોતાના નિજી એકાંતને માણી શકે એ સફળ બાળપણ કહેવાય.
બાળકોને પ્રકૃતિમાં એકલા છોડી દો અને છૂટથી રમવા દો. આમ કરીને તેઓ પોતાની જાત સાથે એકલા રહેતા શીખે છે. બાળકને એકાંતમાં રહેવાની એક આ રીત છે. જો તેના બદલે, તમે તેમને બેબી બાઉન્સરમાં મૂકી દો કે જેમાં આઈપેડ અથવા આઇફોન અથવા લેપટોપ માટે સ્લોટ હોય, તો તેઓ હંમેશાં કોઈ અન્ય બહારની વસ્તુના સંપર્કમાં આવે છે, પરિણામે પોતાની જાત સાથેનો સંપર્ક ગુમાવે છે, આવું પછી હંમેશા માટેની ટેવ પડી જાય છે. બાળક જયારે પ્રકૃતિ સાથે હોય છે ત્યારે એ પોતાના મન અને કલ્પનાના સંપર્કમાં છે અને સાધનો સાથે એ બહારના સંપર્કમાં છે - આ ભેદ સમજાઈ જવો જોઈએ.
ઘણાને લાગશે એ બાળકને શું ખબર એ શું મિસ કરે છે? બાળકને બધી જ ખબર છે અને એ કાંઈ પણ મિસ કરતો નથી. પ્રકૃતિની રહસ્યાત્મક દરેક વસ્તુ એના માટે એક અર્થ ધરાવે છે. એ અન્ય કોઈ વસ્તુ પાછળ પાગલ નથી અને એને કાલની કોઈ ચિંતા નથી. એને જવું હશે તો પ્રકૃતિના અસીમ ખોળામાં જશે, જિજ્ઞાસા કરશે, એની પાસે પૂરતો સમય છે, શ્રદ્ધા છે અને એના રસ્તામાં જે આવશે એની સાથે એ મસ્તીનો અનુભવ કરશે. એ જ બાળક થોડું મોટું થાય ત્યારે પણ તેની એકાંતમાં રહેવાની આ ટેવ ચાલુ રાખો.
દરેક સ્કૂલમાં બાળકને થોડી ક્ષણ એકાંતમાં રહેવાની વ્યવસ્થા હોવી જોઈએ. એકાંતમાં રહીને એ પોતાની જાત વિષે, પોતાના ભવિષ્ય વિષે, પોતાના લેવાના નિર્ણયો વિષે ખૂબ ઊંડાણથી વિચારશે. એટલું જ નહિ, બાળકના મનમાં ભણવાને લઈને ઉભી થતી ચિંતાઓ અને પરીક્ષાના ભયથી મુક્ત રહી પોતાના મનને તનાવ મુક્ત રાખી શકશે. એકાંતમાં રહેવાથી ખરેખર તો માણસની અંદર છૂપાયેલા દિવ્ય ગુણોનું પ્રગટીકરણ થાય છે. બાળકને જો તમે આ ટેવ પડાવી દેશો તો એના માટે તમારી આ સૌથી મોટી ભેંટ ગણાશે. પછી કોરોના જેવી ગમે તેવી ભયાનક સ્થિતિ આવે એ એકલા રહેવાની મોજને માણી શકશે કેમકે એકલા રહેવું હવે આનંદ છે, આફત નથી.
એકલા રહેવું એ એક કળા છે. આ કળા બહુ ઓછા લોકોને હાથ લાગે છે. બાકી તો આપણે બધા ભીડમાં જીવનાર અને ભીડ પ્રમાણે વર્તનાર પ્રજા છીએ. જે વ્યક્તિ દિવસભરમાં 10-15 મિનિટ પણ એકલા એકાંતમાં શાંતચિત્તે બેસી શકે તો એનામાં ગજબનું પરિવર્તન આવવા લાગે છે. આવી ક્ષણોમાં વ્યક્તિ પોતે કોણ છે, એ શું કરે છે, જે કરે છે તે યોગ્ય છે કે અયોગ્ય, જીવનમાં ખરેખર શું કરવું જોઈએ? આ બધા પ્રશ્નોના જવાબ કોઈને પૂછ્યા વગર તેની અંતઃપ્રજ્ઞમાંથી જ પ્રગટે છે. એકલા રહેવાની ક્ષમતા એ તમારા વિશે અને તમે કોણ છો એ બાબતે પૂરેપૂરું જાણવાની ક્ષમતા છે અને તમે જે છો અને જેવા છો એ જાણીને તમને આત્મસંતોષ થશે. આવું કરશો તો તમે અન્ય વ્યક્તિને પણ એ જેવી છે તેવી જ જાણી શકશો અને સ્વીકારી શકશો. અન્ય વ્યક્તિ તમારા જેવી જ હોવી જોઈએ એવો આગ્રહ તમે નહિ રાખો અને એવો પ્રયાસ પણ તમે નહિ કરો. કેમકે આમ કરીને તમે તમારા સ્વભાવની નાજુક સમજને સમાપ્ત કરો છો અને એ વ્યક્તિની અનન્યતાનું અપમાન કરો છો. એટલે જયારે વ્યક્તિમાં પોતે જેવી છે તેવી સ્વીકારવાની ક્ષમતા જાગે છે ત્યારે એ બધાને પણ એ જેવી છે એવી સ્વીકારી શકે છે. આમ કરીને એ પોતાની જાત સાથેના સંબંધની જેમ એ અન્ય સાથે પણ વાસ્તવિક સંબંધ રાખી શકશે. અહીં દરેક વ્યક્તિ અનન્ય અને બેજોડ છે. જે પોતાને અને અન્યને એ જેવા છે એવા ઓળખી શકતા નથી અને સ્વીકારી શકતા નથી એ જીવનમાં એકલા પડી જાય છે, કેમકે આવા લોકો સંબંધો બાંધી શકતા નથી અને બાંધે તો સાચવી શકતા નથી. આવા લોકો બીજાને માત્ર સ્પેરપાર્ટની જેમ વાપરે છે. પરિણામ સ્વરૂપ આવા લોકો અંતે એકલાપણાનો શિકાર બને છે. જે એકાંતમાં રહી શકે છે એ જ સંબન્ધોને સારી રીતે સાચવી શકે છે.
સમણ શ્રુતપ્રજ્ઞજી
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં માણસ લોકડાઉનના કારણે ઘરમાં બંધ છે. તમે આખો દિવસ શું કરો છો? જરા હિસાબ માંડજો. કેટલાય એવા માણસો હશે જે આખા દિવસમાં વિશેષ કાંઇ જ નહિ કરતા હોય, આવા લોકો પોતાના દિવસોને ચિલા ચાલુ કામકાજોથી પૂરો કરી દે છે. પાશ્ચાત્ય દાર્શનિક પાસ્કરનું વચન છે - આધુનિક માણસની મોટામાં મોટી મુશ્કેલી અને મોટામાં મોટું દુઃખ એ છે કે એ પોતાના રૂમના ખૂણામાં 10 મિનિટ પણ ચૂપચાપ પલાંઠી મારીને બેસી શકતો નથી.' કામનું તો જાણે એક વ્યસન થઇ ગયું છે. એક દ્રષ્ટિએ આ દારૂ કરતા પણ આ મોટું વ્યસન છે. દારૂ તો કદાચ શરીરને બરબાદ કરે છે, વ્યસ્ત રહેવાનું અને કામ કરવાનું વ્યસન તો મનને કમજોર અને આત્માને મૂર્છિત કરે છે.
માણસનો સામાન્ય રીતે એવો સ્વભાવ પડી ગયો હોય છે કે એ પોતાની જાતથી બચવા હંમેશા વ્યસ્ત રહે છે અને સતત ભીડમાં રહેવાનો પ્રયત્ન કરે છે. માણસ પોતાની જાતને હંમેશા નકારે છે, તમે તમારી જાત સાથે બેસવામાં કંટાળો છો તો વિચારો કે તમારી સાથે બેસનાર કેટલો કંટાળતો હશે ! પોતાની તો જાણે કોઈ કિંમત જ નથી. આ કારણે પોતાના માટે વિચારવાનો અને પોતાની જાતને સંવારવાનો સમય જ નથી રહેતો. જો કે સમય તો ખૂબ છે, સમય નથી એ બહાનું તો હવે નકામું થઇ ગયું છે. મોસ્ટલી ઘણાં ખરા લોકો સાવ જ નક્કામા કામોમાં પોતાની મૂલ્યવાન ઉર્જાને વેડફી નાખે છે.
પોતાની જાત સાથે માણસ બેસી શકતો નથી, કેમકે પોતાની ભીતર બેઠેલા શૈતાનની મુલાકાત કરવી બહુ મોટી સાધના અને સાહસ માંગે છે. આપણે પોતાનાથી એટલા ગભરાયેલા છીએ કે પચાસ ન કરવાના કામ કરીશું પણ પોતાની જાત સાથે બેસી આનંદની અનુભૂતિ નહિ કરીએ. કોઈએ સરસ કહ્યું છે - ' મૂર્ખ માટે એકાંત દુઃખ છે, જ્ઞાની માટે એકાંત સુખ છે.' પોતાની જાતથી ભાગીને ક્યાં જશો? અને ક્યાં સુધી ભાગશો? ક્યારેક તો પોતાની જાત સાથે રહેવાનું એપોઈન્ટમેન્ટ તો લેવું જ પડશે. અત્યારે અવસર છે આનો અભ્યાસ કરવા માટે.
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
આપણે કશું જાણતા નથી આ ભાવ આપણને નમ્ર બનાવે છે
નથી લાગતું કે હવે લગાતાર જાણકારીઓના ભારથી, સ્ટેટેસ્ટિકના આંકડાઓથી, જુદા જુદા મતોથી અને ભવિષ્યવાણીઓથી આપણું મગજ થાકી ગયું હોય? આપણે ધીર ધીરે એ વિનમ્ર નિર્ણય પર પહોંચ્યા છીએ કે 'આપણે કશું જ જાણતા નથી.' અજ્ઞાતના મહાસાગરમાં આપણું જ્ઞાન એક બુંદ માત્ર જ છે. કોરોનાની આ ઘટના પછી, આપણામાં હવે ધીરે ધીરે જ્ઞાન પ્રત્યેની નમ્રતા આવી છે અને એ સમજ વિકસિત થઇ છે કે જીવનની વાસ્તવિકતા શું છે અને ક્યારે શું બનશે એ વિષે આપણામાંથી કોઈ કશું જ જાણતા નથી. જ્ઞાનની ઉચ્ચ દશાએ પહોંચ્યા પછી પણ આજના મનુષ્યની વાસ્તવિકતા તો આ જ છે.
ઊંડાણમાં જઈને વિચારીએ તો આ બાબત માનવીય મૂળભૂત સંસ્કારોને આંદોલિત કરે છે. આપણે હજુ કશું જાણતા નથી - આ સત્ય આપણામાં વ્યક્તિગત અને સામૂહિક રૂપે નમ્રતાનો ભાવ જાગૃત કરે છે. પોતાની જાતને આગળ રાખીને કે હું બધા પર વિજય મેળવી શકું છું અને બધું જાણી શકું છું - આ અહંકાર કોરોનાની આ વાસ્તવિકતા પછી છોડવા જેવો છે. દુનિયાની બધી સમસ્યાઓ અને તેના સમાધાનો પર વિચાર કરવાના બદલે, આપણે આપણી જાતને કુદરતના ચરણોમાં સમર્પિત કરતા શીખી જઇએ એ વધુ સારું અને ઉત્તમ છે. આવું કરીને અજ્ઞાતમાં ઉભા રહેતા શીખી જઈશું તો એ એક એવી ભૂમિકા તૈયાર થશે જેનાથી આપણી ભીતર તાજું, પ્રમાણિત, સત્ય સાથે જોડાયેલું સમ્યક જ્ઞાન પ્રગટ થશે.
આ પ્રકારનું જ્ઞાન ભીતરી પ્રજ્ઞાથી જાગે છે અને જેનો આધાર એકાગ્ર અને ભય મુક્ત મન છે. આ જ્ઞાન એ બંને ગ્રુપ માટે કામનું છે, એક જે કોરોના બાબતે પોતાનો મજબૂત મત ધરાવે છે અને માને છે કે અમને બધી ખબર છે, અમે કુદરતના ક્રૂર કૃત્ય પર વિજય મેળવી શકીએ છીએ અને બીજું જે જ્ઞાન બાબતે કોઈ સ્પષ્ટ મત કે આગ્રહ ધરાવતા નથી. ચાલો જ્ઞાનની બાબતમાં નમ્ર બનીએ અને અજ્ઞાતને સમજવા માટે હૃદયને કુદરતના ખોળામાં મૂકી દઈએ અને સાથોસાથ ભીતરી પ્રજ્ઞાને જાગૃત કરવાની પ્રાયોગિક સાધના વધારીએ. લાગે છે એમાં જ વ્યક્તિનું પોતાનું અને સમગ્ર માનવતાનું હિત છુપાયેલું છે.
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
કોઈ પણ ઘટનાની બે બાજુ હોય છે. શું જોવું અને જે જુઓ છો એનું અર્થઘટન કેમ કરવું એ દરેકના પોતાના હાથમાં છે અને એ અર્થઘટનની જવાબદારી પણ તેની પોતાની છે. આપણે ઘણીવાર એ પણ સાંભળીએ છીએ કે આવી મહામારીની વિકટ સ્થિતિમાં લોકોનો અહં પણ ઘવાય છે, લોકો ક્રોધમાં પણ આવે છે, હિંસા પણ કરે છે. ઘણા લોકોને અને ખાસ કરીને તબીબી ક્ષેત્રને અને વૈજ્ઞાનિક લોકોને એવું લાગે છે કે એક નાનકડા અને નરી આંખે ન દેખાતા અચેતન વાયરસ સામે અમે હારી ગયા, તો પછી અમે આખી જિંદગી કર્યું શું? એક જાતના ચશ્માં ચઢાવીને જુઓ તો આ સાચું લાગે છે. જે પણ હોય પણ આપણી પાસે પસંદગી કરવાની શક્તિ છે. કોરોનાની આ મહામારીમાં ઘણી બધી એવી ઘટનાઓ આપણી સામે આવી છે, જેની સામાન્ય માણસ કલ્પના પણ નથી કરી શકતો. વધુ વાત પછી કરીશું પણ જે રીતે સેવા અને સહયોગની સરવાણી વહી છે એના પરથી કહી શકાય કે હા, સંકટના સમયે પૂરી દુનિયામાં લોકો વધુ પ્રેમાળ, સંવેદનશીલ અને કરુણામય બન્યા છે. સાવ સામાન્ય રીતે ઓછા સંસાધનોમાં જીવતા લોકો પણ નાનું મોટું કામ કરીને નિઃસ્વાર્થ ભાવે લોકોની મદદે દોડી જાય છે અને સાચા ભાવથી સેવા કરે છે. ખાસ કરીને ભારતીય લોકોના ડીએનએ માં સનાતન સમયથી સંવેદનાના આ સંસ્કારો સુરક્ષિત ભરેલા હતા જે આવી વિકટ સ્થિતિમાં બહાર આવ્યા છે. તેનું જ આ પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ. મધર ટેરેસાનું એક નાનકડું અને કિંમતી વાક્ય યાદ રાખવા જેવું ખરું કે 'આપણે બધાય લોકો કદાચ શ્રેષ્ઠ ન બની શકીએ પરંતુ નાનું એવું સારું કામ પણ શ્રેષ્ઠ રીતે કરી જ શકીએ છીએ. આજથી એક સંકલ્પ કરી શકીએ કે 'હું મારી બહુમૂલ્ય ઉર્જાને ક્યારેય વિધ્વંસમાં કે વિરોધમાં, નકારાત્મક્તા કે નિરાશામાં નહિ લગાઉં. માનનીય મોદીસાહેબનો એટીટ્યૂડ જુઓ - ક્યાંય ક્યારેય વાદ - વિવાદમાં ઉલઝશે જ નહિ. ઘણાં લોકો આવા સમયે પણ કોરોનાના નિમિત્તે બાઝતા હોય છે. ઘણીવાર કોરોના કરતા લોકોનો વિરોધ અને ઉપેક્ષાનો ભોગ બનવું વધુ ખતરનાક સાબિત થાય છે. ચાલો એક સંકલ્પ કરીએ કે 'હું હંમેશા ઉર્જાને સાચી,સકારાત્મક અને સર્જનની દિશામાં લગાવીશ, ક્યારેય વાદ –વિવાદમાં ઉર્જાને બરબાદ નહિ કરું.'
સમણ શ્રુતપ્રજ્ઞજી
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
વાયરસથી બચવું હજુ સરળ છે પરંતુ વાયરસના ભયથી બચવું બહુ જ અઘરું છે. ઓશો આ બાબતે સ્પષ્ટ કહે છે - "વાયરસથી જેટલા મરશે એના કરતાં એના ભયથી વધુ લોકો મરશે, કેમકે ભયથી વધુ ખતરનાક દુનિયામાં કોઈ વાયરસ નથી. આ ભયને સમજો, નહિતર મૃત્યુની પહેલા જ આપણે લોકો જીવતી લાશ બની જઈશું." અત્યારે જે ભયાનક માહોલ આપણે જોઈ રહ્યા છીએ તેનો વાયરસ સાથે કોઈ સીધો સંબંધ નથી. આ એક સામૂહિક ગાંડપણ છે. જે દરેક થોડા થોડા વર્ષે ઉભું થાય છે. આ ગાંડપણ માણસને માનસિક રોગી બનાવે છે અથવા એ આપઘાત કરવા પ્રેરે છે. વાયરસ જેવી ઘટનાઓ હજારો વર્ષોથી થતી જ આવી છે, આગળ પણ થયા કરશે. હવે યુદ્ધની પરિભાષા બદલાઈ ગઈ છે. હવેના યુદ્ધો જૈવિક યુદ્ધો હશે. છતાં એક વાત સ્પષ્ટ સમજી રાખો કે દરેક મુશ્કેલી મૂર્ખ માટે ભય છે અને જ્ઞાની માટે એક સુંદર તક છે. આ સ્થિતિ સંકટ જેવી લાગતી હોય અને તમે ઘરમાં બંધ હોવ તો કંઈક નવું સર્જન કરો. છેલ્લા એક મહિનામાં જે હું કરી શક્યો છું, એ એક વર્ષમાં પણ નથી કરી શક્યો. કોરોનાને ભૂલો, કંઈક નવું સર્જન કરીને બતાઓ. ભય અને ભીડનું એક મનોવિજ્ઞાન છે. જે બધા સમજી નથી શકતા. આ એક સામૂહિક ગાંડપણ છે, જે સોશિયલ મીડિયા દ્વારા ભીડને વેંચવામાં આવે છે. એના લીધે તમારી વ્યક્તિગત સ્વતંત્રતા લૂંટાઈ શકે છે. એવી કોઈ પણ વસ્તુ ન જુઓ, ન વાંચો જે તમારામાં ભય ઉભો કરે. કોરોનાની મહામારીથી સજાગ પૂરા રહો, ડરો જરા પણ નહિ. કોરોનાની વારંવાર વાતો કરવાનું બંધ કરો. કેમકે આ વાતો તમારા શરીરમાં રાસાયણિક બદલાવ લાવે છે. આ રાસાયણિક બદલાવ એટલું ઝેરીલુ હોય છે કે તમારી જાન પણ જઈ શકે છે. મહામારી સિવાય પણ ઘણું દુનિયામાં ઘટી રહ્યું છે - એ તરફ ધ્યાન આપો ને ! ધ્યાન-પ્રાણાયામની સાધનાથી સાધકની ચારેય બાજુ એક પ્રોટેક્ટિવ ઓરા નિર્મિત થાય છે. જેના કારણે બહારની કોઈ પણ નેગેટિવ ઉર્જા ભીતર પ્રવેશ કરી શક્તિ નથી. હાલમાં પૂરી દુનિયાની ઉર્જા નેગેટિવ બની ચૂકી છે. આવામાં કોઈ પણ ગમે ત્યારે આ 'બ્લેક હોલમાં' ગબડી શકે છે. ધ્યાન અને પ્રાણાયામની શક્તિ તમને આમાંથી બચાવી શકે છે.
સમણ શ્રુતપ્રજ્ઞજી
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
માનવતાના ફેફસાંને આઘાત લાગ્યો છે, એના મનમાં ભયના વાદળાં ઘેરાયા છે, હવે પછી શું થશે એની કાલ્પનિક ચિંતા સતત કોરી ખાય છે, પણ બીજી બાજુની સચ્ચાઈ એ છે કે પૃથ્વી શ્વાસ લઇ રહી છે, પ્રાણી સૃષ્ટિ નિર્ભય બની છે, પ્રકૃતિ ફરી પોતાની જાતને સંતુલિત કરી રહી છે અને એના થકી આપણે પણ સંતુલિત થઇ રહ્યા છીએ. આપણે સાંભળ્યું હશે અને અનુભવ્યું હશે કે આકાશ હવે વધુ ચોખ્ખું દેખાય છે, હવા શુદ્ધ અનુભવાય છે, ગંગાનું પાણી એક પૈસાના બજેટ વગર ચોખ્ખું ચટ્ટ થઇ ગયું છે અને ડોલ્ફિન પણ હવે પોતાની કેનાલમાંથી બહાર આવી રહી છે. દુનિયાની નામી યુનિવર્સીટી - સ્ટાર્નફર્ડ યુનિવર્સીટીનું અનુસંધાન કહે છે કે 'આ કોરોનાના કારણે માત્ર એકલા ચીનમાં 77,000 લોકોની જિંદગી એક યા બીજી રીતે બચી ગઈ છે. હવાના પ્રદૂષણ અને વાહનોના ધુંવાડાના કારણે જે 77,000 લોકોની જાનને ખતરો હતો, એ આ ખતરામાંથી બહાર આવ્યા છે અને શુદ્ધ હવા લેવા સક્ષમ બન્યા છે. એથી પણ મજાનું અનુસંધાન એ કહે છે કે બે મહિનાના પ્રદુષણ નિયંત્રણના પરિણામે 5 વર્ષથી નીચેના લગભગ 4,000 બાળકો અને 70 વર્ષથી ઉપરના લગભગ 73,000 લોકોની જિંદગી બચી ગઈ છે. આવી રીતે દુનિયાના ખૂણે ખૂણે પર્યાવરણ અને પ્રાણીજગતની સ્વસ્થતા અને સુરક્ષાના શુભ સમાચારો સામે આવી રહ્યા છે. આપણી આંધળી આર્થિક દોડ અને અટક્યા વગરની અસીમ પ્રવૃત્તિઓને બ્રેક લાગે તો જ પૃથ્વી આરામ કરી શકે તેમ હતી એટલે કોઈ પણ નિમિત્તે તેને પોતાની પ્રતિભાથી આવું કર્યું છે. સામાન્ય જીવન જીવવામાં આજે પણ કોઈને તકલીફ આવે એવું લાગતું નથી. ખાવા પીવાનું અને જીવનની અનિવાર્ય જરૂરિયાત કુદરત બધાને પૂરી પાડે જ છે. હા, મોજશોખ અને એશોઆરામની જિંદગી જીવનારાઓને તકલીફ જરૂર પડશે. આ ઘટનાથી એ કેમ ન શીખી શકાય કે બહુજ ઓછી જરૂરિયાતથી જીવન વધુ સારી રીતે જીવી શકાય છે.
સમણ શ્રુતપ્રજ્ઞજી
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
આજની સ્થિતિમાં જયારે લોકોની બહારની આવન-જાવન પર બ્રેક લાગી છે ત્યારે આ નવરાશની ક્ષણમાં આપણને એક તક મળી છે એ વિચારવાની કે આપણે જીવનમાં જે કંઈ કરીએ છીએ, એમાંનું કેટલું જરૂરી અને કેટલું બિનજરૂરી છે.
* આપણી મુસાફરી કરવાની ટેવ કેટલી જરૂરી છે અને કેટલી બિન જરૂરી? શું હું મારી મુસાફરીને ઓછી ન કરી શકું? અત્યંત અનિવાર્યતા સિવાયની મુસાફરી બંધ ન કરી શકાય?
* આપણા મોજશોખ અને મનોરંજનના સાધનોમાં શું નિયંત્રણ ન કરી શકાય? મનને ખુશ રાખવા આપણે જે કંઈ સાધનો વસાવીએ છીએ અને મોજશોખ માટે જે કંઈ કરીએ છીએ શું એમાં સંયમ ન કરી શકાય? કુદરત આપણને સંયમ રાખવા મજબૂર કરે, એના કરતાં હું મારી સ્વ ઇચ્છાએ સંયમ ન કરી શકું?
* મનને ખુશ રાખવા સાધનો જોઈએ કે સાધના? મોજશોખ જોઈએ કે પરોપકારના કાર્યો?
* આપણે જે કંઈ સંગ્રહ અને પરિગ્રહ ભેગો કર્યો છે અને સતત કરતા રહીએ છીએ, શું એ બધું જીવવા માટે ખરેખર જરૂરી છે? કેટલી ઓછી વસ્તુથી જીવનનું નિર્વહન કરી શકાય છે એના પર સલક્ષ્ય વિચારી સંગ્રહની એક સીમા નક્કી ન કરી શકાય? ઘરમાં કેટલી ચીજો એવી છે જે જરાય જરૂરી નથી, જે આપણે ક્યારેય વાપરતા નથી, શું એ બધું ત્યાગીને કે બીજાને આપીને હળવા ન થઇ શકાય?
* સમય હાથથી છીનવાઈ જાય એના પહેલા દરેક ક્ષણને સાર્થક કરવાનું શિસ્ત ઉભું ન કરી શકાય? આટલા સમયમાં એક શ્રેષ્ઠ પુસ્તક વાંચી જ્ઞાનમાં અને સમજણમાં વધારો ન શકાય? ડાયરીમાં સુંદર વિચારો લખી જાતને અભિવ્યક્ત કરી ન શકાય? ઘરનું કામ જાતે કરીને પોતાનામાં એક શિસ્ત અને સ્વાવલંબનની ટેવ પાડી ન શકાય? 20-30 મિનિટ શાંત બેસી ધ્યાન કે પ્રાણાયામ કરી તન-મનને તાજું અને સ્વસ્થ ન કરી શકાય? પોતાના દિવ્યો વિચારો અને સંકલ્પોનું સંકલન કરી ભીતરની સંતુષ્ટિ મેળવી ન શકાય?
- સમણ શ્રુતપ્રજ્ઞજી