અંતર્યાત્રાનું મધુર સમાપન । કુન્નૂર એપ્રિલ 26, 2025
Peace of Mind

અંતર્યાત્રાનું મધુર સમાપન

સાધના નો છેલ્લો દિવસ 

કુન્નૂર: તા. એપ્રિલ ૨૬, ૨૦૨૫

આજે તિરુવન્નમલઇ અને કુન્નૂરની યાત્રા પૂર્ણ થઈ રહી છે. લગભગ બાર દિવસની આ યાત્રા સંપન્નતા તરફ છે. એક એવી યાત્રા, જેમાં આત્મસ્ફૂરિત આનંદ અને ઊંડા ધ્યાનમાં લીન થવાની અનુભૂતિ મળી. સતત ધ્યાનમાં પ્રવૃત થવાની પ્રેરણા મળી; જાણે આંતરિક જગતનો એક નવો દ્વાર ખુલી ગયો હોય. ખરેખર સાધનામાં ખૂબ આનંદ આવ્યો. ધ્યાનમાં ઊંડા જવાની અને ધ્યાન સતત ચાલુ રાખવાની પ્રેરણા મળી.

આપણે જીવનમાં સાધના શરૂ કરવાના વિચારો કરીએ છીએ, પરંતુ વિચાર વિચારમાં જ દિવસો, મહિનાઓ અને વર્ષો વહ્યા જાય છે. મન વાયદા કરતું રહે છે, પરંતુ પગલાં મંડાતા નથી. જીવનની અનુપયોગી પ્રવૃત્તિઓમાં અમૂલ્ય સમય બરબાદ કરી નાખીએ છીએ, પરંતુ સંકલ્પ ને પાછો ઠેલ્યે રાખીએ છીએ. આવું કરવું — એ મનની ગુલામી છે. આ એક એવો સંકેત છે કે સંકલ્પ હજુ ઊંઘે છે, સજાગ થયો નથી.

જીવનમાં કુદરત દ્વારા અપાતી ઠોકરોથી આપણે ક્યારેક જાગીએ છીએ... પરંતુ એ જાગૃતિ પણ થોડી ક્ષણોની હોય છે. જાણે કૂતરાની પૂંછડી સમયસર સીધી થાય અને પછી ફરી વાંકી થઈ જાય તેમ.

આ માનવ જીવન ફરી મળવાનું નથી. જ્ઞાનીઓ સમજાવવામાં કંઇ બાકી રાખ્યું નથી. છતાં આપણી ઊંઘ ઉડતી નથી. પોતાનો સંકલ્પ દૃઢ પોતે જ કરવો પડશે અથવા સદગુરુની વાત હૈયે ધારણ કરવા જેટલી શ્રદ્ધા કેળવવી પડશે, બાકી અનંત જન્મોથી ચૂકતા આવ્યા છીએ અને હજું ચૂકતા રહીશું. બીજાને સમજાવવામાં પણ હવે સમય બરબાદ કરવા જેવો નથી. અલ્પ આયુષ્ય આંખના પલકારામાં પૂરું થઈ જશે. જાગવું કે નહીં એ આપણે નક્કી કરવાનું છે.

આજે જ્યારે સાધનાની આ યાત્રા અંતિમ પડાવે પહોંચી ચૂકી છે ત્યારે એક અંતઃપૂર્ણ પ્રતિજ્ઞા કરવી જરૂરી બની છે.

જે અમૂલ્ય છે એ હવે હથેળીમાં છે. આ અંતરની શાંતિ અને ધ્યાનની ઊર્જા, માત્ર થોડા દિવસો માટે નહીં, પણ સંપૂર્ણ જીવન માટે સજીવન રહે એવી જાત પ્રત્યે અપેક્ષા અને પરમ તત્વને પ્રાર્થના..

~ સમણ શ્રુતપ્રજ્ઞજી

Add Comment