શક્તિ શબ્દોની અને વિચારોની
કુન્નૂર
તા. એપ્રિલ 27, 2025
આજે બ્રહ્મમુર્હૂતમાં ધ્યાનમાં બેઠો, પ્રાણાયામ કર્યા. ત્યારબાદ સવારે હર્ષના ઘરે નાસ્તાની ગોચરી કરી, Ooty શહેર તરફ સાઇડ સીન માટે નીકળી ગયા હતા. મારી સાથે હર્ષ બરડિયા અને અમન કોઠારી હતા. અહીં અમે કર્ણાટક પાર્ક જોયો, ચાય બનાવાની ફેક્ટરીની મુલાકાત લીધી. બોટ લેકની પણ મુલાકાત લીધી. ખૂબ ચાલ્યા. સાંજે 6 વાગે પાછા કુન્નૂર પહોંચ્યા.
સૂતા પહેલાં ડાયરી લખવાની આદત મુજબ આજે શબ્દોની અને વિચારોની શક્તિ પર કંઈક વિશેષ લખવાનું મન થયું. દરેક માણસે જાત સાથે વાત કરવામાં ખૂબ જ સાવધાની રાખવી જોઇએ. પોતાના વિશેનો પોતાનો અભિપ્રાય પોતાને સીધી અને સૌથી મોટી અસર કરે છે. પોતાના વિશે માણસ જે માનતો હોય તેના આધારે જ તેનો એટિટ્યૂટ બનતો હોય છે.
અનેક રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે, માણસ પોતાના વિશે જે ધારતો, માનતો અને વિચારતો હોય એવું જ તેની સાથે થાય છે. ઘણા લોકો પાસે ખાસ કંઇ હોતું નથી, પણ એ પોતાની જાતને ક્યારેય નબળા ગણતા નથી. દુનિયામાં એવા લોકો પણ હોય છે જેઓ પોતે જ એવું માને છે કે, આપણે તો કંઇ નથી. હું નિષ્ફળ છું.
માણસના વિચારો માણસને પોતાને સૌથી વધુ અસર કરે છે. આપણને જો આપણી કિંમત ન હોય, આપણે જ આપણને સસ્તા સમજતા હોઇએ તો દુનિયા ક્યારેય આપણી કિંમત કરવાની નથી. આપણે જ્યારે આપણી જાત સાથે વાત કરીએ છીએ ત્યારે આપણા શબ્દો, આપણો ટોન અને આપણા ભાવો કેવો હોય છે?
જાપાનના વૈજ્ઞાનિક ' ડો. માસારુ ઇમોટો' ની વોટર થિયરી વિશે કદાચ તમને ખબર હશે. ડો. માસારુએ પાણી પર એક અનોખો પ્રયોગ કર્યો હતો. તેમણે પાણીની બોટલો બે ભાગમાં વહેંચી હતી. પાણીની કેટલીક બોટલ અલગ પાડીને તેની સામે ખરાબ શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા: "હું તને નફરત કરું છું". મનમાં પણ ઘૃણા અને નફરતન વિચારો અને ભાવધારા ચાલતી હતી.
બીજી તરફ પાણીની કેટલીક બોટલો હાથમાં રાખી તેની સમક્ષ શ્રેષ્ઠ અને પોઝિટિવ વાતો કરવામાં આવી. પ્રેમ અને સદભાવના વિચારો કરવામાં આવ્યા. પછી બંને બોટલોમાંનું પાણી ગાઢ ઠંડકમાં જમાવી દીધું અને માઇક્રોસ્કોપથી તેના ક્રિસ્ટલ સ્ટ્રકચર (જામેલા પાણીના સ્ફટિકો)ના ફોટા લીધા. એના પરિણામ ચોંકાવનારા આવ્યા.
જે પાણી સામે ખરાબ વાતો થઈ હતી, એ પાણીના સ્ફટિકો વિચિત્ર, તૂટી ગયેલા અને આકારવિહિન હતા અને જે પાણી સામે સકારાત્મક વાતો થઈ હતી એ પાણીના સ્ફટિકો અદ્ભુત રીતે સુંદર અને કલાત્મક હતા — બિલકુલ કમળના ફૂલો કે હિમકણો જેવી સુંદર રચનાઓ સર્જાઈ હતી. આ પ્રયોગ પરથી ડો. માસારુ ઇમોટો નું એવું કહેવું છે કે પાણી માત્ર રાસાયણિક પદાર્થ જ નથી, પરંતુ તે આપણાં વિચારો, ભાવનાઓ અને શબ્દો દ્વારા પણ પ્રભાવિત થઈ શકે છે.
માણસના શરીરમાં 70 ટકા હિસ્સો પાણીનો છે. બોટલના પાણીમાં જેમ વિચારોની અસર થઈ, એમ માણસના વિચારો, શબ્દોની અસર પણ માણસના શરીરમાં રહેલા પાણીને થાય છે. જાપાનના ડો. માસારુ ઇમોટોએ પોતાના વોટર એક્સપેરિમેન્ટ ઉપર 'The Hidden Messages in Water' નામનું પુસ્તક પણ લખ્યું હતું. એટલે જ દરેક વ્યક્તિએ પોતાની જાત સાથે વાત કરવામાં સાવચેત રહેવું જોઈએ. પોતાની જાતને ક્યારેય કોસવી ન જોઇએ. પોતાના વિશે ખરાબ કે નબળું વિચારશો તો તેની ખરાબ અસરો થવાની જ છે.
બીજી મહત્ત્વની વાત એ છે કે સારા વિચારો કરવામાં કંઇ ગુમાવવાનું નથી અને ખોટા વિચારો કરવાનો કોઇ અર્થ નથી, એ વાત તો સાચી છે જ. જે સફળ લોકો છે તેના પર જેટલા અભ્યાસ થયા છે એમાં પણ એ વાત બહાર આવી છે કે, તેમણે પોતાના વિશે ક્યારેય નબળા વિચારો કર્યા હોતા નથી. માણસે પોતાના વિચારનું નિરીક્ષણ કરતા રહેવું જોઇએ. મને કેવા વિચારો, કેટલા વિચારો અને એ શું કામ આવે છે?
~ સમણ શ્રુતપ્રજ્ઞજી