સાધના યાત્રા: સાતમો દિવસ
કુન્નૂર(તમિલનાડુ)
એપ્રિલ ૨૩, ૨૦૨૫
એપ્રિલ મહિનો અહીં કુન્નૂર માટે પ્લેઝન્ટ મોસમનો દિવસ. ૨૦ ડિગ્રી ટેમ્પ્રેચર એટલે પ્રકૃતિના ખોળે આનંદ માણવાની ક્ષણો છે.
સવારનું ધ્યાન આદિ ક્રમ પૂર્ણ કરીને સવારે ૬. ૩૦ વાગે પ્રાકૃતિક વાતાવરણમાં જીરો પર્સેન્ટ પ્રદૂષણમાં હરિયાળી ઝાડીઓ વચ્ચે વોક કરવાનો એક વિશેષ નજારો હતો. મુકેશજી અને અમન સાથે પૂરું એક કલાક વોક કર્યા પછી પણ હજુ બીજી એક કલાક ચાલવા જેટલી ઉર્જા ફીલ થતી હતી.
આવી ને દૈનિક ક્રમ મુજબ ધ્યાનમાં બેઠો. નિયમિત લાંબુ ધ્યાન કરવાથી હવે વિકલ્પો શાંત પડવા લાગ્યા છે.
બપોરે અમનના ઘરે ગોચરી લેવા ગયા. બપોર પછીઅહીંની એક ચા બનાવાની ફેકટરીની મુલાકાત લીધી. ચા કેમ બને છે એની આખી પ્રોસેસ ખરેખર જોવા અને જાણવા જેવી છે. સાંજે પ્રાર્થના અને ધ્યાનનો ક્રમ પૂર્ણ કરી કેટલાક ચિનિંદા લોકો સાથે સત્સંગમાં બેઠા.
આજે ફ્રી ટાઈમમાં રોબિન શર્માની બુક વાંચતો હતો. એમને કહ્યું છે, માણસ રોજ સારા વિચારોથી દિવસ શરૂ કરે તો જીવવાની ગુણવત્તામાં અકલ્પિત વધારો થાય છે. રોજ સવારે શાંત વાતાવરણમાં એના માટે કેટલાક સૂત્રો રોજ સવારે રીપીટ કરવા જોઈએ તે આ પ્રમાણે છે:
✓ આજનો દિવસ મારા માટે ઇશ્વરના વરદાન તુલ્ય છે, એનો હું આદર કરું છું. આ દિવસને હું માણીશ અને તેનો ભરપૂર ઉપયોગ કરીશ. આવતી કાલ માત્ર એક વિચાર છે, આજ એ હકીકત છે.
✓ હું સર્વશ્રેષ્ઠ બનીશ, પીડિત નહીં. હું દેખાદેખી નહીં કરુ, જાત મહેનતથી આગળ આવીશ.
✓ હું ડરપોક નહીં, હિંમતવાન બનીશ. મારી શક્તિઓને બીજાના વાંક કાઢવામાં કે ફરિયાદ કરવામાં નહીં વાપરું પણ સર્જનાત્મક કાર્ય કરી શક્તિનું ગૌરવ વધારીશ.
✓ આજના દિવસે હું મારા ચિંતન માટે અને ડાયરી લખવા માટે સમય કાઢીશ અને સમયનો બગાડ કરતી વસ્તુઓથી દૂર રહીશ અને મારા સંકલ્પ પ્રમાણે દિનચર્યાને સાર્થક કરીશ.
✓આજે મેં મારી જાતને અને બીજાને આપેલા દરેક વચન પાડીશ. સારી આદતો રાખીશ અને મારા ચિત્તને પ્રસન્ન કરે એજ મેળવવા પ્રયાસ કરીશ.
✓ હું વાતો કરવાને બદલે કામ પર ધ્યાન આપીશ. બેજવાબદારીથી વર્તવાને બદલે નક્કર પરિણામ આપીશ.
✓ મને આરામની જરૂર હશે તો એને હું સમયનો બગાડ નહીં સમજુ. કારણ કે યોગ્ય આરામ વગર કામની ઘેલછા, મારી ક્ષમતામાં વધુ ઘટાડો કરશે.
✓ આજના દિવસે હું ગઇકાલ કરતા વધુ સમર્થ, વધુ આશાવાદી, વધુ હસમુખ અને વધુ કરુણામય રહીશ.
✓છેલ્લે હું મૃત્યુશૈયા પર હોઈશ ત્યારે, મેં કેટલા લોકોને પ્રેરણા આપી, કેટલાકની સંભાળ લીધી અને કેટલા પ્રત્યે મોટું મન રાખ્યું એજ મહત્વનું બની રહેશે.
✓ ઉચ્ચ સિદ્ધાંતો તરફની મારી આ સફરમાં મારી આ નાની નાની જીત મને મારી જ ઊંચાઈ અને સચ્ચાઈનો પરિચય કરાવે છે.
રોજ પ્રમાણે આજનો દિવસ મિનિંગફુલ રહ્યો. મન શાંત છે, વિકલ્પો રજા ઉપર છે, જાગૃતિની પળોનો અનેરો આનંદ છે.