નિષ્ણાતો કહે છે કે કોવિડ19 ઘણા સમય સુધી આપણી સાથે જ અને આપણી આજુબાજુ જ રહેવાનો છે. એટલે ખૂબ જ સાવધાની રાખવી પડશે. આની સામે લડવા શું કરવું જોઈએ? એક શિલ્ડનું નિર્માણ કરો. મીડિયાએ લગભગ બાહ્ય શિલ્ડ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એ પણ જરૂરી છે કેમ કે તે વાયરસને ફેલાતો અટકાવે છે. આમાં શારીરિક દૂરી, 20 સેકન્ડ સાબુથી હાથ ધોવા, માસ્કનો ઉપયોગ કરવો, અને સેનિટાઇઝર લગાતાર વાપરતા રહેવું. પરંતુ આમાં ઘણી વાર ચૂક થવી સંભવ છે. એટલે સાથોસાથ એક બીજું ભીતરી શિલ્ડ બનાવવું જરૂરી છે, જેની લગભગ આપણે અવગણના કરી છે. આ શીલ્ડનું નામ છે - રોગપ્રતિકારક શક્તિ. રોગપ્રતિકારક શક્તિ એ માઇક્રોસ્કોપિક આર્મી છે, જે આપણા મોઢામાં, નાકમાં, ચામડીમાં, ફેફસાંમાં, અને મળદ્વાર પાસે રહે છે. આ શક્તિને મજબૂત બનાવવી આપણા હાથમાં છે અને આ જ વાયરસ સામે લડવાનો સ્થાઈ ઉપાય છે. કેટલાક ઉપાયો – 1. પ્રાણાયામ કરો: દરેક પ્રાણાયામ ઓછામાં ઓછું 5-5 મિનિટ કરો. દિવસમાં બે વાર પણ કરી શકાય. એક - કપાલભાતિ કરો, બે - શ્વાસને નાકથી લ્યો અને મોઢાથી છોડો, ત્રણ - શ્વાસને અંદર લઇ, અંદર રોકો અને બહાર છોડી,બહાર રોકો - રોકી શકાય એટલું જ રોકો. 2. ખાલી પેટ ચાર સેટ સૂર્યનમસ્કાર કરો. 3. શરીરના કોઠા પ્રમાણે ઉકાળો પીઓ જેમાં આદુ, ફુદીનો, તુલસી,ગોળ, મરી, હળદર અને ઉપર જરાક ગાયના ઘીના ટીપા નાખી સેવન કરો. 4. દિવસમાં એકવાર કે વધુ બાફ લેવો. 5. જરા ગરમ એવા પાણીમાં અડધું લીંબુ નીચોવીને વારંવાર વાપરવું, 6. નિયમિત 10 મિનિટ ધ્યાન કે શવાસન કરવું. આ ઉપાય સરળ લાગે છે પણ સરળ હોવાનો અર્થ હંમેશા સરળ નથી હોતો. નિયમિત પ્રયોગ કરવા માટે ખૂબ જાગૃત રહેવું પડશે. જયારે આપણે આ બંને રક્ષા કવચનો ઉપયોગ કરીશું તો જાતને બચાવવાની સાથે આજુ બાજુ અને સમગ્ર રાષ્ટ્રને બચાવી શકીશું. સૌ પોતાના પ્રામાણિક પ્રયત્નથી આમાં વિજયી બને એવી પ્રાર્થના.
-સમણ શ્રુતપ્રજ્ઞજી પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
અત્યારે હજુ ચારેય બાજુથી લોકો ગભરાયેલા દેખાય છે. મૃત્યુનો ભય માથા પર છે. આવા સમયે બધાને એમ થાય કે અમે પરિવાર સાથે રહીએ અને આ એક સ્વાભાવિક અને સુરક્ષિત પ્રતિભાવ છે કે બધા સાથે રહીને આ વિકટ સ્થિતિનો સામનો કરી શકીએ. એટલે વ્યક્તિ કોશિશ કરે છે પોતાના કુટુંબજનો અને મિત્રોને નજીક લાવવાની, પૂરી દુનિયામાં જ્યાં પણ આપણા લોકો રહે છે તેને પાછા વતન બોલાવી લઈએ એવા પ્રયત્નો થઇ રહ્યા છે અને સરકાર આમાં સહાય કરી રહી છે. મુશ્કેલી એ છે કે આપણે ખરેખર આવા ખતરનાક સમયમાંથી પસાર નથી થઇ રહ્યા કે કોઈએ તમારા વિરોધમાં વોરન્ટ બહાર પાડ્યું હોય, આ કોઈ એવી મુશ્કેલી નથી કે આપણે બધા મરી જવાના છીએ, આ કોઈ પરમાણુ હુમલો નથી. કોઈ એવો મોટો ભૂકંપ પણ નથી આવ્યો કે જીવનને ખતરો હોય, આ કટોકટી અલગ છે અને તેના માટે ભાવનાત્મક લાગણીથી દૂર રહી એક તટસ્થ અભિગમથી કામ લેવાની જરૂર છે. આપણે એક પેન્ડેમિક - રોગચાળાના સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ. આ સમયે આપણો પ્રતિભાવ પારિવારિક મોહથી વિપરીત હોવો જોઈએ. આમાં એકસાથે ન રહેવું, દૂર દૂર રહેવું અનિવાર્ય છે, ઘરમાં રહેવું , આમાં કોઈ ગડબડ ન થવી જોઈએ, તો જ આપણે બચી શકીશું.. જ્યાં આમાં ગડબડ થઇ છે, ત્યાંની શું હાલત થઇ છે આપણી સામે છે. ઇટાલી સાથે બરાબર આવું થયું હતું જ્યારે તેમની સરકારે મિલાન બંધ કરવાનું શરૂ કર્યું… દરેક વ્યક્તિ બહાર નીકળી અને રોગચાળાને આગળ વધારવા માટે ગુડબાય ઇટાલી કહી તેમના કુટુંબના વતનમાં ભાગી ગઈ. આપણે ત્યાં ભારતમાં પણ આવું જ થયું - કેટલાય લોકો બહાર નીકળી ખુલ્લે આમ ગ્રુપ એક્ટિવિટી કરવા લાગ્યા, પરિણામ પૂરા દેશને ભોગવવું પડયું. કોરોના હજુ ઠંડો નથી પડયો, ખૂબ સાવધાન રહેવાની જરૂર છે અને સાથોસાથ ભારતના ઉજ્જવળ આયુર્વેદ, યોગ અને પારંપરિક વિધિયો દ્વારા પોતાની અંદરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની જરૂર છે.
સમણ શ્રુતપ્રજ્ઞજી પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
સમય મુશ્કેલી ભર્યો છે. ઘણા લોકો સંઘર્ષભર્યા સમયમાંથી ગુજરી રહ્યા છે. શું થશે કંઈ જ નક્કી નથી. આ બધાના કારણે હવામાં ભયનો વાયરસ છે. વધતા તનાવના લીધે રોગપ્રતિકારક શક્તિ કમજોર થઇ રહી છે. એ આપણને વધુ ચિંતામાં મૂકી દે છે. આ ઝેરીલા દુઃષચક્રમાંથી બહાર નીકળવા માટે કરુણારૂપી વાયરસમાં પ્રવેશ કરવો પડશે. આનો ઉચ્ચાર કોરોના જેવો લાગે છે. છતાં એ કોરોનાથી પણ વધુ અર્થસભર છે. કરુણા સંસ્કૃત શબ્દ છે. સારા સમાચારોની આપ-લે કરવી, સારા વીડિયો જોઈ નાચવું, પ્રેરણાદાયક વિચારોનું ચારેય બાજુ સંક્રમણ કરવું - આ બધાને આપણે કરુણા વાયરસ કહી શકીએ. કોરોના સામે કરુણાના આવાજને સામૂહિક રૂપે બુલંદ કરવાની જરૂર છે. એવી કેટલીએ ઘટનાઓ બની રહી છે જેમાં લોકો ભયના સ્થાને પ્રેમનો અને માનવતાનો પરિચય આપી રહ્યા છે. આખી દુનિયામાં કોરોના કરતા કરુણાની ઘટનાઓ વધુ સામે આવી રહી છે, આ ઘટનાના સદાય આપણા ચિત્તની સામે રાખવી જોઈએ અને એ જ આપણા આવતા ભવિષ્ય માટે નવી સંભાવનાઓ બનીને સામે આવશે. આપણે નવું જીવન પ્રારંભ કરવાના મધ્યમાં છીએ. કલ્પના કરી શકો કે ઇટાલિયન એરફોર્સ ગરીબોને સહાય કરી શકે, સ્પેનિશ સૈનિકો લોકોની સુરક્ષા અને હોંસલો વધારવા ગિટાર વગાડે, મહિલાઓ ઘરમાં વિપુલ પ્રમાણમાં માસ્ક બનાવી દાન કરે, ઈટાલીમાં કોરોના પીડિતોને મદદ કરવા ક્યુબા સફેદ વસ્ત્રોથી સજ્જ સેનિકો મોકલે, ભારતમાં લોકો પોલીસ અને ડોક્ટરોની સેવાના અનુમોદન માટે થાળી વગાડે, સામાજિક સંસ્થાઓ ઘરે ઘરે રાશન અને કોલેજનાં છોકરાઓ ઘરે ઘરે ટિફિન પહોંચાડે, મકાન માલિકો ભાડુઆતને ભાડાં લીધા વગર રહેવા દે, સેલિબ્રિટીઓ અને ક્રિકેટરો માનવતાને સંકટમાંથી બહાર લાવવા કરોડોનું દાન કરે, એટલે એવું લાગે કે ઘણીવાર સંકટના સમયે પ્રતિક્રિયા રૂપે આપણી ભીતરમાં પડેલા કરુણાના સંસ્કારો જાગૃત થતા હોય છે. પોલીસ ઘરની બહાર નથી નીકળવા દેતી છતાં વૈશ્વિક સ્તરે સહકાર વધી રહ્યો છે. શોપિંગ મૉલ ખાલી છે છતાં ઘરમાં ભોજનની કોઈ અછત નથી, સામાજિક અંતર જરૂર છે છતાં પોતાની બારીમાંથી ઝૂકીને પડોસીઓ સાથે ગીતો ગાવા માટે છોકરાઓ ઝૂમી ઉઠયા છે. દેશની બોર્ડરો હજુ શિલ્ડ છે છતાં આપણી સહયોગ ભાવના સાત સમુન્દર પાર સુધી પહોંચી છે. ભયના ગુપ્તચરો ચારેય બાજુ છે છતાં વિશ્વ શાંતિની દિવ્ય પ્રાર્થનાના સ્વર ચારેય બાજુ સંભળાય છે. ફાકી અને માવા માટે કાળા બજારી જરૂર દેખાતી હશે છતાં આ બધાની વચ્ચે ઈમાનદાર લોકો ચુપચાપ બીજાનું ભલું કરી રહ્યા છે, કોરોના પોઝેટીવ આવે કે ના આવે કરુણાને ચોક્કસ હજુ વધુ પોઝેટીવ બનાવીને જ રહીશું. આ આખુંય યુદ્ધ કોરોના અને કરુણા વચ્ચેનું છે.
સમણ શ્રુતપ્રજ્ઞજી
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
ચોક્કસ કોરોનાના લીધે નુકશાન ઘણું થયું છે. પરંતુ નુક્શાનની સામે ફાયદાનું લિસ્ટ રાખશો તો એ લાબું હશે. અનેક ફાયદાની વાતો આપણે જોઈ ગયા છીએ. અહીં એક ફાયદાની ચર્ચા કરવી છે અને તે છે આપણું સ્વાસ્થ્ય. કોરોના પોઝેટીવથી અનેક લોકો બીમાર પડ્યા છે. પરંતુ કોરોનાના નિમિત્તે અનેક લોકોનું સ્વાસ્થ્ય આડકતરી રીતે સુધર્યું છે. કોરોનાની બીમારી સિવાય હમણાં અન્ય કોઈ બીમારીની ખાસ ચર્ચા થતી નથી, કેમકે એને દેહના દ્વાર ખટખટાવાનું જ બંધ કરી દીધું છે. કોઈએ સાંભળ્યું કે કોઈને માથું દુઃખે છે, એસીડીટી હેરાન કરે છે, શરીરમાં કળતર થાય છે, હાડકાનું ફેક્ચર થયું છે ! નહીં સાંભળ્યું હોય, કેમકે આવા નાના મોટા અનેક રોગો ક્યાંય રવાના થઇ ગયા છે. અને તેનું મૂળ કારણ આપણું ખાનપાન સુધર્યું એટલે આપણું આરોગ્ય સુધર્યું. કેટલી ખરાબ ટેવ પડી ગઈ હતી બહાર ખાવાની ! જીભને કેવું માફક આવી ગયું હતું હોટેલનું સ્વાદિષ્ટ ખાવાનું ! દરેક બે ચાર દિવસે બહારનું ખાવાનું ન મળે તો ચેન નહોતું પડતું, યુવાનોને ફાસ્ટ ફૂડનો ચસ્કો લાગી ગયો હતો. બહેનોને પાણીપૂરી વગર મજા નહોતી આવતી, બાળકોને આઈસ્ક્રીમ વગર પેટમાં નિરાંત નહોતી થતી, અને હવે હોટલો બંધ છે, ફાસ્ટફૂડ ખાવું ખતરનાક છે, પાણીપૂરીની લારીઓ અને લારી ચલાવવાવાળા ભૈયાઓ પોતાના વતન રવાના થઇ ચૂક્યા છે, આઈસ્ક્રીમ કે ઠંડા પેય પીવા આજની પરિસ્થિતિમાં હિતાવહ નથી. કોરોનાએ લોકોની જીવનશૈલીમાં એક ગજબનું શિસ્ત લાવી દીધું છે. લોકો હવે ખાવા પીવા બાબતે ખૂબ સાવધ થઇ ચૂક્યા છે. કેમકે મરવું કોઈને ગમતું નથી. હવે લોકો ત્રણેય ટાઈમ પોતાના ઘરે ખાવા લાગ્યા છે, પત્નીના હાથનું ખાવાનું હવે મીઠું લાગે છે. એટલું જ નહિ એ ભોજન વધુ સાત્વિક અને આરોગ્ય વર્ધક હોય છે. ઘણા પતિઓ પણ હવે લોકડાઉનમાં ઘરે રસોઈ કરતા થયા છે. યુવક યુવતીઓ પણ હવે મમ્મી પાસે કુકીંગ શીખે છે. આ એક ખૂબ સારી બાબત છે. આના પરિણામે લોકોનું મેડિકલ બિલ સાવ જ ઘટી ગયું છે. એક્સરે, એમ આર આઈ અને રિપોર્ટ કરાવાના ખર્ચા સાવ બંધ થઇ ગયા છે. આ ઉપરાંત લોકો ઘરમાં નવરા હોવાથી યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરતા થયા છે, આયુર્વેદિક ઉકાળો પીવાની ટેવ પડી ગઈ છે, પુસ્તકો વાંચવાની રુચિ જાગી છે, જીવનમાં કોઈ ભાગાદોડ નથી એટલે તન - મનને ખૂબ આરામ મળી રહ્યો છે, લોકોને કુદરત અને ઈશ્વર પ્રત્યે ભરોસો વધ્યો છે, થોડે મેં ગુજારા હોતા હૈ - આ વાક્ય હવે જીવનમાં વણાઈ ગયું છે. આ જીવન શૈલી જો હંમેશા માટે રહે અને ફરી પાછી કૂતરાની પૂંછડીની જેમ મનનું પૂંછડું વાંકુ ન થાય અને સીધા પાટે ચાલે તો આરોગ્યના નવા વિજ્ઞાનનો જન્મ થશે.
સમણ શ્રુતપ્રજ્ઞજી પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
એકલાપણુ એ મનની નકારાત્મક અવસ્થા છે. એમાં બીજાની ઉપસ્થિતિની માંગ છે કેમકે બીજાની ગેરહાજરી કંટાળો ઉપજાવે છે. બહારથી કોઈ જુએ તો એને લાગશે કે તમે એકલા છો, પરંતુ અંદરમાં ભીડ ભરેલી છે. એકલા રહેવામાં તમે રાજી નથી. પરિણામે કંટાળીને તમે કંઈક ને કંઈક ન કરવાનું કરવા લાગશો - સમાચાર પત્ર વાંચશો - ટીવી ચાલુ કરશો, કોઈકને ફોન કરવા બેસશો. જો તમને ભીડ ગમે છે તો યાદ રાખજો તમે એકલા નહિ રહી શકો. આ અભ્યાસ એક જન્મનો નથી, અનેક જન્મોનો છે. આ ભીડના સંસ્કાર તમને એકલા રહેવા નથી દેતા. આપણું મન એ ભીડનો જ એક ભાગ છે. ચેક કરજો કે મનમાં શું ચાલે છે - એ જ ચાલતું હશે જે તમને ભીડે આપ્યું છે. એકાંત એ બીજા પ્રકારનું એકલાપણુ છે. આ આત્મમુખી ભાવ દશા છે. એકલાપણાનો પૂરી સમજદારી પૂર્વકનો સ્વીકાર એ એકાંત છે. એકાંતનો અર્થ છે - હવે તમને પોતાનામાં રસ અને આનંદ આવવા લાગ્યો.એકાંતમાં પોતાની જાત સાથે હોવાની એક અલગ મજા છે. અહીં કોઈની ગેરહાજરી પજવતી નથી, પોતાનું સાનિધ્ય જ પોતાને શાંતિ આપે છે. આમાં કોઈ વ્યસ્તતા પણ નથી અને કોઈ ભીડ પણ નથી. પોતાની જાત સાથે શાંતિનો અહેસાસ છે.મનનું પંખી બસ પોતાના માળામાં આવી ગયું.આ ધ્યાનની અવસ્થા છે. ગૃહસ્થ અને સંન્યાસીમાં ફરક શું? ગૃહસ્થ એટલે એવી વ્યક્તિ જે સંબંધ બનાવીને ભીતરના એકાંતને ઢાંકવાની કોશિશ કરે અને સંન્યાસી એટલે જેને એ જાણી લીધું કે આ એકાંત એ મારો સ્વભાવ છે, તેનાથી ભાગવાની કોશિશ કરવાના બદલે તે એકાંતને ભોગવે છે. એકાંત જ એની સાચી શરણ છે. સંસારના તાપથી બચવા માટે પોતાના એકાંતમાં ઉતરી જાય એ સંન્યાસી. આવા સંન્યાસીને ખબર છે કે એકાંતમાં જ જીવનનું ફૂલ ખીલે છે. ત્રીજું એકાંત છે - કૈવલ્ય. આમાં ન પોતાનું સ્મરણ છે, ન અન્યનું, માત્ર બોધ છે, માત્ર સમાધિ છે. આ આનંદની અવસ્થા છે. આ ન નકારાત્મક દશા છે, ન સકારાત્મક, આ આત્માનો મહોત્સવ છે. એકાંતમાં ચોવીસ કલાક ન રહી શકાય, કૈવલ્ય દશામાં જ્ઞાની ચોવીસ કલાક રહે છે. આ વીતરાગની અવસ્થા છે. કૈવલ્ય એટલે હવે માત્ર આત્મા જ રહ્યો, આત્માસિવાય કોઈનું અસ્તિત્વ નથી.
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
જો તમને એ વ્યક્તિ ગમતી હોય જેની સાથે અત્યારે તમે એકલા છો, તો તમને એકલાપણુ ક્યારેય નહિ લાગે. એકાંતમાં મૂળતઃ અન્ય માણસોથી દૂર રહેવાની વાત છે. એકાંતમાં રહેવાના અનેક તબક્કાઓ અને ભૂમિકાઓ છે. પ્રારંભમાં ભીડથી સંપૂર્ણપણે મુક્ત એકલા રહીને કોઈ સારી પ્રવૃત્તિ કરવી એ પ્રારંભિક અને પહેલા તબક્કાનું એકાંત છે. આ એકાંતમાં શરીર અને મન સક્રિય છે. પ્રકૃતિ અને પર્યાવરણ સાથે સમય વિતાવવો એ બીજા તબક્કાનું એકાંત છે. પ્રકૃતિના દ્રશ્યો જોવા, પક્ષીઓના અવાજો સાંભળવા, પ્રકૃતિના ખોળામાં આરામ કરવો એ આ એકાંતમાં આવે છે. એકલા બેસી કોઈ સારું પુસ્તક વાંચવું કે લખવું અથવા કોઈ મૌલિક સર્જન કરવું એ ત્રીજા તબક્કાનું એકાંત છે. એકાંતમાં પુસ્તક વાંચવાનો કે લખવાનો આનંદ જ કંઈક અલગ છે. લેખકને જો એકાંત મળી જાય તો એ અદ્વિતીય લેખન દ્વારા મૌલિક સાહિત્ય સર્જન કરી શકે છે. એકલા બેસી જે વિચારો આવે એ ડાયરીમાં ઉતારી વિચારોની અભિવ્યક્તિ કરવી એ ચોથા તબક્કાનું એકાંત છે. ડાયરી લખવી એ ખૂબ સારી અને ઉપયોગી આદત છે. ડાયરી લખવાથી તન - મન સ્વસ્થ બને છે, જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ વધુ સ્પષ્ટ બને છે. વિચારોને અભિવ્યક્ત કરવાની ક્ષમતા વધે છે. એકલા ધ્યાનમાં બેસી વિચારોને સાક્ષી ભાવે જોતાં જોતાં અચાનક થોડીવાર માટે નિર્વિચારમાં સરી પડવું અને આનંદની અનુભૂતિ કરવી એ છેલ્લા અને પાંચમા તબક્કાનું એકાંત છે. આ એકાંતમાં યોગીઓ રહેતા હોય છે. આ એકાંત ધ્યાન અને મૌન માટે ઉત્તમ છે. એકાંતમાં ઊંઘ પણ લઇ શકાય અને એકાંતમાં મૌન પૂર્વક ધ્યાન પણ કરી શકાય. આ તબક્કો મૌન - ધ્યાન માટે છે. મૌન અને ધ્યાનમાં અદભૂત તાકાત રહેલી છે. મૌન અને ધ્યાનથી ભીતરની ઉર્જાનો વિસ્ફોટ થાય છે. આ ઉર્જાના પ્રભાવથી અનેક કલ્પનાતીત ચમત્કારો એની મેળે થવા લાગે છે. સાધક ધ્યાન દ્વારા જયારે નિર્વિચાર બને છે ત્યારે આત્મ સાક્ષાત્કારની ઘટના ઘટવા લાગે છે. હું એકવાર મારા મિત્ર સાથે યાત્રા કરતો હતો, અમે બહુ ઓછું બોલતા, અમે સાથે મળીને માત્ર શાંત હતા. જ્યાં જરૂરી હોય ત્યાં થોડા શબ્દોથી વાત થઇ જતી, બાકી બે શબ્દો વચ્ચે અમે પોત પોતાના મૌનનો આનંદ માણતા હતા. એ મૌન અને આનંદ બંને દિવ્યતાનો બોધ કરાવતા હતા. રમણ મહર્ષિ હંમેશા મૌનમાં રહેતા અને મૌનમાં રહી એ મૌન સંવાદ કરતા. એમના દિવ્ય મૌનથી અનેક ભક્તોની મુશ્કેલીઓ આપમેળે ઉકેલાઈ જતી હતી.
સમણ શ્રુતપ્રજ્ઞજી
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
એકલા રહેવું અને એકલા રહી પોતાના એકાંતને માણવું એ જીવનનું સૌભાગ્ય છે. ઘણા લોકોને આવું સૌભાગ્ય મળતું નથી અને મળે તો એ તેને માણી શકતા નથી. એકાંતને માણવાની સાધના અને અભ્યાસ નાનપણથી કરવો જોઈએ. દરેક માબાપે થોડી વાર એકાંતમાં પોતાની જાત સાથે રહેતા શીખવું જોઈએ. પોતે એકાંતમાં રહેતા શીખશે તો બાળકોમાં પણ એકાંતમાં રહેવાના સંસ્કારો નાખી શકશે. સફળ બાળપણ કોને કહેવાય? જે ખરેખર પોતાના નિજી એકાંતને માણી શકે એ સફળ બાળપણ કહેવાય.
બાળકોને પ્રકૃતિમાં એકલા છોડી દો અને છૂટથી રમવા દો. આમ કરીને તેઓ પોતાની જાત સાથે એકલા રહેતા શીખે છે. બાળકને એકાંતમાં રહેવાની એક આ રીત છે. જો તેના બદલે, તમે તેમને બેબી બાઉન્સરમાં મૂકી દો કે જેમાં આઈપેડ અથવા આઇફોન અથવા લેપટોપ માટે સ્લોટ હોય, તો તેઓ હંમેશાં કોઈ અન્ય બહારની વસ્તુના સંપર્કમાં આવે છે, પરિણામે પોતાની જાત સાથેનો સંપર્ક ગુમાવે છે, આવું પછી હંમેશા માટેની ટેવ પડી જાય છે. બાળક જયારે પ્રકૃતિ સાથે હોય છે ત્યારે એ પોતાના મન અને કલ્પનાના સંપર્કમાં છે અને સાધનો સાથે એ બહારના સંપર્કમાં છે - આ ભેદ સમજાઈ જવો જોઈએ.
ઘણાને લાગશે એ બાળકને શું ખબર એ શું મિસ કરે છે? બાળકને બધી જ ખબર છે અને એ કાંઈ પણ મિસ કરતો નથી. પ્રકૃતિની રહસ્યાત્મક દરેક વસ્તુ એના માટે એક અર્થ ધરાવે છે. એ અન્ય કોઈ વસ્તુ પાછળ પાગલ નથી અને એને કાલની કોઈ ચિંતા નથી. એને જવું હશે તો પ્રકૃતિના અસીમ ખોળામાં જશે, જિજ્ઞાસા કરશે, એની પાસે પૂરતો સમય છે, શ્રદ્ધા છે અને એના રસ્તામાં જે આવશે એની સાથે એ મસ્તીનો અનુભવ કરશે. એ જ બાળક થોડું મોટું થાય ત્યારે પણ તેની એકાંતમાં રહેવાની આ ટેવ ચાલુ રાખો.
દરેક સ્કૂલમાં બાળકને થોડી ક્ષણ એકાંતમાં રહેવાની વ્યવસ્થા હોવી જોઈએ. એકાંતમાં રહીને એ પોતાની જાત વિષે, પોતાના ભવિષ્ય વિષે, પોતાના લેવાના નિર્ણયો વિષે ખૂબ ઊંડાણથી વિચારશે. એટલું જ નહિ, બાળકના મનમાં ભણવાને લઈને ઉભી થતી ચિંતાઓ અને પરીક્ષાના ભયથી મુક્ત રહી પોતાના મનને તનાવ મુક્ત રાખી શકશે. એકાંતમાં રહેવાથી ખરેખર તો માણસની અંદર છૂપાયેલા દિવ્ય ગુણોનું પ્રગટીકરણ થાય છે. બાળકને જો તમે આ ટેવ પડાવી દેશો તો એના માટે તમારી આ સૌથી મોટી ભેંટ ગણાશે. પછી કોરોના જેવી ગમે તેવી ભયાનક સ્થિતિ આવે એ એકલા રહેવાની મોજને માણી શકશે કેમકે એકલા રહેવું હવે આનંદ છે, આફત નથી.
એકલા રહેવું એ એક કળા છે. આ કળા બહુ ઓછા લોકોને હાથ લાગે છે. બાકી તો આપણે બધા ભીડમાં જીવનાર અને ભીડ પ્રમાણે વર્તનાર પ્રજા છીએ. જે વ્યક્તિ દિવસભરમાં 10-15 મિનિટ પણ એકલા એકાંતમાં શાંતચિત્તે બેસી શકે તો એનામાં ગજબનું પરિવર્તન આવવા લાગે છે. આવી ક્ષણોમાં વ્યક્તિ પોતે કોણ છે, એ શું કરે છે, જે કરે છે તે યોગ્ય છે કે અયોગ્ય, જીવનમાં ખરેખર શું કરવું જોઈએ? આ બધા પ્રશ્નોના જવાબ કોઈને પૂછ્યા વગર તેની અંતઃપ્રજ્ઞમાંથી જ પ્રગટે છે. એકલા રહેવાની ક્ષમતા એ તમારા વિશે અને તમે કોણ છો એ બાબતે પૂરેપૂરું જાણવાની ક્ષમતા છે અને તમે જે છો અને જેવા છો એ જાણીને તમને આત્મસંતોષ થશે. આવું કરશો તો તમે અન્ય વ્યક્તિને પણ એ જેવી છે તેવી જ જાણી શકશો અને સ્વીકારી શકશો. અન્ય વ્યક્તિ તમારા જેવી જ હોવી જોઈએ એવો આગ્રહ તમે નહિ રાખો અને એવો પ્રયાસ પણ તમે નહિ કરો. કેમકે આમ કરીને તમે તમારા સ્વભાવની નાજુક સમજને સમાપ્ત કરો છો અને એ વ્યક્તિની અનન્યતાનું અપમાન કરો છો. એટલે જયારે વ્યક્તિમાં પોતે જેવી છે તેવી સ્વીકારવાની ક્ષમતા જાગે છે ત્યારે એ બધાને પણ એ જેવી છે એવી સ્વીકારી શકે છે. આમ કરીને એ પોતાની જાત સાથેના સંબંધની જેમ એ અન્ય સાથે પણ વાસ્તવિક સંબંધ રાખી શકશે. અહીં દરેક વ્યક્તિ અનન્ય અને બેજોડ છે. જે પોતાને અને અન્યને એ જેવા છે એવા ઓળખી શકતા નથી અને સ્વીકારી શકતા નથી એ જીવનમાં એકલા પડી જાય છે, કેમકે આવા લોકો સંબંધો બાંધી શકતા નથી અને બાંધે તો સાચવી શકતા નથી. આવા લોકો બીજાને માત્ર સ્પેરપાર્ટની જેમ વાપરે છે. પરિણામ સ્વરૂપ આવા લોકો અંતે એકલાપણાનો શિકાર બને છે. જે એકાંતમાં રહી શકે છે એ જ સંબન્ધોને સારી રીતે સાચવી શકે છે.
સમણ શ્રુતપ્રજ્ઞજી
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ
કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં માણસ લોકડાઉનના કારણે ઘરમાં બંધ છે. તમે આખો દિવસ શું કરો છો? જરા હિસાબ માંડજો. કેટલાય એવા માણસો હશે જે આખા દિવસમાં વિશેષ કાંઇ જ નહિ કરતા હોય, આવા લોકો પોતાના દિવસોને ચિલા ચાલુ કામકાજોથી પૂરો કરી દે છે. પાશ્ચાત્ય દાર્શનિક પાસ્કરનું વચન છે - આધુનિક માણસની મોટામાં મોટી મુશ્કેલી અને મોટામાં મોટું દુઃખ એ છે કે એ પોતાના રૂમના ખૂણામાં 10 મિનિટ પણ ચૂપચાપ પલાંઠી મારીને બેસી શકતો નથી.' કામનું તો જાણે એક વ્યસન થઇ ગયું છે. એક દ્રષ્ટિએ આ દારૂ કરતા પણ આ મોટું વ્યસન છે. દારૂ તો કદાચ શરીરને બરબાદ કરે છે, વ્યસ્ત રહેવાનું અને કામ કરવાનું વ્યસન તો મનને કમજોર અને આત્માને મૂર્છિત કરે છે.
માણસનો સામાન્ય રીતે એવો સ્વભાવ પડી ગયો હોય છે કે એ પોતાની જાતથી બચવા હંમેશા વ્યસ્ત રહે છે અને સતત ભીડમાં રહેવાનો પ્રયત્ન કરે છે. માણસ પોતાની જાતને હંમેશા નકારે છે, તમે તમારી જાત સાથે બેસવામાં કંટાળો છો તો વિચારો કે તમારી સાથે બેસનાર કેટલો કંટાળતો હશે ! પોતાની તો જાણે કોઈ કિંમત જ નથી. આ કારણે પોતાના માટે વિચારવાનો અને પોતાની જાતને સંવારવાનો સમય જ નથી રહેતો. જો કે સમય તો ખૂબ છે, સમય નથી એ બહાનું તો હવે નકામું થઇ ગયું છે. મોસ્ટલી ઘણાં ખરા લોકો સાવ જ નક્કામા કામોમાં પોતાની મૂલ્યવાન ઉર્જાને વેડફી નાખે છે.
પોતાની જાત સાથે માણસ બેસી શકતો નથી, કેમકે પોતાની ભીતર બેઠેલા શૈતાનની મુલાકાત કરવી બહુ મોટી સાધના અને સાહસ માંગે છે. આપણે પોતાનાથી એટલા ગભરાયેલા છીએ કે પચાસ ન કરવાના કામ કરીશું પણ પોતાની જાત સાથે બેસી આનંદની અનુભૂતિ નહિ કરીએ. કોઈએ સરસ કહ્યું છે - ' મૂર્ખ માટે એકાંત દુઃખ છે, જ્ઞાની માટે એકાંત સુખ છે.' પોતાની જાતથી ભાગીને ક્યાં જશો? અને ક્યાં સુધી ભાગશો? ક્યારેક તો પોતાની જાત સાથે રહેવાનું એપોઈન્ટમેન્ટ તો લેવું જ પડશે. અત્યારે અવસર છે આનો અભ્યાસ કરવા માટે.
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ