સાધના યાત્રા : પાંચમો દિવસ — મૌનમાંથી આત્મસુખ સુધી (તિરુવન્નામલઈ, ૨૧ એપ્રિલ, ૨૦૨૫)
Peace of Mind

સાધના યાત્રા : પાંચમો દિવસ — મૌનમાંથી આત્મસુખ સુધી (તિરુવન્નામલઈ, ૨૧ એપ્રિલ, ૨૦૨૫)

સાધના યાત્રા: પાંચમો દિવસ

તિરુવન્નામલી, તમિલનાડુ

એપ્રિલ 21, 2025

~ સમણ શ્રુતપ્રજ્ઞજી

આજે રમણ આશ્રમમાં ધ્યાન મૌન સાધનાનો પાંચમો દિવસ પૂરો થઈ રહ્યો છે. ઘણા વખતથી આવવાની ઇચ્છા હતી. જીવનનો એક શુભ મનોરથ પૂરો થયો. સારી અનુભૂતિ થઈ.

સ્વયંની સ્થિરતા, આત્મશાંતિ અને ધૈર્ય માટે મૌન ધ્યાન સાધના અનિવાર્ય જેવી લાગે છે. આમ તો ધ્યાન ઘણા વર્ષોથી કરું છું, પરંતુ મહર્ષિ રમણની ઓરામાં બેસવાનો એક અનુઠો અનેરો પ્રયોગ હતો.

મૌન ખરેખર ધ્યાનમાં જવા માટે ખૂબ મદદરૂપ થાય છે અને એમ પણ અનુભવાયું કે ધ્યાનમાં ઉતરો એટલે આપોઆપ બોલવાની વૃત્તિ વિરામ પામે છે.

અધ્યાત્મની દુનિયામાં ધ્યાનના અનેક પ્રયોગો પ્રચલિત છે. મહર્ષિ રમણનો આ પ્રયોગ: *હું કોણ છું?*- અતિ સરળ છે. એમાં વિશેષ કોઈ અનુશાસનની કે માર્ગદર્શન આપનાર ગાઈડની જરૂર રહેતી નથી. બસ, ધ્યાનમાં બેસો અને અંદરમાં પૂછ્યા કરો: *હું કોણ છું?* વિચારો આવે તો પણ અંદર જુઓ આ વિચાર ક્યાંથી આવે છે અને કોણ કરાવે છે? આમ કરતા કરતા વિચારો સ્વતઃ શાંત પડશે અને એક નિર્વિચાર દશા અનુભવમાં આવશે.

જેમ તમારી ચારેય બાજુ ઘણી પ્રવૃતિઓ ચાલ્યા કરતી હોય છે, એનાથી તમને કોઈ ફરક પડતો નથી, એમ ધ્યાનમાં મનના વિચારો, ભાવોની ઉથલપાથલ ચાલ્યા કરતી હોય છે, એનાથી ધ્યાન ભંગ ન થાય એ સ્થિતિ લાવવાની છે. આવું લક્ષ્ય બનાવીને ધ્યાનમાં બેસશો તો ખરેખર ધ્યાનમાં ઉદભવતા વિચારો તમને હેરાન નહીં કરે, એ એનું કામ કરશે અને તમે ધ્યાનની ગહેરાઇમાં હશો. આ સ્થિતિ આવે એટલે ધ્યાન પકડાયું એમ કહેવાય.

પતંજલિ યોગ સૂત્રમાં લખે છે કે "ચૈતન્યનો આનંદ નિર્વિચાર દશામાં જ અનુભવાય છે. નિર્વિચાર દશા એટલે મનથી પરેની આત્મિક દશા. આવી સ્થિતિમાં સાધક આત્મરતિમાં ડૂબવા લાગે છે. આ એક એવો નિરપેક્ષ આનંદ છે કે અહીંયા ભોગ ભોગવવા માટે કોઈના સાથની જરૂર રહેતી નથી.

આવો સાધક આત્મભોગમાં લીન હોય છે. આવા સાધકને પછી મૈથુન સુખની તુચ્છ આકાંક્ષા ક્યાંથી રહે? સાચું દમન રહિત બ્રહ્મચર્ય અહીં સાધકમાં પ્રગટ થાય છે. નરસિંહ મહેતા કહે છે એમ *"બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.."* આત્મા આત્મસુખનો ભોગ કરે છે.

અહીં ધ્યાનનો એક તબક્કો પૂરો થાય છે. આજે રાત્રે કોયમતૂર પાસે આવેલા કુન્નૂર શહેરમાં જાઉં છું. પાંચ દિવસનું ત્યાં ઠહેરાવ છે.

~ Samanji

 

Add Comment