માર્ગાનુસારીનો ત્રીજો ગુણ છે - ઉચિત વેશ:
વસ્ત્રો છેલ્લી ઢબના ન હોય, જાતીય વૃત્તિ ઉત્તેજિત ન થાય એવા મર્યાદા યુક્ત વસ્ત્રો હોય. નિમિત્તોનો આપણા અનાદિ કુસંસ્કારો ઉપર અસર થાય જ છે. નિમિત્તોથી બચવું પાપથી બચવા માટે અનિવાર્ય છે. આજે લોકો વસ્ત્રોની બધી જ મર્યાદા ઓળંગી ચૂક્યા છે, એના કારણે કેટલાય યુવાનો અને મોટા પણ જીવનની બરબાદી કરી ચૂક્યા છે અને કરી રહ્યા છે. સૌંદર્ય હલકટ વસ્ત્રો પહેરવામાં નથી, પરંતુ શાલીન અને મર્યાદાપૂર્વકના વસ્ત્રો પહેરવામાં છે.
માર્ગાનુસારીનો ચોથો ગુણ છે - ઉચિત ઘર:
ઘર કેવું હોવું જોઈએ અને ક્યાં હોવું જોઈએ? બારી બારણાં યોગ્ય પ્રમાણમાં હોય, ઘર સારા પાડોશવાળું હોવું જોઈએ, ધાર્મિક સ્થળ નજીક હોય એવું ઘર હોય, કલ્યાણ મિત્રોનો યોગ હોય અને સંતોનો લાભ મળે એવું ઘર હોય એ જરૂરી છે.
માર્ગાનુસારીનો પાંચમો ગુણ છે - ઉચિત વિવાહ:
ભિન્ન ગોત્ર હોય અને સમાન કુળ અને શીલ હોય. વ્યક્તિ સાથે બંધાતા સંબંધથી ઘરમાં માત્ર વ્યક્તિ જ નથી આવતી, વ્યક્તિના જીવનમાં રહેલા તમામ સંસ્કારો અને એની સાથે જોડાયેલ દરેક વ્યક્તિના સંસ્કારો અને આદતો સાથે આવે છે.