આત્મ નિરીક્ષણથી ક્ષમાપનની યાત્રા વાયા પર્યુષણ પર્વ
- સમણ શ્રુતપ્રજ્ઞજી
પર્યુષણ પર્વનો સંદેશ:
પાવન પર્યુષણ પર્વ પ્રારંભ થઇ રહ્યું છે. આ મહાન આધ્યાત્મિક પર્વનો સંદેશ છે - સ્વરુપને ઓળખો. માણસ બધા માટે સારું નરસું બધું કરે છે, માત્ર પોતાની જાતને એ ભૂલી જાય છે. પોતાને ભૂલનાર માનવી સભાન નથી હોતો, સભાન ન હોય એ ભૂલો કરવાનો જ છે. જાતને શા માટે ઓળખવી? આવો પ્રશ્ન થઇ શકે. જાતને એટલે ઓળખવાની છે કે જે કંઈ મહત્વનું છે એ માનવીની ભીતરમાં છે. દુનિયાનું શ્રેષ્ઠ પ્રદાન એને જ કર્યું છે જે ભીતરના પારખું હતાં. આજે માણસને પોતાને માટે જ સમય નથી. સમય નથી કહેવું પણ યોગ્ય નથી, મૂળમાં પોતાનામાં રુચિ નથી. એ કારણે જ માણસ પાસે બહારનું બધું હોવા છતાં એ અંદરથી દુઃખી છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને જન્મની સાથે આ બધું જ્ઞાન વિરાસતમાં મળ્યું છે. પશ્ચિમી જગતે અંદરની દુનિયાને શોધવાની હવે શરૂઆત કરી છે.
આપણી પાસે તો આ જ્ઞાન અને ધ્યાન સદીઓથી છે. આપણે આ અમૂલ્ય વારસાને જાણવાનું ચુકી જઈએ તો મૂર્ખ જ કહેવાઈએ ને. જૈન ધર્મએ અને મહાવીર સ્વામીએ આપણને કેટ-કેટલું આપ્યું છે. આ પર્યુષણ પર્વ એ જ સંદેશ આપે છે કે થોડીવાર પોતાની જાત સાથે બેસીએ, જેને લોકો ધ્યાનના નામથી ઓળખે છે. જાત સાથે બેસવાથી જ પોતાને ઓળખી-પારખી શકીશું. પોતાના દોષોને જોઈ શકીશું અને પોતાની અચ્છાઇઓ સાથે રૂબરૂ થઇ શકીશું. આખી દુનિયામાં તમે અનેકોને મળો તો પણ એમ ન માનતા કે તમે એકલા નથી, જાતને ન મળો ત્યાં સુધી લાખોની ભીડ વચ્ચે પણ તમે એકલા છો. લાખો મેળા અને હજારો મહેફિલો પણ ફિક્કી છે જ્યાં સુધી જાત સાથેનો ભેટો ન થાય. આ પર્યુષણ પર્વ બહારથી ડિસ-કનેક્ટ થવાનું અને જાત સાથે કનેક્ટ થવાનું શીખવે છે. જાત સાથે જે કનેક્ટ થાય એ જ જાતને કરેક્ટ કરી શકે. માંહ્યલો જાગે એવી આ પર્વમાં સાધના કરવાની છે.
આત્મ નિરીક્ષણ
પર્યુષણ પર્વની આરાધનાનો પ્રારંભ થવો જોઈએ આત્મ નિરીક્ષણથી અને પૂર્ણતા થવી જોઈએ ક્ષમાપનાથી. આ પર્વ માણસને જાત સાથે રૂબરૂ થતા શીખવે છે. જાતને જોયા વિના ભીતરી બદલાવ કોઈ સંજોગોમાં આવતો નથી. એટલે જ્ઞાનીઓએ કહ્યું છે: તારો મોટામાં મોટો દુશ્મન તને જે રીતે નિહાળે એ રીતે તારી જાતનું નિરીક્ષણ કરજે, અને તો જ તું તારી જાતનો મોટામાં મોટો મિત્ર બની શકીશ.
આત્મ નિરીક્ષણ એટલે પોતાના નાનામાં નાના દોષોનું અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલોને જોવી. પોતાના દોષો અને ભૂલો જોવી એ ખૂબ જ અઘરું કામ છે. કેમ કે મારો ઈગો વચ્ચે આડો આવે છે. એ ઈગોને બીજાના દોષો તો દેખાય છે, પણ પોતાની ભૂલો નથી દેખાતી. આત્મ નિરીક્ષણ કર્યા વિના અધ્યાત્મની શરૂઆત થતી નથી. આત્મજ્ઞાનીઓ કહે છે: આંખોમાં આંસુ ન આવે ત્યાં સુધી પોતાની ભૂલો અને દોષો જોયા જ કરજો. પર્યુષણ પર્વમાં જો આવું કરી શકીશું તો એ ભૂખે રહ્યા વિના મોટું તપ કરવા બરાબર છે. આવું તપ કરીને આપણે વધુ ઉજળા અને ભાગ્યવાન બનીશું.
કળિયુગના પાંચ કલંક:
આ પંચમકાળના પાંચ કલંક છે. પર્યુષણના સંબંધમાં તેને સમજીએ.
1. હિંસા યુગ: કળિયુગનું પહેલું કલંક હિંસા છે. આ યુગ હિંસાનો છે. જો કે હિંસા પહેલા પણ હતી પરંતુ અત્યારે તેને ટેક્નોલોજીના માધ્યમે ખતરનાક રૂપ લીધું છે. પશ્ચિમ તો હવે ગન ક્લચર તરફ જઈ રહ્યું છે. જ્યાં ચારેય બાજુ હિંસાનું વાતાવરણ હોય ત્યાં અહિંસાની પ્રતિષ્ઠા જીવનમાં ક્યાંથી થશે? પર્યુષણ પર્વમાં કલ્પસૂત્રમાં શ્રાવકો માટે જે પાંચ કર્તવ્ય બતાવ્યા છે એમાં પહેલું છે - અમારી પ્રવર્તના. અમારી પ્રવર્તના એટલે જીવન વ્યવહારમાં અહિંસાની પ્રતિષ્ઠા. જૈન લોકોમાં એવા સંસ્કારો છે કે એ આઠ દિવસ બને એટલી હિંસાથી દૂર રહેશે. આઠ દિવસ જ કેમ? અહિંસાનું વધુમાં વધુ આચરણ જીવનભર થવું જોઈએ. અમારી પ્રવર્તનાના બળે જ કુમારપાળના ગુજરાતમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના આશીર્વાદથી અહિંસાની પ્રતિષ્ઠા થયેલી.
2. સ્વાર્થ યુગ: કળિયુગનું બીજું કલંક સ્વાર્થ છે. અહિયાં લગભગ દરેક વ્યક્તિ પોતાના ન્યસ્થ સ્વાર્થના કેન્દ્રમાં જીવે છે. મારું ભલું થવું જોઈએ, મને સુખ સગવડ મળવી જોઈએ, પોતાના સ્વાર્થની પૂરતી માટે માણસને જાનવર થતા થતા વાર નથી લાગતી, જાનવરોમાં પણ ઘણીવાર માનવીયતા દેખાય છે. પોતાના સ્વાર્થ માટે માણસ માનવીય મૂલ્યો, પ્રામાણિકતા અને નૈતિકતાને ભૂલી જાય છે. આ બધા સ્વાર્થમાં પૈસાનો સ્વાર્થ સૌથી મોટો જણાય છે. પૈસા માટે માણસ દાનવ થવા તૈયાર થઇ જાય છે. માણસના મન એટલા સાંકળા થઇ ગયા છે કે તેને બીજાનો વિચાર સુધ્ધા આવતો નથી. પર્વાધિરાજ પર્યુષણ પર્વનું બીજું કર્તવ્ય - જેનું નામ છે: "સાધર્મિક વાત્સ્લય", એ માણસને સ્વાર્થથી ઉપર ઉઠી પરાર્થ અને પરમાર્થ સાધવાની પ્રેરણા આપે છે.
3. ભોગ યુગ: કળિયુગનું ત્રીજું કલંક છે અનિયંત્રિત ભોગ. પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયોનો અનિયંત્રિત ભોગ એ આજના યુગની જીવનશૈલી બની ગઈ છે. ખાઓ, પીઓ અને જલસા કરો એ મોર્ડન યુગનું જીવન સૂત્ર છે. આ બધું કર્યા પછી પણ સાચું સુખ અને શાંતિ તો મળતી નથી, ઉલટું અશાંતિ અને દુઃખ વધારવાનો હેતુ બને છે. ભર્તુહરિ કહે છે: ભોગા રોગ ભયં: ભોગમાં રોગનો ભય છુપાયેલો છે. આ કલંકથી મુક્ત થવાનો ઉપાય પર્યુષણ પર્વ બતાવે છે. "અટ્ઠમ તપ" પર્યુષણ પર્વનું ત્રીજું કર્તવ્ય છે. અટ્ઠમ તપ ભોગ પર નિયંત્રણ રાખતા શીખવે છે. અટ્ઠમ તપ એટલે ત્રણ દિવસ અને રાત માત્ર પાણી સિવાય કોઈ વસ્તુ ખાવી પીવી નહિ... એટલે કે ત્રણ દિવસ સુધી ઉપવાસ કરવાના હોય છે.
4. નાસ્તિકતાનો યુગ: કળિયુગનું ચોથું કલંક છે: નાસ્તિકતા. નાસ્તિકતા એટલે આત્મા અને કર્મને ન માનવું. આજનો માણસ એટલો છીછરો થઇ ગયો છે કે એને આગળનું કશું વિચારવું જ નથી. આજે હું જે કંઈ કરી રહ્યો છું, એનું પરિણામ મારે જ ભોગવવું પડશે - આ સત્ય નાસ્તિક માણસ સાવ ભૂલી જાય છે. આ દુનિયામાં કર્મ જેવું પણ કંઈક છે અને માણસ જેવું કર્મ કરે છે તેવું ફળ તેને ભોગવવું જ પડે છે. નાસ્તિક માણસ આત્મા, કર્મ અને પુનર્જન્મમાં માનતો નથી, પરિણામે એના પાપોને ખુલ્લો દોર મળી જાય છે. પર્યુષણનું ચોથું કર્તવ્ય છે: ચૈત્ય પરિપાટી. ચૈત્ય એટલે જ્ઞાન, ચૈત્ય એટલે પરમાત્મા, ચૈત્ય એટલે પરમાત્માની ઉપાસના, આત્માની ઉપાસના. પરિપાટી એટલે પરંપરા. પર્યુષણ પર્વ આત્મા અને પરમાત્માની ઉપાસના કરવાનો સંદેશ આપે છે. સાચી શાંતિ આત્માની પરિક્રમા કરવામાં છે. આત્માની ઉપાસના કરનાર કર્મ કરવામાં સતત સજાગ રહે છે.
5. ક્લેશ યુગ: આજના યુગનું પાંચમું કલંક છે - ક્લેશ.. ક્લેશ એટલે નાની મોટી વાતમાં ઝગડવું, કારણ વગર રાઇને પહાડ બનાવવો. આજે તમે જુઓ તો ઘર ઘરમાં આ સમસ્યા છે. કોઈ કોઈને સાંભળવા, સમજવા કે સ્વીકારવા તૈયાર નથી. લગભગ દરેક વ્યક્તિના મગજ ગરમ છે, કારણ વગર દુનિયાભરનો ભાર માથે લઈને ફરે છે. હું જ સાચો એવી મનોવૃત્તિ માણસને અહંકારી બનાવે છે અને અહંકારી માણસ કોઈની વાત સાંભળવા તૈયાર નથી હોતો. પરિણામે કુદરત પતનનો દરવાજો એમના માટે ખુલ્લો કરે છે. આ કલાકનું સમાધાન છે: ક્ષમાપના. પર્યુષણ પર્વનું પાંચમું કર્તવ્ય છે: ક્ષમાપના. ક્ષમાપના એટલે પોતાની ભૂલ બાળક બનીને ખુલ્લા દિલથી કોઈ પણ જાતનો બચાવ કર્યા વગર નિખાલસતા પૂર્વક સ્વીકારવી. હરિભદ્રસૂરિ કહે છે જે અનુષ્ઠાનમાં મૈત્રી અને ક્ષમા ભાવ નથી એ અનુષ્ઠાન જ નથી. ગળામાં ગાંઠ, દોરામાં ગાંઠ અને શેરડીમાં ગાંઠ હોય ત્યાં શું થાય છે એ કલ્પી શકો છો. એમ જ મનમાં શત્રુતાની ગાંઠ હોય તો બધી કરેલી આરાધના ફોક થઇ જાય છે. કલ્પસૂત્ર એ પણ કહે છે કે તમે ઉપશમ ભાવ નહિ રાખો તો વિરાધક બનો છો. બહારથી ક્લેશ મુક્ત થવા માટે અંદરથી સંક્લેશ મુક્ત થવું પડશે. ભગવાન મહાવીર ફરમાવે છે:
ખામેમિ સવ્વ જીવે, સવ્વે જીવા ખમંતુ મેં - હું બધા જીવોનું માફી આપું છું, બધા જીવો મને પણ માફી આપો
મિત્તિમે સવ્વ ભૂએષુ વૈરં મઝઝં ન કેણઈ - મારો સૌ સાથે મૈત્રી ભાવ છે, કોઈની સાથે મારી શત્રુતા નથી.
તો, આવી રીતે આ પર્યુષણ પર્વ આત્મ નિરીક્ષણથી શરુ થાય છે અને પાંચ કર્તવ્યો દ્વારા ક્ષમાપના પર પૂર્ણતા પામે છે. આ વખતે આપણે સૌ સાચા અર્થમાં પર્યુષણમાં જ્ઞાન દર્શન અને ચારિત્ર પદની આરાધના કરી આત્માને ઓળખીએ અને ક્ષમાપના દ્વારા જીવનને ભારમુક્ત બનાવીએ. પર્યુષણ પર્વની આરાધના માટે સૌ સાધકો પ્રત્યે મંગળ કામના ....