1. આનંદનું ઉપનિષદ: આત્માનું અનુસંધાન: સમણ શ્રુતપ્રજ્ઞજી
Peace of Mind

આ વિષય રાખવા પાછળ સલક્ષ્ય કારણ છે. કારણ એ છે કે દીપાવલીનું પાવન પર્વ છે. સામાન્ય રીતે દિવાળીના દિવસે માણસ બહારમાં પ્રકાશ કરે છે અને અનંત કાળ સુધી આપણે બહારમાં પ્રકાશ કરવા ટેવાયેલા છીએ. જેટલો જેટલો બહારમાં પ્રકાશ કરીએ છીએ એટલું અંદરનું અંધારું વધતું જાય છે. બહાર પ્રકાશ કરવાથી અંદરનું અંધારું દૂર ના થાય. અંદરનું અંધારું દૂર કરવું હોય તો ભીતરમાં પ્રકાશ કરવો પડે અને એનાં માટે ભીતરમાં જવું પડે અને ભીતરમાં જવા માટે આ બહાર જોતી આંખોને બંધ કરવી પડે. 

આ આંખો બંધ થયા પછી પણ વૃત્તિઓ અને સંસ્કારો બહારના જ તીવ્ર હોવાના કારણે ધ્યાનમાં પણ તરત ચિત્ત સ્થિર થતું નથી. એ માટે સતત અભ્યાસ અને વૈરાગ્ય કેળવવો પડે છે. સતત વૈરાગ્ય વૃત્તિ અને અંતર્મુખતાનો અભ્યાસ કરવામાં આવે તો અવશ્ય આનંદની અનુભૂતિ થઈ શકે છે. એવું ક્યારેય ન બને કે અંદરની દુનિયામાં કોઈ ગયું હોય અને આનંદ ન મળ્યો હોય. એવું પણ ક્યારેય ન બને કે બહારની દુનિયામાં કોઈ મોહગ્રસ્ત હોય અને આનંદ મળ્યો હોય. બહારમાં આત્માનો આનંદ મળે તો તો ભીતર જવાની કોઈ જ જરૂર નહી રહે. આનંદનો માર્ગ ભીતર જવાથી ખૂલે છે અને સંસારનો માર્ગ બહાર જવાથી ખૂલે છે. દીવો આત્મામાં કરવાનો છે, એ જો કરી શકીએ તો પછી દિવાળી એક દિવસની રહેતી નથી, પછી સાધક માટે નિત્ય દિવાળી જ હોય છે. ધ્યાન થકી અંદર દીવો કરવાની કળા આવળી જાય પછી રોજે રોજ સાધક માટે દિવાળી છે. બહારનો દીવો કરવામાં કષ્ટ વધુ છે, કોડિયું જોઈએ, ઘી જોઈએ દિવેટ જોઈએ, માચીસ જોઈએ, હવા મુક્ત વાતાવરણ જોઈએ. અંદર જવાની યાત્રા અને ત્યાં દીવો કરવાની કળા સાવ સરળ છે. કબીરની ભાષામાં બિન બાતિ બિન તેલ આ દીવો ઝળહળે છે. 

ઉપનિષદ શબ્દ પણ જાણી જોઈને વાપર્યો છે. ઉપનિષદ એટલે પોતાની નજીક બેસવું. પોતાની નજીક બેસે તેને આનંદની અનુભૂતિ થાય. અત્યાર સુધી કોની પાસે બેઠા? હંમેશા આપણી બેઠક બહાર જ રહી છે. ઉપનિષદ કહે છે: પોતાની સાથે રહો તો આનંદ મળે, બીજા સાથે રહો તો દુઃખ મળે. ઉપનિષદ કેટલા છે. હિન્દુ પરંપરામાં ૨૫૧ ઉપનિષદો છે. નામ પણ યાદ નહી રહે. ૨૫૧ માં પ્રમુખ છે ૧૦૮ ઉપનિષદ. પ્રમુખ ઉપનિષદમાં પણ દસ ઉપનિષદો પર આદિ શંકરાચાર્યજીએ ટીકા લખી છે. છાંદોગ્ય ઉપનિષદ, તૈતરિય ઉપનિષદ, નિર્વાણ ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, ઈશાવાસ્ય ઉપનિષદ, કૈવલ્ય ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ વગેરે. આ બધામાં આનંદનું ઉપનિષદ ક્યાંય નથી. એ ટાઇટલ મારું આપેલું છે. એ એટલા માટે કે આનંદનું ઉપનિષદ એ ૨૫૧ ઉપનિષદનો સાર છે. મને થયું કે ૨૫૧ તો કોઈ વાંચવાના નથી, એટલે મને થયું કે સાધક જો આનંદનું ઉપનિષદ સમજી લે તો એમનું કામ થઈ જાય. પછી  

મેં પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીનો અભ્યાસ કર્યો તો મારું મગજ અહોભાવથી ઝૂકી ગયું કેમ કે કોઈ વિષય એવો નથી એમના કાવ્યો અને પત્રમાં કે  એમની લેખની ચાલી ન હોય. આનંદ વિષયને નજરમાં રાખીને એમના પત્રોનું અવલોકન કરતો હતો તો મને લાગ્યું કે આ વિષય પર એમને સીધું કે આડકતરી રીતે ઘણું પ્રકાશ્યું છે. એમના દરેક શબ્દોમાં સમ્યક દર્શનની ઝાંટ છે, આ માત્ર શબ્દો નથી પણ મંત્રો છે, એવું મારું માનવું છે. જ્ઞાની આત્મા સંક્ષિપ્તમાં ઘણું કહી દેતા હોય છે. આનંદના આ સંદર્ભ સાથે આપણે આ વિષયને ખોલીશું. એમનો એક પત્ર હું જોતો હતો ૮૩૨ મો પત્ર, ૧૯૫૪ માં આ લખેલો પત્ર છે. એ પત્રનો હું એક જ પેરેગ્રાફ વાંચું છું. લખ્યું છે: "દેહથી ભિન્ન સ્વ પર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા." આત્મા કેવો છે? દેહથી ભિન્ન. આ બુદ્ધિથી સમજીએ છીએ, આત્માના અનુભવમાં આવી જાય તો એ જ સમ્યક દર્શન છે ને? બીજું લક્ષણ આત્મા કેવો છે? સ્વ પર પ્રકાશક. આત્માનો દીવો એવો છે કે અંદર પણ અજવાળું કરે અને બહાર પણ અજવાળું કરે. ત્રીજી વાત કરી આત્મા જ્યોતિ સ્વરૂપ છે. ત્યાં બારેમાસ નહીં, અનંતકાળ સુધી પ્રકાશ જ રહે છે. 

આ ત્રણેયનો અનુભવ કરવો હોય તો આગળ કૃપાળુ દેવ કહે છે: "એ આત્મામાં નિમગ્ન થાઓ." એ આત્મામાં વિશેષ રૂપે એકાગ્ર થઈ ઊંડા ઉતરો. ઉદાહરણ લઈએ તો પાણીમાં તરવું અને પાણીમાં ડૂબકી મારવી એ બંને વસ્તુ ભિન્ન છે. નિમગ્ન થવું એટલે તરવું નહીં, આત્મામાં ડૂબકી મારવી. આ ધ્યાન વિધિ છે. બીજો ઉપાય બતાવે છે: "હે આર્યજનો અંતર્મુખ થાઓ." નિમગ્ન થવા માટે અંતર્મુખ થવું અનિવાર્ય છે. ચિત્તના મોઢાને અંદરની તરફ વાળો. આ બે વસ્તુ જો કરી શકો તો કૃપાળુ દેવ કહે છે: "અનંત અપાર આનંદનો અનુભવ થશે." આનંદના બે લક્ષણો અહીં મૂક્યા: અનંત અને અપાર. અંત વગરનો આનંદ એટલે અનંત અને પાર વગરનો આનંદ એટલે અપાર. જે આનંદનો અંત આવે તો સમજવાનું એ આત્માનો આનંદ નથી. અપાર એટલે જેની કોઈ સીમા નથી. એ આનંદ ક્યારેય ઘટે નહીં એવો છે. આનંદની અનુભૂતિના બે ઉપાય છે: નિમગ્ન થાઓ અને અંતર્મુખી થાઓ.

હવે એક બીજી વસ્તુ સમજીએ કે દરેક જીવ એ પછી નિગોદનો હોય કે વ્યવહાર રાશિનો હોય, સાધક હોય કે સંસારી, લાલસામાં જીવનાર હોય કે પ્રાર્થનામાં - દરેકનું એક માત્ર લક્ષ્ય છે: આનંદની અનુભૂતિ કરવી. આપણે આ લક્ષ્ય પ્રત્યે જાગરૂક હોઇએ કે ના હોઇએ  પણ દરેકનું મૂળ લક્ષ્ય આ જ છે. સંસારમાં રચ્યા પચ્યા રહેતા કોઈ પણ માણસને તમે પૂછી જો જો કે તમે જે કંઈ કરો છો એ શા માટે કરો છો, મૂળમાં જઈને કારણ ખોજશો તો એ કારણ આનંદની પ્રાપ્તિ જ જોવા મળશે. સારું ખાવું, સારું જોવું, સારું પહેરવું, આ બધું શું કામ? તમે શિબિરમાં આવ્યા શું કામ? ધર્મ કરનાર કે અધર્મ સેવનાર દરેકનું લક્ષ્ય આનંદ છે. દિશા ખોટી હોઈ શકે, લક્ષ્ય ખોટું નથી. થિયેટરમાં મૂવી જોનાર પણ એ જ આનંદ શોધે છે ,જે તમે અને હું ધ્યાનમાં શોધીએ છીએ. પ્રયોજનમાં ભેદ નથી, પ્રયત્નમાં ભેદ છે, એક બહારમાં ખોજે છે, બીજો ભીતરમાં ખોજે છે. એક ખોટી જગ્યાએ આનંદ શોધે છે, બીજો સાચી જગ્યાએ આનંદ શોધે છે. ખોટી જગ્યાએ શોધનાર પણ પાછો ક્યારેક તો અહીંયા જ આવશે, અને સાચી જગ્યાએ શોધનાર પણ ખોટી જગ્યાએ ભટકીને અહીં આવ્યો છે. તો દરેક જીવનું અંતિમ લક્ષ્ય આનંદ છે. આનંદ વગર કોઈ જીવ રહી શકે નહીં અને એટલે જ આનંદ આત્માનો સ્વભાવ છે. એ સ્વભાવ વગર રહેવું એ જ પીડા અને સંતાપનું કારણ છે.

એક વસ્તુ યાદ રાખી લેવી ઘટે કે દરેક આનંદની શોધના મિશન પર છે. એટલે ખોટી જગ્યાએ શોધતો હોય એવા જીવ માટે પણ અભાવ કે દુર્ભાવ રાખવો નહીં. એ આંધળા જીવની જેમ લાકડીથી ટટોડી ટટોડીને સાચી દિશા શોધી રહ્યો છે. રસ્તો બતાવનાર યોગ્ય સુગુરુનો ભેટો થશે તો એ પણ સુપથ પર આવી જશે. પ્રયાસ તો એ પણ પૂરેપૂરો કરે છે, દિશાનું અજ્ઞાન છે. એ અજ્ઞાનનું આવરણ પણ કાળ લબ્ધિના યોગે કે સત સમજણથી દૂર થશે. એટલે આવા જીવો પ્રત્યે દુર્ભાવ કરવા કરતા કરુણાનો ભાવ રાખજો. પાપીને પણ પાપી માનવાની ભૂલ ભૂલેચૂકે ના કરતા. 

આપણે ભલે માનતા હોઈએ કે આપણને સાચી દિશા મળી ગઈ છે. સાચા માર્ગની સમજણ હોવા છતાં પણ વૃત્તિઓના કારણે અને અતીતના જૂના સંસ્કારોના કારણે આપણે પણ અંદરથી હજું ભટકેલા હોઇ શકીએ છીએ. દુનિયાની નજરે આપણે ધર્માત્મા છીએ પણ આપણી પોતાની નજરમાં જે દિવસે આપણે ધર્માત્મા થઈશું ત્યારે કલ્યાણનો માર્ગ ઊઘડશે. ધર્મનો પ્રયત્ન કર્યા પછી પણ આપણા વિચારોમાં, આચરોમાં, સંસ્કાર અને વૃત્તિઓમાં જો કોઈ ફરક ના આવે તો આપણે પણ બહુ ફૂલાવવા જેવું નથી. એટલે જ કદાચ કૃપાળુ દેવે મુમુક્ષુ વૃત્તિ વાળા જીવને કહ્યું હશે કે " વૃત્તિઓને લખતા રહેજો." વૃત્તિઓ લખવા માટે પહેલા વૃત્તિઓ દેખાવી જોઈએ, દેખવા માટે પોતાનું તટસ્થ અને સૂક્ષ્મ નિરીક્ષણ કરવું પડે. સાધક અને હલુકર્મી જીવ જ આવું કરી શકે તેમ છે.

આનંદની અલગ અલગ ભૂમિકાઓ છે. બહુ જ સ્થૂળ દૃષ્ટિએ વિચારી તો, જો તમારે અડધો કલાકનો આનંદ જોઈતો હોય તો પ્રેમથી જમો. એક કલાકનો આનંદ જોઈએ તો જમ્યા પછી રૂમમાં આવીને સૂઈ જાઓ, એક દિવસનો આનંદ જોઈએ તો પિકનિક પર જાઓ, એક અઠવડિયાનો આનંદ જોઈએ તો મિત્રો સાથે વેકેશનમાં જાઓ, એક મહિનાનો આનંદ જોઈએ તો લગ્ન કરી લ્યો, છ મહિનાનો આનંદ જોઈએ તો નવી ગાડી ખરીદો, એક વર્ષનો આનંદ જોઈએ તો બંગલો બનાઓ, દસ વીસ વર્ષનો આનંદ જોઈએ તો કોઈની સેવા કરો, જિંદગીભરનો આનંદ જોઈએ તો ઈમાનદાર રહો અને જન્મોજન્મનો આનંદ જોઈએ તો આત્માનું અનુસંધાન કરો. કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું: પૂછો આ પ્રશ્નો પોતાની જાતને ! સાચો આનંદ તો આ છેલ્લો જ છે, બાકી તો ક્ષણિક આનંદ જ છે. 

જો આત્માનો સ્થાઈ આનંદ અનુભવવો હોય તો પહેલાં જાણી લેવું ઘટે કે આપણે કેવા પ્રકારના માણસ છીએ? ચાર પ્રકારના માણસોની વાત કરું. પહેલો માણસ તેને કહેવાય જે શરીર કેન્દ્રિત જીવન જીવે છે. આવા માણસને સગવડ બહુ જ પસંદ હોય છે. બીજો માણસ તેને કહેવાય જે મન કેન્દ્રિત છે, આવા લોકો સુખ પ્રિય હોય છે. ત્રીજા પ્રકારના લોકો ચિત્તના સ્તરે જીવે છે, આવા લોકો પ્રસન્ન રહેવાવાળા હોય છે, અને ચોથા લોકો છે આનંદ પ્રધાન, આવા લોકો આત્માનું અનુસંધાન કરતા હોય છે. આ ચાર પ્રકારના હવે પછી વિસ્તારથી સમજીશું.

 

Add Comment