ધ્યાન સાધના - બીજો દિવસ - રામબાઈ આશ્રમ - વવાણીયા - 22 માર્ચ 2025
Peace of Mind

રામબાઈ મા આશ્રમ

વવાણીયા, તા. 22 માર્ચ 2025

આજે સાધનાનો બીજો દિવસ સંપન્ન થઈ રહ્યો છે. મૌન, એકાંત અને ધ્યાન સાધનાનો આ પ્રયોગ નિવૃત્તિનો અભ્યાસ છે. નિરપેક્ષ આનંદ આવી રહ્યો છે. જૈન જીવન દર્શનના અભ્યાસ પછી એટલો નિર્ણય દ્રઢ થયો છે કે મહાવીરનો માર્ગ નિવૃત્તિનો છે. ठाणेणम्, मोणेणम्, झाणेणम्, अप्पाणम् वोसिरामि: अर्थात् શરીર સ્થિર, વાણી મૌન અને મન ધ્યાનમાં લીન - આ ત્રણેય માટે આત્માને સમર્પિત કરી દેવું એ મહાવીરની સાધનાના માર્ગ છે. મહાવીરની સાધનાનો માર્ગ વ્યક્તિની ભીતરમાં ખુલે છે, બહારમાં નહીં. બહાર ભ્રમ છે, ભીતર સત્ય છે.

જાતને જોડીદાર બનાવી એકલા નીકળી પડવાનો આ માર્ગ છે. યોગ્ય સમયે અને યોગ્ય ઉમરે કરવા યોગ્ય કાર્ય કરી લેવા જોઈએ એ આશયથી આ સાધના યાત્રા ચાલુ કરી છે. "એકલા ચાલો રે" ની માનસિકતા સાથે અધ્યાત્મની યાત્રા વર્ષોથી ગતિમાન છે. હવે વધુ સમજાઈ રહ્યું છે કે ટોળા કરતાં એકાંતનો આનંદ અનેરો હોય છે.

નિરાંતે જાત નિરીક્ષણ કરીએ તો ખ્યાલ આવે કે ઘણી બધી પ્રવૃત્તિઓ એવી છે જે કરવાનો કશો જ અર્થ કે હેતુ નથી, એની સામે ઘણી એવી સાધનાઓ છે જે કર્યા વિના જિંદગીનો કશો હેતુ નથી. કીર્તિ, નામના અને સન્માન પામવાની મહત્વાકાંક્ષા જો થોડી ઓછી કરી શકીએ તો સંતોષ અને શાંતિ ખરેખર વધે છે. ખૂબ જ ટૂંકી આ જિંદગીમાં જાતને શોધવાનું બાકી ન રહી જવું જોઈએ. આ સાધના એ દિશામાં એક પગલું છે. આ સાધનાથી જિંદગીનો હેતુ વધુ સ્પષ્ટ થાય છે.

~ સમણજી

Add Comment