'અતિ પ્રવૃત્તિ એ આધુનિક માણસનો રોગ છે. સાધુ હોય કે ગૃહસ્થ પ્રવૃત્તિનો રોગ કોઈને છોડતો નથી. શું છે આ પ્રવૃત્તિ પાછળનું ચાલાક બળ? સાધુ પોતાના નામના અહંકારમાં પ્રવૃત્તિમાં ડૂબેલો રહે છે અને ગૃહસ્થ પૈસાના લોભના કારણે પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે. ગૃહસ્થ માટે જરૂરી હોય અને સંતુલિત પ્રવૃત્તિ કરવી પડે એ માન્ય છે પણ કારણ વગર માત્ર આદત અને વૃત્તિઓના પોષણ માટે એ કરવું અને કરતા જ રહેવું એ ઘાતક છે. સાધુ આત્માનુભૂતિ કરે અને એના પરિપાક રૂપે કરુણાવશ સેવાભાવે પ્રવૃત્તિ થાય એ અધ્યાત્મ જગતમાં માન્ય છે. લોકેષણા માટે પ્રવૃત્તિ કરવી સાધુનું અંતિમ બંધન કહી શકાય. આ માનવ ભવ નિવૃત્તિની સાધના માટે છે. નિવૃત્તિની ક્ષણોમાં જ જીવ ચૈતન્યનો સાક્ષાત્કાર કરી શકે છે. એમાં જ જીવને સાચી તૃપ્તિ મળે છે. જે દિવસે આપણે આવી સાધનામાં લાગી જશું એ દિવસે સમજવાનું કે સાચા અર્થમાં પરમાત્માનો આપણા પર અનુગ્રહ થયો છે. આ ભાવો ધ્યાનમાં બેઠાં પછી મારા પોતાના માટે કરેલું આત્મ નિરીક્ષણનું પરિણામ છે. મારી વિચારધારા દ્રઢ થઇ રહી છે કે પ્રવૃત્તિઓ ઓછી કરવી અને પોતાની સાધનામાં મસ્ત રહી આત્માનંદનો અનુભવ કરવો."
સમણ શ્રુતપ્રજ્ઞજી