સંપૂર્ણ વિશ્રામપૂર્ણ દશાનો અનુભવ
Peace of Mind

વિશ્રામ આત્માનો મૂળ સ્વભાવ છે. માણસ આ સ્વભાવથી છૂટો પડી ગયો છે અને એટલે જ એ દુઃખી છે. પૂર્ણ વિશ્રામની દશામાં પહોંચવું સાધના માંગી લે છે. એ સાધનાના પહેલા નાના-નાના ચરણોમાં અભ્યાસ કરી શકાય. પહેલું ચરણ છે – શરીરને શિથિલ ( Relax ) કરો. ઘણા લોકોનું શરીર જો જો, એકદમ તણાવયુક્ત( Tense ) દશામાં હશે. શરીરને શિથિલ કરવા માટે, તેને પ્રેમપૂર્ણ સૂચન (auto Suggestion) આપો કે એ શિથિલ થઈ જાય. ખાસ કરીને ચહેરાને,ગર્દનને, કમરને અને પગને વિશ્રામપૂર્ણ દશામાં રાખતા શીખી જાઓ. શરીર આપણા પ્રેમની ભાષા સમજે છે. તમે દરેક ક્રિયા કરતી વખતે શરીરને વિશ્રામ દશામાં રાખો. તમે ચાલો ત્યારે સહજ અને રીલેક્સ રહો, બહુ તેજ ગતિએ ન ચાલો. જમો ત્યારે સહજ અને રીલેક્સ રહો, અને સૂઓ ત્યારે પણ સહજ અને રિલેક્સ રહો. સૂતી વખતે વિચારોની ભીડ લઈને ન સૂઓ. સૂતી વખતે મગજની સ્વીચ બંધ કરતા શીખી જાઓ. એ બંધ કરવાની ચાવી એ છે કે સૂતી વખતે મગજને કહો ‘આજનું કામ પતી ગયું છે, કાલ ઉગશે ત્યારે કાલનું કામ કરીશ.’

બીજું ચરણ છે – વાણીનું વિશ્રામપણું. બોલતી વખતે ઉત્તેજિત ન થાઓ, બોલતી વખતે આક્રામક ન બનો, ભાષામાં મધુરતા રાખો. બોલતી વખતે પણ ભાષામાં રિધમ જાળવી રાખો. ચાલાકી છોડીને જે કહેવું છે એ સહજતાથી અને નિર્દોષતાથી કહો.

ત્રીજું ચરણ છે – મનનું વિશ્રામપણું. મનને વ્યર્થના વિચારોથી મુક્ત રાખો. કોઈ પણ કામ કરો ત્યારે એમાં સો ટકા ફોકસ રાખો. ચિંતા નહીં-ચિંતન કરો,વ્યથા નહીં, વ્યવસ્થા કરો. દરેક કાર્યમાં મનની પૂરેપૂરી હાજરી રાખો. મનને ઉતાવળથી મુક્ત રાખો, ભય અને નિરાશાથી મુક્ત રાખો.

ચોથું ચરણ છે – ભાવોનું વિશ્રામપણું. કોઈ પણ વ્યવહાર અને વ્યવસાયમાં ભોવોને વિકૃત ન થવા દો, સ્વભાવમાં શાંતિ અને પ્રેમભાવ જાળવી રાખો. ક્રિયાની સામે પ્રતિક્રિયા ન કરો પણ વિચારીને પ્રતિભાવ આપો. હૃદયને ક્રોધ,ઈર્ષ્યા,માન-પાન, માયા અને લોભના ભાવથી મુક્ત રાખો. આમ અભ્યાસ કરતા-કરતા આત્માની વિશ્રામપૂર્ણ દશામાં પહોંચી શકાય છે. કોઈ પણ કામ કરતી વખતે દ્રષ્ટિ ભીતર તરફ જોડાયેલી રહે એ છે આત્માનું વિશ્રામપણું.

Add Comment