વિરોધી આહાર એટલે શું? – શ્રુતપ્રજ્ઞ સ્વામી
Peace of Mind

હમણા એક યુવાન બહેને મને પૂછ્યું કે ‘ મને એસિડીટી છે એના માટે શું કરવું?’ મેં એને શું ખાવું અને શું ન ખાવું એની સલાહ આપી અને અમુક પ્રાણાયામ કરવાનું કહ્યું, તો મને કે, ‘આ પ્રાણાયામ વગેરે કરવું એ આપણું કામ નહિ અને ખાવાનો કંટ્રોલ વળી આ જુવાન વયે થોડો કરાય, આ તો ખાવા – પીવાની ઉંમર છે.’ તો મેં પ્રતિ ઉત્તર આપતા કહ્યું કે, ‘બીમાર પડવાની પણ આ ઉંમર થોડી છે! બીમારી તો વૃદ્ધાવસ્થામાં આવે તો બરાબર, યુવાનીમાં તો સ્વસ્થ જ રહેવું જોઈએ.’ પણ મને લાગ્યું કે આ વાત એને જરાય ગમી નહિ. ખાવાનો સંયમ રાખવો અને યોગ-પ્રાણાયામ યુવાનીમાં કોને કરવા ગમે? પરિણામે આજની પેઢી વધુને વધુ બીમાર અને કમજોર બનતી જાય છે. એક તો ખાવાનું અસલી અને પ્રાકૃતિક ન રહ્યું અને બીજું ભોજન બનાવવાની પદ્ધતિ સ્વાસ્થ્ય વિરોધી બની ગઈ. આજના લોકોનો ભોજન પ્રત્યે એક જ દ્રષ્ટિકોણ હોય છે કે બસ દેખાવમાં સારું લાગવું જોઈએ અને ખાવામાં સ્વાદિષ્ઠ લાગવું જોઈએ. હમણા જ કાજલ ઓઝાનો લેખ ફૂલછાબમાં વાંચ્યો, એમને જે વાત કરી એનો ભાવ ખૂબ સરસ હતો. એમનો ભાવ હતો – ‘આજના માનવીનું ધ્યાન શું ભાવે અને શું ન ભાવે એના ઉપર વધારે ટકેલું હોય છે અને શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ એની તેને કશી પડી જ નથી હોતી’. આ મનોવૃત્તિ એના આરોગ્યની લાપરવાહી છતી કરે છે. ભોજનમાં સૌથી મોટી ભૂલ એ થઇ કે ખાવામાં વિરોધી આહારનું પ્રમાણ ખૂબ વધી ગયું.

ઘણા બધા રોગોનું એક મહત્વનું કારણ આ વિરોધી આહાર છે. આગળના એક સૂત્રમાં આયુર્વેદના આચાર્ય વાગ્ભટ્ટ જી કહે છે કે જેના ગુણ અને પ્રકૃતિ એક બીજાથી વિપરીત હોય એવો વિરોધી આહાર એક સાથે નહિ ખાવો જોઈએ. આયુર્વેદમાં આવી 103 વસ્તુઓનું લાંબુ લિસ્ટ છે જે વિરોધી આહારની શ્રેણીમાં આવે છે. કેટલીક અતિ મહત્વની વસ્તુઓ વિષે વિચારીએ. ઘણી બધી વસ્તુઓ દૂધ સાથે ન લેવી જોઈએ. દૂધ સાથે એટલે એમાં ચાય પણ સમજી લેવાની કેમ કે એમાં પણ દૂધ તો આવે જ ને ! એટલે હું દૂધ કહું એટલે સાથે સાથે ચાય પણ સમજી લેવાની. દૂધ સાથે પ્યાજ એટલે કે લસણ ના ખાવું જોઈએ. એ વિરોધી આહાર છે. પૌવા કે ઉપમા કે પરોઠામાં જો પ્યાજ નાખ્યું હોય અને એ વસ્તુ દૂધ સાથે ખાઓ તો એ વિરોધી આહાર છે અને એનું સેવન કરવું એ ભયંકર ભૂલ છે. તમે જો જો લગભગ દરેક પંજાબી ભોજનમાં કાંદા અને ક્રીમ એક સાથે જોવા મળે છે. એનાથી સલક્ષ્ય બચવું જોઈએ. દૂધ સાથે દહીંની બનેલી કોઈ પણ વસ્તુ ન ખાવી જોઈએ, જેમ કે ઘણી વાર દહીંમાં વઘારેલો ભાત આપણે દૂધ કે ચાય સાથે લઈએ છીએ, આ યોગ્ય નથી. એવી રીતે કોઈ પણ દહીયુક્ત વસ્તુ દૂધ કે દૂધવાળી વસ્તુ સાથે ન ખાવી જોઈએ. આપણે ઘણીવાર હાંડવો અને દૂધ સાથે જ ખાતા હોઈએ છીએ જે ન ખવાય. દૂધ સાથે સોલ્ટ એટલે કે નિમક પણ વિરોધી વસ્તુ છે. આપણે ઘણી વાર નમકીનવાળી વસ્તુઓ દૂધ સાથે લેતા હોઈએ છીએ, જેમ કે ગાંઠિયા, અથવા કોઈ પણ નિમકવાળું નમકીન દૂધ સાથે ખતરનાક છે. દુધ સાથે તેલ કે તેલમાં તળેલી વસ્તુઓ પણ વિરોધી આહારમાં આવે છે. દૂધ સાથે રીંગણ પણ ન ખાવા જોઈએ. આથેલી વસ્તુઓ અને દૂધ પણ સાથે ન ખવાય. ઘણીવાર આપણે આથેલાં ઢોકળા કે ઈડલી સવારે નાસ્તામાં દુધ સાથે કે ચાય સાથે લઈએ છીએ જે ભારે નુકસાન કરે છે.

એવી રીતે મૂળા, કાચું સલાડ, દાડમ, નીંબુ, નાળીયેર અને અડદની વસ્તુઓ અને કોઈ પણ જાતના ખાટા પદાર્થો દૂધ સાથે ઝેર સમાન છે. કેમ કે એ દૂધ સાથે વિરોધી આહાર છે. દૂધ સાથે ભૂલથી પણ ખાટા ફળ કે ફ્રુટ નહિ ખાઓ. ફ્રુટસલાદ એ આયુર્વેદની દ્રષ્ટિએ અનેક રોગોને આમંત્રે છે કેમ કે એમાં દૂધ સાથે ખાટા અને મીઠા ફ્રુટ એક સાથે લેવામાં આવે છે. હા, માત્ર એક ફલ – આંવલા દૂધ સાથે લઇ શકાય છે. એવી જ રીતે દહીં સાથે ન ખાવાની વસ્તુઓ વિષે જોઈએ તો દહીં સાથે પનીર વિરોધી આહાર છે. દહીં સાથે અડદની દાળ ભૂલે ચૂકે ન ખાવી જોઈએ. આ દહીંવડાં આરોગ્ય માટે શત્રુ છે એમ કહીએ તો પણ ઓછું છે. કેમ કે એમાં દહીં અને અડદ સાથે ભળે છે. ત્રણ ચાર દિવસ ખાઈને પ્રયોગ કરી જુઓ, ચોક્કસ તમારું પ્રેસર વધી જશે. દહીં વડા ખાવા જ હોય તો મગની દાળના ખાઈ શકાય. દહીં સાથે કાંદા ક્યારેય ન ખવાય. એવી રીતે ખીર, ગરમ પદાર્થ અને પાણી વાળા ફળ પણ વિરોધી આહારમાં આવે છે. ઘણીવાર આપણે જમવામાં ખીર લઈએ છીએ અને જમ્યા પછી છાછ પીએ છીએ – આ વિરોધી આહાર છે. એવી રીતે ઘી સાથે સમાન માત્રામાં મધ કે ઠંડુ પાણી ન લેવું.

એવી રીતે પાણી સાથે તરબુચ કાકડી, શક્કરટેટી , મગફળી, ઘી.અને તેલયુક્ત વસ્તુ ન વાપરવી. એવી રીતે કેળા સાથે છાછ અને લસ્સી પણ ન લેવાય. તમે રેસ્ટોરંટ કે લગ્ન સમારોહમાં જો જો, આ બધા જ નિયમોથી સાવ ઉલટું જ ભોજન પીરસવામાં આવે છે. આયુર્વેદ કહે છે ગરમ ભોજન કર્યા પછી ઠંડી વસ્તુ ન ખાવી જોઈએ ત્યાં આપણે જમ્યા પછી આઈસક્રિમ ખવડાવીને સત્યાનાશ કરી નાખીએ છીએ. લગ્ન અને પાર્ટી વગેરેમાં તેલ, દૂધ, દહીં, પ્યાજ – આવી બધી જ વિરોધી વસ્તુઓ એક સાથે પીરસવામાં આવે છે અને જેને આ બધું જ્ઞાન છે એ પણ અજ્ઞાની સાથે બેસીને વિરોધી આહારનો સ્વાદ માણવા બેસી જાય છે.

આ વિરોધી આહારનું સેવન કેટલું નુકશાન કરે છે એ જો સમજી લઈએ તો મને લાગે છે કે આપણે આ બધા સ્વાસ્થ્યવર્ધક શત્રુઓથી બચી શકીશું. શરીરમાં મહત્વનું તત્વ છે ખૂન. એ ખૂન બગડ્યું એટલે હજારો રોગો થવાના. આ વિરોધી આહાર ખૂનને વિકૃત કરે છે. ખૂન વિકૃત થયું એટલે ચામડીના ભયંકર રોગો જન્મ લે છે. સોરાઈસીસ અને એક્ઝીમા એ આ વિરોધી આહારના લીધે જ થાય છે. શરીરમાં કોઢ થવામાં પણ આ વિરોધી આહાર જ જવાબદાર છે. આ વિરોધી આહારથી સૌન્દર્યની પાડ પીટાઈ જાય છે અને એવા રોગો થાય છે કે જે લાખ ઉપાય કરો તો પણ મટતા નથી. વિરોધી આહારથી બ્લડ પ્રેશર વધી જાય છે, ખાવાનું પચતું નથી અને શરીરના મુખ્ય ત્રણેય દોષો – વાત પિત્ત અને કફનું સંતુલન ગડબડાવા લાગે છે. આજના આધુનિક માનવીને જો સ્વસ્થ રહેવું હશે અને ખતરનાક અસાધ્ય અને ક્રોનિક રોગોથી બચવું હશે તો આયુર્વેદિક આહાર પદ્ધતિ અપનાવવા સિવાય છૂટકો નથી. માત્ર થોડિક સેકંડોના સ્વાદ માટે જીવનભર સ્વાસ્થ્યનું જોખમ, બીમારીઓની સજા અને રોગની પીડા ભોગવવી શું સમજદારી કહેવાય? શું વિરોધી આહારના નિયમોનું ધ્યાન રાખીને સ્વાદિષ્ટ વસ્તુઓ ન બનાવી શકાય? અને સ્વાદ વસ્તુઓમાં ક્યાં છે, એ તો સ્વાદ લેનારના મનમાં હોય છે. તણાવગ્રસ્ત અને ચિંતાતુર માનવી ક્યાં કોઈ વસ્તુનો આનંદ માણી શકે છે? માણસ જેવી આદત પાડે, એને પછી એમાં જ સ્વાદનો અનુભવ થવા લાગે છે. મેં જોયું છે જે જૈન વિધિથી આયંબિલ કરે છે તેને પછી એમાં જ સ્વાદ આવવા લાગે છે અને પછી મસાલાવાળું ભોજન તેને ખારું ઝેર લાગે છે. મસાલા અને વિરોધી આહાર ખવડાવી ખવડાવીને આપણે આપણી જીભને એટલી જડ અને સંવેદનહિન બનાવી દીધી છે કે હવે અત્યંત તીવ્ર સ્પાઈસી ભોજન સિવાય આપણને ચૈન પડતું નથી.

આજે ટી.વી. ચેનલોમાં જે કૂકિંગ વિશેની રેસેપી આપવામાં આવે છે એમાં માત્ર સ્વાદને જ કેન્દ્રમાં રાખવામાં આવે છે અને વિરોધી આહારના નિયમોનો પૂરેપૂરો ભંગ કરવામાં આવે છે. સ્વાદ કેન્દ્રિત આવો આહાર સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે. યુગની હવા એવી ચાલી છે કે કોઈને આ વિષે જરાય વિચારવું જ નથી, અને વિચારવાનો સમય પણ નથી. આયુર્વેદ પછી, જૈન શાસ્ત્રમાં જેટલું ભોજનનું વિજ્ઞાન મહાવીરે આપ્યું છે આજ સુધી કોઈએ એવું આપ્યું હોય એ મારા ધ્યાનમાં નથી. ભોજનની નાનામા નાની બાબતોનું સુક્ષ્મ જ્ઞાન તમને ત્યાં જોવા મળશે, જેની વાત આપણે ક્યારેક કરીશું. મારી દ્રષ્ટિ તો એવી છે કે દરેક બહેનોને અને દરેક રેસ્ટોરંટનાં રસોઈયાને આયુર્વેદિક ભોજનની વિશેષ ટ્રેઈનીંગ આપવી જોઈએ, જેથી ભોજન બનાવવાની પદ્ધતિમાં ફેરફાર કરીને સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ઠ ભોજન બનાવી શકે અને પરિણામે દરેક વ્યક્તિના ભાગ્યમાં નીરોગી આહાર પ્રાપ્ત થઇ શકે.

Add Comment