ધ્યાન કરવું અઘરું નથી. આપણું મન અઘરું છે. મનને સીધું અને સ્પષ્ટ કરવા માટે ધ્યાન છે અને મનથી પણ પરે જવા માટે ધ્યાન છે. ધ્યાનથી જાગૃતિ આવે છે, જાગૃતિથી પ્રવૃત્તિઓમા આવતી વિકૃત્તિઓ દૂર થાય છે. ધ્યાનથી અંતરની શક્તિઓ જાગે છે અને બહારની પ્રવૃત્તિઓ પ્રત્યે જીવ સભાન બને છે. એ સભાનતાના કારણે રોજિંદા જીવનમાં જાગતી પ્રતિક્રિયાઓ શાંત થાય છે, ક્રોધ વિરામ પામે છે અને ચિત્તમાં શાંતિ અને ચહેરામાં કાંતિ આવવા લાગે છે. ધ્યાનથી વ્યક્તિની ચારેય બાજુ રહેલી ઓરા શુદ્ધ અને સકારાત્મક બને છે. ધ્યાન જ જીવનને નવો અર્થ આપે છે. સહજતાથી આંખ બંધ કરીને અનુકૂળ આસનમાં બેસો. શરીરને શિથિલ અને મનને શાંત થવા દો. ત્યાર બાદ ચિત્તને નાકની પાસે સ્થિર કરી આવ જાવ કરતા શ્વાસને શાંત ભાવે જોયા કરો. શ્વાસને જોવાથી જાગૃતિ વધશે અને જેથી મનના વિચારો શાંત થવા લાગશે, એક દિવ્ય શાંતિ અંદર બહાર પ્રતિ ઘ્વનિત થવા લાગશે. ધ્યાનને કાળ ઉપર ડાળો નહીં, આજે અને અત્યારે જ અભ્યાસ શરૂ કરો.