જૈનધર્મમાં ચાર પ્રકારના ધ્યાન : સમણ શ્રુતપ્રજ્ઞજી
Peace of Mind

એક વ્યક્તિ રોજ દસથી બાર વખત દાઢી કરે છે છતાં એની દાઢી વધેલી જ હોય છે. તમને એનું કારણ શું લાગે છે? કારણ કે એ નાઈ છે, એ બીજાની જ દાઢી કરે છે, પોતાની નહીં. પોતાની દાઢી સાફ કરવી હોય તો કામ પોતાના પર કરવું પડે. એમ પોતાની જાતને સુધારવી હોય તો અંદર પોતાની સાથે કામ થવું જોઈએ. ધ્યાન એ પોતાની સાથે કામ કરવાનો પ્રાયોગિક માર્ગ છે. ધ્યાન વિના પોતાની અંદરની શક્તિઓ જાગતી નથી. જો કે દરેક મનુષ્યને ધ્યાન કરવાની શકિત પ્રાપ્ત છે અને થોડીક બુદ્ધિ વિક્સિત થાય પછી દરેક વ્યક્તિ ધ્યાન કરે છે. પૈસા ગણતી વખતે માણસનું મન ધ્યાનમાં હોય છે. બંદૂક ચલાવતી વખતે આતંકવાદીનું મન ધ્યાનમય હોય છે, કોઈ આપણું અપમાન કરે તો પણ આપણું મન એના શબ્દોના ધ્યાનમાં ડૂબી જાય છે. આ બધું જ ધ્યાન છે, પણ ધ્યાન કરવા કરવામાં ઘણો ફરક છે. ધ્યાન કરવું હંમેશા સારું જ ફળ આપે એવું નથી. એ માટે ધ્યાનના સમ્યક દર્શનને સમજવું પડશે. ધ્યાનનું સમ્યક દર્શન એ છે કે ધ્યાન હંમેશા સ્વ-કેન્દ્રિત હોવું જોઈએ અને સ્વયંની શુદ્ધિ કરાવનારું હોવું જોઈએ.

ભગવાન મહાવીર જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર થઈ ગયા. એમને સરસ વાત કરી. એમને કહ્યુ કે ધ્યાન ચાર પ્રકારના છે. એ ચાર ધ્યાનને ધ્યાનથી સમજી લઈએ તો ધ્યાનનું સમ્યક દર્શન શું છે એ ખ્યાલ આવી શકે. પહેલું ધ્યાન છે – આર્ત ધ્યાન – આર્ત એટલે દુઃખ અને ધ્યાન એટલે એમાં થતી એકાગ્રતા. એવા વિચારો જે મનને દુઃખી કરે છે, એ આર્ત ધ્યાન કહેવાય છે. કોઈ પ્રિય વ્યક્તિનો વિયોગ થાય કે કોઈ ગમતી વસ્તુ ગુમાવી બેસીએ ત્યારે જે ધ્યાન થાય છે એ આર્ત ધ્યાન છે અથવા અપ્રિય વ્યક્તિ મારા જીવનમાં કોઈ રીતે પણ આવી ન જાય કે અપ્રિય ઘટના કે પ્રસંગ મારા જીવનમાં બને નહીં, આવા વિષયોમાં ચિત્તની એકાગ્રતા તે આર્ત ધ્યાન છે. શરીરમાં બીમારી આવી જશે તો શું કરીશ આવું ચિંતન પણ આર્ત ધ્યાન છે અને પોતાની પ્રાપ્ત શક્તિઓનો બદલો લેવામાં ઉપયોગ કરવો અને એનો પ્લાન કરવો એ પણ આર્ત ધ્યાન છે. આવું આર્ત ધ્યાન કરવામાં ખૂબ એકાગ્ર થવું પડે છે અને બહુ સજાક રહેવું પડે છે પરંતુ આમાં કેન્દ્રમાં સ્વ-ચેતના નથી અને આત્મશુદ્ધિનો તો પ્રશ્ન જ નથી એટલે આવું ધ્યાન કરવું એ દુર્ગતિનું કારણ છે અને વર્તમાનમાં પણ એ વ્યક્તિને ભયભીત,ડિપ્રેસ્ટ અને અશાંત કરે છે. એટલે આવું ધ્યાન કરવું પોતાના કે અન્યના હિતમાં નથી પરંતુ અહિતમાં છે એટલે સમજુ વ્યક્તિએ આવા અશુભ અને અપ્રશસ્ત ધ્યાનથી બચવું જોઈએ.આવું ધ્યાન કરનાર મરીને પશુ-પક્ષીની યોનિમાં જન્મ લે છે.

બીજું ધ્યાન છે – રૌદ્ર ધ્યાન – શબ્દથી જ સ્પષ્ટ છે કે આ ધ્યાનમાં ઉગ્રતા, આક્રમકતા વધુ છે. આર્ત ધ્યાનમાં વ્યક્તિ જડવત અને શારીરિક રીતે નિષ્ક્રિય હોય છે પરંતુ રૌદ્ર ધ્યાનમાં વ્યક્તિની શરીર અને મન બંને અતિ સક્રિય થઈ ઉઠે છે. રૌદ્ર ધ્યાન ચાર પ્રકારે થઈ શકે છે. પહેલું તો હિંસાનુબંધી રૌદ્ર ધ્યાન એટલે કે આવી વ્યક્તિ અન્યની હિંસા કરવા લાગે છે. સમસ્ત આતંકવાદના મૂળમાં આ રૌદ્ર ધ્યાન છે.આવી વ્યક્તિ કોઈના અંગ વિચ્છેદ કરવામાં પણ હિચકિચાતી નથી, આવી વ્યક્તિ દયાથી શૂન્ય હોય છે. રૌદ્ર ધ્યાન ધ્યાન એટલા માટે છે કે એમાં બહુ એકાગ્ર થવું પડે છે. પરંતુ આવી એકાગ્રતા ભયંકર અશુભ કર્મોનો બંધ કરાવે છે. બીજું છે – મૃષાનુંબંધી રૌદ્ર ધ્યાન. આ ધ્યાનમાં વ્યક્તિ જૂઠું બોલે છે, કપટ કરે છે. એના માટે ખૂબ આયોજન કરવું પડે છે. ખોટું કેવી રીતે બોલવું, ક્યારે બોલવું, ખબર ન પડી જાય એવી રીતે ખોટું બોલવું અને ખબર પડે જાય તો શું દલીલ કરીશ કે પકડાઈ ના જાઉં, આ બધામાં ખૂબ સાવધાન રહેવું પડે છે, આ સાવધાની જ રૌદ્ર ધ્યાન છે. એમાં ત્રીજું છે – ચોર્યાનુબંધી રૌદ્ર ધ્યાન. આમાં વ્યક્તિ ચોરીના આયોજનો કરે છે. ચોથું છે – સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન. માણસ પૈસા બચાવા માટે કેટલું કરે છે? પૈસાના વિકલ્પો કર્યા કરવા એ પણ રૌદ્ર ધ્યાન છે. દુનિયાના નેવું ટકા લોકો આ સંરક્ષણાનુબંધી રૌદ્ર ધ્યાન કરે છે. પૈસાનું સુરક્ષાની ચિન્તા એ પણ ભગવાન મહાવીર કહે છે કે ધ્યાન તો છે જ, પણ આવું ધ્યાન ખોટી દિશામાં છે. આનાથી જીવને લાભ જરા પણ નથી અને નુકશાન પુષ્કળ છે. આ પૈસાના સંરક્ષણ માટે તો ઘણા સુઈ પણ નથી શકતા, સતત એના જ વિચારો મગજમાં ઘૂંટ્યા કરતા હોય છે. મારી નજરમાં મને એવું જણાયું છે કે માણસના વિચારો વધુ પડતા બે જ બાબતના હોય છે, એક સેક્સ અને બીજું પૈસા. આ વિચારો માણસને અશાંત અને અંદરથી કમજોર કરી મૂકે છે. માણસને જો એની આ ઈચ્છા પૂરી ન થાય તો એ હિંસક પણ બની જાય છે. આવું ધ્યાન કરનાર નરક જેવું જીવન જીવે છે અને મરીને પણ નરકમાં જ જાય છે, જ્યાં લાંબા સમય સુધી ભારે દુઃખ ભોગવે છે.

ત્રીજું ધ્યાન છે – ધર્મ ધ્યાન – ધર્મ ધ્યાન એટલે સ્વભાવમાં સ્થિર થવાનો અભ્યાસ. આવા ધ્યાન જૈનધર્મમાં ચાર પ્રકારના જણાવ્યા છે. પહેલું ધર્મ ધ્યાન છે – આજ્ઞા વિચય. આજ્ઞા વિચાય એટલે વીતરાગ તીર્થંકરો એ આપેલી આજ્ઞા પર ઊંડાણથી વિચારવું અને એ પ્રમાણે જીવન જીવવું એ આજ્ઞા વિચય છે. વીતરાગની આજ્ઞા છે કે રાતના ન જમવું, દારૂ કે શરાબ ન પીવો, હિસંક વ્યવસાય ન કરવો. આ આજ્ઞાઓ પર વિચાર કરી આચરણ કરવું એ આજ્ઞા વિચય ધર્મ ધ્યાન છે. બીજું ધર્મ ધ્યાન છે – અપાય વિચય, અપાય એટલે સમસ્યા. જીવનમાં આવતી કોઈ પણ સમસ્યાના મૂળમાં જઈ વિચારવું અને સમસ્યાના પ્રમુખ કારણની શોધ કરવી. આપણે લોકો સમસ્યાના કારણો બહાર શોધીએ છીએ, હકીકતમાં એ આપણામાં જ હોય છે. હું બીમાર કેમ પડ્યો? મને ગુસ્સો કેમ આવે છે? હું આળસ કેમ કરું છું? પોતાની કમજોરીઓના મૂળ કારણની શોધ કરી ત્યાં ઉપચાર કરવો એ છે અપાય વિચય. ત્રીજું ધર્મ ધ્યાન છે – વિપાક વિચય એટલે કે આ સમસ્યા, આ કર્મનું ફળ શું મળશે? એમ કર્મના ફળનો વિચાર કરવો એ ત્રીજું ધર્મ ધ્યાન છે. ચોથું ધર્મ ધ્યાન છે – સંસ્થાન વિચય. સંસ્થાન એટલે આકાર અને આકારનો એક અર્થ છે આ બ્રહ્માંડ. આ વિશાળ બ્રહ્માંડમાં હું કેટલી વાર જન્મ્યો અને મર્યો, એના વિચાર કરવા એ ચોથું ધર્મ ધ્યાન છે. આવું ધ્યાન કરનાર પવિત્ર અને શ્રેષ્ઠ જીવન જીવે છે અને માર્યા પછી પણ શ્રેષ્ઠ મનુષ્ય ગતિ કે દેવ ગતિ પામે છે.

ચોથું ધ્યાન છે – શુક્લ ધ્યાન. આ ધ્યાન આજના આ પંચમ કાળમાં કોઈ કરી શકે એ સંભવ નથી. શુક્લ ધ્યાનમાં મૂળ નિર્વિચાર દશાનું પ્રાધાન્ય છે. એના ચાર પ્રકાર છે. પહેલું છે – પૃથક્ત્વ વિતર્ક સવિચાર – જેમાં જીવ એકમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા તત્ત્વ પર જઈ ભેદ જ્ઞાન કરે છે. બીજું છે – એકત્વ વિતર્ક વિચાર – જેમાં જીવ માત્ર એક જ તત્વમાં સ્થિર થાય છે, ભગવાન મહાવીર એક પુદગલ કે પરમાણુ પર આવું ધ્યાન કરતા હતા. ત્રીજું છે – સૂક્ષ્મ ક્રિયા પ્રતિપત્તિ – જેમાં માત્ર શરીરનો બોધ શેષ રહે છે અને બાકી બધું જ વિસરાઈ જાય છે અને ચોથું છે સમુચિન્ન ક્રિયા નિવૃત્તિ શુક્લ ધ્યાન, આ ધ્યાનમાં સમસ્ત કર્મો છૂટી જાય છે, જીવને આત્મ તત્વનું જ્ઞાન થાય છે, જેને જૈન શાસ્ત્રમાં કેવળજ્ઞાન કહેવાય છે. આવા જ્ઞાની જીવનો નવો જન્મ નથી હોતો, એ સીધા જ મુક્તિને પામે છે.

આમ ધ્યાનનું સમ્યક દર્શન એ છે કે જે ધ્યાન સ્વની શુદ્ધિ કરે અને સ્વમાં સ્થિર કરે એ જ સાચું ધ્યાન છે, બાકી ખોટા વિષયમાં અને ખાતા ભાવથી થતી એકાગ્રતા એ અશુભ ધ્યાન છે. અધ્યાત્મ માર્ગમાં એવા ધ્યાનને કોઈ સ્થાન નથી. ધ્યાન કરવા માટે જીવન વ્યવહાર શુદ્ધ અને સાત્વિક જોઈએ, ખાન-પાન અને આચાર વિચાર નિર્મળ જોઈએ અને અંતર્મુખી વૃત્તિ જોઈએ. ધ્યાન કરવું અઘરું નથી. આપણું મન અઘરું છે. મનને સીધું અને સ્પષ્ટ કરવા માટે ધ્યાન છે અને મનથી પણ પરે જવા માટે ધ્યાન છે.

ધ્યાનથી જાગૃતિ આવે છે, જાગૃતિથી પ્રવૃત્તિઓમા આવતી વિકૃત્તિઓ દૂર થાય છે. ધ્યાનથી અંતરની શક્તિઓ જાગે છે અને બહારની પ્રવૃત્તિઓ પ્રત્યે જીવ સભાન બને છે. એ સભાનતાના કારણે રોજિંદા જીવનમાં જાગતી પ્રતિક્રિયાઓ શાંત થાય છે, ક્રોધ વિરામ પામે છે અને ચિત્તમાં શાંતિ અને ચહેરામાં કાંતિ આવવા લાગે છે. ધ્યાનથી વ્યક્તિની ચારેય બાજુ રહેલી ઓરા શુદ્ધ અને સકારાત્મક બને છે. ધ્યાન જ જીવનને નવો અર્થ આપે છે. સહજતાથી આંખ બંધ કરીને અનુકૂળ આસનમાં બેસો. શરીરને શિથિલ અને મનને શાંત થવા દો. ત્યાર બાદ ચિત્તને નાકની પાસે સ્થિર કરી આવ જાવ કરતા શ્વાસને શાંત ભાવે જોયા કરો. શ્વાસને જોવાથી જાગૃતિ વધશે અને જેથી મનના વિચારો શાંત થવા લાગશે, એક દિવ્ય શાંતિ અંદર બહાર પ્રતિ ઘ્વનિત થવા લાગશે. ધ્યાનને કાળ ઉપર ડાળો નહીં, આજે અને અત્યારે જ અભ્યાસ શરૂ કરો.

Add Comment