અનુચિન્તન:15: એકલાપણુ , એકાંત અને કૈવલ્ય
Peace of Mind
એકલાપણુ એ મનની નકારાત્મક અવસ્થા છે. એમાં બીજાની ઉપસ્થિતિની માંગ છે કેમકે બીજાની ગેરહાજરી કંટાળો ઉપજાવે છે. બહારથી કોઈ જુએ તો એને લાગશે કે તમે એકલા છો, પરંતુ અંદરમાં ભીડ ભરેલી છે. એકલા રહેવામાં તમે રાજી નથી. પરિણામે કંટાળીને તમે કંઈક ને કંઈક ન કરવાનું કરવા લાગશો - સમાચાર પત્ર વાંચશો - ટીવી ચાલુ કરશો, કોઈકને ફોન કરવા બેસશો. જો તમને ભીડ ગમે છે તો યાદ રાખજો તમે એકલા નહિ રહી શકો. આ અભ્યાસ એક જન્મનો નથી, અનેક જન્મોનો છે. આ ભીડના સંસ્કાર તમને એકલા રહેવા નથી દેતા. આપણું મન એ ભીડનો જ એક ભાગ છે. ચેક કરજો કે મનમાં શું ચાલે છે - એ જ ચાલતું હશે જે તમને ભીડે આપ્યું છે.

એકાંત એ બીજા પ્રકારનું એકલાપણુ છે. આ આત્મમુખી ભાવ દશા છે. એકલાપણાનો પૂરી સમજદારી પૂર્વકનો સ્વીકાર એ એકાંત છે. એકાંતનો અર્થ છે - હવે તમને પોતાનામાં રસ અને આનંદ આવવા લાગ્યો.એકાંતમાં પોતાની જાત સાથે હોવાની એક અલગ મજા છે.  અહીં કોઈની ગેરહાજરી પજવતી નથી, પોતાનું સાનિધ્ય જ પોતાને શાંતિ આપે છે. આમાં કોઈ વ્યસ્તતા પણ નથી અને કોઈ ભીડ પણ નથી. પોતાની જાત સાથે શાંતિનો અહેસાસ છે.મનનું પંખી બસ પોતાના માળામાં આવી ગયું.આ ધ્યાનની અવસ્થા છે.

ગૃહસ્થ અને સંન્યાસીમાં ફરક શું? ગૃહસ્થ એટલે એવી વ્યક્તિ જે સંબંધ બનાવીને ભીતરના એકાંતને ઢાંકવાની કોશિશ કરે અને સંન્યાસી એટલે જેને એ જાણી લીધું કે આ એકાંત એ મારો સ્વભાવ છે, તેનાથી ભાગવાની કોશિશ કરવાના બદલે તે એકાંતને ભોગવે છે. એકાંત જ એની સાચી શરણ છે. સંસારના તાપથી બચવા માટે પોતાના એકાંતમાં ઉતરી જાય એ સંન્યાસી. આવા સંન્યાસીને ખબર છે કે એકાંતમાં જ જીવનનું ફૂલ ખીલે છે. 

ત્રીજું એકાંત છે - કૈવલ્ય. આમાં ન પોતાનું સ્મરણ છે, ન અન્યનું, માત્ર બોધ છે, માત્ર સમાધિ છે. આ આનંદની અવસ્થા છે. આ ન નકારાત્મક દશા છે, ન સકારાત્મક, આ આત્માનો મહોત્સવ છે. એકાંતમાં ચોવીસ કલાક ન રહી શકાય, કૈવલ્ય દશામાં જ્ઞાની ચોવીસ કલાક રહે છે. આ વીતરાગની અવસ્થા છે. કૈવલ્ય એટલે હવે માત્ર આત્મા જ રહ્યો, આત્માસિવાય કોઈનું અસ્તિત્વ નથી.

 

  • સમણ શ્રુતપ્રજ્ઞજી 

  પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 

Add Comment