એકલા રહેવું અને એકલા રહી પોતાના એકાંતને માણવું એ જીવનનું સૌભાગ્ય છે. ઘણા લોકોને આવું સૌભાગ્ય મળતું નથી અને મળે તો એ તેને માણી શકતા નથી. એકાંતને માણવાની સાધના અને અભ્યાસ નાનપણથી કરવો જોઈએ. દરેક માબાપે થોડી વાર એકાંતમાં પોતાની જાત સાથે રહેતા શીખવું જોઈએ. પોતે એકાંતમાં રહેતા શીખશે તો બાળકોમાં પણ એકાંતમાં રહેવાના સંસ્કારો નાખી શકશે. સફળ બાળપણ કોને કહેવાય? જે ખરેખર પોતાના નિજી એકાંતને માણી શકે એ સફળ બાળપણ કહેવાય.
બાળકોને પ્રકૃતિમાં એકલા છોડી દો અને છૂટથી રમવા દો. આમ કરીને તેઓ પોતાની જાત સાથે એકલા રહેતા શીખે છે. બાળકને એકાંતમાં રહેવાની એક આ રીત છે. જો તેના બદલે, તમે તેમને બેબી બાઉન્સરમાં મૂકી દો કે જેમાં આઈપેડ અથવા આઇફોન અથવા લેપટોપ માટે સ્લોટ હોય, તો તેઓ હંમેશાં કોઈ અન્ય બહારની વસ્તુના સંપર્કમાં આવે છે, પરિણામે પોતાની જાત સાથેનો સંપર્ક ગુમાવે છે, આવું પછી હંમેશા માટેની ટેવ પડી જાય છે. બાળક જયારે પ્રકૃતિ સાથે હોય છે ત્યારે એ પોતાના મન અને કલ્પનાના સંપર્કમાં છે અને સાધનો સાથે એ બહારના સંપર્કમાં છે - આ ભેદ સમજાઈ જવો જોઈએ.
ઘણાને લાગશે એ બાળકને શું ખબર એ શું મિસ કરે છે? બાળકને બધી જ ખબર છે અને એ કાંઈ પણ મિસ કરતો નથી. પ્રકૃતિની રહસ્યાત્મક દરેક વસ્તુ એના માટે એક અર્થ ધરાવે છે. એ અન્ય કોઈ વસ્તુ પાછળ પાગલ નથી અને એને કાલની કોઈ ચિંતા નથી. એને જવું હશે તો પ્રકૃતિના અસીમ ખોળામાં જશે, જિજ્ઞાસા કરશે, એની પાસે પૂરતો સમય છે, શ્રદ્ધા છે અને એના રસ્તામાં જે આવશે એની સાથે એ મસ્તીનો અનુભવ કરશે. એ જ બાળક થોડું મોટું થાય ત્યારે પણ તેની એકાંતમાં રહેવાની આ ટેવ ચાલુ રાખો.
દરેક સ્કૂલમાં બાળકને થોડી ક્ષણ એકાંતમાં રહેવાની વ્યવસ્થા હોવી જોઈએ. એકાંતમાં રહીને એ પોતાની જાત વિષે, પોતાના ભવિષ્ય વિષે, પોતાના લેવાના નિર્ણયો વિષે ખૂબ ઊંડાણથી વિચારશે. એટલું જ નહિ, બાળકના મનમાં ભણવાને લઈને ઉભી થતી ચિંતાઓ અને પરીક્ષાના ભયથી મુક્ત રહી પોતાના મનને તનાવ મુક્ત રાખી શકશે. એકાંતમાં રહેવાથી ખરેખર તો માણસની અંદર છૂપાયેલા દિવ્ય ગુણોનું પ્રગટીકરણ થાય છે. બાળકને જો તમે આ ટેવ પડાવી દેશો તો એના માટે તમારી આ સૌથી મોટી ભેંટ ગણાશે. પછી કોરોના જેવી ગમે તેવી ભયાનક સ્થિતિ આવે એ એકલા રહેવાની મોજને માણી શકશે કેમકે એકલા રહેવું હવે આનંદ છે, આફત નથી.
- સમણ શ્રુતપ્રજ્ઞજી
- પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ