અનુચિન્તન: 18: કરુણા વાયરસનું સંક્રમણ સૌને થાય એ જરૂરી છે
Peace of Mind
સમય મુશ્કેલી ભર્યો છે. ઘણા લોકો સંઘર્ષભર્યા સમયમાંથી ગુજરી રહ્યા છે. શું થશે કંઈ જ નક્કી નથી. આ બધાના કારણે હવામાં ભયનો વાયરસ છે. વધતા તનાવના લીધે રોગપ્રતિકારક શક્તિ કમજોર થઇ રહી છે. એ આપણને વધુ ચિંતામાં મૂકી દે છે. આ ઝેરીલા દુઃષચક્રમાંથી બહાર નીકળવા માટે કરુણારૂપી વાયરસમાં પ્રવેશ કરવો પડશે. આનો ઉચ્ચાર કોરોના જેવો લાગે છે. છતાં એ કોરોનાથી પણ વધુ અર્થસભર છે. કરુણા સંસ્કૃત શબ્દ છે. સારા સમાચારોની આપ-લે કરવી, સારા વીડિયો જોઈ નાચવું, પ્રેરણાદાયક વિચારોનું ચારેય બાજુ સંક્રમણ કરવું - આ બધાને આપણે કરુણા વાયરસ કહી શકીએ. કોરોના સામે કરુણાના આવાજને સામૂહિક રૂપે બુલંદ કરવાની જરૂર છે. એવી કેટલીએ ઘટનાઓ બની રહી છે જેમાં લોકો ભયના સ્થાને પ્રેમનો અને માનવતાનો પરિચય આપી રહ્યા છે. આખી દુનિયામાં કોરોના કરતા કરુણાની ઘટનાઓ વધુ સામે આવી રહી છે, આ ઘટનાના સદાય આપણા ચિત્તની સામે રાખવી જોઈએ અને એ જ આપણા આવતા ભવિષ્ય માટે નવી સંભાવનાઓ બનીને સામે આવશે.   

આપણે નવું જીવન પ્રારંભ કરવાના મધ્યમાં છીએ. કલ્પના કરી શકો કે ઇટાલિયન એરફોર્સ ગરીબોને સહાય કરી શકે, સ્પેનિશ સૈનિકો લોકોની સુરક્ષા અને હોંસલો વધારવા ગિટાર વગાડે, મહિલાઓ ઘરમાં વિપુલ પ્રમાણમાં માસ્ક બનાવી દાન કરે, ઈટાલીમાં કોરોના પીડિતોને મદદ કરવા ક્યુબા સફેદ વસ્ત્રોથી સજ્જ સેનિકો મોકલે, ભારતમાં લોકો પોલીસ અને ડોક્ટરોની સેવાના અનુમોદન માટે થાળી વગાડે, સામાજિક સંસ્થાઓ ઘરે ઘરે રાશન અને કોલેજનાં છોકરાઓ ઘરે ઘરે ટિફિન પહોંચાડે, મકાન માલિકો ભાડુઆતને ભાડાં લીધા વગર રહેવા દે, સેલિબ્રિટીઓ અને ક્રિકેટરો માનવતાને સંકટમાંથી બહાર લાવવા કરોડોનું દાન કરે, એટલે એવું લાગે કે ઘણીવાર સંકટના સમયે પ્રતિક્રિયા રૂપે આપણી ભીતરમાં પડેલા કરુણાના સંસ્કારો જાગૃત થતા હોય છે.

પોલીસ ઘરની બહાર નથી નીકળવા દેતી છતાં વૈશ્વિક સ્તરે સહકાર વધી રહ્યો છે.  શોપિંગ મૉલ ખાલી છે છતાં ઘરમાં ભોજનની કોઈ અછત નથી, સામાજિક અંતર જરૂર છે છતાં  પોતાની બારીમાંથી ઝૂકીને પડોસીઓ સાથે ગીતો ગાવા માટે છોકરાઓ ઝૂમી ઉઠયા છે. દેશની બોર્ડરો હજુ શિલ્ડ છે છતાં આપણી સહયોગ ભાવના સાત સમુન્દર પાર સુધી પહોંચી છે. ભયના ગુપ્તચરો ચારેય બાજુ છે છતાં વિશ્વ શાંતિની દિવ્ય પ્રાર્થનાના સ્વર ચારેય બાજુ સંભળાય છે. ફાકી અને માવા માટે કાળા બજારી જરૂર દેખાતી હશે છતાં આ બધાની વચ્ચે ઈમાનદાર લોકો ચુપચાપ બીજાનું ભલું કરી રહ્યા છે, કોરોના પોઝેટીવ આવે કે ના આવે કરુણાને  ચોક્કસ હજુ વધુ પોઝેટીવ બનાવીને જ રહીશું. આ આખુંય યુદ્ધ કોરોના અને કરુણા વચ્ચેનું છે.  
સમણ શ્રુતપ્રજ્ઞજી 
પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન: રાજકોટ 

Add Comment