સાવધાની સ્વાસ્થ્ય પ્રત્યે:
દરેક મનુષ્યને સ્વસ્થ રહેવું ગમે છે, બીમાર રહેવું કોઈને પણ ગમતું નથી. પરંતુ માણસના મનની સચ્ચાઈ એ છે કે એ સ્વાસ્થ્ય પ્રત્યે, બીમારી આવ્યા પછી જાગે છે, પછી સાવધાન બને છે. વાસ્તવમાં વ્યક્તિએ બીમારી આવે એ પહેલા સાવધાન થઈ જવું જોઈએ. સ્વસ્થ અવસ્થામાં જ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું જોઈએ. આજના આધુનિક યુગમાં અને આર્થિક લાલચના કારણે બીમારીઓનો આવિષ્કાર વધુ થયો છે. નિત્ય નવા રોગો વધી રહ્યા છે. એનું કારણ એ છે કે માણસ પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ નથી. માણસનું આડેધડ ખાનપાન, ઉજાગરા, આળસ અને બેદરકારી જોઈને એવું લાગે છે કે પોતાના આરોગ્યની કોઈને પડી નથી. જો કે કોરાનાની ભયાનકતા જોયાં પછી ઘણા લોકો હવે જાગૃત થયા છે. આ શુભ સંકેત છે.
સ્વસ્થ શા માટે રહેવું?
૧.મનની શાંતિ માટે
૨.સુખી જીવન માટે
૩.ચિત્તની પ્રસન્નતા માટે
૪. સ્વાવલંબી જીવન જીવી શકાય તે માટે
૫. વૃદ્ધત્વ દુઃખદ ન બને તે માટે
૬. આધ્યાત્મિક ઉન્નતિ કરી શકાય તે માટે
૭. અંગ્રેજી દવાઓની આડઅસરથી દૂર રહી શકાય તે માટે
૮.ઇચ્છિત સાત્વિક લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય તે માટે
સ્વસ્થ કોણ?
૧. જેનું પેટ નરમ, પગ ગરમ અને માથું ઠંડું હોય તે.
૨. જે વ્યક્તિ પોતાની મસ્તીમાં અંતર્મુખ રહેતો હોય તે.
૩. જેનું ચિત્ત અંતર્મુખીહોય તે.
૪. જેનું ચિત્ત વારે વારે શરીરના અંગો ઉપર ન જાય તે.
૫. જેનું મન તનાવ મુક્ત છે તે.
સંસ્કૃત સાહિત્યમાં કહ્યું છે:
समदोषः समाग्निश्च
समधातुः मलक्रियाः ।
प्रसन्नात्मेंद्रियमना
स्वस्थ इत्यभीधियते ।।
*જેના વાત પિત્ત અને કફ આ ત્રણેય દોષ સમ હોય
*જેની શરીરની અગ્નિ અને સાત ધાતુ સંતુલિત હોય
*જેની શૌચ અને પેશાબ ક્રિયા નિયમિત હોય
*જેની ઇન્દ્રિયો, મન અને આત્મા પ્રસન્ન હોય એ સ્વસ્થ છે.
શારીરિક સ્વાસ્થ્યના સૂત્ર:
૧. સીધા બેસવાનો અભ્યાસ રાખો ૨. ભોજન ચાવી-ચાવીને કરવાની ટેવ રાખો
૩. જેટલી ભૂખ હોય તે કરતા થોડું ઓછુ ખાવ
૪. અપાન વાયુ દૂષિત ના થાય તેનું ધ્યાન રાખો.
૫. નિયમિત 30થી 40 મિનિટ કસરત કરો અથવા ચાલવાનું રાખો અથવા પરસેવો પડે એટલો શ્રમ કરો
૬. ગાઢ નિદ્રા લ્યો અને
૭. સ્વભાવ હસમુખ રાખો
માનસિક સ્વાસ્થ્યના સૂત્રો:
૧.વર્તમાનમાં જીવવાની ટેવ રાખો
૨.ઈચ્છાઓને મર્યાદિત રાખો
૩. ક્ષમતાથી વધુ જવાબદારી માથા પર ન ઉઠાવો
૪. ઇન્દ્રિય અને મનને વશ ક્યારેય ના થાય
ભાવનાત્મક સ્વાસ્થ્યના સૂત્રો
૧. પોતાના સંવેગો અને આવેગો ઉપર વિવેક પૂર્વકનું નિયંત્રણ રાખો
૨. પોતાની લાગણીઓને કાબૂમાં રાખો
૩. બીજાની નકારાત્મક વાતોને અથવા બીજાની નકારાત્મક કોમેન્ટ્સને બહુ મહત્વના ના આપો
૪. પોતાનાથી કોઈ ભૂલ થઈ જાય તો ક્ષમા માંગી લો
૫. હંમેશા ભીતરમાં નમ્રતા ધારણ કરો અને સૌ પ્રત્યે નમ્ર વહેવાર કરો.
આધ્યાત્મિક સ્વાસ્થ્યના સૂત્રો
૧. હંમેશા આત્મ નિરીક્ષણ કરો
૨. રોજ ૨૦ મિનીટ ધ્યાન ધરો
૩. રોજ ઓછામાં ઓછું 15 મિનિટ સ્વાધ્યાય કરો અથવા કંઈક સારું સાંભળો
૪. આખા દિવસમાં થોડો સમય પ્રકૃતિ સાથે વિતાવો.
આ બધું કરવાથી માણસ તનથી, મનથી, ભાવથી અને આત્માથી સ્વસ્થ રહી શકશે. આ ચારમાંથી કોઈ પણ એક સ્વાસ્થ્ય બગડે છે તો તેની અસર બીજા તબક્કા ઉપર થયા વિના નથી રહેતી. કારણ કે આપણું અસ્તિત્વ સમગ્રાત્મક છે, અખંડ છે અને એટલે તનની અસર મન ઉપર અને ભાવ ઉપર થાય છે. મનની અસર તન ઉપર અને ભાવ ઉપર થાય છે. ભાવોની અસર શરીર ઉપર, મન ઉપર અને આત્મા ઉપર થાય છે. ચાલો આપણે અસ્તિત્વના આ ચારેય સ્તરોને સંપૂર્ણ રીતે સ્વસ્થ રાખવા યત્નશીલ બનીએ, સ્વાસ્થ્યના આ સમગ્ર દૃષ્ટિકોણને આજની ભાષામાં હોલિસ્ટિક એપ્રોચ કહે છે.
હું આશા અને વિશ્વાસ કરું કે આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં માણસે પોતાની જાત સાથે બેસીને પોતાની જાત પ્રત્યે વિચારવું પડશે, પોતાના જીવન પ્રત્યે વિચારવું પડશે, પોતાના આરોગ્ય પ્રત્યે વિચારવું પડશે અને પોતાના આત્મિક વિકાસ પ્રત્યે વિચારવું પડશે. કોરાના આક્રમણના અનુભવ પછીનો આ સમય આડેધડ જીવવાનો જરા પણ નથી. આ સમય બહુ સાવધાન રહીને, સજાગ રહીને અને યોજનાપૂર્વક, આયોજન કરીને જીવવાનો સમય છે. સત્પુરુષોનું યોગ બળ આપણને સૌને સર્વ રીતે નિરામય રહેવાની પ્રેરણા પૂરી પાડે અને આપણે એ દિશામાં જાગૃત બનીએ એવી સદભાવના સાથે વિરમું છું.