ઉજ્વળ ભવિષ્યના પાંચ સૂત્રો ( Five P ) : - સમણ શ્રુતપ્રજ્ઞ 
Peace of Mind

જીવનને ઊજળું બનાવવું હોય અને ભવિષ્યને ચમકીલું અને સંતોષનો ઓડકાર આવે એવું બનાવવું હોય તો જીવનમાં પાંચ 'P' અપનાવી લ્યો.

પહેલો P છે: પોઝિટિવિટી: 

જીવનમાં સકારાત્મક બનો. આજના લોકોના માઈન્ડ નેગેટિવ થઈ ગયા છે. એક વસ્તુ યાદ રાખજો કે જેનું મન નેગેટિવ હોય છે એનું મન કમજોર હોય છે. પોઝિટિવ મન એટલે જ પાવરફુલ મન. 

અહીં પોઝિટિવિટીનો અર્થ છે: તમારી પ્રમાણિક મહેનત પછી જે કંઈ પરિણામ મળે તેને સ્વીકારવાની હિંમત. જરા પોતાના જીવનનું નિરીક્ષણ કરીએ અને જોઈએ કે છે આપણામાં આ સકારાત્મક દૃષ્ટિકોણ? 

વિદ્યાર્થીઓને એક પ્રશ્ન પૂછું જેનો પ્રામાણિક અને યથાર્થ જવાબ આપજો: આપણે પરીક્ષા માટે ભણીએ છીએ કે જ્ઞાન માટે? પરીક્ષા માટે ને? બસ આ જ વિદ્યાર્થીઓની અને શિક્ષણ જગતની કમનસીબી છે.

વિદ્યાર્થીઓ વાંચે ત્યારે તેનું ધ્યાન વાંચવામાં હોય કે આ પરીક્ષામાં આવશે કે કેમ એની ચિંતામાં હોય? શિક્ષણનું લક્ષ્ય જ્ઞાન હોવું જોઈએ પરીક્ષા નહી.

વિદ્યાર્થીઓ માટે ભગવત ગીતા એક ટિપ્સ આપે છે: તું કર્મ કર કેમ કે એ તારા અધિકારમાં છે, ફળ પર તારો અધિકાર નથી. એટલે કે વાંચવામાં, મહેનત કરવામાં તારો અધિકાર છે, પરિણામ શું આવશે એમાં તારો અધિકાર નથી. વિદ્યાર્થીઓ એના જે અધિકારમાં નથી, એ પરિણામની ચિંતા કરે તો શું વળે? કઠોર મહેનત એ જ આપણા અધિકારમાં છે, અને એમાં જો પૂરેપૂરું ધ્યાન રાખીએ તો પરિણામ સારું જ આવશે. મહેનત કર્યા વિના પરિણામની ચિંતા કરશો તો એનું કોઈ સાર્થક પરિણામ આવવાનું નથી. જે આપણા અધિકારમાં છે એના પર ધ્યાન રાખીએ તો જે આપણા અધિકારમાં નથી એ પણ આપણા અધિકારમાં આવી જાય છે. મનમાં ચિંતા, તનાવ અને ડિપ્રેશન આવે છે પરિણામ પર ફોકસ કરવાથી. આજથી એક વસ્તુની ગાંઠ બાંધી લ્યો: જે વસ્તુમાં હવે ફેરફાર શક્ય નથી તેની હું ચિંતા નહી કરું.આ પોઝિટીવિટી છે. 

એક ભાઈને જામનગરમાં યુવાનીમાં સુગરની બીમારી વળગી. મને ચિંતા થઈ અને મે કહ્યુ આ તો તકલીફ વાળુ કામ છે, નાની ઉંમરમાં સુગર, લાઇફ સ્ટાઇલ જરા ડિસ્ટર્બ થઈ જાય. એ ભાઈ પોતાના પોઝિટિવ લહેકાથી બોલ્યા કે સમણજી, સાચું કહું તો તમારા પચાસ પ્રવચનો સાંભળવાથી જે બદલાવ નથી આવ્યો એ એક માત્ર સૂગરની બીમારી આવવાથી આવી ગયો. મેં પૂછ્યું એ કેવી રીતે? તો કે આ રોગ પછી હું સમય પર ઊંઘી જાઉં છું, સમય પર ઉઠી જાઉં છું, બહારનું ખાતો નથી, કામનો ભાર માથા પર ઉઠાવતો નથી, આનંદથી જીવું છે. મને થયું વાહ આ છે સકારાત્મક વિચારની તાકાત.

બીજો P છે: પેશન્સ: 

ધૈર્ય રાખો. ઉપનિષદ કહે છે: ધૈર્ય કંથાઃ એક યોગી માટે ધૈર્ય એ પથારી છે. સાધના કરનારમાં ધૈર્ય જરૂરી છે. મને આશ્ચર્ય થાય કે એક વૈજ્ઞાનિકમાં જે ધૈર્ય છે એટલું ધૈર્ય એક ધાર્મિકમાં નથી. આપણા ભારતીય લોકોમાં ધૈર્યનો અભાવ દેખાય છે.

ધૈર્યનો અર્થ કામ શરૂ જ ન કરવું એ નથી, ધૈર્યનો અર્થ છે કામ કરી લીધા પછી પરિણામની પ્રતીક્ષા કરવી તે છે. આપણે ત્યાં ઉતાવળ એ આપણા ડીએનએ માં છે. આ આદત બદલવી પડશે. આપણે ત્યાં કહેવાય છે ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. 

પ્રવૃત્તિ કર્યાં પછી પરિણામ માટે પ્રતીક્ષા કરવી એ ધૈર્ય છે. હકીકત એ છે કે તમે અનંત પ્રતીક્ષા કરવા તૈયાર હોય તો ઘટના એ જ ક્ષણે ઘટી શકે છે અને આ જ ક્ષણે ઘટના ઘટવાની હોય પણ ધૈર્યના અભાવે અનંત જન્મો લાગી શકે છે.

ત્રીજો P છે: પરફેકશન: 

કોઈ પણ કામ એની પરિપૂર્ણતામાં કરવું, વ્યવસ્થિત કરવું અને આનંદ પૂર્વક કરવું, કોઈ પણ કામને અડધું અધૂરું ન છોડવું. કોઈએ કહ્યું છે: ' જીના હો તો પૂરા જીના, મરના હો તો પૂરા મરના, બહુત બડા અભિશાપ જીવન મે, આધા જીના, આધા મરના.' જીવો તો પૂરે પૂરું જીવો અને મરો તો પણ શાંતિથી પૂરેપૂરા મરો. મરો ત્યારે જીવવાનો વસવસો નહી અને જીવો ત્યારે મરવાનો ભય નહી. 

આપણે ધ્યાન કરીએ તો પણ એમાં પૂરેપૂરા ડૂબતા નથી. પૂજા કરીએ તો પણ અડધું ધ્યાન બીજે ભમતું હોય, સાંભળતી વખતે પણ મનમાં શબ્દોનો કોલાહલ ચાલતો હોય છે. સૂવા જઈએ ત્યારે ભૂતકાળને વાગોળતા હોઈએ છીએ અને ઉઠ્યા પછી ભવિષ્યની યોજનાઓમાં મન લીન હોય છે.

ચોથો P છે: પ્રોમિસ

વચન બદ્ધતા એ પ્રોમિસ છે.તમારી જાતને કહો આ હું કરીશ અને જે કરવાના છો તેને તમે વફાદાર રહો. ઉદાહરણ લઈએ કે હું સવારે પાંચ વાગે ઉઠીશ તો કોઈ પણ ભોગે ઊઠીને જ રહો. પોતે કરેલા સંકલ્પને વળગી રહેવું એ પ્રોમિસ છે.

તમે જ્યારે સંકલ્પ તોડો છો ત્યારે તમારું મન ઢીલું અને કમજોર પડે છે. એટલું જ નહિ પ્રોમિસ પૂરું નહી થાય એટલે તમારા મનમાં શંકાનું ભૂત સવાર થાય છે. કંઈ પણ નવું કરશો એટલે પહેલા શંકા થશે કે આ હું નહી કરી શકું તો!! માટે જે સંકલ્પ કરો તેને વળગી રહો. બીજાને પ્રોમિસ આપતા પહેલા પોતાની જાતને પ્રોમિસ કરો. સંકલ્પ કરો કે આટલું તો હું કરીશ જ. સંકલ્પ કરો કે ખાધા પછી ત્રણ કલાક નહી ખાઉં., રોજ અડધો કલાક મૌન કરીશ વગેરે. દિવસમાં ચાર વખતથી વધુ ફોન હાથમાં નહી લઉં વગેરે.

પાંચમો P છે: પ્રેયર: પ્રાર્થના

પ્રાર્થના વિના બધું જ નકામું છે. તમે બહારથી ગમે એટલા તાકાતવર હોવ પણ જો તમારા જીવનમાં પ્રાર્થના નથી તો અંદરથી તમે ખોખલા અને કમજોર છો. 

ગાંધીજી આટલા વ્યસ્ત હતા છતાં રોજ પ્રાર્થના કરતા હતા. આપણે એમના કરતા પણ વ્યસ્ત છીએ ને? આપણે વ્યસ્ત નથી, અસ્ત વ્યસ્ત છીએ. આપણી પાસે જે જરૂરી નથી એવા બધા કામ કરવાનો સમય છે અને જે બહુ મહત્વના કામો છે એને કાલ પર ઠેલીએ છીએ.  નિયમિત પ્રાર્થનાની ટેવ પાડો, પ્રાર્થનાથી મનોબળ મજબૂત બને છે, અંદરથી આનંદનો ઓડકાર આવે છે, પોતાના પ્રત્યે આદરનો અને આત્મ વિશ્વાસનો ભાવ જાગે છે.

આ પાંચ P ને જીવનમાં વળગી રહેજો, જીવન તમને નવા નવા આયામો સુધી તમને લઈ જશે. આ પાંચ ગુણો તમને અનેક ગુણોના માલિક બનાવશે એવી દ્રઢ નિષ્ઠા સાથે વિરમું છું.

Add Comment