સમ્યક દર્શનનું સમ્યક દર્શન – સમણ શ્રુતપ્રજ્ઞ
Peace of Mind

એક ધનવાને આલીશાન મકાન ખરીદ્યુ. ખૂબ સુખ અને ખુશીનો અનુભવ થયો. થોડા સમયમાં એ મકાનમાં આગ લાગી. એ ધનવાનની આંખોની સામે મકાન બળવા લાગ્યું. ધનવાન જોર જોરથી રોવા લાગ્યો. એટલામાં મોટો દીકરો આવે છે અને પૂછે છે કે પાપા આપ કેમ રોવો છો? તો કે રોવું નહિ તો શું કરું, દેખાતું નથી તને કે આપણું મકાન બળી રહ્યું છે. દીકરાએ કહ્યું પણ પાપા આ મકાન બળતા પહેલા જ વેંચી દીધું છે. બાપ કહે હૈ, શું વાત કરે છે? હા પાપા આ મકાન હવે આપણું નથી. બાપનું દુઃખ અચાનક ચાલ્યું ગયું અને વિચારે છે કે તો તો મકાન ભલે બડે, કંઈ વાંધો નહિ. મકાન હજુ પણ આંખોની સામે બળી રહ્યું છે પણ હવે દુઃખ નથી થતું, ઉલ્ટાનું સુખ લાગે છે. એટલામાં બીજો દીકરો આવ્યો અને કહે છે પાપા મકાન વેંચી દીધું એ વાત સાચી પણ હજુ સોદો પાકો નથી થયો, માત્ર મૌખિક વાત જ થઇ હતી, આટલું સાંભળતા ફરી પાછું જોર જોરથી રોવાનું ચાલુ થયું. હવે તો મકાન વધુ બળી ગયું હતું અને કોઈ હવે બાપાને ચૂપ રાખનાર નથી.

એટલામાં ત્રીજો દીકરો આવે છે ને કહે છે પાપા કેમ રોવો છો, આ મકાન તો વેંચાઈ ગયું છે અને મારી પાસે જુઓ આ ચેક પણ આવી ગયો છે. બાપા કે શું વાત કરે છે? અચાનક આંખોમાં સુખની ચમક આવી ગઈ અને રોવાનું બંધ થઇ ગયું. એટલામાં ચોથા નંબરનો દીકરો આવ્યો અને કહ્યું પાપા આપણું મકાન બળી રહ્યું છે અને તમને કંઈ નથી થતું? બાપા કે થતું હતું પણ આ મકાન વેંચી દીધું છે એટલે એ હવે આપણી માલિકીનું નથી રહ્યું અને આપણી પાસે ચેક પણ આવી ગયો છે. અને બાપા એને ચેક બતાવે છે. ચેક જોઈને દીકરો કહે છે પણ પાપા આ ચેક તો જૂની તારીખનો છે. આ ચેક હવે વટાવી નહિ શકાય. આટલું સાંભળતા જ પાછું રોવાનું ચાલુ. શું થયું હકીકતમાં? જયારે જયારે બાપાએ માન્યું કે મકાન મારુ છે ત્યારે ત્યારે દુઃખી થયા અને જયારે માન્યુ કે મકાન મારુ નથી ત્યારે દુઃખ મુક્ત થયા.

કોઈ પણ વસ્તુને મારી માનવી અને એમાં દુઃખી થવું એ મિથ્યાત્વ છે અને એ ઘટનાને પોતાનાથી અન્ય માનવી અને એમાં તટસ્થ રહેવું એ સમ્યક્ત્વ છે. આજે આ સમ્યક દર્શનના સમ્યક દર્શન પર વિચાર કરીએ. આ વિષય ખૂબ ગહન છે પરંતુ અનિવાર્ય છે. ભગવાન મહાવીર અને બુદ્ધની સાધના પદ્ધતિનો આ પારિભાષિક શબ્દ છે. જેમ એકડા વિનાના મીંડાની કોઈ કિંમત નથી એમ અધ્યાત્મના જગતમાં સમ્યક દર્શન વિનાની કોઈ પણ શુભ ક્રિયાની કોઈ કિંમત નથી. જૈન શાસ્ત્ર શંખનાદ કરે છે આપણે આપણે અનંત જન્મોમાં અનેકવાર શુભ ક્રિયાઓ કરી પણ આ બધું જ આત્મ ભાવના લક્ષ્ય વિના કર્યું એટલે કામ ના થયું. આપણે પહેલા સમજી લઈએ કે આધ્યાત્મિક જીવનનું ધ્યેય શું છે? મુક્તિ એ દરેક ભાવિક જીવનું ધ્યેય છે. જેને આપણે મોક્ષ કહીએ છીએ. મોક્ષ એટલે આત્માની અત્યંત શુદ્ધ દશાનો અનુભવ કરવો. મોક્ષનો સંબંધ એકાંતે સિદ્ધશિલા સાથે નથી. કેમ કે ત્યાં નિગોદના જીવો પણ છે, સિદ્ધશીલા સ્વયં પૃથ્વીકાયના જીવોની બનેલી છે. આ જીવો સિદ્ધશિલામાં હોવા છતાં દુઃખી છે અને એ જ સિદ્ધશિલામાં બિરાજેલા સિદ્ધ ભગવાન સુખી છે. એનો અર્થ થયો મોક્ષ એ સિદ્ધશિલા જેવા ભૌગોલિક સ્થાનનું નામ માત્ર નથી, મોક્ષ આત્માની પૂર્ણ અને શુદ્ધ દશાનું નામ છે. આ પૂર્ણ શુદ્ધ દશા માટે આત્માનું નિર્મલ પરિણમન હોવું જોઈએ. એ જ સમ્યક દર્શન છે.

હવે એ વિચારીએ કે સમ્યક દર્શન શું નથી? આત્માને ભૂલીને તમે કંઈ પણ કરો એ સમ્યક દર્શન નથી. ગમે એટલી ઉત્કૃષ્ઠ આરાધના કરો, ગમે એટલા ઉગ્ર તપ – જપ કરો, ગમે એટલા કષ્ટ સહન કરો, ગમે એટલા દાન-પુણ્ય કરે કે ગમે એટલા સદ્કાર્યો કરે, અરે તમને કોઈ બાળી નાખે છતાં તમે લેશ માત્ર ક્રોધ ન કરો તો પણ એ સમકિત નથી. કેમ કે આ બધામાં આત્માનો અનુભવ નથી, બોધ નથી. આત્માના બોધ કે નિર્મળ દશા વગર આવું કરવું એ મિથ્યા દર્શન જ છે. કેમ કે આવા કષ્ટો કોઈ પણ સહન કરી શકે. મનોબળથી કે અન્ય કષાયના પોષણ માટે તમે અમુક કષાયને દબાવી શકો, એ મોક્ષ માર્ગ નથી. આ બધું તો અભવી જીવ પણ કરી શકે. એનો અર્થ એ થયો કે અભવી જીવ જે ન કરી શકે એવું કંઈક સમ્યક દર્શન માટે હોવું જોઈએ. આત્માની રુચિ એ અભવી જીવ પાસે નથી, એ હોય તો સમ્યક દર્શનની યાત્રા થઇ શકે. પુણ્યની રુચિ એ સમ્યક દર્શન નથી, આત્માની રુચિ સમ્યક દર્શન માટે જરૂરી છે. પુણ્યની રુચિ તો જડની રુચિ છે. પુણ્યથી શું મળશે – સ્વર્ગ અને ભૌતિક સુખ અને એ સુખ કરાવશે ભયંકર અશુભ કર્મ બંધન. માટે આત્મભાવ વિનાની શુભ પ્રવૃત્તિ પણ શું કામની? અનેકોવાર સાધુપણું લીધું પણ તોય આરો કે કિનારો ના આવ્યો કેમ કે બધું જ માત્ર બાહ્ય ઉપચાર સમજીને કર્યું. શુભ ક્રિયા કરવી ખોટી નથી, પણ આત્માના લક્ષ્ય વગર માત્ર શુભ ક્રિયા કરવી અર્થહીન છે. એ તો રોબોર્ટ આપણા કરતા વધુ સારી રીતે કરી શકે તેમ છે.

સમ્યક દર્શન એટલે નવ તત્વોની સાચી સમજણ. જીવ એટલે જેનામાં સંવેદના કરવાની શક્તિ છે, અજીવ એટલે જે નાશમાન ચીજો છે તે, પુણ્ય જે શુભ ક્રિયાનું પરિણામ છે, પાપ જે અશુભ ક્રિયાનું પરિણામ છે,આશ્રવ જે કર્મોને આવવાનો દ્વાર છે, સંવર જે કર્મોને રોકનાર છે, નિર્જરા એટલે સંચિત કર્મોને બહાર કાઢવાની વિધિ છે, બંધ એટલે આત્માનું કર્મોથી બંધાવું અને મોક્ષ એટલે આત્માનો અનુભવ કરીને મોહથી સદા માટે મુક્ત થવું તે છે. આત્માની અનુભૂતિ થાય એટલે જીવને શરીર અને આત્માનું ભેદજ્ઞાન થાય છે. શરીર અને આત્મા જુદા છે એવો બોધ થાય છે. જીવની આશક્તિ છૂટી જાય છે. આ નવ તત્વોની સમજણ આવે એટલે જીવ બધું જ કરતો હોવા છતાં આત્મ ભાવ પ્રત્યે જાગૃત રહેશે.

એકવાર આવું સમ્યક દર્શન થઇ જાય એટલે અનંતભવોનું પરિભ્રમણ બંધ થઇ જાય છે, પછી રહે છે વધુમાં વધુ માત્ર પંદર ભવ. આ છે સમ્યક દર્શનની તાકાત જે અનંત ભવને પંદર ભવમાં ફેરવી નાખે છે. એક વાર સમ્યક દર્શન થાય એટલે પછી જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી જીવનો જન્મ માત્ર ઊંચ ગતિમાં જ થાય છે. નરક અને તિર્યંચ ગતિનો પછી બંધ પડતો નથી.આવું સમ્યક દર્શન કરવી રીતે પ્રાપ્ત કરવું એ જરા વિચારીએ. સમ્યક દર્શન માટે પહેલી સાધના અંગ્રેજીનાં આઈ અને માઈને સમજી લેવાની છે. આઈ એટલે હું અને માઈ એટલે મારુ. હું શુદ્ધ બુધ અને ચૈતન્યધન છું, સર્વે ઉપાધિઓથી મુક્ત છું. મારો આઈ – હુંનો માલિક હું છું.મારો હું સ્વતંત્ર છે. માઈ એટલે જે મારુ છે તે. મારાનુ ક્ષેત્ર મોટું છે. મારુ મકાન, મારી ગાડી,મારો પરિવાર,મારી બેંક બેલેન્સ,મારી પ્રોપર્ટી – આ બધું મારુ છે. આ જે મારુ છે એ મારા કંટ્રોલમાં નથી, એ પુણ્ય પાપને આધીન છે. હવે સમ્યક દર્શન માટે એક કામ કરવાનું છે કે આ મારા માનેલામાં કોઈ પણ જાતનો ફેરફાર થાય ત્યારે મારો હું અપસેટ ન થવો જોઈએ. એનો અર્થ એ થયો કે બહારમાં ગમે તેવા ફેરફાર થાય પણ મારી અંદર એનું જરા પણ દુઃખ ન થાય તો સમજી લેવાનું કે તમે સમ્યક દર્શનની નજીક છો.

માણસ નાની નાની બાબતોમાં અપસેટ અને ડિસ્ટર્બ થઇ જાય છે. એનો અર્થ થયો આપણે એ પરિસ્થિતિ કે વ્યક્તિ સાથે જોડાઈ જઈએ છીએ. સમ્યક દર્શનની સાધના માટે જરૂરી છે કે હું મારી જાતને બહારના પ્રભાવોથી મુક્ત રાખું. નાની નાની બાબતોમાં તમે ખિન્ન થઇ જાઓ તો તમારી કિંમત શું? બીજો એક અભ્યાસ કરો કે ‘ મારા સુખ દુઃખનું કારણ હું છું, અન્ય કોઈ નહિ.’ બીજા લોકોને કે બહારી પરિસ્થિતિને દુઃખનું કારણ માનવું એ મિથ્યાત્વ છે. એકવાર બીજાને તમે તમારા દુઃખનું કારણ માનશો એટલે પછી એના પર આરોપ અને પ્રત્યારોપ કરશો. બીજાએ શું કરવું એ બીજાના હાથમાં છે, મારે એ સ્થિતિમાં કેવો પ્રતિભાવ આપવો એ મારા પોતાના હાથમાં છે. આ છે સમ્યક દર્શનનું સમ્યક દર્શન. પોતાના દુઃખ માટે બીજાને આરોપી ઠેરવવો એ અજ્ઞાન છે. સમ્યક દર્શન જેનું પ્રગટ્યું છે એની માન્યતા સ્પષ્ટ હોય છે કે હું જ છું મારા સુખ દુઃખનો કર્તા અને હું જ છું તેનો ભોક્તા, અન્ય વ્યક્તિ કે પરિસ્થિતિ માત્ર નિમિત્ત બની શકે છે, કારણ નહિ. આવું સમ્યક દર્શન ન આવે ત્યાં સુધી શાસ્ત્ર જ્ઞાન પણ અજ્ઞાન- મિથ્યા છે અને આવા જીવનું ચરિત્ર પણ મિથ્યા છે. સમ્યક દર્શન એટલે સાચું દર્શન, જે વસ્તુ જેવી છે એને એના એ સ્વરૂપમાં જ જોવી. આવું દર્શન ઉઘડ્યા પછી બધા ભ્રમો નાશ પામે છે. જીવ બંધનથી મુક્તિના માર્ગે ગતિ કરે છે.

Add Comment