અમેરિકામાં એક ભારતીય બહેન મારી પાસે આવી. એને શરીરમાં અનેક જગ્યાએ સફેદ દાગ હતા અને એનાથી એ ખૂબ પરેશાન હતી. ધરમ બરમમાં પહેલાં ખૂબ માનતી હતી પણ જ્યારથી આ દાગની બીમારી થઇ ત્યારથી ધર્મ સાથે છેડો ફાડી નાખ્યો હતો. સમાજમાં પણ આવવા જવાનું લાજ શરમના કારણે બંધ કરી દીધું હતું. મેં એને મળવાનો સમય આપ્યો અને મારી પાસે આવે છે. મેં એને પૂછ્યું કે બોલો. તો મને કે સમણ્જી ! ભગવાને આવું મારી સાથે જ કેમ કર્યું? તમે તો ભગવાનની નજીક છો, એટલે સાચું કહેજો. મારો એવો શું વાંક કે મારી સાથે આવો અન્યાય થાય છે? બહેનનું મન ભારે અસ્થિર હતું અને ચહેરા ઉપર ભારે ચિન્તા વર્તાતી હતી. મેં બહેનને પૂરા ધ્યાનથી સાંભળ્યા કેમ કે મગજમાં ફરિયાદોનું ભૂત સવાર હતું. જયારે એનો મનનો કચરો બહાર નીકળી ગયો એટલે મેં એને કેટલીક વાતો સમજાવી.
મેં કહ્યું કે ‘ આવું બને એટલે સ્વાભાવિક છે કે દરેકને દુઃખ તો થાય જ. કેમકે ન ધારેલું થાય એટલે આપણે તેને સ્વીકારી ન શકીએ. તમને પણ દુઃખ થાય એ હું સમજી શકું છું. તમને નહિ, મને પણ આવું થાય તો એકવાર તો હું પણ અંદરથી હલી જાઉં. પરંતુ માણસે જો આવા દુઃખમાંથી મુક્ત થવું હોય તો સાચી સમજ કેળવવી પડે. સમજ એ કેળવવી પડે કે ‘ ઘટના સાથે લડવાથી કોઈ લાભ નથી થવાનો, ઘટનાએ સ્વીકારતા આવડવું જોઈએ. શારીરિક મુશ્કેલીના દુઃખ કરતા એને ન સ્વીકારવાનું માનસિક દુઃખ વધુ ભયાનક હોય છે. આવી સ્થિતિમાં સ્વીકાર એ જ સાચું સમાધાન છે. જે વસ્તુ મારા કંટ્રોલમાં નથી એના માટે ચિંતામાં દિવસો બગાડવા અને નવા દુઃખો ઉભા કરવા એના કરતા એને મનથી સ્વીકારવાની સમજ કેળવવી જ જોઈએ. પરંતુ આવી સમજ દરેકમાં હોતી નથી. જેનામાં હોય છે એ આનંદમાં જીવે છે અને આવી સમજ નથી હોતી એ વ્યર્થના જીવનભર દુઃખી રહે છે.
બીજી વાત મેં એમને કહી કે આમાં વચ્ચે ભગવાનને લાવવાની જરૂર નથી. માણસની એક એવી વિચિત્ર ટેવ હોય છે કે, ‘ કંઈક પણ ખરાબ થાય એટલે ભગવાને મારી સાથે આવું કેમ કર્યું?’ પોતાનું દુઃખ ભગવાન ઉપર નાખી દેવાથી ભગવાનને કશો ફરક નથી પડતો પરંતુ આપણે જીવનભર અંધારામાં ભટકીએ છીએ. કર્મો મારા ખરાબ હોય એમાં ભગવાન શું કરે? માણસનો સ્વભાવ હોય છે કે એને દુઃખની જવાબદારી પોતાના પર નથી લેવી હોતી, એટલે એ બધો અપયશનો ભાર ભગવાનના માથે ચઢાવે છે. આ નર્યું અજ્ઞાન છે. મારા ખરાબ કર્મોની જવાબદારી મારી છે, મારા સુખ દુઃખ મારા કર્મોથી મળે છે, એ ભગવાન નથી આપતો. મેં એ બહેનની પૂરી વિનમ્રતા સાથે કહ્યું કે, ‘ માત્ર આ સફેદ દાગની જ નહિ, જીવનમાં જે પણ દુઃખ આવે છે, એના માટે માત્ર અને માત્ર હું જ પોતે જવાબદાર છું, અન્ય કોઈ નહિ. પરિપક્વ માણસ એ છે જે પોતાના દુઃખ માટે અન્ય કોઈને પણ કારણ નથી માનતો. આ મારા જ કોઈ અશુભ કર્મોનું ફળ છે અને તે સૂરવીરતા પૂર્વક ભોગવવાનું છે. પોતાની જાતને પણ લાચાર અને દુર્ભાગી સમજવાની જરૂર નથી.
ત્રીજી વાત મેં એમને સમજાવી કે ‘ તું કહે છે ને કે મારી સાથે જ કેમ થયું ?’ મેં કહ્યું કે તું ઈચ્છે છે કે આવું બીજા સાથે પણ થાય? શું બીજાને થવાથી તારું દુઃખ ઓછું થઇ જશે? અને મેં કહ્યું કે ‘ તારા જેવા સફેદ દાગની સમસ્યા તો હજારોને છે, તું એકલી જ નથી. અને બીજાને હોય કે ન હોય એમાં તને શું ફરક પડશે? તું જયારે એમ કહે છે કે મને જ કેમ – એ તારું અજ્ઞાન અને તારો અહંકાર છે. પ્રાર્થના તો એ કરવી જોઈએ કે જે મને થયું છે એવું કોઈને ન થાઓ. ઉલટું વિચારવું જોઈએ કે ‘ આ મારા જ કર્મોનું ફળ છે, અને સારું થયું આ માનવભવમાં જ કર્મો આ કર્મ ભોગવી લીધું. હસતા મોઢે સ્વીકારી લેશો તો સંચિત્ત કર્મોથી મુક્તિ મળી જશે, નહીંતર પાછું બીજા ભવમાં પણ આ કર્મો કૅરી ફોરવર્ડ થશે.
મેં એને ચોથી વાત સમજાવી કે ‘ આપણા જીવનમાં ઘણું બધું સારું પણ થાય છે, ત્યારે આપણે કેમ નથી કહેતા કે મારી સાથે જ કેમ?’ મેં આ વાત સમજાવતા એક ઉદાહરણ આપ્યું. એક પ્રસિદ્ધ ટેનિસ પ્લેયર થઇ ગયો જેનું નામ – અર્થર એશ. દુનિયાનો આ પહેલો બ્લેક ટેનિસ પ્લેયર હતો. જે 1975 માં વિમ્બલ્ડન જીત્યો હતો. ટેનિસની દુનિયાની આ એક અનહોની ઘટના છે. એ ખૂબ પ્રસિદ્ધ થયો. ખૂબ નામના મેળવી. સ્વભાવે પણ ખૂબ મજાનો માણસ હતો. પણ વિધિનું કરવું કે ‘ અચાનક એને એઇડ્સ નીકળ્યો. જો કે એમાં સીધો વાંક એનો નહોતો. એને કાંઈ ખોટું પણ નહોતું કર્યું. બ્લડ ટ્રાન્સફયુશન કરવામાં એઇડ્સના રોગે હુમલો કર્યો. અનેક લોકો અને એના ચાહકો દુઃખી થયા.
આવા સમયે એનો એક જીગરી મિત્ર હતો એને આ ન ગમ્યું. એને એના મિત્રને કહ્યું કે, ‘ ભગવાને તારી સાથે આવું કરીને અન્યાય કર્યો છે. તારી સાથે જે થયું તે યોગ્ય નથી થયું? ત્યારે બ્લેક ટેનિસ પ્લેયર અર્થર એશ ખૂબ સુંદર જવાબ આપે છે. એ કહે છે : ‘આખી દુનિયામાં પચાસ કરોડ બાળકો ટેનિસ રમવાનું શરુ કરે છે.એમાં પચાસ લાખ ટેનિસ રમવાનું શીખી લે છે. એમાંય પાંચ લાખ લોકો ટેનિસને પોતાનું પ્રોફેશન બનાવે છે. એમાંથી પચાસ હજાર ટેનિસ પ્લેયર સર્કિટ સુધી પહોંચે છે. એમાંથી પાંચ હજાર ગ્રાન્ડ સ્લામ સુધી પહોંચે છે અને ખૂબ મુશ્કેલીથી માત્ર પચાસ વિમ્બલ્ડન સુધી પહોંચે છે. એમાંથી ચાર સેમી ફાઇનલમાં અને માત્ર બે ફાઇનલમાં પહોંચે છે.અને એ બેમાં જયારે હું એક જ એવો છું જેના હાથમાં ટેનિસની દુનિયાનો શ્રેષ્ઠ પુરસ્કાર કપ છે. અને ‘ આઈ નેવર આસ્ક્ડ ગોડ – ‘વાય મી’? મેં ભગવાનને ક્યારેય નથી કહ્યું કે ભગવાન પચાસ કરોડ ટેનિસ પ્લેયરમાંથી એક મારા જ હાથમાં આ કપ કેમ? આ સફળતાનો શ્રેય મને જ કેમ? અને આજે જયારે હું આ દર્દમાં છું તો હું કેવી રીતે ભગવાનને ફરિયાદ કરી શકું કે મને જ કેમ? કોઈ પહોંચેલો ધાર્મિક માણસ પણ જે સંદેશ ન આપી શકે એવો એક અદ્ભૂત સંદેશ દુનિયાને આ વ્યક્તિએ આપ્યો છે.
આપણે સુખમાં નથી કહેતા કે ભગવાન આ સુખ મને જ કેમ? આપણે સફળતાનાં ટોચે પહોંચીએ તો પણ નથી કહેતા કે આ સફળતા મને જ કેમ? જીવનમાં હજારો ઘટનાઓ સારી બને છે ત્યારે કેમ નથી કહેતા કે ભગવાન આવું મારી સાથે જ કેમ? અને જરાક અમથું દુઃખ આવે એમાં તો ભાંગી પડીયે છીએ.આવા સમયે આપણી કૃતજ્ઞતા અને સમજણ ક્યાં સૂઈ જાય છે? રામને ચૌદ વરસનો વનવાસ થયો ત્યારે એમને કે ન કહ્યું કે મારી સાથે જ કેમ? મહાવીરના કાનમાં કિલા ભોંકાયા ત્યારે એમને કેમ ન કહ્યું કે મને જ આ કેમ? ગાંધીજીને જેલમાં નાખવામાં આવે છે ત્યારે એ કેમ નથી કહેતા કે મારી સાથે ભગવાન આ તું શું કરે છે? ભગવાન ઈસુને જયારે સુળી પર લટકાવે છે ત્યારે એ કેમ એમ નથી કહેતા કે ‘ મારી સાથે આ અન્યાય કેમ?’ અને આપણે આ મહાપુરુષની પૂજા અને અર્ચના કરીએ છીએ અને આશીર્વાદ માંગીએ છીએ. એમણે જે કર્યું એ નથી કરવું અને મફતમાં આશીર્વાદ લઈને સદા સુખી રહેવાનું વરદાન જોઈએ છે. આપણે એમના જીવનમાંથી શીખવું જોઈએ અને એ જે પંથે ગયા એ પંથ ઉપર બે ચાર ડગલાં માંડવા જોઈએ.આજથી સંકલ્પ કરીયે કે ક્યારેય એવો પ્રશ્ન અને ફરિયાદ નહિ કરીયે કે મારી સાથે જ કેમ? મારી સાથે જે થાય છે, એમાં પણ મારુ કંઈક હિત જ હશે.જે મળ્યું છે એનો આભાર માનવાનો છે, નથી મળ્યું એની ફરિયાદ નથી કરવાની. આપણે સુખમાં ક્યારે નથી કહેતા કે મારી સાથે કેમ તો દુઃખમાં શા માટે ફરિયાદ કરવી કે મારી સાથે જ કેમ?