નિંદા કરવાના પાપ કરતા નિદ્રાની આળસ વધુ સારી – સમણ શ્રુતપ્રજ્ઞ
Peace of Mind

એક બહેન એની બહેનપણીના ઘરે જાય છે. અરીસા સામે જોઈને કહે છે, આ દર્પણમાં ધૂળ કેટલી બધી છે! પેલી બહેનપણી તેને જવાબ આપે છે કે તને ધૂળ જ દેખાય છે, આ જાપાનની દસ હજારની કિંમતી ફ્રેમ નથી દેખાતી! ઘણા લોકોનું આવું જ હોય છે કે એમની આંખ ખરાબ જોવા ટેવાઈ ગઈ હોય છે અને એના કારણે એમને સારું ક્યાંય કશું દેખાતું નથી હોતું. આવા નિંદક ખરાબ લોકોને તો એ ખરાબ રીતે ચિતરે છે પણ સારા લોકો પર પણ દાગ લગાવવાનું ચૂકતા નથી. આવા લોકો સ્મશાનની તો નિંદા કરશે જ પણ સાથોસાથ મંદિરની પણ નિંદા કરતા ફરતા હોય છે. કતલખાનાની જ નહિ, પાંજરાપોળની પણ નિંદા કરતા હોય છે. આ નિંદાનું કૃત્ય બૉમ્બ જેવું છે – એ સારું અને ખરાબ બધાને સાફ કરી નાખે છે. આવું પાપ કરનાર ખરાબ વ્યક્તિને તો બદનામ કરે જ છે, સારી વ્યક્તિને પણ કલંકિત કરવામાં કશું બાકી નથી રાખતી. દુર્જનને જ નહિ,સજ્જનને પણ, પાડોશીને જ નહિ, માં-બાપને પણ ઉતારી પાડે છે. આવી પાપી વ્યક્તિ પાપીનું તો પાપ ઉઘાડું કરે જ છે, પણ પરમાત્માની નિંદા કરવામાં પણ તેને હિચકિચાહટ થતી નથી.

માણસના મગજમાં સતત વિચારોનો પ્રવાહ ચાલતો હોય છે. એના મનમાં ક્યારેક ભૂતકાળના તો ક્યારેક ભવિષ્યકાળના વિચારો મંડરાતા હોય છે. એ વિચારો આગળ જતા ચિંતા અને દુર્ભાવનું રૂપ લેતા હોય છે. એ બધા વિચારો અને ચિંતાને ચાર ભાગોમાં વહેંચી શકાય –

1. ઉત્તમ ચિંતા – અહીં ચિંતા એટલે ચિંતન. ઉત્તમ ચિંતન એટલે આત્માનું અને આત્મ સ્વરૂપનું ચિંતન,સાધના અને શુદ્ધિનું ચિંતન, પવિત્રતા અને પ્રસન્નતાનું ચિંતન,સદ્દગતિ અને પરમ ગતિનું ચિંતન, સ્વ દોષ અને સ્વ વિકાસનું ચિંતન.

2. મધ્યમ ચિંતા – આ ચિંતામાં ખાવા પીવાની અને માન પાનની ચિંતા થાય,ભેગું કરવાની અને ભોગવવાની જ ચિંતા સતાવતી હોય. જ્યાં જાય ત્યાં પોતાની સગવળતાના વિચારો કર્યા કરે એ મધ્યમ ચિંતા છે.

3. અધમ ચિંતા – આ ચિંતાના મૂળમાં ‘પૈસા’ જ છે. કેવી રીતે કમાવું, ક્યાંથી બે પૈસા વધારે કેમ મળે? ગમે તે રીતે,અધિક પૈસા,જલ્દી પૈસા અને ગમે તે રસ્તેથી પૈસા કેમ મળે તે જ વિચારમાં અને આયોજનમાં સતત પોતાના મનની શક્તિઓ વેડફતા હોય છે. પૈસા માટે નીતિ છોડવામાં પણ અને પાપ આચરવામાં પણ એમને વાંધો નથી. પૈસા માટે કોઈનું ખૂન પણ કરવું પડે તો આવા લોકો માટે એમાં પણ વાંધો નથી.આવા લોકો કદાચ પૈસા ભેગા કરી શકે છે પણ તેને શાંતિથી ભોગવી નથી શકતા. ગીતાની ભાષામાં આ આસુરી સંપત્તિ છે.

4.અધમાધમ ચિંતા – જેના મૂળમાં પોતે નહિ, અન્ય છે.બીજા શું કરે છે, બીજાનું કેમ ચાલે છે, બીજા ક્યાં જાય છે, એવી વ્યર્થ ચિંતામાં જે પોતાની બહુમૂલ્ય શક્તિ વેડફી નાખે છે. એમાં પણ બીજાનું સારું જોઈને ઈર્ષ્યા જાગે,કોઈ ખરાબ કરે તો વૈર વૃત્તિ જાગે, કોઈ કહ્યું ન માને તો ક્રોધ જાગે અને ધીરે ધીરે બીજાનું ખરાબ કરવાનું અને વિચારવાની ટેવ પડી જાય આ અધમા અધમ ચિંતા છે.

બીજાનું ગમે તેમ બોલવું એને જૈન શાસ્ત્રમાં ‘પરપરિવાદ’ નામનું સોળમું પાપ કહ્યું છે.પરપરિવાદ એટલે બીજાના વિષે જૂઠી વાતો કરવી,બીજાની માત્ર પોતાની ઈર્ષ્યાના કારણે નિંદા કરવી.જૈન શાસ્ત્ર કહે છે કે આવી નિંદા કરનાર આગલા ભવમાં બહેરા અને મૂંગા જન્મે છે.નિંદા એક એવું રસપ્રદ પાપ છે કે એ કરતી વખતે એ કોઈ ખોટું કરે છે એવો અહેસાસ પણ નથી થતો,કે એ કોઈ ખોટું કરે છે એનું દર્દ પણ નથી અનુભવાતું. અને આમ કરીને એ કોઈ પાપ કરે છે એવું પણ નથી લાગતું. આ પાપનું કોઈ પ્રાયઃશ્ચિત્ત પણ થઇ શકતું નથી. બીજા પાપ તો એકાંતમાં કરવા પડે છે પણ આ પાપ જાહેરમાં ખુલ્લે આમ કરે છે. બીજા પાપ કરતા પકડાઈ જવાનો ભય રહે છે, નિંદાના પાપમાં તો પકડવાનો પણ ભય નથી રહેતો.

પાપ બે પ્રકારના હોય છે – એક – જે આપણી પાછળ પડ્યાં છે અને બે – જેની પાછળ આપણે પડ્યા છીએ. જે પાપ કર્યા વિના ચાલે નહિ એ પહેલા નંબરમાં આવે છે. જીવન નિર્વાહ કરવામાં અનેક નાના મોટા પાપો કરવા પડે છે – ખાવા માટે,ધંધા માટે, નાના મોટા પાપ કર્યા વિના ચાલે તેમ નથી એ પહેલી શ્રેણીમાં આવે છે અને બીજા નંબરના પાપ એવા છે કે જેની કોઈ જ જરૂર નથી.જે માત્ર મોજ શોખ માટે અને પોતાની ઉચ્છુખલ વૃત્તિઓના પોષણ માટે કરવામાં આવે છે. જૈન દર્શનમાં એકને અર્થ દંડ અને બીજાને અનર્થ દંડ કહેવામાં આવે છે.ચોક્કસ પ્રયોજનના કારણે આત્મા કર્મોથી દંડતો રહે તે અર્થ દંડ અને કારણ વિના કે પ્રયોજન વિના આત્માને પતનના માર્ગે ધકેલવો એ અનર્થ દંડ પાપ કહેવાય છે. સંસારી જીવન જીવવા માટે હિંસાનું પાપ કરવું પડે એ અર્થ હિંસા છે અને નિંદાનું પાપ તો ક્યાંય ક્યારેય કરવાની જરૂર નથી, છતાં જીવ કરે એ અનર્થ પાપ છે.

કેવી વિચિત્રતા છે કે જે સંસારમાં હિંસાના પાપથી સંપૂર્ણ રીતે બચવું સંભવ નથી એનાથી એ બચવાની કોશિશ કરે છે અને જે નિંદાથી ભયંકર કર્મો બંધાય છે એવા ન કરવાના પાપો હોંશે હોંશે કરે છે.ખૂની પણ પોતાના પુત્રના ખૂનથી દૂર રહે છે પણ અહીં તો નિંદા કરનાર પોતાના સગા બાપને પણ નથી છોડતો! સેવન કાળ વખતે અત્યંત પ્રિય લાગતી નિંદા જયારે ફળ આપે છે ત્યારે ડૂચા કાઢી નાખે છે. આવી નિંદાના પાપ કરતા નિદ્રાધીન રહેવું વધુ સારું છે. કેમકે નિદ્રાધીન વ્યક્તિ કમ સે કમ એટલો સમય કોઈની નિંદા તો નહિ કરે ને! આ નિંદાના પાપને છોડવા માટે કોઈને સાચા ભાવથી અનુમોદવાનું ચાલુ કરીએ, કોઈના સારા ગુનો જોઈને પ્રસન્ન થઇ તેની પ્રશંસા કરીને નવાજીએ અને પરપરિવાદના પાપથી બચવાનો સલક્ષ્ય સંકલ્પ કરીએ.

Add Comment