ડુક્કર જેમ વિષ્ટાપ્રિય હોય છે, તેમ ચાડિયો દોષપ્રચાર પ્રિય હોય છે. ! સમણ શ્રુતપ્રજ્ઞ
Peace of Mind

એક વ્યક્તિ સાગર કિનારે જાય છે. સાગરને જોઈને કહે છે ‘ સાગર તું મહાન છે. તારી પાસે આવવું બધાને ગમે છે. તું લોકોને એક પારથી બીજે પાર પહોંચાડે છે પણ તારામાં આ ખારાશ ન હોત તો કેટલું સારું!’ આટલું કહેતા જ તેની નજર એક વૃક્ષ પર બેઠેલી કોયલ પર પડે છે અને કહે છે, ‘કોયલ તારો અવાજ કેટલો મધુર છે,તું ટહૂકે છે ત્યારે લોકોના દિલ જીતી લે છે પણ તારો આ રંગ કાળો ન હોત તો કેટલું સારું!’ આટલું બોલે છે ત્યાં એની નજર ગુલાબના છોડ પર પડે છે અને કહે છે, ‘હે ગુલાબ તું કેટલું મહાન છે,થોડી ક્ષણો જ તું જીવે છે પણ તારી સુગંધથી તું લોકોને મોહી લે છે પરંતુ તારી ચારેય બાજુ આટલા કાંટા ન હોત તો કેટલું સારું!’ આટલું બોલવાનું માંડ પૂરું કરે છે ત્યાં એની નજર આકાશમાં ચમકતા ચાંદ ઉપર પડે છે અને બોલી ઉઠે છે, ‘હે ચાંદ તું કેટલો ગુણવાન છે,તારામાં સોળે કળાએ ખીલવાની ક્ષમતા છે, કવિઓ તારી કળાઓ પર આફરીન થઈને કવિતાઓ રચવા લાગે છે પણ તારામાં આ કલંક ન હોત તું કેટલું સારું!’ આટલું બોલીને એ શાંત પડે છે ત્યારે સાગર,કોયલ,ફૂલ અને ચાંદ એક સાથે બોલી ઉઠે છે, ‘ હે મનુષ્ય તું કેટલો મહાન છે,શાસ્ત્રો તારી મહિમાના ગીતો ગાય છે,દુનિયાનો તું સૌથી બુદ્ધિમાન આત્મા છો, પણ તારામાં આ દોષો જોવાની ટેવ ન હોત તો કેટલું સારું!’

બસ, માણસનો એક આજ પ્રોબ્લેમ છે કે એ બધી રીતે બરાબર છે પણ એનામાં આ દોષો જોવાની ટેવના કારણે અને એને પ્રચારિત કરવાના વ્યસનના કારણે એની પાસે બધું હોવા છતાં એ દુઃખી, પરેશાન અને અશાંત છે. ગટર આગળ જતી હવા એક જ કામ કરે છે, બધે જ દુર્ગંધ ફેલાવાનું. બગીચાના એક વૃક્ષની ડાળ પર સડી ગયેલ ફળને જોઈને કાગડો એક જ કામ કરે છે, બગીચાને બદનામ કરવાનું. મડદા પાસે પહોંચી ગયેલ ગીધ એક જ કામ કરે છે,મડદાને ચૂંથવાનું અને એની દુર્ગંધ બધેય ફેલાવાનું. બસ ઠીક એવી રીતે પૈશુન્ય પાપને સેવનાર જીવ એક જ કામ કરે છે,વ્યક્તિમાં રહેલા દોષોને અનેક લોકોના કાન સુધી પહોંચાડવાનું.

અર્થાંત આવા દોષ શોધકને સમુદ્રની ગંભીરતાની પ્રશંસા કરવી નથી પણ ખારાશની ચાડી ખાવી છે. ગુલાબની સુગંધની નોંધ લેવી નથી પણ એના કાંટાઓ જોઈ એના પેટમાં દુઃખે છે.ચંદ્રમાની શીતળતા એને પ્રેરણા આપતી નથી પણ એનો કાળો દાગ જોઈને એની ધડકન વધી જાય છે. કોયલનો મીઠો અવાજ એને આકર્ષતો નથી પણ એની કાળાશ ઉઠીને આંખે ચોંટે છે. અને આ બધું ખરાબ જોઈને અટકતો નથી પણ આ બધી વાતોને બધેય પ્રચારિત કરવામાં એને ભારે રસ પડે છે.

એવું કહી શકાય કે આ જગતમાં ચાર પ્રકારના જીવો હોય છે –

1.ગુણ દર્શક અને ગુણ પ્રચારક

  1. દોષ દર્શક અને દોષ પ્રસારક

3.ગુણ દર્શક પણ દોષ પ્રચારક

4.દોષ દર્શક પણ ગુણ પ્રચારક

જે ચાડિયો છે એનો નંબર બીજા અને ત્રીજામાં આવે છે. આ પૈશુન્ય એ ચૌદમા નંબરનું પાપ છે. પૈશૂન્ય એટલે બીજામાં ખરાબ જોઈને એની ચાડીઓ ખાતા ફરવું. ઘણા લોકોનું આજ એક કામ હોય છે. એની માત્ર આંખો ખરાબ છે એટલું જ નહિ, એનું હૃદય ઈર્ષ્યાની આગથી સળગતું હોય છે અને એનું મન આવા જીવોની ઉન્નતિ જોઈ શકતું નથી.ડુક્કર જેમ વિષ્ટા પ્રિય હોય છે,શિયાળ જેમ કપટ પ્રિય હોય છે,ભેંસ જેમ કીચડ પ્રિયા હોય છે,કાગડો જેમ ગંદવાડપ્રિય હોય છે તેમ ચાડિયો દોષ પ્રચાર પ્રિય હોય છે.બસ એની નજરમાં નબળું ચડવું જોઈએ અને એના પ્રચારમાં પછી એ તલપાપડ બન્યા વિના રહેશે નહિ. પરંતુ સાવધાન ! અન્યના સુખની તમે ગમે એટલા ઉત્સાહથી જાહેરાત કરો પણ એ સુખ તમારું બનતું નથી પણ અન્યના સદ્ગુણોની તમે જો ઉલ્લાસથી જાહેરાત કરશો તો એ તમારા બની ગયા વિના રહેશે નહિ અને એ પણ હકીકત છે કે અન્યના દોષો જેટલા પ્રચારિત કરશો એટલા તમે પણ ગંદા થયા વિના રહેશો નહિ.

જે હાથમાં વિષ્ટા હોય છે એ હાથમાં રમકડાં રહી શકતા નથી, જે ઘરની બહાર ભટકતો હોય છે એ ઘરમાં મળી શકતો નથી,જે થિયેટરોમાં હોય છે એ પ્રભુ મંદિરમાં મળશે નહિ, ઠીક એવી રીતે જેની આંખો બીજાના દોષો જોવામાં અને જેનું ઈર્ષ્યાળુ હૃદય એનો પ્રચાર કરવામાં વ્યસ્ત હોય છે તેને પોતાના ગુણોની માવજત કરવાનો સમય મળતો નથી. ચાડી ખાવા પાછળનું એક જ મનોવિજ્ઞાન છે અને તે એ કે, બીજાને હું જેટલો ખરાબ ચીતરી શકું એટલો હું વધુ સારો પુરવાર થઇ શકું અને બીજાની ખરાબી ચીતરીને હું મારી ખરાબીને સરળતાથી છુપાવી શકું. પરંતુ એ એક સત્યને ભૂલી જાય છે કે ભલે તે પોતાની જાતને ચાલાક,હોંશિયાર અને બુદ્ધિમાન માનતો હોય પણ એ સર્વત્ર અપ્રિય જ બન્યો રહેતો હોય છે અને અન્યોની અશાંતિનું કારણ પણ બનતો હોય છે.

જૈન આગમ ગ્રંથોમાં આવા ચાડિયા માટે એક વચન આવે છે – પિશુના: પુષ્ટિ ખાદકા: એટલે કે જેમ જંગલી જનાવરો પીઠ પાછળ હુમલો કરતા હોય છે તેમ આ ચાડિયાઓ પીઠ પાછળ જ બીજાની ટીકાઓ કરતા હોય છે અને આ પીઠ પાછળનું માંસ ખાવા બરાબર છે.

 

છેલ્લે એટલું જ કહીશ કે તમારા ઘરમાં કોઈ આવીને કચરો નાખી જાય તો તમને નથી ગમતું તો તમારા કાનમાં કોઈ બીજાઓની હલકી અને બેમતલબની વાતો કરતા હોય તો તમે કેમ ચલાવી લો છો? જેમ તમારી ખાનદાની બીજાના ઘરમાં કચરો નાખતા જો તમને રોકતી હોય તો સામાના કાનમાં બીજાઓની હલકી વાતો કેમ નાખવામાં રસ લ્યો છો? સંદેશ સ્પષ્ટ છે તમે ખુદ ચાડિયા બનો નહિ, તમારી આજુ બાજુ આવા ચાડિયાઓ ફરકવા દો નહિ, ઘણા અનિષ્ઠ થતા બચી જશે.

Add Comment