છેલ્લા કેટલાક સમયથી આપણે જૈન દર્શનમાં અઢાર પાપોની ચર્ચા કરી રહ્યા છીએ. આજે એ જ ક્રમમાં આપણે તેરમાં પાપસ્થાનક ની ચર્ચા કરીશું. તેરમું પાપ છે – અભ્યાખ્યાન પાપ. ઘણા લોકોને એક પ્રશ્ન મૂંઝવતો હોય છે અને તે એ કે મેં આ જીવનમાં કોઈને દુઃખ નથી આપ્યું તો મારા જીવનમાં આટલું દુઃખ અને આટલા કષ્ટો કેમ? ભારતીય ધર્મ સંસ્કૃતિ પૂર્વ જન્મ અને પુનર્જન્મમાં માને છે. પૂર્વ જન્મમાં કરેલા કર્મોના સારા નરસા ફળ ભોગવવા જ પડે છે. વર્તમાન સમયની દરેક મુશ્કેલી અને કઠિનાઈનું કારણ ક્યાંકને કયાંક પૂર્વે કરેલા કર્મોમાં જોવા મળશે. એ સંદર્ભે અભ્યાખ્યાન પાપને સમજીએ તો અભ્યાખ્યાન એટલે જેનામાં જે દોષો નથી એનામાં એ દોષોનો જૂઠો આરોપ લગાવવો, જે માણસ સાચો છે એને દુનિયા અને દુનિયાના લોકો સામે ખોટો ચીતરવો, પોતાની ઈર્ષ્યા અને અદેખાઈ વશ કોઈને ખોટી રીતે બદનામ કરવાની બાલિશ ચેષ્ટા કરવી. માટે એક બાબત ખાસ યાદ રાખી લેવી ઘટે કે બીજાને બદનામ કરવામાં એનું નુકશાન થાય છે કે નહિ એ ચોક્કસ નથી પણ બદનામ કરનારને અનંત જન્મો સુધી નરક અને નિગોદની યાતનાઓ ભોગવવી પડે છે.
જૈન દર્શન કહે છે કે કે બીજાને ખોટી રીતે બદનામ કરવાની ચેષ્ટા જે કરે છે એના જીવનમાં મુખ્ય ત્રણ કર્મોનો ભયંકર બંધ થાય છે અને જીવન યાત્રામાં એ કર્મોના કટુ ફળ ભોગવ્યા સિવાય છૂટકો નથી. પહેલું કર્મ બંધ છે – અશાતા વેદનીય કર્મનું. એટલે કે જે બીજાને બદનામ કરવાની ચેષ્ટા કરે છે એના જીવનમાં ભયંકર બીમારીઓ આંખ સામે આવીને ઉભી રહે છે. શરીરનું કેન્સર, પગમાં ફ્રેક્ચર, બ્રેઈન ટ્યુમર, આંખનો અંધાપો, કાનની બહેરાશ,પક્ષાઘાત, ચામડીના ભયંકર રોગો અને બીજા અનેક અસાધ્ય રોગો જે થાય છે એના મૂળમાં બીજા પર ખોટા આરોપો અને બદનામ કરવાની વૃત્તિ મુખ્ય છે. ઘણી વાર આરોગ્યનું બધું જ ધ્યાન અને કાળજી રાખવા છતાં કેમ ખતરનાક રોગો માણસને એટેક કરે છે એનું કારણ આ પાપમાં છુપાયેલું છે. આના મૂળમાં મનોવૈજ્ઞાનિક કારણ એ છે કે તમે જેને બદનામ કર્યો છે એ પોતાની બદનામીના કારણે જે માનસિક અને ભાવાત્મક યાતના ભોગવે છે અને એટલે એના પરિણામ સ્વરૂપે આવું કરનાર ભયંકર વ્યાધિઓનો શિકાર બને છે.
કર્મબંધન જગતનો કાયદો એવો છે કે તમે સામેની કોઈ વ્યક્તિને જે ક્ષેત્રનું નુકશાન પહોંચાડો છો એ ક્ષેત્રમાં તમારું વિઘ્ન (અંતરાય ) કર્મ બંધાય છે. તમે કોઈની સંપત્તિ લૂંટો છો તો તમને લાભ થતો થતો અટકી જશે, કોઈના રૂપને જોઈને ઈર્ષ્યા થશે તો તમે તમારી કુરુપતાના બીજ વાવો છો. પરંતુ સામાના જીવનને ખતમ કે બરબાદ કરવાનું આયોજન કરો છો તો આખા શરીરની બીમારીનું કર્મ બાંધો છો અને એ કટુ ફળ ભોગવ્યે જ છૂટકો છે.
આ અભ્યાખ્યાન પાપનું બીજું ફળ છે – અપયશ નામ કર્મ. એટલે કે તમે કરોડોનું દાન કરો કે લોકોની સારા ભાવથી સેવા કરો, તમે મહિના સુધીનું તપ કરો કે દુષ્કર બ્રહ્મચર્ય વ્રત પાડો પણ છતાં તમારી ખ્યાતિ વધવાના બદલે તમારો અપયશ જ થાય. પરિવારમાં બધાનું ખૂબ ધ્યાન રાખો, મિત્રો માટે પ્રાણ આપવા તૈયાર થઇ જાઓ અને સમાજ માટે મારી ફિટો છતાં તમારી કોઈ જ કદર ન કરે તો સમજી લેવું આની પાછળ તમારી કોઈને બદનામ કરવાનું પાપ તમારા નામે ચડેલું છે.એક પુષ્પને કાંટા તરીકે સાબિત કરવું, એક પુણ્યાત્માને પાપી તરીકે ઘોષિત કરવો, એક જ્ઞાનીને અજ્ઞાની તરીકે સાબિત કરવો જેટલું મોટું પાપ છે એટલું જ મોટું આ અભ્યાખ્યાનનું પાપ છે. એક વ્યક્તિ તમારા લીધે જયારે બદનામ થાય છે ત્યારે એને થતાં અનેક લાભોથી એ હાથ ધોઈ બેસે છે અને એમાં તમે નિમિત્ત બનો છો એટલે આ કર્મનું પરિણામ તમારે રોતા રોતા ભોગવવું પડશે એમ સમજી વહેલી ટકે ચેતી જજો અને કોઈને બદનામ કરવું પાપ મહેરબાની કરીને ન કરશો. આ પાપનું કોઈ પ્રાયઃચિત્ત પણ સંભવ નથી.
આ પાપનું ત્રીજું કટુ ફળ છે – અનાદેય નામ કર્મ. તમે જ્યાં જાઓ ત્યાં તમારી ઉપેક્ષા જ થાય. તમે કોઈને કાંઈ કહેવા જાઓ પણ સામેનાને ગમે જ નહિ, કોઈને મીઠી સલાહ આપો તો પણ એ તમારો શત્રુ થઇ બેસે,તમે જે કંઈ સારું પણ કરો તો પણ એ તમારો વિરોધ અને ઉપેક્ષા જ કરે, આ એક રીતે અપમાનિત થવા બરાબર જ છે ને! પણ આપણે જ જયારે કોઈની જિંદગીમાં પથરા નાખ્યા હોય તો પછી આપણા જીવનમાં ફૂલો ક્યાંથી દેખાય? તમારે વ્યક્તિ, પરિવાર, અને સમાજમાં ઉપેક્ષાના ભોગ ન બનવું હોય તો કોઈને ભૂલેચુકે પણ બદનામ કરવાનું પાપ નહિ જ કરતા.
આપણા મનની એક અદભૂત શક્તિ છે અને એ છે અનુમાન કરવાની શક્તિ. આ શક્તિનો ઉપયોગ સારી રીતે પણ થઇ શકે છે અને ખરાબ રીતે પણ થઇ શકે છે. કોઈ પાપીને એના પાપ સામે ન જોતા એમાં પણ કંઈક વિશેષતાના દર્શન કરીને એના પુણ્યમાં પ્રાણ ફૂંકવાનું શ્રેષ્ઠ કામ કરવું એ પણ અનુમાનનો એક ઉપયોગ છે અને એક સંતના સંતત્વને છુપાવી એને પાપી ચિતરવાની અને પાપનું અનુમાન કરી દુનિયાની સામે ખોટું ઉદાહરણ મુકવામાં પણ અનુમાનનો ખરાબ ઉપયોગ થઇ શકે છે. આપ આવું કરશો તો સંતને દુર્જન બનવાનું મન થશે અને સમાજમાં સંતત્વ પ્રત્યે વિશ્વાસ ઉઠી જશે અને એ પાપમાં તમે નિમિત્ત બનશો. આ આખીયે ચર્ચાનો સાર એટલો જ યાદ રાખી તેનું દૃઢતા પૂર્વક પાલન કરીએ કે ‘અહંકાર અને અનુમાનને આધીન બનીને જેઓ સંત અને સજ્જન છે એમના વિષે ખરાબ બોલવાનું પાપ હું કદીયે નહિ કરું’, સારાને સારો કહીયે અને જે ખરાબ છે એને પ્રેમથી સુધારવાની નમ્ર ચેષ્ટા કરીયે પરંતુ સારાને ખરાબ સાબિત કરવાનો પ્રચાર ભૂલે ચુકે ન કરીએ એવી શક્તિ અને એવો વિવેક જાગૃત કરીએ.