મિથ્યા દર્શન શલ્ય એ અઢાર પાપોની જનની છે – સમણ શ્રુતપ્રજ્ઞ
Peace of Mind

અમૃતમાં ઝેરના દર્શન કરનારો અમૃતપાનથી વંચિત રહી જાય અને ઝેરમાં અમૃતના દર્શન કરનાર ઝેરપાન કરીને અકાળે પરલોકમાં રવાના થઇ જાય છે. હીરામાં કાચના ટુકડાના દર્શન કરનારો હીરાની
પ્રાપ્તિથી વંચિત રહી જાય છે અને કાચમાં હીરાના દર્શન કરનારો કરોડોના નુકસાનનો ભોગ બની જાય છે. પરંતુ તત્વને અતત્વ અને આત્માને અનાત્મા માનનારો સર્વ કર્મોથી મુક્ત થવાના સૌભાગ્યથી વંચિત રહી જાય છે અને અનાત્માને આત્મા માનનારો અનંત સંસારની યાત્રાએ નીકળી જાય છે. મિથ્યાત્વ આખરે છે શું – તત્વ અને અતત્વ વચ્ચેનો અવિવેક, સાચા ખોટાની પરખનો અભાવ.

મિથ્યા દર્શન શલ્ય ને અઢાર પાપોની જનની કહેવાય છે. ઉપરના સત્તર પાપો હોય અને અઢારમું ન હોય એ બની શકે છે. તેનું ઉદાહરણ છે – સમકિતી. પરંતુ જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવાની જ એ ન્યાયે અઢારમું મિથ્યા દર્શન પાપ હોય તો સત્તરે સત્તર પાપ જરૂર હશે. બુદ્ધિરૂપ ત્રાજવામાં તોલવામાં આવે તો એક બાજુ સત્તર પાપ મૂકો અને બીજી બાજુ માત્ર અઢારમું મિથ્યા દર્શન શલ્યનું પાપ મુકો તો મિથ્યા દર્શન શલ્યનું પલ્લું નમી જશે. પદાર્થના સ્વરૂપનો જે મિથ્યા ભાવ છે એ જ મિથ્યાત્વ શલ્ય છે.એટલે કે વસ્તુનું જે યથાર્થ સ્વરૂપ છે તેને ઊંધું અને ઉલટું માનવું તે મિથ્યા દર્શન શલ્ય છે. મિથ્યાત્વ અને સમ્યક્ત્વ વાસ્તવમાં જ્ઞાનની જ પ્રક્રિયા છે.આત્માની જ આ બે જ્ઞાન અવસ્થા છે – મિથ્યા જ્ઞાન અને સમ્યક જ્ઞાન. મિથ્યાજ્ઞાનીમાં જે જ્ઞાન પડેલું છે એ વાસ્તવમાં જ્ઞાન નહિ પણ અજ્ઞાન જ છે. અહીં વિપરીત જ્ઞાનને જ અજ્ઞાન કહેવાય છે. તેથી મિથ્યા જ્ઞાનીની પ્રવૃત્તિ હંમેશા અજ્ઞાનથી ભરેલી હશે. એટલે મિથ્યા જ્ઞાની એ અજ્ઞાની જ છે અને જેને યથાર્થ જ્ઞાન છે એ સમકિત છે. જેનું જ્ઞાન સાચું એની વૃત્તિ – પ્રવૃત્તિ સાચી, જેનું જ્ઞાન ખોટું એની વૃત્તિ અને પ્રવૃત્તિ પણ ખોટા હોય છે.

જેમ એક વ્યક્તિ દારૂના નશામાં ગમે તેમ વિપરીત બોલે છે. એનો બધો વિવેક નષ્ઠ થઇ ગયો હોય છે.એ પોતાની માને પત્ની, પત્નીને ભાભી, બહેનને મા એમ વિપરિત બોલતો હોય છે, ઠીક એવી રીતે મિથ્યાત્વી પણ મોહ મદિરાના નશામાં જે મારુ નથી તેને મારુ માની બેસે છે, જે ખોટું છે તેને સાચું અને સાચાને ખોટું માની બેસે છે.મિથ્યાત્વીની પ્રવૃત્તિ પણ પાપમયી જ હોવાની છે. ટૂંકમાં મિથ્યાત્વ એટલે જે જેવું છે તેને તેવું ન માનતા, તેને વિપરિત માનવું અને એ પ્રમાણે પ્રવૃત્તિ કરવી તે છે.

અહીં મિથ્યાત્વીની દસ સંજ્ઞા આ પ્રમાણે છે –

1.ધર્મને અધર્મ માનવો – જે જ્ઞાન દર્શન અને ચરિત્રની ક્રિયા અને ભાવમાં ધર્મ છે તેને અધર્મ માનવો તે પહેલું મિથ્યાત્વ છે.
2.અધર્મને ધર્મ માનવો – જે હિંસા,ચોરી,મૈથુન આદિ પાપ પ્રવૃત્તિમાં ધર્મ માને તે બીજા પ્રકારનું મિથ્યાત્વ છે. પ્રવૃત્તિ ભલે શુભ દેખાતી હોય પણ એના સેવનથી રાગ દ્વેષ પોષાતા હોય તો એ પણ અધર્મ જ છે અને તેને ધર્મ માનવો એ પણ મિથ્યાત્વ છે. આગને ઠારવા તમે તેમાં પાણીના બદલે પેટ્રોલ નાખો તો શું થાય? રાગ દ્વેષને ઘટાડવા તમે ધર્મને બદલે અધર્મ સેવો તો શું થાય?
3.સન્માર્ગને ઉન્માર્ગ માનવો – મોક્ષરૂપ ત્યાગ અને સંયમ જે માર્ગ છે તેને ઉન્માર્ગ કે ખોટો માર્ગ માનવો તે ત્રીજા નંબરનું મિથ્યાત્વ છે.આશ્રવ હેય છે અને સંવર ઉપાદેય છે, આ જ જિનશાસનનો માર્ગ છે. છતાં પોતાની બુદ્ધિની વિકૃતિને આધીન બનીને સન્માર્ગમાં ઉનમાર્ગની બુદ્ધિ લાવવી એ જ મિથ્યાત્વ છે. શાસ્ત્રના શબ્દો મૌન હોય છે. એને બોલતા આપણે કરવાના હોય છે. અર્થાત તેનું અર્થઘટન આપણે કરવાનું હોય છે. જો માન્યતા અને મન સ્વચ્છંદી હશે તો શાસ્ત્ર પંક્તિનું ઉલટું અર્થઘટન કરીને આત્માને ઉન્માર્ગે ચઢાવી દેશે.
4.ઉન્માર્ગને સન્માર્ગ માનવો – પાપને કે સ્વર્ગ પ્રાપ્તિને સન્માર્ગ સમજવો તે આ ચોથા નંબરનું મિથ્યાત્વ છે. એક દારૂડિયાને પૂછ્યું કે તમે દારૂ પીઓ છો? તો કે હા, શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે દારૂ પીઓ. તમે જે શાસ્ત્રની વાત કરો છો એમાં તો એમ લખ્યું છે કે દારૂ પીઓ અને નરકે જાઓ. પેલા દારૂડિયાએ કહ્યું જુઓ, હું તો શાસ્ત્ર વાંચનમાં દારૂ પીઓ ત્યાં સુધી જ પહોંચ્યો છું. આગળનું વાંચન કરીશ ત્યારે નક્કી કરીશ કે સાચું શુ છે? અધર્મનો પક્ષપાત, ગલતનો પક્ષપાત એ ઉન્માર્ગને સન્માર્ગ માનવા બરાબર છે. બજારમાં ટકી રહેવું હોય તો ખોટું બોલવું પડે, બધાને વશમાં રાખવા હોય તો ક્રોધ કરવો જ જોઈએ.
5.અસાધુને સાધુ માનવા – જે સંયમી નથી, પાંચ મહાવ્રતી નથી, કંચન અને કામિનીના ત્યાગી નથી તેવા ભોગીને સાધુ માનવા એ પાંચમું મિથ્યાત્વ છે.
6.સાધુને અસાધુ માનવા – જે સાચા અર્થમાં આત્મલીન છે, સ્વ સાધનામાં મસ્ત છે એવા સાધુને અસાધુ માનવા તે છઠ્ઠું મિથ્યાત્વ છે.
7.જીવને જીવ ન માનવા – ચૈતન્ય સંપન્ન જ્ઞાન દર્શન લક્ષણવાળા જીવને જીવ ન માનવા અને જીવનુ અસ્તિત્વ જ ન માનવું તે સાતમું મિથ્યાત્વ છે.ત્રસ કાયને તો હજુ જીવ માનવું અઘરું નથી પણ પૃથ્વી, પાણી, અગ્નિ,વાયુ અને વનસ્પતિમાં જીવ છે એ સ્વીકારવું અઘરું છે. આની પાછળ આપણો તર્ક એટલો જ છે કે જે આંખેથી ન દેખાય તેને કેમ સ્વીકારવું. ઘણું બધું એવું આપણે સ્વીકારીએ છીએ જે આંખેથી નથી દેખાતું, જેમ કે હવા, વિદ્યુત વગેરે.
8.અજીવને જીવ માનવા – પંચ ભૂતોથી ઉત્પન્ન થયેલ પદાર્થોને જીવ માનવા તે આઠમા નંબરનું મિથ્યાત્વ છે. જેમ કે શરીર એ અજીવ છે છતાં મન તેમાં જીવ બુદ્ધિ કરીને બેઠું છે. મિથ્યાત્વી જીવ અજીવ એવા આ શરીરમાં જીવ બુદ્ધિ રાખીને જીવનભર શરીરની જ આળપંપાળ અને સારસંભાળ કરતુ રહીને આત્માને પૂરી તરહ વિસરી જાય છે.
9.મૂર્ત્તને અમૂર્ત માનવા – જે રૂપી પદાર્થ છે તેને અરૂપી માનવા તે નવમા નંબરનું મિથ્યાત્વ છે. કર્મ પણ રૂપી છે છતાં એને અરૂપી માનવું એ અજ્ઞાન છે. અને
10. અમૂર્તને મૂર્ત્ત માનવું – જે અરૂપી સત્તા છે તેને રૂપી સત્તા માનવી તે દસમું મિથ્યાત્વ છે. આત્મા અરૂપી સત્તા છે છતાં તેને શરીર સાથે જોડી રૂપી માનવું એ પણ મિથ્યાત્વ છે.

આવા મિથ્યાત્વના પાછા પાંચ પ્રકાર છે –

1. અભિગ્રહિક મિથ્યાત્વ – પોતપોતાનો મત ખોટો હોય તો પણ એ અમારો છે, અમારા બાપ દાદાનો છે એવો દુરાગ્રહ રાખવો
2. અનાભિગ્રહિક મિથ્યાત્વ – સાચા ખોટા બંનેમાં સમાન બુદ્ધિ રાખવી તે અને ખોટાને પણ ખોટું ન માનવું તે મિથ્યાત્વ છે. આમાં યથાર્થ સમજણનો અભાવ હોય છે. આવી વ્યક્તિની માન્યતા હોય છે કે બધા ભગવાન અને બધા ધર્મો સરખા જ છે.
3.આભિનિવેશિક મિથ્યાત્વ – આવી વ્યક્તિ સિદ્ધાન્તતઃ વસ્તુના સાચા સ્વરૂપને જાણે છે છતાં સાંપ્રદાયિક વ્યામોહના કારણે પોતાના મત અને ગચ્છને છોડી શક્તિ નથી.
4. સાંશયિક મિથ્યાત્વ – ધર્મની આરાધના બધી જ કરે છતાં મનમાં શંકા રહે કે આ બધું સાચું હશે કે નહિ. હું જે કરું છું તેનું ફળ મળશે કે નહિ? આવી શંકા રાખવી તે સાંશયિક મિથ્યાત્વ છે.
5. અનાભોગિક મિથ્યાત્વ – અજ્ઞાનની પ્રધાનતાના કારણે એકેન્દ્રિયથી અસંગી પંચેદ્રીયના જીવોને આ પ્રકારનું મિથ્યાત્વ હોય છે. આ મિથ્યાત્વ શલ્ય એટલે છે કે જ્યાં સુધી આ કાંટો નીકળે નહિ ત્યાં સુધી જીવને ક્યાંય ચૈન નથી પડતું.

આ સંદભૅ છેલ્લી વાત – બુદ્ધિની મંદતા, બુદ્ધિની અલ્પતા,અને બુદ્ધિની મલિનતાના જયારે આપણે શિકાર બન્યા જ છીએ ત્યારે તત્વનો નિર્ણય કરવામાં આપણી બુદ્ધિને જ પ્રાધાન્ય આપવાના બદલે ‘પ્રભુ, આપે જે કહ્યું તે જ સાચું છે.’ એમ સ્વીકારી ચિત્તને પ્રભુ આજ્ઞામાં ગોઠવી દઈએ તો એમાં જ આપણા આત્માનું હિત સમાયેલું છે. જૈન ધર્મમાં દર્શાવેલ અઢાર પાપોની ચર્ચા અહીં પૂરી થાય છે. આમાંથી જેટલા પાપો છોડી શકાય એટલા છોડી જીવનને પવિત્ર બનાવી પ્રસન્નતા અને પ્રશાંતતાના સુખનો અનુભવ કરીએ.

Share this :

Add Comment