Importance of Jain Manglik (Part-1) Saman Shrutpragya: ચત્તારિ મંગલમ- ચાર મંગળ છે – સમણ શ્રુતપ્રજ્ઞ
Peace of Mind

જિનવાણી એક છે. એ બધા તત્વોનું નિરૂપણ કરવા વાળી અનાદિ વાણી છે. છતાં એનો એટલો બધો વિસ્તાર થઇ ગયો કે એમાં ઘણી બધી વાતો ભળી ગઈ. ગંગોત્રીનું નિર્મળ જળ એ જ્યાંથી પ્રવાહિત થાય છે ત્યાં એ બહુ જ સાફ અને નિર્મળ હોય છે.પરંતુ વિસ્તાર થતાની સાથે એમાં ઘણી વાતો મળી જાય છે, ભળી જાય છે. આ એક બહુ સ્પષ્ટ સત્ય છે કે સીમામાં રહેનાર જેટલો નિર્મળ રહી શકે છે, વિસ્તાર થયા પછી એમાં એ નિર્મળતા રહેતી નથી. માણસ વિસ્તાર ઈચ્છે છે પણ એ સચ્ચાઈને ભૂલવી ન જોઈએ કે વિસ્તારની સાથે જ વિકૃતિ પણ સાથે ભળી જાય છે. દરેક ધર્મ ગ્રંથોમાં આવું થયું છે અને જૈન ધર્મમા પણ આવું જ બન્યું છે. હવે વિવેક કરવાની જરૂર પડશે. જેથી સત્યને સ્વીકારીને અસત્યને અલગ કરી શકીએ. જે મૂળ છે તેને સ્વીકારીએ અને જે પછીથી જોડાયેલું છે તેનો અસ્વીકાર કરીએ.

જૈન ધર્મનો એક ઐતિહાસિક ગ્રંથ છે – સમણ સૂત્તમ. ભગવાન મહાવીરની પચીસોમી નિર્વાણ શતાબ્દીના અવસરે સમગ્ર જૈન સમાજ દ્વારા માન્ય થયેલો આ ગ્રંથ છે. આજે આ જૈન ધર્મનો સર્વ સંમત ગ્રંથ છે. સમણ સૂત્ર જિન વાણીનો એક સંકલિત ગ્રંથ છે. જૈન ધર્મના બધા જ શાસ્ત્રોનો આ સાર છે. આ ગ્રંથને જૈનધર્મનું પ્રતિનિધિત્વ કરનાર ગ્રંથ કહી શકીએ છીએ. આ ગ્રંથમાં ભેળસેળ નથી, ભગવાન મહાવીરની મૂળ વાણીનું સંકલન છે. આ ગ્રંથનું પહેલું પ્રકરણ છે – નમસ્કાર મંત્ર અને બીજું પ્રકરણ છે – મંગળ સૂત્ર. જૈનધર્મમાં માંગલિકનું સર્વાધિક મહત્વ છે. કોઈ પણ કાર્યના પ્રારંભમાં માંગલિક સાંભળવાની આપણે ત્યાં પરંપરા છે. વ્યાપારી નવો ધંધો ચાલુ કરે તો માંગલિક સાંભળે છે. વિદ્યાર્થી પરીક્ષા કે ઇન્ટરવ્યૂ આપવા જાય ત્યારે માંગલિક સાંભળે છે. કોઈ યુવાન જયારે લગ્ન કરે ત્યારે માંગલિક સાંભળે છે. કોઈ યાત્રી મુસાફરી કરે ત્યારે માંગલિક સાંભળીને યાત્રા શરુ કરે છે. આપણે કોઈ પણ કાર્ય કરીએ તો એ મંગળની સાથે કરીએ. મોટા કાર્યક્રમ અને પ્રવચનનો આરંભ પણ મંગળગીતથી કે મંગળ પાઠથી કરીએ છીએ. આવું એટલા માટે કરીએ છીએ કે દરેક વ્યક્તિ સફળતા ઈચ્છે છે અને નિષ્ફળતાથી બધાય ગભરાય છે. કોઈ પણ કાર્યમાં સફળતા ત્યારે મળે છે કે એમાં બાધા ઉભી ન થાય. કોઈ પણ કામ શરૂ કરતા પહેલા મનુષ્ય એ જ વિચારે છે કે આ કાર્ય નિર્વિઘ્ન રીતે સફળ થાય. માંગલિક સાંભળવાનો આ એક હેતુ છે.

આજે અહીં આપણે માંગલિકના સ્વરૂપ અને મહિમાને સમજીએ. ઘણી બધી વસ્તુઓ મંગળ તરીકે પ્રસિદ્ધ છે. નારિયેળ, દીપક, જળ, દૂધ,ગોળ, દહીં, ઘી – આવી અનેક વસ્તુઓને મંગળ માનીએ છીએ. આ બધાને મંગળ કેમ માનીએ છીએ? એ જ પદાર્થને મંગળ માનીએ છીએ જે પદાર્થ આપણને પ્રભાવિત કરે છે. આપણી વિચારધારાને અને ભાવધારાને અસર કરે. આ બધાનું વૈજ્ઞાનિક કારણ શોધીએ તો કહી શકાય કે દરેક પદાર્થ રશ્મિમય હોય છે. દરેક પદાર્થમાંથી કિરણો નીકળે છે. કોઈ પદાર્થ એવો નથી જે કિરણો ન છોડતો હોય. સચેતનમાંથી પણ કિરણો નીકળે છે અને કોઈ પણ જડ પદાર્થોમાંથી પણ એ નીકળે છે. આ જ સિદ્ધાંતના આધારે ફોટોગ્રાફીની શોધ થઇ. કિરણો વસ્તુ કે વ્યક્તિના આકાર પ્રમાણે નીકળે છે અને ચારેય બાજુ ફેલાઈ જાય છે. એટલા માટે જ ટેલિવિઝનમાં હજારો માઈલ દૂરનું દ્રશ્ય પણ આપણે જોઈ શકીએ છીએ. એક એ પણ શોધ થઇ છે કે માણસ તો ઉભો થઈને ચાલ્યો જાય પણ ત્યાર પછી પણ એક બે કલાક સુધી એની અસર ત્યાં દેખાય છે. આપણે સ્થૂળ વસ્તુઓના પ્રભાવને જાણીએ છીએ એટલે સ્થૂળ પદાર્થોને મંગળ માનીએ છીએ. પદાર્થ એટલે મંગળ છે કે એ કિરણો છોડે છે અને આપણને પ્રભાવિત કરે છે.

પદાર્થનું બીજું લક્ષણ છે – ચયાપચય. દરેક ક્ષણે ચય અને અપચય થાય છે. કંઈક નીકળે છે અને કંઈક જોડાય છે. સૂક્ષ્મ દુનિયામાં આ ક્રમ તેજ ગતિએ ચાલે છે. આપણા આ શરીરમાંથી દરેક ક્ષણે અનેક પરમાણુઓ નીકળી રહ્યા છે અને અનેક પરમાણુઓ આવી રહ્યા છે. ચામડી બહારની સ્થૂળ વસ્તુઓને ભીતર પ્રવેશવા ન દે પણ સૂક્ષ્મ પરમાણુ તો ચામડીને ભેદીને આવ-જાવ કરી શકે છે. ભીંત અને દિવાલ સ્થૂળ પદાર્થોને રોકી શકે પણ સૂક્ષ્મ અસંખ્ય પરમાણુઓ નિરંતર એમાંથી આવ-જાવ કરી રહ્યા છે. આ બે ગુણોના કારણે પદાર્થોને મંગળ માનીએ છીએ. દરેક પદાર્થ મંગળ નથી બની શકતા, કેમકે અનેક પદાર્થોમાંથી ખરાબ પરમાણુઓ પણ નીકળે છે. જેમાં શુભ પરમાણુઓ નીકળે છે એ પદાર્થ મંગળ છે. એ પણ વાસ્તવિક મંગળ નથી, માત્ર દ્રવ્ય મંગળ છે. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ મંગળની પરિભાષા અલગ છે. એ પરિભાષા એ છે કે જે વાસ્તવમાં અનિષ્ટને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે અને દરેક કાળમાં, દરેક દેશમાં અને દરેક જીવ માટે અનિષ્ઠ દૂર કરી શકે, એ જ સાચા અર્થમાં મંગળ છે.

મહાવીરને થયાને અઢી હજાર વર્ષ પહેલા એટલે કે આજથી પાંચ હજાર વર્ષ પહેલા ચીનમાં લાઓત્સુ દ્વારા એક કહેવત પ્રસિદ્ધ હતી કે ‘ જે શ્રેષ્ઠ ચિકિત્સક છે એ બીમારી પ્રગટ થાય એ પહેલા જ એને ઠીક કરી દે છે અને જે સામાન્ય ચિકિત્સક હોય છે એ છે જે રોગના મૂળને દૂર કર્યા વગર, બીમારી આવ્યા પછી એના પર કંટ્રોલ કરવાની કોશિશ કરે છે.’ એ સમયે ચિકિત્સકને બીમારી ઠીક કરવા માટે કોઈ ફી આપવામાં નહોતી આવતી. રિવાજ ઠીક ઉલટો હતો, ચિકિત્સકને એ માટે પૈસા આપવામાં આવતા કે એ કોઈને બીમાર ન પડવા દે અને કદાચ કોઈ બીમાર પડી જતું તો ચિકિત્સકે પોતે રોગીને પૈસા આપવા પડતા હતા અને રોગીનો ઈલાજ પણ કરવો પડતો. આવી પદ્ધતિનું નામ હતું એક્યુપંક્ચર. આ પ્રકારની ચિકિત્સા પદ્ધતિને વૈજ્ઞાનિક સમર્થન મળવાનું શરુ થઇ ચૂક્યું છે.

આ પદ્ધતિ માને છે કે શરીરમાં માત્ર ખૂન અને વિદ્યુત જ નથી વહેતી, પ્રાણ પ્રવાહ પણ વહે છે. એ પ્રાણ પ્રવાહમાં છ મહિના પહેલા જાણી શકાય છે કે શરીરમાં કંઈક ગડબડ થવાની છે. આ પ્રાણ શરીરમાં પહેલા બીજ રૂપે વસ્તુ જન્મ લે છે પછી એ વિરાટ વૃક્ષ બની ભૌતિક શરીરમાં ફેલાઈ જાય છે. ચાહે શુભને જન્મ આપવો હોય કે અશુભને પહેલા પ્રાણ શરીરમાં બીજને રોપવું પડે છે. આ મંગલ પાઠ છે કે અરિહંત મંગળ છે, સિદ્ધ મંગળ છે, સાધુ મંગળ છે અને ધર્મ મંગળ છે એ ભાવ પ્રાણ શરીરમાં બીજ રોપવાની વિધિ છે. કેમકે જે મંગળ છે તેની કામના કરવી સ્વાભાવિક છે. આપણે એ જ ઇચ્છીએ છીએ જે મંગળ છે, અમંગળ કોઈ શું કામ ઈચ્છે ? આમાં તો ઈચ્છાની પણ વાત નથી, માત્ર એક ભાવ છે કે અરિહંત મંગળ છે, સિદ્ધ મંગળ છે, સાધુ મંગળ છે અને કેવલિ કે જેમને સ્વયંને જાણ્યા અને પામ્યા એમના દ્વારા પ્રસ્થાપિત ધર્મ મંગળ છે.

મનનો નિયમ છે કે જે પણ મંગળ છે એનો ભાવ ગહન થઇ જાય તો તેની આકાંક્ષા શરુ થઇ જાય છે. આકાંક્ષાને ઉભી નથી કરવી પડતી, માત્ર મંગળની ધારણા પેદા કરવી પડે છે. ધારણા જેવી ગહન થાય છે ત્યારે ચેતનાનું રૂપાંતરણ થાય છે. માત્ર પોતાની જ ચેતનાનું નહિ, આજુ બાજુની ચેતનાનું પણ પરિવર્તન થવા લાગે છે. આપણે પોતાની જ નહિ, આજુ બાજુની ધારણાઓથી પણ પ્રભાવિત થઈએ છીએ. એટલે મહાવીરે કહ્યું છે – અજ્ઞાનીથી દૂર રહેવું મંગળ છે અને જ્ઞાનીની નજીક રહેવું મંગળ છે. સત્સંગનો આ જ અર્થ છે જ્યાં શુભ છે તેની નજીક રહેવું. શુભની કામના કરવી શુભ થવા માટે જરૂરી છે. આજે જગતમાં ખરાબ વધુ થઇ રહ્યું છે કારણકે આપણે શુભની કામના જ નથી કરતા. મહાવીર પોતાના સાધુઓને કહેતા રહેતા કે શુભની કામનામાં ડૂબ્યા રહો અને તેની શરૂઆત એનાથી કરો કે જે શુભની ઊંચાઈ છે. અરિહંત,સિદ્ધ,સાધુ અને ધર્મ આ ચાર એ શુભનું ઊંચામાં ઊંચું શિખર છે. કેવલી પન્નતો ધમ્મો મંગલમ – જેમને શુદ્ધ જ્ઞાનને પ્રાપ્ત કર્યું છે એમને જે કહ્યું તે મંગલ છે. એમ નથી કહ્યું કે મહાવીર મંગલમ, જૈન મંગલમ, હિન્દૂ મંગલમ – આ બધામાં સીમા છે. અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ આ અસીમ અને અનંત છે. આ મંગળની ધારણા પ્રાણોમાં ફીટ થઇ જાય તો અમંગળ થવાનું બંધ થઇ જાય છે. જે માંગીએ છીએ એ મળી જાય છે.

મંગળની કામના અને ભાવના તો દરેક જીવ માત્ર પ્રત્યે કરવી જોઈએ પણ આપણે એટલા કમજોર અને વિકૃત છીએ કે સામાન્ય માણસ પ્રત્યે તો મંગલ અને શુભની ભાવના કરવી અઘરી લાગે છે. એટલિસ્ટ જે ચૈતન્યના પરમ શિખર પર છે એવા શુદ્ધ પરમાત્મા પ્રત્યે તો મંગળની ભાવના ભાવી શકાય ને ! દુશ્મન મંગળ છે, શત્રુ મંગળ છે એ કહેવું તો આપણા માટે અઘરું છે. એટલે જે શ્રેષ્ઠ છે એના પ્રત્યે પહેલા મંગળની કામના કરો. પ્રશ્ન થાય કે આવું મંગળ શું હોય શકે? આત્મા અને ધર્મ આવાં મંગળ છે. માંગલિકમાં આ બંનેનો સમાવેશ થાય છે. અરિહંત મંગળ છે, સિદ્ધ મંગળ છે, સાધુ મંગળ છે અને ત્રિકાળ જ્ઞાનીઓએ બતાવેલો ધર્મ મંગળ છે. કેમ કે અરિહંત એ આત્મા છે, સિદ્ધ એ પણ આત્મા છે અને સાધુ એ પણ આત્મા છે અને ધર્મ જે આત્મા સુધી પહોંચાડે છે એ ધર્મ પણ મંગળ છે. આત્માના ત્રણ ગુણ છે – અનંત ચૈતન્ય ( જ્ઞાન અને દર્શન), અનંત આનંદ ( ચારિત્ર ) અને અનંત શક્તિ ( વીર્ય ). આનો વિસ્તાર કરીએ તો સિદ્ધ અને સાધુ બેય મંગળ છે. સિદ્ધ એ આત્મા છે જે સાધના કરતા કરતા સિદ્ધ થઇ ગયા અને સાધુ એ આત્મા છે જે સિદ્ધ થવા સાધના માર્ગમાં લીન છે. સાધુ પ્રારંભ છે, સિદ્ધ તેનું પરિણામ છે. આમાં અરિહંત એ સિદ્ધમાં આવી જાય છે અને આચાર્ય અને ઉપાધ્યાય એ સાધુમાં આવી જાય છે. ટૂંકમાં પાંચેય પરમેષ્ઠિ મઁગળ છે અને એ પાંચ પવિત્ર આત્મા સુધી પહોંચાડનાર ધર્મ છે એટલે ધર્મ પણ મંગળ છે.

Add Comment