પુણ્ય પાપની સાચી સમજણ – સમણ શ્રુતપ્રજ્ઞ
Peace of Mind

દરેક ધર્મ દર્શનોમાં પુણ્ય અને પાપની સમજણ આપવામાં આવી છે. જૈન દર્શનમાં આપણે અઢાર પાપની ચર્ચા ગયા. એ અઢાર પાપોના ફરી નામ જોઈ જઈએ – પ્રાણાતિપાત – એટલે જીવોની હિંસા કરવી, મૃષાવાદ એટલે જૂઠ બોલવું,અદત્તાદાન એટલે ચોરી કરવી,મૈથુન એટલે પર સ્ત્રી સાથે શારીરિક સંબંધ રાખવો,પરિગ્રહ એટલે વણ જોઈતું સંગ્રહવું,ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ,અભ્યાખ્યાન એટલે કોઈના પર ખોટો આરોપ લગાવવો,પૈશુન્ય એટલે ચુગલી ખાવી,પર -પરિવાદ એટલે કોઈના દોષો જોવા અને એની ચર્ચા કરવી,રતિ – અરતિ એટલે કે સંસારમાં પ્રીતિ અને ધર્મમાં અરુચિ,માયા મૃષા એટલે કે કપટ પૂર્વક ખોટું બોલવું, મિથ્યા દર્શન શલ્ય  એટલે સાચાને ખોટું અને ખોટાને સાચું સિદ્ધ કરવું. 

એક શબ્દમાં કહેવું હોય તો એમ કહી શકાય કે જેટલા પણ નેગેટિવ ભાવ છે એ પાપ છે અને જેટલા પણ પોઝેટીવ ભાવ છે એ પુણ્ય છે. જૈન દર્શનમાં પુણ્યના પણ નવ પ્રકાર આવે છે – અન્ન પુણ્ય, પાણી પુણ્ય, લયન પુણ્ય, શયન પુણ્ય,વસ્ત્ર પુણ્ય, મન પુણ્ય, વચન પુણ્ય,કાય પુણ્ય,અને નમસ્કાર પુણ્ય. આમ તો આ નવેય પુણ્ય સંયમી અને પાંચ મહાવ્રતધારી સાધુ માટે કરવાના હોય છે. પરંતુ લૌકિક અર્થમાં પણ એનો મહિમા છે. કોઈ પણ જીવને ખવડાવું,પાણી પીવડાવું,રહેવા માટે સ્થાન આપવું,સુવા માટેની વ્યવસ્થા કરી આપવી,વસ્ત્રો આપવા,મનમાં સારા ભાવ રાખવા, સારી વાણી ઉચ્ચારવી,શરીરથી કોઈને સહારો આપવો – આ બધા જ પોઝેટીવ ભાવો અને કાર્યો તે પુણ્ય છે.

દરેક ધર્મમાં આ પુણ્ય પાપની ચર્ચા છે. કુરાનમાં કહ્યું છે કે ‘ કયામતના દિવસે દરેકે વ્યક્તિગત પુણ્ય પાપનો હિસાબ આપવાનો હોય છે. હિન્દૂ પરંપરામાં દસ પુણ્ય અને દસ પાપની ચર્ચા કરવામાં આવી છે. દસ પુણ્ય ક્રમે કરીને આ પ્રમાણે છે  –  1. ધૃતિ – દરેક પરિસ્થિતમાં ધૈર્ય ધારણ કરવું, કોઈ કાર્યમાં ઉતાવળ ન કરાવી અને પ્રતિકૂળતામાં ઉશ્કેરાટ ન કરવો,વિચલિત ન થવું. 2. ક્ષમા – માફ કરવામાં સામર્થ્યવાન હોવું, બદલો લેવાની વૃત્તિ ન રાખવી.
3. દમ – ઉદંડતા ન રાખવી,  4. અસ્તેય – બીજાની વસ્તુ લેવાનો વિચાર ન કરવો, 5. શૌચ – આહાર,શરીર અને મનની શુદ્ધિ રાખવી, પવિત્રતા જાળવવી, 6.ઇન્દ્રિય નિગ્રહ – ઇન્દ્રિઓને વિષયોમાં લુપ્ત ન થવા દેવું,7. ઘી – બુદ્ધિનો સદુપયોગ કરવો, 8. સમ્યક જ્ઞાન – ચાર પુરુષાર્થ – ધર્મ, અર્થ,કામ અને મોક્ષનું સમ્યક જ્ઞાન હોવું, 9.સત્ય – સત્ય કહેવાનું સામર્થ્ય જેમાં વ્યક્તિગત રીતે કોઈનું દિલ ન દુભાય,10. અક્રોધ – ક્ષમા કર્યા પછી પણ કોઈ અપમાન કરે તો ક્રોધ ન કરવો.

જેમ આ દસ પુણ્ય છે તેમ દસ પાપ પણ બતાવ્યા છે –

1. બીજાનું ધન હડપવાની ઇચ્છા  – કોઈ પણ ભોગે જે ધન પોતાના હક્કનું નથી એના ઉપર મયાચારી આચરી પોતાનું કરવાની કોશિશ કરવી. આ પાપ આજે સીમા વટાવી ચૂક્યું છે.બીજાનું પડાવી પાડવામાં માણસ પોતાની જાતને હોશિયાર મને છે. પૈસા ઉધાર લઈને આપવાની દાનત ન હોવી, બ્લેક મેઈલ કરી પાસેથી અણહક્કનું પડાવી લેવું, હમણા જ નોટ બંધી વખતે બેંકના અધિકારીઓએ કેટલા ગોટાળા કર્યા એ ઘણાએ પોતાની આંખોથી જોયું છે. આવા વખતે કેટલાય લોકોએ કમિશનનો ધંધો ચાલુ કરી દીધો હતો. આ ભયંકર પાપ છે. આ પાપનું પરિણામ વ્યાજ સાથે ભોગવવું જ પડે છે. કુદરત બાઈમાનીનું ફળ આપે જ છે. સમજદાર માણસ હંમેશા પ્રામાણિકતાથી જીવવાની કોશિશ કરે. એક ડોક્ટર દર્દી સાથે લાલચમાં આવીને ખોટી દાવાપ લખી આપે કે રોગ ન હોય છતાં પૈસાના મોહમાં એના શરીર સાથે ખોટા ચાડા કરવા એ ધનની અપ્રમાણિક લાલસા જ છે. એક વ્યાપારી માલમાં ભેળસેળ કરે એ પણ ધનની લાલસા જ છે. એક સ્કૂલ અનાપ સનાપ ફી ઉઘરાવી વિદ્યાર્થી અને વાલી સાથે બેઈમાની કરે એ પણ પાપ છે. આજે બધા જ ક્ષેત્રમાં ધન પામવા માટે માણસ ગમે તેટલી નીચલી કક્ષાએ જવા તૈયાર થઇ જાય છે.

2. નિષિદ્ધ કર્મ કરવાં – જેમ કે વ્યભિચાર આચરવો, માંસાહાર કરવો,લૂંટફાટ કરવી, સમાજમાં અરાજકતા ફેલાવવી આ બધા નિષિદ્ધ કર્મો છે અને એ પાપ છે.જે કર્મો સમાજ અને વ્યક્તિની આત્મા માટે ઘાતક છે એ બધા જ કર્મો નિષિદ્ધ કર્મો છે.

3. શરીરને જ સર્વસ્વ માનવું – શરીરનો અતિ મોહ અનેક પાપો કરાવે છે. શરીરના મોહમાં સમાજ અને આત્માનું જે પરમ કર્તવ્ય છે તેને ભૂલી જવું. માત્ર ખાવા- પીવા અને મોજ મજા કરવી એ જ જીવનનું લક્ષ્ય મણિ લેવું એ અજ્ઞાન છે અને પાપ છે.

4. કઠોર વચન બોલવું – જેમ ફાવે તેમ બોલવું અને બોલીને લોકોને હર્ટ કરવા એ પણ પાપ છે. માણસે બોલવામાં વિવેક રાખવો જોઈએ. જે બોલીને બગાડે છે એનો કોઈ સાથ આપતું નથી. મિત અને મૃદુ ભાષી બનવું જરૂરી છે.

5.ખોટું બોલવું – પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા નાની નાની વાતમાં ખોટું બોલવું.ઘણી વાર કારણ વગર માત્ર આદતવશ ખોટું બોલવું એ પણ પાપ છે.

6. નિંદા કરવી – કોઈની ખોટી તો નહિ સાચી વાત પણ ઉઘાડી ન પાડવી જોઈએ. ઘણા લોકોની આ એક મોટી બીમારી હોય છે. બીજાની વાતો આડી અવળી કહ્યા વિના રહી શકતા નથી.

7. અકારણ બોલવું – કારણ વગર બોલવાની શી જરૂર હોઈ શકે? ઘણા અકારણ ઘણું બોલતા હોય છે. આવા લોકના શબ્દોની કોઈ કિંમત કરતુ નથી. એક શબ્દની કિંમત હજાર રૂપિયા છે એમ સમજીને જો બોલીશું તો ઘણા વ્યર્થના શબ્દો નીકળતા બંધ થઇ જશે.

8. ચોરી કરવી – ચોરી ન કરવી એ પુણ્ય છે, એટલે ચોરી કરવી એ પાપ જ કહેવાય !

9.તન – મન અને કર્મથી કોઈને પરેશાન કરવા – ઘણા લોકોને બીજાને તકલીફ આપવામાં એક સસ્તો આનંદ મળતો હોય છે. જે લોકોને પોતાના  આનંદનો માર્ગ નથી મળ્યો એ પછી બીજાનો આનંદ લૂંટવામાં પોતે પોતાને સુખી માનતા હોય છે.

10. પર સ્ત્રી સાથે કે પર પુરુષ સાથે સંબંધો રાખવા – આ તો આજે સાવ કોમન થઇ ગયું છે. આ પાપ કોણ નહિ કરતુ હોય એ  શોધનો વિષય છે.આડા સંબંધોનું તો પૂર આવ્યું છે.વાતાવરણ અને મીડિયાએ આપણા મનને રાક્ષસી બનાવામાં મોટો ભાગ ભજવ્યો છે.પોતાના સંબંધો પ્રત્યે વફાદાર ન રહેવું એ બહુ મોટું પાપ છે.

આ આખી ચર્ચાનો ઉપસંહાર કરીએ તો વેદવ્યાસે પુરાણોમાં સરસ વાત કરી છે. કહ્યું છે – અષ્ટા દસ પુરાણેષુ, વ્યાસસ્ય વચનં દ્વાયમ, પરોપકારાય પુન્યાય, પાપાય પરપીડનમ – પરોપકાર કરવો એ પુણ્ય છે અને બીજાને પીડા પહોંચાડવી એ પાપ છે. મહાવીર સ્વામી કહે છે જાગૃતિ પૂર્વક જે કરો તે પુણ્ય છે અને બેહોશીમાં જે કરો તે પાપ છે. તત્વાર્થ સૂત્રમાં લખ્યું છે – શુભસ્ય પુણ્યમ અને અશુભસ્ય પાપઃ  – જે શુભ છે તે બધું પુણ્ય છે અને અશુભ છે તે બધું પાપ છે. ગીતા કહે છે – આસૂરી શક્તિઓ પાપ છે અને દૈવી સંપત્તિ એ પુણ્ય છે. પૂર્વ શુભ સંસ્કારો ઉપરાંત  સત્સંગ દ્વારા, સારા મિત્રોની સોબત દ્વારા,પવિત્ર પુરુષોના સાનિધ્યમાં રહીને માણસ પુણ્યની પ્રેરણા મેળવી શકે છે અને પાપથી બચી શકે છે. 

Add Comment