માંગલિક સાંભળવું જૈન પરંપરામાં સૌથી વધુ પ્રસિદ્દ છે. દરેક શુભ કાર્યમાં માંગલિક સાંભળવું એ દરેક શ્રાવકોની શ્રદ્ધાનો વિષય છે. ચાર મંગળ છે – અર્હત, સિદ્ધ, સાધુ અને ધર્મ. નમસ્કાર મંત્રમાં જ્યાં પાંચ પરમેષ્ઠિ મંગળ છે – અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, તેમ માંગલિકના પાઠમાં ચાર મંગળ છે. આ માંગલિકમાં ત્રણ મંગળ એ જ છે જે નમસ્કાર મંત્રમાં છે – અરિહંત, સિદ્ધ અને સાધુ. માંગલિકમાં એક ધર્મને વધારે મંગળ તરીકે મૂક્યું છે. વાસ્તવિક દ્રષ્ટિએ જૂઓ તો એક ધર્મ જ મંગળ છે. કેમકે અરિહંત એ પણ ધર્મ જ છે, સિદ્ધ અને સાધુ એ પણ ધર્મ જ છે. એટલે ધર્મ એ જ મંગળ છે. જૈન આગમ ગ્રંથમાંનો એક આગમ ગ્રંથ છે – દશવૈકાલિક સૂત્ર. એની પહેલી જ ગાથામાં કહ્યું છે –
ધમ્મો મંગલમુક્કીઠમ, અહિંસા સંજમો તઓ,
દેવાવિતમ નમન સંતિ, જસ્સ ધમ્મે સયામણો.
એટલે કે ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે, અહિંસા, સંયમ અને તપ તેના લક્ષણો છે. આવા ધર્મમાં જેનું મન સદા ઓતઃ પ્રોત હોય છે, એવા મનુષ્યને દેવતા પણ નમસ્કાર કરે છે. અહીં ધર્મને મંગળ ઘોષિત કર્યું છે અને આવા ધર્મને જે પામી ચૂક્યા છે એવા દિવ્ય આત્માઓ પણ મંગળ છે. એટલે પહેલા દિવ્ય આત્માઓ પ્રત્યે મંગળનો ભાવ કરો. આપણે એટલા કમજોર અને વિકૃત છીએ કે સામાન્ય માણસ પ્રત્યે મંગલ અને શુભની ભાવના કરી શકતા નથી. આપણો અહંકાર આડે આવે છે. એટલે એટલિસ્ટ જે ચૈતન્યના પરમ શિખર પર છે એવા શુદ્ધ પરમાત્મા પ્રત્યે તો મંગળની ભાવના ભાવી શકાય ને ! દુશ્મન મંગળ છે, શત્રુ મંગળ છે એ કહેવું તો અઘરું છે. એટલે જે શ્રેષ્ઠ છે એના પ્રત્યે તો મંગળની કામના કરો. આ ચારેય મંગળ છે એ માંગલિકના પહેલા ચરણમાં સમજાવ્યું અને હવે બીજા ચરણમાં કહે છે કે આ ચારેય મંગળ છે એટલું જ નહિ, આ ચારેય લોકમાં ઉત્તમ પણ છે. માંગલિકના બીજા ચરણમાં કહ્યું છે –
અરિહંતા લોગુત્તમા,
સિદ્ધા લોગુત્તમા
સાહૂ લોગુત્તમા
કેવલિ પન્નત્તો ધમ્મો લોગુત્તમા
અરિહંત લોકમાં ઉત્તમ છે, સિદ્ધ લોકમાં ઉત્તમ છે, સાધુ લોકમાં ઉત્તમ છે અને કેવલી પ્રરૂપિત ધર્મ લોકમાં ઉત્તમ છે. અહીં લોકનો અર્થ છે – આ સમસ્ત સૃષ્ટિ કે સંસાર. અહીં એક પ્રશ્ન થઇ શકે કે મંગળ કહ્યા પછી ઉત્તમ કહેવાનું શું કારણ હશે? આ કહેવા પાછળ મોટું મનોવિજ્ઞાન છે. આમાં આપણા મનની દશાનું દર્શન છે. એક જ્ઞાની અજ્ઞાનીનાં મનને જાણે છે અને ઓળખે છે. કેમકે ઘણી વાર મંગળ કહ્યા પછી પણ આપણે જે ઉત્તમ નથી એને પણ મંગળ માની લઈએ છીએ. એટલે માત્ર મંગળ હોવું એટલું જ પર્યાપ્ત નથી. એ ઉત્તમ પણ હોવું જોઈએ. એટલે અરિહંત મંગળ છે એટલું જ સત્ય નથી, અરિહંત ઉત્તમ પણ છે, સિદ્ધ ઉત્તમ પણ છે, સાધુ ઉત્તમ પણ છે, અને કેવલિ પ્રરૂપિત ધર્મ ઉત્તમ પણ છે. મંગલ કહ્યા પછી ઉત્તમ કહેવાની શું જરૂર હતી? એનું પણ કારણ છે અને એ કારણ આપણી અંદર છે. આ બધા સૂત્રો આપણા મન પર આધારિત છે. જે ઉત્તમ નથી એને પણ મંગળ માની શકીએ છીએ. આ મંગલ એ ઉત્તમ છે કેમકે આ મંગલ એ શિખર છે, પ્રાપ્ત કરવા યોગ્ય છે, થવા યોગ્ય છે. ભૌતિકવાદ કહે છે આત્મા, બાત્મા કંઈ છે જ નહિ. શરીર જ સર્વસ્વ છે, પદાર્થ જ બધું છે. પદાર્થ જ બધું હોય તો આત્માની યાત્રા કેવી રીતે કરશો?
કેવલિ પ્રરૂપિત ધર્મ લોકમાં ઉત્તમ છે. શાસ્ત્ર પ્રરૂપિત ધર્મ ઉત્તમ છે એવું મહાવીરે નથી કહ્યું. દરેક ધર્મો કહે છે – વેદમાં પ્રરૂપિત ધર્મ લોકમાં ઉત્તમ છે, બાઇબલને માનવા વાળા કહે છે – બાઇબલમાં લખ્યું છે એ જ ધર્મ મંગળ છે, કુરાનને માનનારા કહે છે – કુરાનમાં જે લખ્યું છે એ જ ઉત્તમ છે.ગીતાને માનનારા કહે છે કે ગીતામાં લખ્યું છે એ જ ધર્મ ઉત્તમ છે. મહાવીર આવું નથી કહેતા. એ કહે છે – આત્મ જ્ઞાનની ક્ષણોમાં જે જ્ઞાન પ્રગટ થાય છે એવો ધર્મ મંગળ છે. આ ધર્મ જીવંત છે. કેવલીએ જે કહ્યું છે એ શાસ્ત્રોમાં લખ્યું એ ધર્મ મંગળ નથી. મહાવીરે કંઈ લખ્યું નથી, લખાવ્યું નથી. એમના પછી ઘણા વર્ષે આ બધું લખાયું. એ લખાયેલું જે છે એ મંગળ નથી. કેમકે લખાયેલું બધું પ્રામાણિક નથી. એક ઐતિહાસિક ગ્રંથ છે – સમણ સૂત્તમ. ભગવાન મહાવીરની પચીસૌમી નિર્વાણ શતાબ્દીના અવસરે સમગ્ર જૈન સમાજ દ્વારા માન્ય થયેલો આ ગ્રંથ છે. આજે આ જૈન ધર્મનો સર્વ સંમત ગ્રંથ છે. જિનવાણી એક છે. એ બધા તત્વોનું નિરૂપણ કરવા વાળી અનાદિ વાણી છે. છતાં એનો એટલો બધો વિસ્તાર થઇ ગયો કે એમાં ઘણી બધી વાતો ભળી ગઈ. ગંગોત્રીનું નિર્મળ જળ એ જ્યાંથી પ્રવાહિત થાય છે ત્યાં એ બહુજ સાફ અને નિર્મળ હોય છે.પરંતુ વિસ્તાર થતાની સાથે એમાં ઘણી વાતો મળી જાય છે. આ એક બહુ સ્પષ્ટ સત્ય છે કે સીમામાં રહેનાર જેટલો નિર્મળ રહી શકે છે, વિસ્તાર થયા પછી એમાં એ નિર્મળતા રહેતી નથી. માણસ વિસ્તાર ઈચ્છે છે પણ એ સચ્ચાઈને ન ભૂલવી જોઈએ કે વિસ્તારની સાથે જ વિકૃતિ પણ સાથે ભળી જાય છે. દરેક ધર્મ ગ્રંથોમાં આવું થયું છે અને જૈન ધર્મમા પણ આવું જ બન્યું છે. હવે વિવેક કરવાની જરૂર પડશે. જેથી સત્યને સ્વીકારીને અસત્યને અલગ કરી શકીએ. જે મૂળ છે તેને સ્વીકારીએ અને જે પછીથી જોડાયેલું છે તેનો અસ્વીકાર કરીએ.
ઉત્તમ છે એને પ્રાપ્ત કરવા માટે મૂલ્ય ચૂકવવું પડશે. આ ઉત્તમ છે એને પામવા માટે પોતાની જાતને અને જાતના અહંકારને છોડાવો પડશે.
આપણા માટે કોણ ઉત્તમકોણ છે? ચોકમાં જેના પૂતળા બને એ ઉત્તમ છે. એ તો કબૂતરો માટે બને છે. માણસો જૂએ એના કરતા એનાથી કબૂતરોને વધુ લાભ થાય છે. છાપામાં પહેલા પાને જેના ફોટા આવે એ ઉત્તમ છે? એના પર તો કેરીના છૂંદા અને અથાણાં ખવાતા હોય છે. જે ફોટો પહેલા પાને આવ્યો હોય અને માણસને હરખ થયો હોય કે ઓહો મારો ફોટો, દુનિયાએ મારી નોંધ લીધી એવો અહંકાર અંદર આંટા મારતો હોય એ અહંકાર અને એ ફોટો ત્રણ દિવસ પછી કોઈ પણ ખમણની દુકાને પડીકામાં પેક થયેલો જોવા મળશે, એ ચોવીસ કલાકમાં તો પસ્તી થઇ જાય છે.આ ઉત્તમ છે? ફિલ્મના હિરાઓ ઉત્તમ છે? ઉત્તમ કોણ એને સમજાવા માટે એક બનેલી ઘટના પાર વિચારીએ.
નીરજા નામની ફિલ્મ આવેલી. એક જુવાન સ્ત્રી જેને હજુ જિંદગીના કોયડા ઉકેલવાના બાકી છે. જીવન સંઘર્ષમય છે, લગ્ન જીવનમાં ભંગાણ થયેલ છે. છૂટાછેડા લીધેલ છે. પોતાની જિંદગી સેટ કરવાની કોશિશ કરે છે. પ્લેનમાં એરહોસ્ટ તરીકે નોકરી કરે છે. પાન એરલાઇનમ એરહોસ્ટ તરીકે જાય છે. લીબિયાના ત્રાસવાદીઓ એના પર હુમલો કરે છે. પહેલી વખત નીરજાને તક છે ઉતરી જવાની અને બચી જવાની, કારણકે એરહોસ્ટ તરીકે દરવાજાની બાજુમાં જ ઉભી છે. પણ એ પહેલાં પાયલોટને સૂચના આપીને ભગાડે છે, જેથી પ્લેન ઉડે નહિ અને યાત્રીઓ બચી જાય. પ્લેન ઉડે તો એ ક્યાં લઇ જાય અને શું થાય એ ખબર નથી. આઠ કલાકમાં એકતાલીસ પાસપોર્ટ ભેગા કરે છે વિદેશીઓના જેને આ લોકો વીણી વીણીને મારવાના છે. એ પાસપોર્ટ ભેગા કરે છે પોતાની જાનના જોખમે કે જેથી ખબર ન પડે કે કોણ ક્યાં દેશનો છે? આ નીરજા કોઈ ટ્રેઈન્ડ સોલ્જર નથી, કે નથી કોઈ પોલીસ ખાતાની અધિકારી, તમારી અને મારી જેમ એરહોસ્ટેસ એટલે એક નોર્મલ કેરિયર છે. આ બાવીસ વર્ષની એક છોકરી પોતાના પ્રેઝન્સ ઓફ માઈન્ડથી પરિસ્થિતિથી હારી જવાના બદલે, પરિસ્થિતિને ટેકલ કરવાની ટ્રાય કરે છે. આઠ કલાકની મહેનતના અંતે, ઇમર્જન્સી થાય છે અને એ દરવાજો ખોલે છે. સ્ત્રી તરીકે બચવાનો અને પ્લેનમાંથી ઉતરવાનો પહેલો ચાન્સ એનો છે અને એ દરવાજા પાસે જ ઉભી હોય છે. છતાંય તમામ પ્રવાસીઓને બહાર કાઢવાની કોશિશ કરે છે અને છેલ્લે નીકળવા જાય છે અને ગોળી વાગે છે ને મારી જાય છે. આપણા માટે આવી ઉમદા વ્યક્તિ ઉત્તમ છે અને હિરો છે. તમારાથી થઇ શકે એટલું, તમારી જાતના ભોગે, તમારી આસપાસની દુનિયામાં વધુ સારું કરવાની કોશિશ કરે એનું નામ હિરો અને એ ઉત્તમ અને આદર્શ છે.એક જ વ્યક્તિ એવી છે આખી પૃથ્વી ઉપર કે જેને ભારતનો, પાકિસ્તાનનો અને અમેરિકાનો – ત્રણેય દેશનો બ્રેવરી એવોર્ડ મડ્યો છે. આ આપણે કરવાનું છે. એના માટે કોઈ ટ્રેનિંગની જરૂર નથી, એ માટે માત્ર આત્મ વિશ્વાસની જરૂર છે.