દરેક ડોક્ટર ફેઇથ હિલર બની શકે છે – સમણ શ્રુતપ્રજ્ઞ
Peace of Mind

ડોક્ટરના મનમાં માત્ર આપવાનો ભાવ હોય:

કેટલાક લોકો માત્ર ફેથથી હિલ કરે છે. વિચારો એ લોકો કોણ છે જે માત્ર દર્દીને સ્પર્શ કરે છે અને એ સાજો થઇ જાય છે. શું પાવર હશે એમનામાં? આ કોઈ મેજીક નથી. એ આ પાવર ઉપરથી લઈને નથી આવ્યા. એ પાવર છે એક સ્પષ્ટ વિચાર અને ભાવ કે મારે તેને આપવું છે, લેવું નથી. લેવાનું તો એની મેળે થશે. કોઈ પૈસા આપ્યા વગર થોડું જશે? દરેક ડોક્ટર ફેઇથ હિલર બની શકે છે જો એ દવાની સાથે દુઆનો ભાવ રાખે. એક ભાવના સ્પષ્ટ રાખે કે મારે માત્ર આપવું છે, વધુ પડતું અને ખોટી રીતે લેવાની વૃત્તિ રાખવી એ ડોકટરની ઇમેજ બગાડે છે.. માત્ર લેવાની જ વૃત્તિ હશે તો હીલિંગ બ્લોક થઇ જશે. ધન કમાવું જોઈએ પરંતુ તે ડોક્ટરની અને હોસ્પિટલની પ્રાથમિકતા ન હોવી જોઈએ. ડોક્ટરની એનર્જી ફિલ્ડમાં માત્ર દેવાનો જ ભાવ હશે તો પછી રોગીના મનમાં વિશ્વાસ એની મેળે ઉભો થશે.

ડોક્ટર માત્ર એક નિર્ણય કરે કે કે મારે આને સાજો કરવો છે, મારે સારી એનર્જી આપવી છે. ડોક્ટરનું અપસેટ થવું ડોક્ટર અને દર્દી બંનેને પ્રભાવિત કરશે. મેડિકલ પ્રોફેશન સૌથી હાઈ રિસ્ક પ્રોફેશન છે. આખો દિવસ દર્દ અને દર્દી સાથે રહેવાનું હોય છે. તનથી પણ અને મનથી પણ દર્દીની નકારાત્મક ઉર્જાની ડોક્ટર પર અસર થાય છે. પરંતુ એવી કોશિશ થવી જોઈએ કે દર્દીનો પ્રભાવ પોતાના પર પડવા ન દઈએ. આમ કરવાથી દર્દી જલ્દી સાજો થશે અને દર્દીઓ એની મેળે વધારે આવશે. સારા ડોક્ટર પાસે બધા દર્દીને જવું ગમે છે. જેને સારું જ કરવું છે ત્યાં તો કોઈ પ્રતિસ્પર્ધા છે જ નહિ. ડોક્ટર જો પ્યાર, કરુણા અને ઉદારતા રેડિયેટ કરશે તો બધા બીમાર ત્યાંજ આવશે ને !

સાચો અને સારો ડોક્ટર કેવો હોય:

તબીબી ક્ષેત્રે ડોક્ટરનું આધ્યાત્મિક રૂપે સ્વસ્થ હોવું ખૂબ જરૂરી છે. આધ્યાત્મિક સ્વાસ્થ્ય ખરાબ તો ઈમોશનલ સ્વાસ્થ્ય ખરાબ અને એ ખરાબ તો મન પણ ખરાબ અને પરિણામે શરીર પણ ખરાબ રહેશે. હોસ્પિટલનું સંપૂર્ણ વાતાવરણ મંદિર જેવું હોવું જોઈએ. દરેક સ્ટાફની વ્યક્તિ જો ખુશ હોય તો ઈલાજ સારી રીતે અને ઝડપી થશે.દરેક હોસ્પિટલ અને ક્લિનિકમાં લખી રાખો – એંગર પ્રોહિબિટેડ – ડેંજરસ ફોર હેલ્થ. જે પણ રોગી આવે બસ પ્યાર, કરુણા અને દેવાનો ભાવ. ધન એની મેળે મળી જશે. ધન લેવાનો ભાવ, પૈસા ખંખેરવાનો ભાવ મનમાં છે તો એ તમારું અને દર્દી બંનેનું નુકશાન કરશે. એક વ્યક્તિ સિનિયર ડોક્ટરને મળવા ગઈ એટલે તરત ડોક્ટરે પૂછ્યું – મેડીક્લેઇમ છે? હસબન્ડ શું કરે છે? આ એક નામી ડોક્ટર છે. પરંતુ તેની એનર્જી પોઝેટીવ નથી. ગમે એટલું એ ડોક્ટરનું નામ હોય પણ ઇન્સાનિયત જરા પણ ન હોય તો હીલિંગ નહિ થાય. કોણ પછી વિશ્વાસ કરશે આવા ડોક્ટર પર ? દર્દીનું દિલ જીતે એ મોટો ડોક્ટર, દર્દીને સારી અને શુભ સલાહ આપે એ ડોક્ટર, દર્દીમાં આત્મ વિશ્વાસ ભરે એ ડોક્ટર, ફરી મારી પાસે આવવું નહિ પડે એવો દિલાસો આપે એ ડોક્ટર, અને દર્દી પાસેથી એની સ્થિતિ જોઈને ચાર્જ કરે એ ડોક્ટર, આવા ડોક્ટરો હંમેશા પોતે ખૂબ દુઆઓ અને આશીર્વાદ કમાય છે. જે ધન કમાય છે એ જરૂરી નથી કે દુઆઓ કમાય, પણ જે દુઆઓ કમાય છે એ ચોક્કસ ધન પણ કમાશે જ.

દર્દી પાસે ફરિસ્તાની માફક જાઓ:

આશીર્વાદ કમાવા માટે શું કરવું? પોતાના મનને શાંત કરો. દર્દીની ભાષામાં વાત કરો. દર્દી ભ્રમિત ન થાય માટે તેની સાથે સ્પષ્ટ રીતે વાત કરો. દર્દી પ્રત્યે પ્રેમ અને કરુણાનો ભાવ રાખો. દર્દી તમારાથી ભયભીત બને એવું વર્તન ક્યારેય ન કરો. દર્દીને હોસ્પિટલમાં બે- ત્રણ મિનિટ મળો અને શાંતિથી તેની સાથે વાત કરો. દર્દી સામે ક્યારેય આડી અવડી વાત ન કરો. કેટલા ભાવ, શ્રદ્ધા અને જિજ્ઞાસાથી દર્દી તમારી રાહ જોઈ રહ્યો છે. તેને સાંભળો અને પ્રેમથી જવાબ આપો. ડોક્ટર ક્યારેય સ્પર્ધાની ભાષામાં ન વિચારે, કોણ કેટલું કમાય છે એ ન જૂએ. એની નજર નિષ્ઠા પૂર્વક એના કામમાં હોય. પોતાની ગુણવત્તા ન ખોવી જોઈએ. આસૂરી સંપત્તિ ઘરમાં ન આવે એનું ધ્યાન રાખો, અન્યથા આ કર્મ આત્મા ભોગવી નહિ શકે. પરિવારમાં પણ અશાંતિ લાવશે. ડોક્ટર એક માત્ર ધ્યેય રાખે કે દર્દીનું દર્દ મિટાવવું છે, તેને સાજો કરવો છે, આશીર્વાદ લેવા છે. મારો પોતાના ફાયદાનો ક્યારેય વિચાર નહિ કરું. જો દર્દીનો કેશ તમારા વશનો ન હોય તો બીજાની પાસે મોકલવાની પ્રેરણા આપો કે ભાઈ તું પેલા ડોક્ટર પાસે જા, એ તને સારી ટ્રીટમેન્ટ આપશે. દર્દી પાસે રૂમમાં એક ફરિસ્તાની માફક જાઓ, કોઈ તોફાન આવ્યું હોય એ રીતે ઝડપી ઝડપી નહિ.

પ્રિસ્ક્રિપશન લખવાની નવી રીત:

દર્દીની નજરમાં ડોક્ટર ભગવાન સમાન છે, એની આ શ્રદ્ધા અકબંધ રહે એવું આચરણ ડોક્ટરે એની સાથે કરવું જોઈએ. માત્ર રોગને દબાવે નહિ, પણ એની જડ શું છે એ બતાવે અને પ્રિસ્ક્રિપશનમાં પણ એવું કરવા પર ભાર મૂકે તો દર્દીનું કલ્યાણ થશે. ડોક્ટર જો લખી શકે કે ગુસ્સો કરતા નહિ, ઘરમાં વાતાવરણ શાંત રાખજો, શાકાહારી ભોજન કરજો, માંસ ખાતા હોય તો છોડવાની કોશિશ કરજો. તામસિક માંસાહાર ભયપૂર્ણ છે. પશુના માંસમાં પ્રોટીન હોય છે પણ સાથે ભય, અસંસ્કાર અને ક્રૂરતાના નકારાત્મક પરમાણુ પણ હોય છે જે ભોજન સાથે પેટમાં જાય છે. આમ, ડોક્ટર એક મહાન આધ્યાત્મિક શક્તિઓ ભેગી કરી, પવિત્ર અને સેવા ભાવે દર્દીની સારવાર કરશે તો દર્દી તરફથી, એના પરિવાર તરફથી અને સંપૂર્ણ અસ્તિત્વ તરફથી એમના પર આશીર્વાદની વર્ષા થશે. આવા ડોક્ટરો આજે પણ સમાજમાં છે, નથી એવું નથી. ઘણા ડોક્ટરો દિલથી સેવા આપે છે અને દર્દી પ્રત્યે કરુણાભાવ રાખી એના માટે સ્વાસ્થ્યની કામના કરે છે. સારા ડોક્ટરોનું પ્રમાણ સમાજમાં વધારે છે. ક્યાંક ક્યાંક ખરાબ ઘટનાઓ બને છે, તેના કારણે સમગ્ર તબીબી જગતનું નામ ખરાબ થાય છે. ડોક્ટરને પોતાની વૃત્તિ અને પ્રવૃત્તિથી પોતાને સંતોષ થવો જોઈએ, એ જ મોટું અને સાચું પ્રમાણ પાત્ર છે.

Add Comment