શિક્ષક હોવું એક પસંદગીનું વ્યક્તિગત પ્રોફેશન છે, પ્રોફેશન કરતાંય એ એક અનોખો રોમાન્સ છે. આ એવો રોમાન્સ છે જેમાં ક્યારેય કંટાળો નથી આવતો કે થાક નથી લાગતો. ઘણા શિક્ષકો શિક્ષણકાર્યની માત્ર ઔપચારિકતા જ પૂરી કરતા હોય છે. એમની માનસિકતા હોય છે કે વિદ્યાર્થીઓને શીખવું હોય તો શીખે, આપણે છું? આપણે માત્ર અભ્યાસક્રમ પૂરો કરાવવાનો છે – આવું વિચારનારા ક્યારેય વિદ્યાર્થીઓના દિલમાં સ્થાન પામી શકતા નથી. શિક્ષક હોવું એ સામાન્ય ઘટના નથી, એના માટે શિક્ષકમાં શિક્ષકત્વ હોવું જરૂરી છે.
શિક્ષક હોવાની પહેલી આચાર સંહિતા છે – વિદ્યાર્થીને મિત્ર સમજો –
ઘણા શિક્ષકોની માનસિકતા હોય છે કે મારે વિદ્યાર્થીઓને સુધારવાના છે, એ બગડેલા છે, એ અજ્ઞાની છે, મારે તેને જ્ઞાન આપવાનું છે. હકીકતમાં આ ખોટી અને ભ્રમ ભરેલી માન્યતા છે. વિદ્યાર્થીઓને સુધારવાના નથી અને ન એમને કોઈ જ્ઞાન આપવાનું છે. વિદ્યાર્થીઓ સ્વયં પ્રતિભાશાળી છે જ, આપણે માત્ર તેને સહયોગ અને મદદ કરવાની છે. તમારે કશું જ શીખવવાની જરૂર નથી, માત્ર એવું વાતાવરણ ઉભું કરો કે એ સ્વયં શીખી શકે. વિદ્યાર્થીઓને પોતાના મિત્ર, નાના ભાઈ-બહેન સમજો અને તો જ તમે તેને સહજભાવે મદદ કરી શકશો. આવા શિક્ષકોને વિદ્યાર્થીઓ ભૂલવા ઈચ્છે તો પણ ક્યારેય ભૂલી શકતા નથી. એમની મેમોરી મગજના કોઈ ખૂણામાં ફિટ થઇ જાય છે જે ક્યારેય વિસ્મૃત થતી નથી. જો કે વિદ્યાર્થીઓ ખરાબ શિક્ષકોને પણ યાદ રાખે છે પણ બન્નેની પાછળ અલગ અલગ મનોભાવ કામ કરતા હોય છે. સારા શિક્ષકોને વર્ષો પછી પણ મળવામાં એક વિશેષ આનંદ થતો હોય છે. એમના પ્રત્યે એક નિઃસ્વાર્થ કૃતજ્ઞતાની લાગણી જાગતી હોય છે. આવા શિક્ષક હોવું એ પોતાના માટે સૌભાગ્યનું બીજ વાવવા બરાબર છે અને એમના થકી જ કોઈ શાળા એક આદર્શ શાળા બની શકે છે.
શિક્ષક હોવાની બીજી આચાર સંહિતા છે – અધ્યયનશીલ હોવું –
આજના સમયમાં શિક્ષક એ જ હોઈ શકે જે રોજે રોજ પોતાની જાતને અપડેટ અને અપગ્રેટ રાખતો હોય. એ માટે શિક્ષકે પોતાના જ્ઞાનની સીમાઓ વિકસાવવા અધ્યયનશીલ રહેવું જોઈએ. મારી દ્રષ્ટિએ શિક્ષક એટલે એક હરતી ફરતી લાઈબ્રેરી. શિક્ષક થવાનો અધિકાર તો તેને છે જે જ્ઞાનનો જીવંત ભંડાર હોય, જે શીખવા અને શીખવવા માટે તત્પર હોય. શિક્ષક લક્ષ્મીનો નહિ પણ સરસ્વતીનો અખંડ ઉપાસક હોય.
શિક્ષકની ત્રીજી આચાર સંહિતા છે – આત્મ વિશ્વાસ –
શિક્ષકમાં માત્ર જ્ઞાન હોવું એ પર્યાપ્ત નથી, જ્ઞાનની સાથે શીખવવાની સ્કિલ – કુશળતા પણ હોવી જોઈએ. મેં એવા શિક્ષકો જોયા છે કે જેની પાસે પ્રચુર જ્ઞાન હોય પણ ક્લાસમાં વિદ્યાર્થીઓને સમજાવી ન શકે. વિદ્યાર્થીઓને એમના ક્લાસમાં કંટાળો આવે.એમર્શને કહેલું કે અઘરા વિષયને સરળ બનાવી રસાળ શૈલીમાં સમજાવવાની ક્ષમતા ધરાવે તે શિક્ષક છે. આવા શિક્ષકો પાસે ઘણીવાર જ્ઞાન ઓછું હોય પણ એ વિદ્યાર્થીના ગળે એ રીતે વિષયનો મર્મ ઉતારી દે કે પછી વિદ્યાર્થીને ફરી વાંચવું ન પડે. આ માટે વક્તૃત્વ કળા હોવી શિક્ષક માટે અનિવાર્ય છે. આ માટે શિક્ષકોએ એવા લોકોને સાંભળવા જોઈએ જે પ્રભાવશાળી રીતે પોતાના વિષયોની પ્રસ્તુતિ કરી શકે છે.
શિક્ષકની ચોથી આચાર સંહિતા છે – જીવન અનુભવ –
વિદ્યાર્થીને શીખવવા માટે અને પોતે વધુ સમૃદ્ધ થવા માટે વર્ગખંડની બહાર શિક્ષક શું અનુભવ મેળવે છે એ પણ એટલું જ અગત્યનું છે. એ માટે જરૂરી છે કે શિક્ષક એની ભૂમિકાથી ઉપર ઉઠી મુસાફરી પણ કરે, ઊંચા સ્તરનું સ્પોટ્સ પણ રમે, બીજા પ્રોફેશનનો પણ અનુભવ મેળવે. શિક્ષકનું કામ માત્ર પુસ્તકીયું જ્ઞાન આપવાનું જ નથી, સાથોસાથ વિદ્યાર્થીઓમાં જ્ઞાન પ્રત્યે ભૂખ ઉઘાડવાનું છે. સાચું જ કહ્યું છે – ‘નબળો શિક્ષક સતત બોલ્યા કરે છે, સારો શિક્ષક માત્ર ભણાવ્યા કરે છે, જયારે ઉત્તમ શિક્ષક એ પ્રેરણા આપે છે. એ પ્રેરણા શ્રોત બનવા માટે આ બધા અનુભવો વિદ્યાર્થીઓને વધુ લાભદાયી થશે. આ બધા અનુભવો શિક્ષકના શિક્ષકત્વમાં પ્રાણ પૂરવા બરાબર છે. આવો શિક્ષક વિદ્યાર્થીને અતિશય પ્રિય હોય છે.
શિક્ષકની પાંચમી આચાર સંહિતા છે – વિદ્યાર્થીને સમજવાની ગટ્સ –
દરેક વિદ્યાર્થીની રુચિ અલગ અલગ હોય છે. એ પ્રમાણે દરેકને અલગ પ્રકારની પ્રેરણાની જરૂર હોય છે. આ બાબત શિક્ષકના બરાબર ધ્યાનમાં હોવી જોઈએ. એ માટે ક્લાસનું વાતાવરણ વધુ મહત્વનું બને છે. શિક્ષક જો એ વાતાવરણ પૂરું નહિ પાડે તો પછી વિદ્યાર્થીઓ વર્ગખંડની બહાર અન્ય લોકોથી પ્રેરણા લેશે – જે એમના માટે અધૂરી અને ખોટી પૂરવાર થાય છે. કેમકે બહારના લોકોને ખબર નથી કે વિદ્યાર્થીની ટેલેન્ટ શું છે? શિક્ષક જો વિદ્યાર્થીની ટેલેન્ટને પહેચાની ન શકે તો એના ક્લાસરૂમમાં હોવાનું શું પ્રયોજન છે? પરિણામે વિદ્યાર્થીઓ શિક્ષક સાથે કનેક્ટ થઇ શકતા નથી. શિક્ષકે આ બાબતે બહુ સજાગ રહેવું જોઈએ અને વિદ્યાર્થીઓનું કનેક્શન ન તૂટે એ જોવું જોઈએ.
શિક્ષકની છઠ્ઠી આચાર સંહિતા છે – વાસ્તવિકતાનો સ્વીકાર –
હા,શિક્ષક એ વિદ્યાર્થીઓ માટે જરૂર હીરો છે પણ ક્યારે? શિક્ષકે યાદ રાખવું જોઈએ કે એ પણ મૂળમાતો એક માણસ છે,અને એ પણ પૂર્ણ નથી, મારામાં પણ કમજોરી છે. વિદ્યાર્થી પ્રશ્ન પૂછે તો ઘણા શિક્ષકોજેમને જવાબ ખબર ન હોય તો કાં તો અપસેટ થઇ જાય અને કાં તો ખોટા જવાબ આપી બેસેછે. આમ કરશો તો વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછવાનું બંધ કરી દેશે. આત્મ વિશ્વાસ હોવો સારી બાબત છે પણ ખોટો જવાબ આપવા માટે આત્મ વિશ્વાસ નહિ, પણ સચ્ચાઈને સ્વીકારવાની હિંમત પણ જોઈએ. પોતાના અજ્ઞાનને પ્રગટ કરવું એ સાહસ માંગી લે છે અને શિક્ષકે આ સાહસ કરવું જોઈએ. શિક્ષક વિદ્યાર્થીઓને કહી શકે કે આ પ્રશ્નનો જવાબ મને ખબર નથી, ચાલો આપણે સાથે મળીને આનો જવાબ શોધીએ.
શિક્ષકને ક્રોધ પણ આવી શકે છે. શિક્ષક સ્વીકાર કરે કે હા, મને ક્રોધ આવે છે, આજે મારુ મૂડ બરાબર નથી. આમ નિખાલતાથી કમજોરીનો સ્વીકાર કરશો તો વિદ્યાર્થીઓને તમારા પર વધુ ભરોસો બેસશે.
શિક્ષકની સાતમી આચાર સંહિતા છે – જોખમ ઉઠાવતા શીખવવું –
બહાના બનાવીને છટકી જવું બહુ સહેલું છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે બહાના બનાવનાર આરામદાઈ જીવ છે અને આવો જીવ વિશેષ કાંઈ કરી શકતો નથી. જીવનનું નામ વિકાસ છે અને વિકાસ માત્ર જોખમ ઉઠાવવાથી જ થાય છે. દરેક શિક્ષક બાળકોને સતત યાદ કરાવે અને શીખવે કે તારે જોખમ ઉઠાવવાનું છે. શિક્ષક પોતે જોખમ ઉઠાવશે તો જ વિદ્યાર્થીને વધુ બળ મળશે. જે નથી આવડતું તે કરવાની, જે નથી ગમતું તેને ગમતું કરવાની અને જે નથી થઇ શકતું તેને કરવાનો ઉત્સાહ જાગશે ત્યારે દુનિયામાં તમારા માટે અશક્ય કશું જ નહિ રહે. કદાચ અસંભવને કરવામાં સફળતા ન મળે તો પણ અનુભવ તો જરૂર મળશે.
શિક્ષકની સાતમી આચાર સંહિતા છે – મહત્વના વિષયમાં એકાગ્રતા કરતા શીખવે –
ક્લાસમાં કોણ મોડું આવ્યું, વિદ્યાર્થીએ હોમવર્ક કર્યું કે નહિ, વિદ્યાર્થીને માર્ક્સ સારા આવ્યા કે નહિ, પાઠ્યક્રમ પૂરો થયો કે નહિ – આ બધું એક શિક્ષક માટે બહુ અગત્યનું નથી, આ કામ મેનેજમેન્ટનું છે કે કાઉન્સલરનું છે, કે હેડ માસ્ટરનું છે. શિક્ષકનું કામ છે બાળકોને જેમાં રસ છે અને જેમાં તેને ઉત્સાહ છે અથવા જે બાળકો માટે સૌથી મહત્વનું છે એમાં એકાગ્ર કરતા શીખવે અને એ પ્રમાણે માર્ગદર્શન અને પ્રેરણા આપે. જો શિક્ષક બીજું વાતોમાં અટવાઈ જશે અને એમાં સમય અને શક્તિ ખર્ચ કરશે તે એના જોવો કોઈ કમજોર શિક્ષક નથી. સમજુ શિક્ષક તેના વિષયમાં પૂરો પૂરો સભાન અને જાગૃત રહે છે. સારો શિક્ષક આચાર્ય શ્રી શું વિચારશે તેની પણ ચિંતા ન કરે. આવા શિક્ષકો ઘણી વાર નિયમો તૂટે તો પણ તેની પરવા નહિ કરે, એમનું એક માત્ર ધ્યેય રહેશે કે વિદ્યાર્થીમાં ઉત્સાહ અને સહભાગિતા કેમ વધે? આવા શિક્ષકોનો કલાસ રૂમ કદાચ લઘર – વઘર અને ઘોંઘાટ યુક્ત હશે તો પણ તેનું પરિણામ સારું આવશે. કેમકે આવા ક્લાસમાં જ વિદ્યાર્થી જિજ્ઞાસુ બને છે, એનામાં કુતૂહલ વૃત્તિ જાગે છે,એનામાં હાજર જવાબીનો ગુણ વિકશે છે, એનામાં આત્મ વિશ્વાસ જાગે છે.
copy right by Peace of Mind Foundation = Rajkot