ગીતાના પહેલા અધ્યાયમાં માત્ર અર્જુન બોલે છે અને કૃષ્ણ સાંભળે છે, કૃષ્ણ વચ્ચે ક્યાંય બોલતા નથી. કૃષ્ણને ખબર છે કે આ અર્જુન ખાલી થશે પછી જ હું કંઈક કહી શકીશ અને એ સાંભળી શકશે. આ એક મનોવિજ્ઞાન છે. કૃષ્ણ અર્જુનને ખાલી કરે છે અને પછી પોતે બોલે છે. આખી ગીતા પૂરી થયા પછી કૃષ્ણ અર્જુનને એક વાક્ય બોલે છે – યથેચ્છસિ તથા કરું – હે અર્જુન હવે તને યોગ્ય લાગે તેમ તું કરજે. આ વાક્ય દરેક માબાપે સૌથી મહત્વની ટિપ્સ તરીકે શીખી લેવું જોઈએ.
કૃષ્ણ પહેલા બધું જ કહે છે – ત્યાજ્ય હૃદય દૌર્બલ્યમ, ઉત્તિષ્ઠ પરંતપ જાગ્રત વરાંમ પ્રાપ્ય નિબોધિતઃ – તને જે મળી ચૂક્યું છે તે મેળવવાનો પ્રયત્ન કર, મેં તને અઢાર અધ્યાયમાં જ્ઞાન આપી દીધું અને હવે તને જે યોગ્ય લાગે તે તું કર, આપણે આપણા બાળકને પચાસ હજારનો ફોન આપી દઈએ છીએ અને પછી સાથે એ પણ કહીયે છીએ કે જો જે આ કેટલો મોંઘો છે, ક્યાંય મૂકીને ન આવતો, આપણે એમ કેમ નથી કહી શકતા કે બેટા ! આ ફોન તારી પાસે નહિ હોય ને, તો હું તારી સાથે વાત નહિ કરી શકું અને તેથી મને સ્ટ્રેસ થશે. આ આપણી બંને વચ્ચેનું કમ્યુનિકેશન છે, ખોઈ નહિ નાખતો બેટા – આવું કેમ નથી કહેતા? એની કિંમત જે હોય તે, એનું મૂલ્ય આપણી બંને વચ્ચેનું કનેક્શન છે – આપણે આ શીખવવાનું ભૂલી ગયા છીએ. આપણે બધાએ આપણે બાળકોને બધું જ આપ્યું જે આપણને નથી મળ્યું, એ એમને આપો, બધું જ આપ્યું પણ એમને સમય આપતા ભૂલી ગયા. આપણે આપણા છોકરાઓ સાથે બેસીને આપણા બાળપણની ભૂલો શૅર ન કરી કે યાર એકવાર હું સિગરેટ પીને આવ્યોને, મારા બાપાએ સૂંઘી લીધોને બે લાફા માર્યો હતા, હું તને લાફો તો નથી મારતો પણ બેટા આવી ભૂલ ન કરતો, મને દુઃખ થશે, આપણે આવું નથી કહેતા. બાળક સ્માર્ટ છે, એને બહુ સાંભળીને કહેવું અને શીખવવું પડશે. બાળક પર અધિકાર જમવાના જમાના ક્યારના ગયા હવે, હવે નહિ કહી શકો – હું તારી માં છું, તું કેમ મારી વાત નહિ માને, અને થોડીવારમાં માં કહેશે બેટા મારો ફોન લોક થઇ ગયો જરા જો ને, એટલે બાળક ગરદન ઊંચી કરીને આડી આંખ કરીને તમારી સામે જોશે, આજનો બાળક ટેક્નોલોજીના યુગમાં જીવે છે. એની પાસે ઇન્ફોરમેશન છે અને તમારી પાસે અનુભવ છે. આ બેનું સંતુલન થાય ને તો અનેક સમસ્યાઓ હલ થાય એટલું નહિ, વિકાસના અનેક નવી સંભાવનાઓ ખુલ્લી થાય. આપણે આપણા અનુભવો બાળક સાથે શેર નથી કરતા. બાળક પાસે જીપીએસ તો છે જ પણ જીપીએસ એ નહિ બતાવે કે એમાં ખાડા ક્યાં આવશે એ તો આપણે જ એને બતાવવું પડશે, એ ત્રણ ખાડા મેં પસાર કર્યા છે, એ મને ખબર છે. આ બધી ભૂલો આપણે કરી ચુક્યા છીએ – આવેશમાં, જવાનીમાં, ઝંખનામાં, આપણે દારૂ પીધો છે, જૂઠું બોલ્યા છે, સિગરેટ પીધી છે. તમે આ બધું કર્યું છે અને એનું માઠું પરિણામ ભોગવ્યું છે, એ તમે તમારા બાળકને કહો – બેટા, તું આ બધું સમજી, વિચારીને નિર્ણય લેજે, નુકશાન થાય તો ભોગવવાની તૈયારી રાખજે, અને એ તૈયારી ન હોય તો આ બધું કરવાનું રહેવા દેજે,
એકવાર એક માને એના દીકરાએ કહ્યું કે ‘પાપા આટલો બધો ગુસ્સો કરે છે પણ તને ગુસ્સો કેમ નથી આવતો? માએ કહ્યું બેટા ! હું તને પછી કહીશ, આપણે પછી ક્યારેક વાત કરીશું. એક વાર એ મા એના બાળકને ક્લાસમાં મૂકવા જતી હતી અને રસ્તામાં- લાલ સિગ્નલ પર એની જ ઉંમરનું બાળક ભીખ માંગવા આવ્યું, એટલે પેલી માએ કહ્યું કે બેટા ! ઉતારું તને આ સિગ્નલ પર ભીખ માંગવા માટે, તને મજા આવશે, માંગી જોવી છે ભીખ, આ એક અનુભવ છે, કરવો હોય તો બોલ. એ બાળકે મા સામે વિચિત્ર રીતે જોઈને કહ્યું કે બુદ્ધિ છે કે નહિ તારામાં, આમ ખરાબ વસ્તુ જોઈને થોડું ખરાબ કરવાનું મન થાય? એટલે માએ કહ્યું – સાચી વાત છે બેટા, એટલે જ મને ગુસ્સો કરનાર માણસને જોઈને ગુસ્સો નથી આવતો. બહુ રસપ્રદ છે પેરેન્ટીંગ. પેરેન્ટીંગ એટલે રોજ નવું નવું શીખતાં રહેવું, આ માત્ર શીખવવાની જ વાત નથી, શીખવાની વાત પણ છે.
અઢી કિલોનું રમકડું આવે ને એક પુરુષ પિતા હૈ જાય છે. અચાનક મહેસુસ થાય કે કેટલી મોટી જવાબદારી આ અઢી કિલો રમકડામાં છે. હવે એક આખી જિંદગી તમારા હાથમાં છે. કેવા પાપા હોય છે, ક્યારેય પિક્ચરની લાઈનમાં ઉભા ન રહે પણ એડમિશન લેવાનું હોય ને તો રાતથી લાઈનમાં ઉભા રહે. ક્યારેય ગાડીમાંથી પગ નીચે ન મૂકે પણ બચ્ચું સાયકલ શીખતું હોય ને તો એની પાછળ દોડે। પણ આપણે એમને વસ્તુઓ આપી દઈએ છીએ અને વિચારો નથી આપતા। બધું આપી દઈએ છીએ કે પછી દુઃખનો અનુભવ જ નથી કરી શકતો, છાંયડાની સાથે થોડો તડકો પણ અનુભવાય એવું કરો.
તમારા બાળક માટે એક બજેટ બનાવો અને બાળકને કહો કે બેટા, આ તારું બજેટ, તારે આનું જે કરવું હોય તે કરજે, તારે યાદી રાખવાની કે કેટલા વાપર્યા, તારે મને કહેવાનું કે કેટલા વાપર્યા, એટલે મને પૂછે કે હજુ કેટલા બાકી છે, આ હજુ કેટલા બાકી છે એને શીખવ્યું કે દરેકની બાબતમાં એક લિમિટ હોય છે. એક લાઈન હોય છે એની બહાર જવાની એને તક નથી હોતી, માત્ર બજેટ નહિ પણ જીવનમાં બધું જ લિમિટેડ છે. લિમિટેડ હવા છે, લિમિટેડ પાણી છે, લિમિટેડ પેટ્રોલ છે, જે બાળક પાસે જરૂર કરતા વધુ છે એ એના હાથે અપાવો દાનમાં કે બેટા લે આ બાજુ વાળાને આપી આવો. આપણે જે દુનિયામાં જીવીયે છીએ એને વધુ જીવવા લાયક રહેવા દઈએ, એક વાત યાદ રાખજો – સુખી થવું સહેલું છે, દુઃખી થવું અઘરું છે, તમારી આસપાસ એક એવો શાંતિનો ઓરા ઉભો કરો કે લોકો સહજ રીતે તમારી નજીક આવે, લોકોને તમારી પાસે આવવું ગમે, આ શાંતિનો ઓરા એક જ રીતે ઉભો થઇ શકે અને તે એ કે તમે તમારી જાતને પ્રેમ કરતા શીખો। આપણે આપણી જાતને પ્રેમ નથી કરતા, બાકી આખી દુનિયાને કરીએ છીએ.
એક પતિ પત્ની રોજ ચા પીવા બેસે ગેલેરીમાં,પત્ની રોજ જુએ કે સામેવાળી કપડાં સૂકવે છે.એ જ એનો ટાઇમ, એટલે પત્ની બૂમો પાડે – આ કેટલા ગંદા કપડાં ધોવે છે. કઈ સમજતી નથી બાઈ,એક દિવસ બેઠા અને પત્નીએ કહ્યું કે વાહ ! આજે તો સરસ કપડાં ધોયા છે. એટલે પતિએ કહ્યું – ના, આજે મેં આપણી બાલકનીનો કાચ સાફ કર્યો છે. સંબંધોમાં આટલું જ હોય છે, આપણો કાચ સાફ કરવાનો હોય છે. સામેવાળાના કપડાં ગંદા કે ચોખ્ખા તો પછી થાય છે, આપણો કાચ લૂછો અને એમાંથી દેખાતી વાત બહુ અગત્યની હોય છે. પતિ અને પત્ની વચ્ચે કેમ અદભૂત સંવાદ ન હોય, કેમ વિવાદ કરવો પડે,કેમ સંતાનને એવું ન લાગે કે મારા માબાપ તો એક જ છે, છૂટા પડશે જ નહિ. એક જ વાત બાબતે મા ના પડે એટલે પપ્પા એમ કે કે,એ તો કહે તું તારે કરને જે કરવું હોય તે, એક વાર પત્ની ખોટી પણ હોય પણ એક વાર એને ના પાડી એટલે પતિએ એની પડખે જ ઉભા રહેવાનું અને સ્ટેન્ડ બાય જ કરવાનું હોય, અને એક વાર પતિ ખોટો પણ હોય પણ એને ના પાડી છે કે હા પાડી છે પછી એની સાથે જ રહેવાનું હોય, ઘરમાં વકીલ નહિ આપો તમારા સંતાનને, નહિ તો એ તમને વાપરતા શીખી જશે.
આપણે બાળકને એ આંખ ખોલે એટલે પેલું વાક્ય કહીએ તું જલ્દી કર, તું જલ્દી કર, ચાલ જલ્દી, ચાલ જલ્દી અને પછી એ તેર ચૌદ વર્ષનો થાય એટલે ઉભો ઉભો ખાય એટલે આપણે કહીએ કે જરા શાંતિથી બેસીને ખાને! પણ ક્યાંથી ખાય તમે એના મગજમાં જલ્દી સિવાયનો કોઈ શબ્દ જ નથી નાખ્યો, કોઈ દિવસ પિતાએ એવું કહ્યું કે ચાલ આજે હું ઓફિસ નથી જતો, આપણે બે જણા થઈને ઘર સાફ કરી નાખીએ, ચાલ આપણે બંને રસોઈ કરી નાખીએ, આ સંસ્કાર આપવા બહુ અગત્યના છે, એના લગ્ન જીવન માટે પણ સુરક્ષાનો સેતુ બની રહેશે. તારી મામાં અક્કલ નથી એવું કહેનારા પિતા બહુ જોયા, એ ભૂલી જાય છે કાલે સવારે આ જ વાક્ય, આ જ રીતે તમારી સામે વપરાશે – કે તમારામાં અક્કલ નથી કારણ કે આજ ભાષા આપણે તેને શીખવી છે. સંસ્કારોનો આ વારસો આપવાનું ભૂલી જઈશું તો મોટું નુકસાન થશે. આપણે બાળકોને પાસ બુક તો બહુ આપીએ છીએ હવે શ્વાસ બુક આપીએ। બાળકોને વસ્તુઓ ઘણી આપીએ છીએ પણ સ્નેહ અને સમય આપવાનું ચૂકી જઈએ છીએ, પછી આપણે જ આપણા ઘડપણમાં બાળકને કહેવું પડશે કે બેટા મારી મરણ પથારીએ તું થોડીવાર મારી પાસે બેસજે, પણ ક્યાંથી બેસે ? આપણે તો ક્યારેય બેઠા નથી એની સાથે।
માબાપ ગુજરી જાય પછી તખ્તી મૂકાવે, મંદિરોમાં દાન કરે. એક યુવાન દીકરો લાડુ વેચતો હતો અને કોઈએ પૂછ્યું કે કેમ લાડુ વેચો છો? તો કે મારી મધરને બહુ ભાવતા હતા એટલે એમની ખુશીમાં એ ગુજરી ગયા એટલે વેચું છું. તો પૂછ્યું કે એ જીવતા હતા ત્યારે બાજુમાં બેસીને બાને ક્યારેય ખવડાવ્યા છે? સમાજ રચના બહુ ગૂંચવણ ભરેલી છે. ઘણા વિરોધાભાસોમાં આપણે જીવીએ છીએ. આપણે સાચા બટન દબાવાનું ભૂલી ગયા છોએ. ખોટા બટન બધી જગ્યાએ દબાવી દીધા છે એટલે લાઈટો ખોટી જગ્યાએ થવા લાગી છે. આપણે ક્યાંકને કયાંક રસ્તો ભૂલી ગયા છીએ. ચાલો જીવનનું જીપીએસ ચાલુ કરીએ.