આત્માનો સ્વભાવ શાંતિ છે અને મનનો સ્વભાવ અશાંતિ છે. મન શાંતિનું વિરોધી છે. એટલે જ મન સદા વ્યક્તિને કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખે છે. સારી કે ખરાબ કોઈ પણ પ્રવૃત્તિ મનને દોડાવે રાખે છે. પ્રવૃત્તિમાં શાંતિ સંભવ નથી. શાંતિનો માર્ગ નિવૃત્તિ થકી ખૂલે છે. નિવૃત્તિ શૂન્ય પ્રવૃત્તિ વિકૃતિનું કારણ બને છે. ધ્યાન નિવૃત્તિ તરફ લઇ જનાર સાધના છે. નિવૃત્તિ એટલે પોતાના તરફથી શરીર, વાણી અને મનની કોઈ પણ પ્રવૃત્તિ ન કરવી, આંખ બંધ કરીને માત્ર જે પ્રવૃત્તિ સહજ રીતે થઇ રહી છે તેને જોવાનો અભ્યાસ કરવો એ નિવૃત્તિની સાધના છે. ભગવાન મહાવીર બાર વર્ષથી વધુ તન – મન અને વચનની નિવૃત્તિમાં રહ્યા અને પછી દુનિયાને અલૌકિક જ્ઞાનનું દાન કર્યું. 24 કલાકમાં 10-15 મિનિટ જો આ સાક્ષીભાવે જોવાની સાધના કરવામાં આવે તો અનેક દિવ્ય આંતરિક શક્તિઓનું ઉદ્દઘાટન થઇ શકે. નિવૃત્તિમાંથી પાંગરતી પ્રવૃત્તિ જ નવી સંસ્કૃતિનું સર્જન કરે છે.’