આજે તા.પહેલી સપ્ટેમ્બરના મલેશિયાના ઐતિહાસિક શહેર મલાકાના વણિક સંઘમાં પ્રવચન આપવાનું થયું. પ્રવચનમાં મોસ્ટલી સિનિયર્સ લોકો હતા. વાતની શરૂઆત ત્રણ મુદ્દાથી કરી હતી.
1. આપણે બધા ધીરે ધીરે મૃત્યુ તરફ ગતિ કરી રહ્યા છીએ, આપણી ઉંમર વધી રહી છે પણ આપણું આયુષ્ય ઘટી રહ્યું છે. આપણી વર્તમાન દશા જોઈને જ આટલું તો ભાન દરેકને પડવું જોઈએ કે આપણે હવે સંધ્યા તરફ અને સૂર્યાસ્ત તરફ જઈ રહ્યા છીએ. આપણી યાદ શક્તિ ઘટી રહી છે, ઇન્દ્રિયો ક્ષીણ થઇ રહી છે,ખાવાનું પચતું નથી, શરીરમાં જોઈએ એટલી સફુર્તિ નથી, ચહેરાનું નૂર ઓસરી રહ્યું છે, મન નિરાશા વધુ અનુભવે છે – આ બધું એ જ સૂચવે છે કે આપણે ઢળતી વયમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આમાં કંઈ ડરવાની વાત નથી, સંધ્યાનું પણ પોતાનું સૌંદર્ય હોય છે. પણ એ સૌંદર્યને જોવાવાળી દ્રષ્ટિ જોઈએ. સંધ્યાને જીવનના ભાગ રૂપે સ્વીકારી શકો તો એનું પણ સૌંદર્ય અને આનંદ અલગ છે.
2. બીજું બાજુ શાસ્ત્રો કહે છે મનુષ્ય જીવન બહુ દુર્લભ છે. આ જન્મ વારંવાર નહિ મળે, કેટલી ઘાટીઓ પાર કરીશું ત્યારે કોઈક આશાની કિરણ નજર આવે કે કદાચ ફરી માનવીના રૂપે અવતાર મળે, એ પ્રાપ્તિ માટે પણ અનંતા જન્મો વીતી જાય! છતાં માણસ કેમ ઊંઘમાં છે?, કેમ આટલી આળસમાં જીવે છે? સુસ્તી કેમ ઊડતી નથી? સારું કરવાનાં ભાવ કેમ જાગતા નથી? ધ્યાન, સ્વાધ્યાય કે આત્મ-નિરીક્ષણમાં રુચિ કેમ ઉઘડતી નથી? ભગવાન મહાવીરે કરેલું ગૌતમને ઉદબોધન: સમય માત્ર પ્રમાદ ન કર, એ કેમ સમજાતું નથી? આ કુંભકર્ણની ઊંઘમાંથી ક્યારે જાગીશું? તમારું જીવન અને જીવન શૈલી જોતા એમ લાગે છે કે તમે અહિયાં મરવાના જ નથી, અમરતાનો પટ્ટો બાંધીને આવ્યા હોય એવી રીતે જીવો છો. પણ શાસ્ત્રો કહે છે એટલું જ નહિ, ખુલ્લી આંખે જોઈ શકો છો કે કોઈ અહિયાં ટકતું નથી, અવતારો, તીર્થંકરો, સમ્રાટો અને દેવતાઓ બધા જ એના સમયે આ સંસાર છોડી નવા શરીરમાં પ્રવેશ કરે છે અને ફરી દુઃખની પરંપરા શરુ કરે છે. માણસ જાતને જોઈએ એમ લાગે ‘ જે સુખી થવા આખી જિંદગી દુઃખી થાય એનું નામ માણસ.’ જાગો આ મોહ અને અજ્ઞાનની નિદ્રામાંથી.
3. જાગવા માટે શું કરવું? ધ્યેય બાંધો, નક્કી કરો આટલું તો હું રોજે કરીશ જ, રોજ કોઈ એક વ્રત પાડીશ, કોઈકને મદદ કરીશ, રોજ થોડીવાર ધ્યાનમાં બેસીશ, રોજ થોડી પળો માટે કંઈક સારું વાંચીશ, રોજ પોતાની જાતને સુધારવાનો અને બદલવાનો પ્રયાસ કરીશ. રોજ સત્ય અને સ્વયંની નજીક જવાનો વધુ પ્રયત્ન કરીશ. વિચારી વિચારીને આખી જિંદગી ખોઈ નાખી, હવે કરો નહિતર છેલ્લે પછતાવાનો વારો આવશે. અંતિમ સમયે કોઈ મદદ નહિ કરી શકે, કોઈ ધર્મ નહિ પમાડી શકે, અંતિમ સમયે જાગવું મુશ્કેલ છે, ઉર્જા જ તન અને મનમાં નહિ હોય! જાગવું હોય તો હમણાં જાગો, હમણાં નહિ તો ક્યારેય નહિ. આવતી કાલનો સૂર્ય ઉગે ત્યારે તમે ત્યાંજ ન હોવા જોઈએ જ્યાં અત્યારે છો. 24 કલાકમાં વિકાસના થોડા પગથિયાં ચઢો. પોતાને સંતોષ થાય એવું તો કમ સે કમ જીવવાનો પ્રયાસ કરો.
આટલી વાત કર્યા પછી આધ્યાત્મિક જીવનના પાંચ સૂત્રો આપ્યા જેની વાત પછી ક્યારેક કરીશું.