પર્યુષણ પર્વ એટલે શું? કેવી રીતે ઉજવશો આ પર્વ? સમણ શ્રુતપ્રજ્ઞજી
Peace of Mind

જૈન ધર્મના આત્મ આરાધકો માટે પાવન પર્વ પર્યુષણ આવી રહ્યા છે.પર્યુષણનો અર્થ થાય છે: ચારેય બાજુથી(વૈભાવિક દશામાંથી) હટીને આત્મામાં સ્થિર થવું. આ પર્વ આત્મસ્થ થવાનું શીખવે છે. માણસ બહારી ભૌતિક વસ્તુઓ પાછળ, બૌદ્ધિક ઉહાપોહના કારણે અને પોતાના નામની ભૂખને પોષવાના કારણે કારણ વગરનો વ્યસ્ત થઇ ગયો છે. આ ત્રણેય કારણોના લીધે આ બહાર જ ભટક્યા કરે છે. એમાં એ શાંતિ અને સુખ માને છે પણ એ અશાંતિનો ભ્રમ માત્ર છે – આ સત્ય જીવનના અંતિમ ક્ષણે સમજાય છે પણ ત્યારે ખૂબ મોડું થઇ ગયું હોય છે. ત્યારે માત્ર પછતાવો શેષ રહે છે.

ઘણા સંઘો આ પર્વને પૈસા કમાવાનું સાધન સમજે છે, એવું મારા પ્રત્યક્ષ દર્શનમાં મને જોવા મળ્યું છે. હું ઘણી વાર ઘણા સંઘોને પૂછું કેવા રહ્યા પર્યુષણ? તો કહે : દસ કરોડ ઘી બોલીમાં ભેગા થયા હો, સરસ રહ્યા પર્યુષણ. પર્યુષણ પર્વની આરાધના કરીને આત્મામાં જવાનું હતું, એના બદલે ત્યાં પણ પરિગ્રહ અને અહંકારનું પોષણ થાય એ કેટલું અજ્ઞાન કહેવાય. તમારી એકની લાલસા અને કામનાના કારણે આખા સંઘને આ દિશામાં લઇ જવાનું પાપ ભૂલીને પણ ના કરતા. આ પવિત્ર દિવસોમાં વધુને વધુ આત્મ અનુસંધાન, આત્મ ચિંતન, આત્મ સુધારની સાધના થવી જોઈએ. લક્ષ્ય ગૌણ ના થવું જોઈએ.

પર્યુષણ પર્વ એ બહારની પ્રવૃતિઓ બદલવાનું નહિ પરંતુ ભીતરની વૃત્તિઓ બદલવાનું પર્વ છે. આપણે સંકલ્પ કરીએ કે આ આઠ મોટા દિવસોમાં :
– હું ક્રોધ નહિ કરું,ભાવાત્મક પ્રતિક્રિયા નહિ કરું.
– હું કોઈની નિંદા નહિ કરું.
– હું કોઈની ઈર્ષ્યા નહિ કરું પણ પ્રમોદભાવ રાખીશ.
– હું સત્ય જ બોલીશ, જૂઠું નહિ બોલું.
– હું ડેરી પ્રોડક્ટ નહિ વાપરું. ગાયો પર જે રીતે અત્યાચાર થાય છે એ માટે દૂધ એ માંસાહાર જેટલું જ અભક્ષ્ય ગણાવું જોઈએ.
– હું રોજ 15 મિનિટ ધ્યાન કરીશ.
– હું રોજ એક કલાક મૌન રાખીશ.
– હું પોતાના દોષો જોઈ, તેમાં સુધાર લાવી ભાવ પ્રતિક્રમણ કરીશ.
– મારા દ્વારા થયેલી ભૂલોની હું ઉદારતાથી ક્ષમા માંગીશ અને કોઈની ભૂલો માટે નમ્રતાથી ક્ષમા માંગીશ.

આ આઠ દિવસના પર્યુષણ માત્ર આઠ દિવસ માટે સારા બનવા માટે નથી. આ પર્વ સમગ્ર જીવનને બદલવાનો ઉપક્રમ બનવો જોઈએ. આ પર્વમાં માત્ર જૈનો જ કેમ, આત્મ સુધાર કરવા ઈચ્છતી દરેક વ્યક્તિ જોડાઈ શકે છે. મહાવીર પણ ક્યાં જૈન હતા? બધા તીર્થંકરો રાજપૂત હતા. આ ક્ષત્રિયનો ધર્મ છે. આત્મા સાથે યુદ્ધ કરવાનો ધર્મ છે. આત્માને જીતવાનો ધર્મ છે. આ પર્વ બાહ્ય આડંબરનું કે દેખાવો કરવાનું પર્વ નથી, આ પોતાની જાતને સુધારવાનું અને માંજવાનું પર્વ છે.

Add Comment