પેરેન્ટીંગ કરતા પહેલાં માબાપે સુધરવું પડશે – સમણ શ્રુતપ્રજ્ઞ
Peace of Mind

માબાપ પોતાના બાળકોને એક કોમન ડાયલૉગ સંભળાવતા હોય છે અને તે એ કે ‘તું ખોટો છે. તને કંઈ ભાન નથી પડતી, તારામાં કોઈ અક્કલ જ નથી,’ આમ કહેવા પાછળ એમના ભાવ સારા હોય છે પણ કહેવાની રીત બિલકુલ ખોટી હોય છે. મા -બાપ એવું માને છે કે જે એમને જે સાચું લાગે છે એ જ સાચું છે, અને એટલે એ બાળકોને સુધારવાની અને એમને પણ સારા કરવાની કોશિશ કરે છે. પરંતુ એ એક બાબત ભૂલી જાય છે કે જે એમના માટે જે સાચું અને સારું છે એ બધા માટે ન પણ હોય, કેમકે તમારી પાસે એ સંસ્કાર છે, બીજા પાસે એવા સંસ્કાર નથી. આખો દિવસ બાળક જે કરે એ બધું ખોટું છે, એવી માનસિકતા બની જાય છે. બાળક જરાક મોડો ઉઠે એટલે એક ઉપદેશ ચાલુ થઇ જાય કે ‘તમે ક્યારેય નહિ સુધરો’. બાળક મોડો સૂવે તો એ પણ ખોટું, એ જે ખાય એ પણ ખોટું, જેવા કપડાં પહેરે એ પણ ખોટું, જે રીતે ગાડી ચલાવે એ પણ ખોટું, વોટ્સઅપ પર સમય બગાડે એ ખોટું, એ જે મિત્રો સાથે હરે ફરે એ તો સાવ ખોટા. એક વાર આમ ખોટું અને ખરાબ કહેવાની ટેવ પડી ગઈને પછી મા-બાપની સારી અને કિંમતી સલાહની પણ બાળક પર કોઈ જ અસર થવાની નથી, એમનો કોઈ પ્રભાવ કે કોઈ પકડ બાળક પર રહેતી નથી. મા બાપ જયારે બાળકને અને એના વ્યવહારને અને પ્રવૃત્તિને અસ્વીકાર કરે છે ત્યારે એ પણ મા બાપની સાથે એક અંતર બનાવી લે છે અને એમની વાતને અસ્વીકાર કરવા લાગે છે. આ બાબતને પછી આપણે નામ આપીએ છીએ જનરેશન ગેપ. આ જનરેશન ગેપ નથી, આ આદર – સન્માન અને કમ્યુનિકેશન ગેપ છે.

બાળક જેવું છે એવું સ્વીકાર કરવાનો અર્થ છે એ છે કે ‘આ એક આત્મા છે, આ આત્મા આજે મારા દ્વારા મારા ઘરમાં આવી છે, અનેક જન્મોની અનેક સંસ્કારો સાથે, અનેક અનુભવો અને પ્રભાવો લઈ લઈને અનેક જન્મોની યાત્રા કરીને આજે મારા ઘરમાં આવ્યો છે,એ બાળકને તમારું બાળક છે એ રીતે ન જુઓ પણ એ એક આત્મા છે એ રીતે જુઓ. અત્યારે આ આત્માની આ ક્ષમતા છે. માબાપ શું ભૂલ કરે છે કે તરત એની અન્ય સાથે તુલના કરીને એ જે નથી તેનો અસ્વીકાર કરશે. અભ્યાસ કેમ નહિ કર્યો?, અમારા સમયમાં તો અમે બહુ ભણતા હતા, જૂઓ બધા છોકરાઓ વાંચે છે, પરંતુ બધા વાંચે એટલે એ પણ વાંચે એવું તો નથી ને! બાળકો પર દબાવ કરીને, ફોર્સથી ભણવામાં રસ પેદા નથી કરી શકાતો, તમે એને વઢીને, લડીને વાંચવા બેસાડી દેશો પરંતુ એની ક્ષમતા નથી તો એ વાંચવાના બદલે આમતેમ જોયા કરશે. તમે જેટલું પ્રેશર કરશો એટલી એની ક્ષમતા કુંઠિત થશે. તો શું કરવું જોઈએ? એ જુઓ કે એની ક્ષમતા કંઈ બાબતમાં છે? જેમાં તેની ક્ષમતા છે એમાં આગળ વધવા માટે પ્રેરિત કરો, એટલે એના કારણે ભણવામાં પણ શક્તિ મળશે. આપણી મુશ્કેલી એ છે કે આપણે આપણી ક્ષમતા પ્રમાણે અથવા આજુ બાજુના લોકોની ક્ષમતા પ્રમાણે એની પાસે એવી અપેક્ષા રાખીએ છીએ – આ બાબત યોગ્ય નથી. એની કેટલી અને કંઈ બાબતમાં ક્ષમતા છે એ પ્રમાણે અપેક્ષા રખાયને ?

પેરેન્ટ્સ માને છે કે અમે હંમેશા સાચા છીએ અને બાળકો હંમેશા ખોટા છે. વાસ્તવમાં બાળકો પણ એમના દ્રષ્ટિકોણથી સાચા હોય છે – આ વાત જ્યાં સુધી નહિ સ્વીકારીએ ત્યાં સુધી બાળકો સાથે તાલમેલ બેસાડવો મુશ્કેલ બનશે. ધીરે ધીરે બાળકો મા-બાપથી દૂર થવા લાગે છે. જયારે બાળક નાનું હોય છે ત્યારે એ દરેક વાતો મા-બાપ સાથે શૅર કરે છે. ધીરે ધીરે જેમ જેમ એ મોટું થાય છે પછી એ શેર કરવાનું બંધ કરી દે છે અને માબાપ બાળકોને પૂછે તો પણ એ પોતાની અગંત વાતો શેર નથી કરતા. આવું કેમ થાય છે? જયારે બાળક નાનું હોય છે ત્યારે એની વાતો નાની નાની હોય છે અને એ બધી વાતો માબાપ સાથે ઉત્સાહથી શેર કરે છે, કેમકે ત્યારે તેની વાતો આપણે હળવા મૂડમાં લઈને હસતા હસતા સાંભળીએ છીએ અને સ્વીકારીએ છીએ. ધીરે ધીરે બાળકો મોટા થાય છે એટલે થોડી મોટી વાતો બને છે. જયારે બાળક આવીને સહજતાથી કહે છે કે મમ્મી આજે અમે સ્કૂલ છોડીને પિક્ચર જોવા ગયા હતા અથવા આજે મિત્રોની પાર્ટીમાં મને ફોર્સ કર્યો એટલે મેં પણ મિત્રોની સાથે સિગરેટ પીવાનો ટ્રાય કર્યો. બસ, બાળકોએ જેવું આ શેર કર્યું એટલે હવે ઘરમાં મહાભારત ચાલુ થશે! આ કશરૂઆત છે બાળકોને અસ્વીકાર કરવાની. બાળકોને ખબર નથી પડતી કે અમે શું ખોટું કર્યું. માબાપ હવે ડાયલોગ શરુ કરશે – અમે તારા વિષે આવું ક્યારેય વિચાર્યું નહોતું, આવા આપણા સંસ્કારો નથી, તું ખાનદાનનું નામ બગાડીશ, અમારા સમયમાં અમે હંમેશા મા બાપની આજ્ઞામાં રહેતા હતા. વાસ્તવમાં તમે માબાપ હતા ત્યારે આવું બધું હતું જ નહિ, ન વૉટ્સઅપ હતું, ન ફેસબુક હતી, ન મોબાઈલ હતો, તમારી પાસે આવી કોઈ પસંદગી જ નહોતી. એટલે તમારી પાસે આ બધું કરવાની કોઈ ગુંજાઈશ જ નહોતી. પણ માબાપ બાળકોને સમજવાના બદલે તેને ધમકાવે છે અને પરિણામે બાળકો પોતાની વાત શેર કરવાનું બંધ કરે છે. ઘણી વાર તો પછી ખોટું પણ બોલવા લાગે છે. આવા બાળકો માબાપથી દૂર થાય છે અને મિત્રોથી નજીક જાય છે.

બાળકો પછી મિત્રોને પોતાની બધી વાતો કહેવા લાગે છે અથવા કાઉન્સલર પાસે જાય છે. આજે દરેક સ્કૂલમાં કાઉન્સલરની અનિવાર્યતા થઇ ગઈ છે. માબાપ જો બાળકની વાત સાંભળતા હોત તો, તો આ દુર્ઘટના ન બનત. શું આ સારી બાબત છે કે બાળક પોતાના માબાપને દિલની વાતો શેર ન કરે અને પ્રોફેશનલ પાસે જઈને શેર કરે? અહીંયા માબાપ ચૂકી જાય છે બાળકના મનોવિજ્ઞાનને સમજવાનું અને એનું આ પરિણામ છે. શું ફરક છે એક કાઉન્સલરમાં અને માબાપમાં? કાઉન્સલર નોન જજમેન્ટલ હોય છે અને માબાપ જજ કર્યા કરે છે. કાઉન્સલરનું ધ્યાન સમસ્યાના સમાધાન પર હોય છે અને માબાપનું ધ્યાન સમસ્યા પર હોય છે. એક છોકરાએ સિગરેટ પીધી ને? તો એમાં સિગરેટ ખરાબ છે કે બાળક ખરાબ છે? સિગરેટને ખરાબ માનવના બદલે આપણે બાળક ઉપર જ ચોકડી મૂકી દઈએ છીએ. બાળક સત્તર વર્ષનું થાય તો મિત્રો સાથે સિગરેટ પીવી એ કદાચ સ્વાભાવિક બાબત છે. આ જો બાળકને એની સામે જ કહ્યું હોત અને પછી ધીરે ધીરે એને સમજાવ્યું હોત કે સિગરેટ પીવી સારી બાબત છે કે ખરાબ? તો બાળક માબાપની વાત સમજી શક્યો હોત ! પરંતુ લગભગ માબાપ બાળકને સમજણ આપવાના બદલે, કંટ્રોલ કરવાની કોશિશ કરે છે.

દરેક માબાપને ખલિલ જીબ્રાનની એક વાત મગજમાં ફિટ કરી રાખવી જોઈએ કે બાળક માત્ર આપણા દ્વારા આ સંસારમાં આવે છે, પણ એ આપણા નથી. એ તમારી પ્રોપર્ટી નથી કે નથી એ તમારું ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ. માબાપ વાસ્તવમાં ક્યાંક એવું ઈચ્છે છે કે અમારા બાળકો અમારા ઉપર ડિપેન્ડેન્ટ રહે, અમારા અધિકારમાં રહે – આ સંભવ નથી. હવે એ સમય ગયો કે ડોક્ટરનો છોકરો ડોક્ટર જ બને, વકીલનો છોકરો વકીલ જ બને. છોકરાની પોતાની સ્વતંત્રતા છે, એની પોતાની પસંદ અને ઈચ્છાઓ છે. એના પોતાના સપનાઓ છે. માબાપે માત્ર એને એની પ્રતિભા ખીલવવામાં જરૂરી હોય એટલી મદદ કરવી જોઈએ, કેમકે એ પણ એક યાત્રા પર છે. એ યાત્રાના ક્રમમાં આ જન્મમાં એ સંયોગથી તમારા ઘરમાં છે. એક આત્માને ખીલવવા જેટલી મદદ થાય એટલી કરાવી જ જોઈએ પણ કોઈ પણ જાતના અધિકાર ભાવ અને અપેક્ષાના ભાવ વગર એ ધ્યાન રાખવું રહ્યું.

Add Comment